સ્કીપ ટુ કન્ટેન્ટ

આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે

આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે

આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે

ઘણી વખત આપણા મનમાં બસ એક જ પ્રશ્ન વારંવાર ઘૂંટાયા કરે છે, ‘હે ઈશ્વર, શા માટે આટલું બધું દુઃખ?’ એ પણ આજકાલનું નહિ, વર્ષોથી ચાલ્યું આવે છે. લડાઈઓ, ગરીબાઈ, મારામારી, ગુંડાગીરી, અન્યાય, બીમારીઓ. છેવટે ઘા લાગે છે, મરણનો. છેલ્લા સોએક વર્ષમાં જેટલું દુઃખ આ ધરતીએ સહ્યું છે એટલું તો કદીયે નથી સહ્યું. શું ક્યારેય સુખનો સૂરજ આ ધરતી પર ઊગશે?

ઊગશે. જરૂર ઊગશે. ઈશ્વર વચન આપે છે કે, ‘થોડા વખતમાં દુષ્ટો હતા ન હતા થશે. નમ્ર લોકો આ ધરતી પર રહેશે. અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.’ આ સુખ કેટલો વખત ટકશે? એક બે વર્ષ જ? ના. બાઇબલ જણાવે છે કે, ‘નમ્ર લોકો આ ધરતી પર સદા રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧, ૨૯.

ઈશ્વર બધા દુઃખ દૂર કરશે. આ ધરતી સુંદરતાથી ખીલી ઊઠશે. માણસો કદીયે દુઃખના આંસુ નહિ સારે. બીમાર નહિ પડે. અરે, મરશે પણ નહિ. ઈશ્વર વચન આપે છે કે, તે આપણી ‘આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી. તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.’—પ્રકટીકરણ ૨૧:૪.

જે કોઈ મોતના મોંમાં ચાલ્યા ગયા છે તેઓને પણ ઈશ્વર પાછા જીવતા કરશે. એ સુખના દિવસોમાં ઈશ્વર સર્વને આ ધરતી પર આશીર્વાદ દેશે. તે વચન આપે છે કે, ‘ન્યાયીઓ તથા અન્યાયીઓ’ સજીવન થશે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) એક પાપીએ મોતની અણીએ પસ્તાવો કર્યો, અને ઈસુના વચનોમાં ભરોસો મૂક્યો. ઈસુએ તેને વચન આપ્યું કે ‘તું સુંદર ધરતી પર પાછો જીવતો થઈશ.’

દુઃખનો જનમ ક્યારે થયો?

ઈશ્વર આપણને આટલા બધા આશીર્વાદો આપવાના હોય તો દુઃખનો જનમ શા માટે થવા દીધો? વર્ષોના વર્ષો વીતી ગયા તોયે કેમ દુઃખનો ડંખ દૂર નથી કર્યો? ચાલો આપણે જોઈએ.

ઈશ્વરે સૌથી પહેલાં પુરુષ અને સ્ત્રીને બનાવ્યા. તેનું નામ આદમ અને તેની પત્નીનું નામ હવા. તેઓ બંનેય પવિત્ર હતા. ઈશ્વરે આ ધરતીના ખોળામાં સુંદર બગીચો રોપ્યો. આદમ અને હવા ત્યાં રહેતા. તેઓને મજાનું કામ સોંપ્યું. તેઓ સુખ શાંતિમાં રહેતા. બાઇબલ જણાવે છે કે, ‘ઈશ્વરે જે કંઈ બનાવ્યું તે સર્વ પર નજર કરી અને તે દરેક રીતે સુંદર હતું.’ (ઉત્પત્તિ ૧:૩૧, IBSI) તેઓ ઈશ્વરને માર્ગે ચાલ્યા હોત તો તેઓના બાળકો પણ સદા માટે જીવ્યા હોત. કોઈ મરતું ન હોત. બધાય સુખ શાંતિના સાગરમાં રહેતા હોત. આખી ધરતી પર સુંદરતા મહેકતી હોત.

આપણા પહેલા માબાપ, આદમ અને હવા કોઈના હાથની કઠપૂતળી ન હતા. તેઓ નક્કી કરી શકતા કે તેઓ શું કરશે અને શું નહિ કરે. તેઓ ઈશ્વરને માર્ગે ચાલવાનું નક્કી કરે તો સદાને માટે સુખી થાય, પણ ન ચાલે તો દુઃખી. ઈશ્વર પોતે હંમેશાં સાથ આપવા તૈયાર હતા. તે કહે છે, “તારા લાભને અર્થે હું તને શીખવું છું; જે માર્ગે તારે જવું જોઈએ તે પર તારો ચલાવનાર હું છું.” (યશાયાહ ૪૮:૧૭) ઈશ્વર વગર તેઓ પોતાની મેળે સાચે માર્ગે ચાલી શકવાના ન હતા. બાઇબલ જણાવે છે કે, “ઓ પ્રભુ, હું જાણું છું કે માણસ પાસે એવી શક્તિ નથી કે તે પોતા માટે સાચો માર્ગ નક્કી કરે અને તે પ્રમાણે જીવનનું આયોજન કરે.”—યર્મિયા ૧૦:૨૩, IBSI.

આદમ અને હવાએ ખોટે માર્ગે જવાનું પસંદ કર્યું. તેઓને એમ હતું કે આપણને ઈશ્વર વગર ચાલશે. તેઓ ઈશ્વરના સાચા માર્ગેથી ફંટાઈ ગયા. એનું પરિણામ શું આવ્યું? તેઓએ ઈશ્વરનો આશીર્વાદ ગુમાવ્યો. તેઓને માથે ઘડપણ ત્રાટક્યું. છેવટે મોત તેઓને ભરખી ગયું. તેઓ ધૂળ ભેગા થઈ ગયા. આપણને તેઓનો વારસો મળ્યો છે. એટલે આપણે પણ ઘરડા થઈએ છીએ. દુઃખી થઈએ છીએ. છેવટે મરીએ છીએ.—રૂમી ૫:૧૨.

શું ઈશ્વર જ આપણને સાચા માર્ગે દોરી શકે?

આદમ અને હવાએ પાપ કર્યું. ઈશ્વર ચાહત તો નવું યુગલ બનાવીને નવી શરૂઆત કરી શક્યા હોત. પણ ઈશ્વરે એવું ન કર્યું. એનું કારણ શું છે? આદમ અને હવા એવું કહેવા માંગતા હતા કે માણસને તો ઈશ્વરના માર્ગદર્શન વગર ચાલશે. શું ઈશ્વર જ આપણને સાચું માર્ગદર્શન આપી શકે? શું આપણને ઈશ્વર વગર ન ચાલે? આદમ અને હવાએ ઈશ્વરનું માર્ગદર્શન ન સ્વીકાર્યું. તેઓને લીધે આપણે પણ ઈશ્વરથી વિખૂટા પડી ગયા. ઈશ્વરે પડવા દીધા. વર્ષો વીતી ગયા. સાચા ઈશ્વરના માર્ગદર્શન વગર માણસોએ ઘણા ફાંફાં માર્યા. જાતજાતની સરકારો ઊભી કરી. ઘણા ધર્મો ઊભા કર્યા.

માણસ એકલે હાથે શું કરી શક્યો? કંઈ નહિ. ઇતિહાસના ચોપડા ખોલો તો આંસુ ટપકશે. લોહી વહેશે. એકેએક પાનું દુઃખોથી ભરેલું છે. છેલ્લા સોએક વર્ષમાં આ દુનિયાએ જેટલું દુઃખ જોયું છે એટલું તો કદીયે જોયું નથી. બીજા વિશ્વયુદ્ધમાં લાખો લોકોના લોહીની નદીઓ વહી. કરોડો લોકોએ યુદ્ધોમાં જાન ગુમાવ્યા. આજની હાલત કેવી છે? જ્યાં જુઓ ત્યાં ગુંડાગીરી, મારામારી. ડ્રગ્સનો જાણે રાફડો ફાટી નીકળ્યો છે. નવા નવા રોગો. નવી નવી બીમારીઓ. લાખો લોકો ભૂખ્યા ટળવળે છે. માનસન્માન, સંસ્કાર જેવો તો છાંટોય નથી રહ્યો. એ બધુંય સુધારવાની તાકાત આજે કોઈ સરકારના હાથમાં નથી. શું કોઈ સરકાર બીમારી મટાડી શકે છે? ઘડપણને રોકી શકે છે? છેવટે મોતને આવતા રોકી શકે છે?

બાઇબલમાં અગાઉથી લખ્યું હતું કે દુનિયાની હાલત બગડશે. એમાં ઈશ્વર જણાવે છે કે આપણે હવે આ દુનિયાના “છેલ્લા” દિવસોમાં રહીએ છીએ. આ ખરેખર ‘સંકટનો વખત’ છે. બાઇબલમાં એ પણ લખ્યું છે કે ‘માણસો તો દિવસે દિવસે ખરાબ થશે.’—૨ તીમોથી ૩:૧-૫, ૧૩.

હવે સુખનો સૂરજ ઊગશે

માણસે હાથે કરીને ઈશ્વરનો સાથ તરછોડી દીધો. એકલે હાથે દુઃખી થયો. પોતાને દુઃખથી આરપાર વીંધી નાખ્યો. ઈશ્વરના સથવારા વગર સાચું સુખ નથી મળતું એ તો દેખીતું છે. આ ધરતી પર ઈશ્વર જ શાંતિ પાથરી શકે છે. સુખ ફેલાવી શકે છે. દુઃખ દર્દ મટાડી શકે છે. પછી આપણે કદીયે મરીશું નહિ. ઈશ્વર હવે પગલાં લેશે. પાપીઓનો નાશ કરશે.

બાઇબલ જણાવે છે કે, આપણા સમયમાં ‘સ્વર્ગનો ઈશ્વર એવું એક રાજ્ય ખડું કરશે, જેનો કદી નાશ નહિ થાય. તે આ બધાં રાજ્યોનો ભાંગીને ભુક્કો કરી નાખીને તેમનો અંત આણશે, અને પોતે સદાકાળ કાયમ રહેશે.’ (દાનિયેલ ૨:૪૪, સંપૂર્ણ) હા, યહોવાહ એકલા જ વિશ્વના રાજા છે. ઈશ્વર છે. આ બાઇબલનું મુખ્ય શિક્ષણ છે. તેમના રાજ્ય વિષે ઈસુએ કહ્યું: “ઈશ્વરના રાજ્યના આ શુભસંદેશની ઘોષણા આખી દુનિયામાં કરવામાં આવશે અને આમ બધી પ્રજાઓને પુરાવો મળી રહેશે. પછી જ અંત આવશે.” (માથ્થી ૨૪:૧૪, સંપૂર્ણ) આ પ્રચાર કામ ‘છેલ્લા સમયની’ એક મુખ્ય નિશાની છે.

ઈશ્વર આ ખરાબ દુનિયાનો અંત લાવશે ત્યારે કોણ બચશે? બાઇબલ જણાવે છે, સારા લોકો જ આ ધરતી પર જીવતા રહેશે. પણ ખરાબ લોકોનું ઈશ્વર નામનિશાન મિટાવી દેશે. (નીતિવચનો ૨:૨૧, ૨૨) આ સારા લોકો યહોવાહ વિષે શીખે છે, અને પછી તેમને માર્ગે ચાલે છે. તેઓ ઈસુ વિષે પણ શીખે છે. ઈસુએ કહ્યું: “અનંતજીવન આ છે: તમને, એક માત્ર સત્ય ઈશ્વરને ઓળખે; અને સાથે મને, ઈસુ ખ્રિસ્તને ઓળખે; તમે જ મને મોકલ્યો છે.” (યોહાન ૧૭:૩, IBSI) હા, બાઇબલ કહે છે કે “આ જગત અને તેમાંની સર્વ બાબતો જેની માણસ લાલસા રાખે છે તે નાશ પામશે, પણ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ચાલનાર હમેશાં ટકી રહેશે.”—૧ યોહાન ૨:૧૭, IBSI.