સ્કીપ ટુ કન્ટેન્ટ

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે

એક સ્ત્રીએ બાળપણમાં ઘણું દુઃખ સહ્યું હતું. કઈ રીતે તેનું જીવન ખુશીઓથી ભરાઈ ગયું? એક માણસ ખૂબ હિંસક અને બંડખોર હતો. તે શા માટે ખુશખબર જણાવનાર બન્યો? એ સવાલોના જવાબ જાણવા આ અહેવાલો વાંચો.

“હું પ્રેમ અને હૂંફ માટે તરસતી હતી.”—ઈના લેઝનીના

જન્મ: ૧૯૮૧

દેશ: રશિયા

ભૂતકાળ: બાળપણમાં ઘણું દુઃખ સહ્યું

મારા વિશે: હું જન્મથી જ મૂકબધિર છું. મારાં મમ્મી-પપ્પા પણ મૂકબધિર છે. મારા જીવનનાં શરૂઆતનાં છ વર્ષો તો બહુ ખુશનુમા હતાં. પછી મારાં મમ્મી-પપ્પાએ છૂટાછેડા લઈ લીધા. હું નાની હતી, પણ સમજી ગઈ કે હવે મમ્મી-પપ્પા સાથે નહિ રહે. એનાથી મને ખૂબ જ દુઃખ થયું. છૂટાછેડા પછી મારા પપ્પા અને મારો મોટો ભાઈ ટ્રોઈટ્‌સ્ક શહેરમાં રહ્યા, પણ મમ્મી મને લઈને ચેલ્યાબિન્સ્ક શહેર જતી રહી. સમય જતાં, મમ્મીએ ફરી લગ્‍ન કર્યું. મારા સાવકા પિતા ખૂબ દારૂ પીતા. તે મને અને મમ્મીને ખૂબ મારતા.

પાણીમાં ડૂબી જવાને લીધે ૧૯૯૩માં મારા વહાલા મોટા ભાઈનું મરણ થયું. એ સમાચાર સાંભળીને અમારું કુટુંબ આઘાતમાં સરી ગયું. આઘાતમાંથી બહાર આવવા મમ્મી પણ દારૂ પીવા લાગી. તેણે પણ સાવકા પિતાની જેમ મને મારવાનું શરૂ કર્યું. હું મારા જીવનમાં ખુશીઓ ચાહતી હતી. હું પ્રેમ અને હૂંફ માટે તરસતી હતી. દિલાસાની શોધમાં હું અલગ અલગ ચર્ચમાં જવા લાગી, પણ મને ક્યાંય રાહત ન મળી.

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: હું ૧૩ વર્ષની હતી ત્યારે મારા ક્લાસની એક છોકરીએ મને બાઇબલના અમુક અહેવાલો જણાવ્યા. તે યહોવાની સાક્ષી હતી. તેણે મને નૂહ અને અયૂબ જેવા ઈશ્વરભક્તો વિશે જણાવ્યું. તેઓ ખરાબ સંજોગોમાં પણ ઈશ્વરની ભક્તિ કરતા હતા, એ જાણીને મને બહુ સારું લાગ્યું. હું તરત જ સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવા લાગી અને તેઓની સભાઓમાં જવા લાગી.

જ્યારે મેં બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું, ત્યારે મને ઘણી નવી નવી વાતો જાણવા મળી. મને એ જાણીને ખુશી થઈ કે ઈશ્વરનું એક નામ છે. (ગીતશાસ્ત્ર ૮૩:૧૮) મને એ જાણીને નવાઈ લાગી કે બાઇબલમાં પહેલેથી જણાવ્યું છે કે “છેલ્લા દિવસોમાં” લોકો કેવા હશે. (૨ તિમોથી ૩:૧-૫) ગુજરી ગયેલાઓ જીવતા થશે એ જાણીને તો મારી ખુશીનો પાર ન રહ્યો. જરા વિચારો, મારો ભાઈ પાછો આવશે, હું તેને ફરી મળી શકીશ!—યોહાન ૫:૨૮, ૨૯.

હું તો ખુશ હતી, પણ બીજાઓ ખુશ ન હતા. મારી મમ્મી અને સાવકા પિતાને સાક્ષીઓ દીઠાય ગમતા ન હતા. હું બાઇબલમાંથી શીખવાનું છોડી દઉં એ માટે તેઓએ મારા પર ખૂબ જોર કર્યું. પણ હું જે શીખતી હતી એ મને બહુ ગમતું હતું અને હું એ છોડવાની ન હતી.

કુટુંબનો વિરોધ સહેવો એટલું સહેલું ન હતું. એવામાં બીજો એક કરુણ બનાવ બન્યો. મારો નાનો ભાઈ, જે મારી સાથે યહોવાના સાક્ષીઓની સભામાં આવતો હતો, તેનું પણ પાણીમાં ડૂબી જવાને લીધે મરણ થયું. પણ સાક્ષીઓ હંમેશાં મારી પડખે રહ્યા. તેઓએ મને એ પ્રેમ અને હૂંફ આપ્યાં, જેના માટે હું આખી જિંદગી તરસતી હતી. હું જાણતી હતી કે આ જ લોકો સાચા ઈશ્વરની ભક્તિ કરે છે. ૧૯૯૬માં મેં બાપ્તિસ્મા લીધું અને યહોવાની સાક્ષી બની.

મને કઈ રીતે ફાયદો થયો: છ વર્ષ પહેલાં મેં દીમિત્રી સાથે લગ્‍ન કર્યું. તે ખૂબ જ ભલા અને પ્રેમાળ છે. અમે બંને સેન્ટ પીટર્સબર્ગમાં આવેલી યહોવાના સાક્ષીઓની શાખા કચેરીમાં સેવા આપી રહ્યાં છીએ. સમય જતાં, મમ્મી-પપ્પાનો સ્વભાવ બદલાયો અને હવે તેઓ મારી માન્યતાને માન આપે છે.

હું યહોવાનો આભાર માનું છું કે હું તેમને ઓળખી શકી. તેમની ભક્તિ કરવાથી મારું જીવન ખુશીઓથી ભરાઈ ગયું છે.

“મારા મનમાં ઘણા સવાલો હતા.”—રાઉડેલ રોદ્રીગેસ રોદ્રીગેસ

જન્મ: ૧૯૫૯

દેશ: ક્યુબા

ભૂતકાળ: સરકાર સામે બંડ પોકારનાર

મારા વિશે: મારો જન્મ ક્યુબાના હવાના નામના શહેરમાં થયો હતો. અમારા વિસ્તારના લોકો ખૂબ ગરીબ હતા. ગલીઓમાં મારામારી કરવી એ તો એકદમ સામાન્ય હતું. મોટો થતો ગયો તેમ હું જૂડો અને બૉક્સિંગ જેવી રમતો રમવા લાગ્યો.

હું ભણવામાં સારો હતો, એટલે મમ્મી-પપ્પાએ મને કૉલેજમાં ભણવા મૂક્યો. ત્યાં જઈને મને લાગ્યું કે દેશના રાજકારણમાં સુધારાની જરૂર છે. મેં બંડ પોકારવાનું નક્કી કર્યું. મેં અને મારા ક્લાસના એક છોકરાએ એક પોલીસ અધિકારી પર હુમલો કર્યો, કેમ કે અમને તેની બંદૂક જોઈતી હતી. એ હુમલામાં અધિકારીના માથામાં ગંભીર ઈજા થઈ. એટલે અમને બંનેને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને અમને ગોળીએ ઠાર કરી દેવાની સજા કરવામાં આવી. હું તો ૨૦ જ વર્ષનો હતો અને મારા માથે મોત ઝઝૂમતું હતું.

જેલમાં એકલો હતો ત્યારે, હું પ્રેક્ટિસ કરતો કે મને ગોળીએ મારવામાં આવશે ત્યારે હું કઈ રીતે વર્તીશ. મારે તેઓ સામે ડરપોક દેખાવું ન હતું. એ જ સમયે, મારા મનમાં ઘણા સવાલો હતા. હું વિચારતો: ‘આ દુનિયામાં આટલો અન્યાય કેમ છે? શું આ જ જીવન છે?’

પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: થોડા સમય પછી, અમારી મોતની સજા બદલીને અમને ૩૦ વર્ષની જેલની સજા કરવામાં આવી. એ જ સમયગાળામાં હું અમુક યહોવાના સાક્ષીઓને મળ્યો, જેઓ પોતાની શ્રદ્ધાને લીધે જેલમાં હતા. તેઓએ જેલમાં જવાને લાયક કોઈ કામ કર્યું ન હતું, તોપણ તેઓના મનમાં ગુસ્સો કે કડવાશ ન હતી. તેઓ ખૂબ હિંમતવાળા હતા અને હળી-મળીને રહેતા હતા, એ વાતની મારા દિલ પર ઊંડી અસર થઈ.

સાક્ષીઓએ મને શીખવ્યું કે ઈશ્વરે મનુષ્યોને દુઃખ ભોગવવા નહિ, પણ સુખ-શાંતિમાં જીવવા બનાવ્યા છે. તેઓએ મને બાઇબલમાંથી બતાવ્યું કે ઈશ્વર આ દુનિયામાંથી ગુનાઓ અને અન્યાય દૂર કરશે અને એને બાગ જેવી સુંદર બનાવશે. તેઓએ મને એ પણ શીખવ્યું કે આ પૃથ્વી પર ફક્ત સારા લોકો હશે અને તેઓ હંમેશ માટે એવી પૃથ્વી પર જીવશે, જ્યાં દુઃખ-તકલીફ, પીડા કે મરણ નહિ હોય.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.

સાક્ષીઓ પાસેથી શીખવું મને ગમતું હતું. પણ મને થતું કે હું ક્યારેય તેઓ જેવો નહિ બની શકું. તેઓ રાજકારણમાં કોઈનો પક્ષ ન લેતા અને કોઈ તેઓને એક ગાલ પર તમાચો મારે તો તેની સામે બીજો ગાલ ધરી દેતા. મને લાગતું કે એવું તો હું સપનામાંય નહિ કરી શકું. એટલે મેં પોતાની રીતે બાઇબલ વાંચવાનું નક્કી કર્યું. આખું બાઇબલ વાંચ્યા પછી મને ખ્યાલ આવ્યો કે ફક્ત યહોવાના સાક્ષીઓ જ પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ વર્તે છે.

બાઇબલમાંથી શીખતો ગયો તેમ હું જોઈ શક્યો કે મારે જીવનમાં મોટા મોટા ફેરફારો કરવાની જરૂર છે. જેમ કે, મને વાતે વાતે ગાળો બોલવાની ટેવ હતી. મારે એ ટેવ સુધારવાની હતી. મારે ધૂમ્રપાન છોડવાનું હતું. પહેલાં હું રાજકારણમાં બીજાઓનો પક્ષ લેતો હતો. હવે મારે કોઈનો પક્ષ ન લેવા મહેનત કરવાની હતી. એ ફેરફારો કરવા સહેલું ન હતું, પણ યહોવાની મદદથી હું ધીરે ધીરે એમ કરી શક્યો.

મારા માટે ગુસ્સા પર કાબૂ રાખવો ખૂબ અઘરું હતું. હું આજે પણ પ્રાર્થના કરું છું કે પોતાના પર સંયમ રાખી શકું. મને નીતિવચનો ૧૬:૩૨ અને એના જેવી બીજી કલમોથી ઘણી મદદ મળી છે. એ કલમમાં લખ્યું છે: “શૂરવીર યોદ્ધા કરતાં શાંત મિજાજનો માણસ વધારે સારો અને શહેર જીતનાર કરતાં ગુસ્સો કાબૂમાં રાખનાર વધારે સારો.”

૧૯૯૧માં મેં જેલમાં બાપ્તિસ્મા લીધું અને યહોવાનો સાક્ષી બન્યો. એક પીપડામાં પાણી ભરીને મને બાપ્તિસ્મા આપવામાં આવ્યું હતું. એના બીજા જ વર્ષે અમુક લોકોને જેલમાંથી છોડવામાં આવ્યા. હું પણ તેઓમાંનો એક હતો. અમને સ્પેન મોકલી દેવામાં આવ્યા, કારણ કે અમારાં સગાં-વહાલાં ત્યાં રહેતાં હતાં. સ્પેન પહોંચ્યા પછી હું તરત જ યહોવાના સાક્ષીઓની સભાઓમાં ગયો. ત્યાંના સાક્ષીઓએ મારો એવો આવકાર કર્યો કે મને એવું લાગ્યું કે જાણે હું તેઓને વર્ષોથી ઓળખું છું. સ્પેનમાં નવેસરથી જીવન શરૂ કરવા તેઓએ મને ખૂબ મદદ કરી.

મને કઈ રીતે ફાયદો થયો: હું મારા જીવનથી બહુ ખુશ છું. હું મારી પત્ની અને બે દીકરીઓ સાથે મળીને યહોવાની ભક્તિ કરું છું. મને એ વાતની ખુશી છે કે હું મારો મોટા ભાગનો સમય બીજાઓને બાઇબલમાંથી શીખવવા કાઢું છું. પાછલા દિવસોનો વિચાર કરું છું ત્યારે થાય છે કે હું યુવાનીમાં જ માર્યો ગયો હોત. પણ હું જીવું છું અને મને ઘણા આશીર્વાદો મળ્યા છે. મારી પાસે સુંદર આશા પણ છે. હું એ સમયની આતુરતાથી રાહ જોઉં છું, જ્યારે કોઈની સાથે અન્યાય નહિ થાય અને “મરણ પણ રહેશે નહિ!”—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

[પાન ૧૯ પર બ્લર્બ]

“મને એ જાણીને ખુશી થઈ કે ઈશ્વરનું એક નામ છે”

[પાન ૨૦ પર ચિત્ર]

મને અને મારા પતિને મૂકબધિર લોકોને સાઇન લેંગ્વેજ સાહિત્ય આપવામાં ખુશી મળે છે