પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
એક માણસે યુવાનીમાં પોતાના ધર્મનું શિક્ષણ ત્યજી દીધું હતું. પણ તે શા માટે પાછો ફર્યો? એક યુવાન કઈ રીતે જોઈ શક્યો કે યહોવા તેના પિતા છે? ચાલો, તેઓનો અનુભવ જોઈએ.
“મારે યહોવા પાસે પાછા ફરવાની જરૂર હતી.”—ઈલી ખલીલ
જન્મ: ૧૯૭૬
દેશ: સાયપ્રસ
ભૂતકાળ: ઉડાઉ દીકરો
મારા વિશે: મારો જન્મ સાયપ્રસમાં થયો હતો, પણ ઉછેર ઑસ્ટ્રેલિયામાં થયો. મારાં મમ્મી-પપ્પા યહોવાના સાક્ષી છે. મારા દિલમાં યહોવા માટેનો પ્રેમ સિંચવા અને મને બાઇબલમાંથી શીખવવા તેઓએ બનતો પ્રયત્ન કર્યો હતો. પણ તરુણ થયો ત્યારે હું બંડખોર બનવા લાગ્યો. હું રાતે છુપાઈને ઘરની બહાર જતો અને બીજાં છોકરા-છોકરીઓને મળતો. અમે ગાડીઓ ચોરતાં અને બીજી મોટી મોટી મુશ્કેલીઓમાં ફસાઈ જતાં.
શરૂ શરૂમાં હું એ બધું છુપાઈ છુપાઈને કરતો, કારણ કે મને ડર હતો કે જો મમ્મી-પપ્પાને ખબર પડશે તો તેઓને ઘણું દુઃખ લાગશે. પણ ધીરે ધીરે એ ડર જતો રહ્યો. હું એવા લોકો સાથે દોસ્તી કરવા લાગ્યો, જેઓ મારાથી ઘણા મોટા હતા અને યહોવાને પ્રેમ કરતા ન હતા. તેઓની મારા પર ખરાબ અસર પડવા લાગી. આખરે, મેં મમ્મી-પપ્પાને કહી દીધું કે હું યહોવાનો સાક્ષી બનવા નથી માંગતો. તેઓએ પ્રેમથી અને ધીરજથી મને સમજાવ્યો, પણ બધું પથ્થર પર પાણી હતું. એનાથી મારાં મમ્મી-પપ્પાનું દિલ ચૂરેચૂરા થઈ ગયું.
ઘર છોડ્યા પછી હું ડ્રગ્સ લેવા લાગ્યો. એટલું જ નહિ, હું મોટી માત્રામાં ગાંજો ઉગાડતો અને વેચતો. હું દરેક પ્રકારનાં ગંદાં કામ કરતો અને મોડી રાત સુધી નાઇટ ક્લબમાં પાર્ટીઓ કરતો. હું નાની નાની વાતે ગુસ્સે થઈ જતો. જો કોઈ એવું કંઈક કહે કે કરે, જે મને ન ગમે, તો મારો પારો ચઢી જતો. હું ચીસો પાડતો અને તેઓને ખૂબ મારતો. જોવા જઈએ તો મેં એ બધાં જ કામો કર્યાં, જે કરવાની મમ્મી-પપ્પાએ ના પાડી હતી.
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: એક માણસ મારી સાથે ડ્રગ્સ લેતો હતો અને તે મારો જિગરી દોસ્ત બની ગયો હતો. તે નાનો હતો ત્યારે તેના પિતા ગુજરી ગયા હતા. હું ઘણી વાર તેની સાથે રહેતો અને અમે મોડી રાત સુધી વાતો કરતા. વાતવાતમાં તે પોતાનું દિલ મારી આગળ ઠાલવતો. તે કહેતો કે તેને પોતાના પિતાની ખોટ સાલે છે. હું નાનપણમાં શીખ્યો હતો કે ગુજરી ગયેલા લોકોને જીવતા કરવામાં આવશે. એટલે હું તેને જણાવવા લાગ્યો કે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમણે ગુજરી ગયેલાઓને જીવતા કર્યા હતા અને તેમણે વચન આપ્યું છે કે તે ભાવિમાં પણ એમ કરશે. (યોહાન ૫:૨૮, ૨૯) હું તેને કહેતો: “વિચાર કર, તારા પપ્પાને જીવતા કરવામાં આવશે. તું તેમને ફરી મળી શકીશ. આપણે બધા હંમેશ માટે આ સુંદર પૃથ્વી પર જીવી શકીશું.” એ વાતોથી મારા દોસ્તને દિલાસો મળ્યો.
ક્યારેક ક્યારેક મારો દોસ્ત છેલ્લા દિવસો કે ત્રિએક વિશે વાત કરતો. હું તેના જ બાઇબલમાંથી તેને એવી કલમો બતાવતો, જેમાં યહોવા ઈશ્વર વિશે, ઈસુ વિશે અને છેલ્લા દિવસો વિશેની સાચી વાતો જણાવી છે. (યોહાન ૧૪:૨૮; ૨ તિમોથી ૩:૧-૫) હું જેટલું વધારે મારા દોસ્તને યહોવા વિશે જણાવતો, એટલું વધારે હું પોતે યહોવા વિશે વિચારતો.
હું નાનો હતો ત્યારે મમ્મી-પપ્પાએ મારા દિલમાં સત્યના જે બી વાવ્યાં હતાં, એ ધીરે ધીરે ઊગવા લાગ્યાં. દાખલા તરીકે, અમુક વાર જ્યારે હું પાર્ટીમાં મિત્રો સાથે ડ્રગ્સ લેતો, ત્યારે અચાનક યહોવા વિશે વિચારવા લાગતો. મારા ઘણા મિત્રો કહેતા કે તેઓ ઈશ્વરને પ્રેમ કરે છે, પણ તેઓનાં વાણી-વર્તનથી એવું જરાય લાગતું ન હતું. મારે તેઓ જેવા બનવું ન હતું. મારી અક્કલ ઠેકાણે આવી ગઈ. મને સમજાઈ ગયું કે મારે યહોવા પાસે પાછા ફરવાની જરૂર હતી.
એ સાચું છે કે શું કરવું એ જાણવું સહેલું છે, પણ કરવું બહુ અઘરું છે. અમુક ફેરફારો કરવા સહેલા હતા. જેમ કે, મેં સહેલાઈથી ડ્રગ્સ લેવાનું છોડી દીધું. જૂના દોસ્તોની સંગત પણ છોડી દીધી અને મંડળના એક વડીલ સાથે બાઇબલમાંથી શીખવા લાગ્યો.
પણ બીજા અમુક ફેરફાર કરવા અઘરું હતું, ખાસ કરીને ગુસ્સાને કાબૂમાં રાખવો લોઢાના ચણા ચાવવા જેવું હતું. થોડા સમય સુધી બધું બરાબર ચાલતું, પણ પછી હું પાછો પિત્તો ગુમાવી બેસતો. એનાથી હું ખૂબ નિરાશ થઈ જતો અને મને લાગતું કે હું કદી બદલાઈ નહિ શકું. એવા સમયે હું એ વડીલ પાસે જતો, જેમની સાથે હું બાઇબલમાંથી શીખી રહ્યો હતો. તે હંમેશાં ખૂબ ધીરજથી અને પ્રેમથી મને મદદ કરતા. એકવાર તેમણે મને ચોકીબુરજનો એક લેખ વાંચવા માટે આપ્યો, જેમાં જણાવ્યું હતું કે હાર ન માનવી કેમ જરૂરી છે. a અમે સાથે મળીને એ લેખમાં આપેલાં સૂચનોની ચર્ચા કરી, જેથી મને ગુસ્સો આવે ત્યારે હું એ સૂચનો લાગુ પાડી શકું. મેં એ સૂચનો લાગુ પાડવા મહેનત કરી અને યહોવાને ઘણી પ્રાર્થના કરી. એમ કરવાથી હું મારા ગુસ્સાને કાબૂમાં કરી શક્યો. આખરે એપ્રિલ ૨૦૦૦માં મેં યહોવાના સાક્ષી તરીકે બાપ્તિસ્મા લીધું. તમે સમજી ગયા હશો કે મારા એ નિર્ણયથી મમ્મી-પપ્પા કેટલાં ખુશ થયાં હશે.
મને કઈ રીતે ફાયદો થયો: હવે હું ડ્રગ્સ નથી લેતો અને ગંદું જીવન પણ નથી જીવતો. એટલે મને મનની શાંતિ મળી છે અને મારું દિલ સાફ છે. હું જે કંઈ કરું છું, એમાં મને ખુશી મળે છે. હા, પહેલાં કરતાં મારા જીવનમાં વધારે ખુશીઓ છે.
મમ્મી-પપ્પા કદી હિંમત ન હાર્યાં અને હંમેશાં મારી મદદ કરતા રહ્યાં. એવાં મમ્મી-પપ્પા આપવા હું યહોવાનો જેટલો આભાર માનું, એટલો ઓછો છે. હું ઘણી વાર યોહાન ૬:૪૪માં ઈસુએ કહેલા શબ્દો પર વિચાર કરું છું. ત્યાં લખ્યું છે: “મને મોકલનાર પિતા કોઈ માણસને મારી પાસે દોરી ન લાવે ત્યાં સુધી, તે મારી પાસે આવી શકતો નથી.” એટલે કહી શકાય કે હું યહોવા પાસે પાછો આવી શક્યો, કારણ કે તેમણે મને પોતાના તરફ ખેંચ્યો. એ વિશે વિચારું છું ત્યારે, મારું દિલ ભરાઈ આવે છે.
“હું પિતાના પ્રેમ માટે તરસતો હતો.”—માર્કો ઓન્ટોનિયો ઓલ્વોરેઝ સોટો
જન્મ: ૧૯૭૭
દેશ: ચિલી
ભૂતકાળ: ડેથ-મેટલ સંગીતના બૅન્ડના સભ્ય
મારા વિશે: મારી મમ્મીએ મારો ઉછેર કર્યો. અમે દક્ષિણ અમેરિકાની દક્ષિણે આવેલા એક સુંદર શહેરમાં રહેતા હતા. હું પાંચ વર્ષનો હતો ત્યારે મમ્મી-પપ્પા અલગ થઈ ગયાં. એના લીધે હું પોતાને લાચાર સમજતો. હું પિતાના પ્રેમ માટે તરસતો હતો.
મારી મમ્મી યહોવાના સાક્ષીઓ પાસેથી બાઇબલમાંથી શીખવા લાગી. તે તેઓના પ્રાર્થનાઘરમાં જતી ત્યારે મને પણ સાથે લઈ જતી. પણ મને સભામાં જવું જરાય ન ગમતું. એટલે ઘણી વાર હું રસ્તામાં બૂમો પાડતો અને ઘરે પાછા જવા જિદ્દ કરતો. ૧૩ વર્ષનો થયો ત્યારે મેં સભામાં જવાનું એકદમ બંધ કરી દીધું.
એ સમય સુધીમાં મને સંગીતમાં રસ જાગ્યો હતો. મને લાગતું હતું કે મારામાં સંગીતનું હુન્નર છે. ૧૫ વર્ષનો થયો ત્યાં સુધીમાં તો ઉંમરે હું તહેવારોમાં, બારમાં અને લોકોની પાર્ટીઓમાં હેવી-મેટલ અને ડેથ-મેટલ સંગીત વગાડવા લાગ્યો હતો. એ બંને પ્રકારનાં સંગીત ખૂબ હિંસક હોય છે અને એમાં નિરાશ કરી દેતી અને મરણની વાતો હોય છે. સંગીતના મોટા મોટા ઉસ્તાદો સાથે ઊઠવા-બેસવાને લીધે મને શાસ્ત્રીય સંગીતમાં રસ જાગ્યો. હું જ્યાં રહેતો હતો, ત્યાંની એક સંગીત-સ્કૂલમાં હું સંગીત શીખતો. ૨૦ વર્ષની ઉંમરે હું વધારે ભણવા ચિલીની રાજધાની સેન્ટિયાગો ગયો. સાથે સાથે હું હેવી-મેટલ અને ડેથ-મેટલ સંગીત પણ વગાડતો રહ્યો.
એ બધા છતાં મને ખાલીપો લાગતો હતો. એ ખાલીપો ભરવા હું બૅન્ડના સાથીઓ સાથે ખૂબ દારૂ પીતો અને ડ્રગ્સ લેતો. મારા માટે તેઓ જ મારા કુટુંબીજનો હતા. હું બળવાખોર હતો અને એ મારા દેખાવથી સાફ દેખાઈ આવતું હતું. હું કાળાં કપડાં પહેરતો, મેં દાઢી વધારી હતી અને મારા માથાના વાળ મારી કમર સુધી આવતા હતા.
મારા ખરાબ સ્વભાવને લીધે હું ઘણી વાર લોકો સાથે ઝઘડતો અને પોલીસ મને પકડીને લઈ જતી. ડ્રગ્સની લે-વેચ કરનાર માણસો એકવાર મને અને મારા મિત્રોને હેરાન કરતા હતા. એટલે હું તેઓને મારવા લાગ્યો. એ વખતે મેં ચિક્કાર દારૂ પીધો હતો. એ માણસોએ મારા પર વળતો હુમલો કર્યો અને મને એટલો માર્યો કે મારું જડબું તૂટી ગયું.
એ ઘા તો મેં સહી લીધો, પણ મારા પોતાના લોકોએ આપેલો ઘા સહેવો અસહ્ય હતો. એક દિવસ મને ખબર પડી કે મારી ગર્લફ્રેન્ડના મારા જિગરજાન દોસ્ત સાથે આડા સંબંધો હતા અને એ પણ વર્ષોથી. મારા બધા દોસ્તો એ વાત જાણતા હતા, પણ મારાથી છુપાવતા હતા. એ જાણીને હું સાવ ભાંગી પડ્યો.
પછી હું મારા વતન પાછો ચાલ્યો ગયો. ત્યાં હું બીજાઓને સંગીત શીખવવા લાગ્યો અને વાયોલિન જેવું એક વાજિંત્ર વગાડવાનું કામ કરવા લાગ્યો. સાથે સાથે મેં હેવી-મેટલ અને ડેથ-મેટલ બૅન્ડ સાથે મળીને સંગીત વગાડવાનું અને એને રેકોર્ડ કરવાનું પણ ચાલુ રાખ્યું હતું. એવામાં મારી મુલાકાત એક સુંદર છોકરી સાથે થઈ, જેનું નામ સુઝન હતું. પછી અમે લગ્ન વગર સાથે રહેવા લાગ્યા. થોડા વખત પછી સુઝનને ખબર પડી કે તેની મમ્મી ત્રિએકના શિક્ષણમાં માને છે અને હું નથી માનતો. તેણે પૂછ્યું: “તો પછી સાચું શું છે?” મેં તેને કહ્યું કે મને ખબર છે કે ત્રિએકનું શિક્ષણ ખોટું છે, પણ એને બાઇબલમાંથી કઈ રીતે બતાવવું એ મને નથી ખબર. મેં તેને એ પણ કહ્યું કે યહોવાના સાક્ષીઓ તેને બાઇબલમાંથી સત્ય જણાવી શકે છે. પછી મેં એવું કંઈક કર્યું, જે મેં ઘણાં વર્ષોથી કર્યું ન હતું, મેં ઈશ્વરને પ્રાર્થના કરી અને મદદ માંગી.
અમુક દિવસો પછી મેં એક માણસને જોયો. મને લાગ્યું કે હું તેને ઓળખું છું. મેં તેને પૂછ્યું: “શું તમે યહોવાના સાક્ષી છો?” મારો દેખાવ જોઈને તે કદાચ ડરી ગયો હતો, તોપણ તેણે પ્રેમથી મારા સવાલોના જવાબ આપ્યા. તેણે મને પ્રાર્થનાઘરનું સરનામું આપ્યું અને કહ્યું કે સભા કયા દિવસે અને કેટલા વાગ્યે થાય છે. મને ભરોસો થઈ ગયો કે તેને મળવું એ મારી પ્રાર્થનાનો જવાબ હતો. હું પ્રાર્થનાઘરમાં ગયો અને છેક છેલ્લી લાઈનમાં બેઠો, જેથી કોઈનું ધ્યાન મારા પર ન પડે. તોપણ ઘણા લોકો મને ઓળખી ગયા, કારણ કે તેઓએ મને નાનપણમાં સભામાં આવતા જોયો હતો. તેઓએ ઉમળકાથી મારો આવકાર કર્યો અને મને ભેટી પડ્યા. મને એટલું સારું લાગ્યું કે વાત ન પૂછો! મને લાગ્યું કે હું જાણે ઘરે પાછો આવી ગયો છું. સભામાં મને એ ભાઈ પણ મળ્યા, જે મને નાનપણમાં બાઇબલમાંથી શીખવતા હતા. મને ફરી બાઇબલમાંથી શીખવવા મેં તેમને વિનંતી કરી.
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: એક દિવસ મેં નીતિવચનો ૨૭:૧૧ કલમ વાંચી, જ્યાં લખ્યું છે: “મારા દીકરા, બુદ્ધિમાન થા અને મારા દિલને ખુશ કર.” જ્યારે મેં વિચાર્યું કે એક કાળા માથાનો માનવી પણ આખી દુનિયાના સર્જનહારને ખુશ કરી શકે છે, ત્યારે મારાં રુવાંટાં ઊભાં થઈ ગયાં. મને સમજાયું કે યહોવા જ એ પિતા છે, જેમના માટે હું આખી જિંદગી તરસતો હતો.
હું સ્વર્ગમાં રહેતા મારા પિતાને ખુશ કરવા માંગતો હતો અને તેમની ઇચ્છા પૂરી કરવા માંગતો હતો. પણ મને ઘણાં વર્ષોથી દારૂ અને ડ્રગ્સની લત લાગી હતી. પછી મને માથ્થી ૬:૨૪માં ઈસુએ કહેલી વાત સમજાઈ. ત્યાં લખ્યું છે: “બે માલિકની ચાકરી કોઈ કરી શકતું નથી.” એટલે મેં જીવનમાં ફેરફારો કરવાનું શરૂ કર્યું, પણ એ અઘરું હતું. મને ૧ કોરીંથીઓ ૧૫:૩૩માં આપેલા સિદ્ધાંતથી ઘણી મદદ મળી. ત્યાં લખ્યું છે: “ખરાબ સંગત સારી આદતોને બગાડે છે.” હું સમજી ગયો કે જો હું પહેલાં જતો હતો એ જગ્યાએ વારંવાર જઈશ અને જૂના દોસ્તો સાથે વારંવાર હળી-મળીશ, તો મારી ખરાબ આદતો નહિ છોડી શકું. બાઇબલની સલાહ એકદમ સ્પષ્ટ હતી: જો મારે ઈશ્વરની ભક્તિ કરવી હોય, તો મોટા મોટા ફેરફારો કરવા પડશે.—માથ્થી ૫:૩૦.
મને હેવી-મેટલ સંગીત એટલું ગમતું હતું કે એને વગાડવાનું અને સાંભળવાનું છોડવું બહુ અઘરું હતું. પણ મંડળના મિત્રોની મદદથી હું એ છોડી શક્યો. મેં ડ્રગ્સ લેવાનું અને વધુ પડતો દારૂ પીવાનું પણ છોડી દીધું. મેં મારા વાળ કપાવ્યા, દાઢી કરાવી અને કાળા રંગનાં કપડાં પહેરવાનું છોડી દીધું. જ્યારે મેં સુઝનને કહ્યું કે મારે વાળ કપાવવા છે, ત્યારે તેની આંખો પહોળી થઈ ગઈ. તેને જાણવું હતું કે પ્રાર્થનાઘરમાં હું શું કરું છું. તેણે કહ્યું: “હું પણ તમારી સાથે પ્રાર્થનાઘરમાં આવીશ. મારે જોવું છે કે ત્યાં શું થાય છે.” તેણે જે જોયું એ તેને બહુ ગમ્યું અને જલદી જ તે પણ બાઇબલમાંથી શીખવા લાગી. સમય જતાં, મેં અને સુઝને લગ્ન કર્યાં. ૨૦૦૮માં અમે બંનેએ બાપ્તિસ્મા લીધું. હવે મારી મમ્મી સાથે મળીને અમે ખુશી ખુશી યહોવાની ભક્તિ કરીએ છીએ.
મને કઈ રીતે ફાયદો થયો: આ દુનિયામાં મને જે ખુશીઓ મળી, એ મૃગજળ જેવી હતી. હાથમાં આવી ન આવી, ત્યાં તો ચાલી ગઈ. દોસ્તો પણ દગાખોર નીકળ્યા. પણ હવે એ દુનિયા સાથે મારે કોઈ નિસ્બત નથી. સંગીત વિશે કહું તો, મને આજે પણ એ ગમે છે, પણ હવે હું બહુ સમજી-વિચારીને સંગીત પસંદ કરું છું. હું મારો અનુભવ મારા કુટુંબીજનોને અને બીજાઓને, ખાસ કરીને યુવાનોને જણાવું છું, જેથી તેઓ ખરો નિર્ણય લઈ શકે. હું તેઓને એ બતાવવા માંગું છું કે આ દુનિયા જે આપવાનો દાવો કરે છે, એ આકર્ષક લાગી શકે, પણ આખરે તો એ “કચરો” જ છે.—ફિલિપીઓ ૩:૮.
મંડળમાં બસ પ્રેમ અને શાંતિ છે, ત્યાં જ મને સાચા અને વફાદાર દોસ્તો મળ્યા છે. સૌથી મહત્ત્વનું તો, યહોવાની નજીક આવીને મને સાચે જ મારા પિતા મળ્યા છે.
[ફૂટનોટ]
a ફેબ્રુઆરી ૧, ૨૦૦૦ ચોકીબુરજ, પાન ૪-૬ પર આપેલો લેખ જુઓ: “મંડ્યા રહો, સફળ થાઓ.”
[પાન ૧૩ પર બ્લર્બ]
“હું યહોવા પાસે પાછો આવી શક્યો, કારણ કે તેમણે મને પોતાના તરફ ખેંચ્યો”