પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
એક બંડખોર અને મળતાવડો ન હોય એવો માણસ શાના લીધે બીજાઓને પ્રેમ અને મદદ કરવા લાગ્યો? મેક્સિકોમાં રહેતા એક માણસને ગંદું જીવન છોડવા શાનાથી મદદ મળી? શા માટે સાયકલની સ્પર્ધામાં ભાગ લેનાર જાપાનના એક પ્રખ્યાત માણસે સ્પર્ધામાં ભાગ લેવાનું છોડી દીધું? ચાલો તેઓનો અનુભવ જોઈએ.
“હું ઉદ્ધત, ઘમંડી અને ગુસ્સાવાળો હતો.”—ડેનિસ ઓબાયર્ન
જન્મ: ૧૯૫૮
દેશ: ઇંગ્લૅન્ડ
ભૂતકાળ: બંડખોર અને મળતાવડો ન હોય એવો માણસ
મારા વિશે: મારા પપ્પા આયરલૅન્ડના છે. મારો ઉછેર આયરીશ કૅથલિક તરીકે થયો હતો. મોટા ભાગે મારે એકલાએ જ ચર્ચ જવું પડતું. મને ચર્ચ જવું ગમતું ન હતું, પણ ઈશ્વર વિશે જાણવાની ઇચ્છા હજીયે મારા દિલમાં હતી. હું નિયમિત રીતે પ્રભુની પ્રાર્થના કરતો. મને યાદ છે કે હું પલંગમાં પડ્યો પડ્યો એનો અર્થ વિચારતો. હું પ્રાર્થનાને ટુકડાઓમાં વહેંચી નાખતો અને વિચારતો કે દરેક ટુકડાનો અર્થ શું થાય.
હું સોળેક વર્ષનો હતો ત્યારે અલગ અલગ જૂથોમાં જોડાયો, જેઓ સમાજ વિરુદ્ધ બળવો કરતા હતા. હું ડ્રગ્સ લેતો, ખાસ કરીને ગાંજો ફૂંકતો, લગભગ દરરોજ ફૂંકતો. મારા માટે કંઈ મહત્ત્વનું ન હતું, એટલે હું ખૂબ દારૂ પીતો, જોખમ ઉઠાવતો અને બીજાઓ સાથે ખરાબ રીતે વર્તતો. મને લોકો સાથે હળવા-મળવાનું જરાય ન ગમતું. એટલે હું જરૂર પૂરતું જ બોલતો. મને તો એ પણ ન ગમતું કે કોઈ મારો ફોટો પાડે. એ દિવસોને યાદ કરું છું ત્યારે જોઈ શકું છું કે હું ઉદ્ધત, ઘમંડી અને ગુસ્સાવાળો હતો. હું ફક્ત મારા ખાસ મિત્રો સાથે જ પ્રેમાળ અને દયાળુ રીતે વર્તતો.
હું વીસેક વર્ષનો હતો ત્યારે મને બાઇબલમાં રસ જાગ્યો. ડ્રગ્સની આપ-લે કરનાર એક માણસ મારો મિત્ર હતો. તે જેલમાં હતો ત્યારે તેણે બાઇબલ વાંચવાનું શરૂ કર્યું હતું. એક વખતે અમે ધર્મ, ચર્ચ અને આ દુનિયા પર શેતાનની કેવી અસરો થઈ છે એના પર લાંબી ચર્ચા કરી. પછી મેં બાઇબલ ખરીદ્યું અને જાતે એનો અભ્યાસ કરવા લાગ્યો. હું અને મારો મિત્ર બાઇબલના અમુક ભાગ વાંચતા અને શું શીખ્યા એની ચર્ચા કરવા ભેગા મળતા. પછી અમારી ચર્ચાને આધારે કોઈ તારણ પર આવતા. એવું મહિનાઓ સુધી ચાલ્યું.
અમે આવા અમુક તારણ પર આવ્યા હતા: આપણે છેલ્લા દિવસોમાં જીવીએ છીએ; ઈશ્વરભક્તોએ ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવી જોઈએ; તેઓ આ દુનિયાનો ભાગ ન હોવા જોઈએ, તેઓએ રાજકારણમાં પણ ભાગ ન લેવો જોઈએ; સારા સંસ્કારો કેળવવા બાઇબલમાં સરસ માર્ગદર્શન આપ્યું છે. અમે જોઈ શક્યા કે બાઇબલની વાતો એકદમ સાચી છે અને એના નિયમો પાળતો હોય એવો ધર્મ ચોક્કસ હોવો જોઈએ. પણ કયો ધર્મ? અમે પહેલા મોટાં મોટાં ચર્ચોનો વિચાર કર્યો. પણ તેઓની ઇમારતો, રીતરિવાજો અને રાજકારણમાં તેઓનો ભાગ જોઈને અમને થયું કે ઈસુ તો એવા ન હતા. અમે જાણી શક્યા કે ઈશ્વર તેઓનો ઉપયોગ કરતા ન હતા. એટલે અમને થયું કે ઓછા જાણીતા ધર્મો પાસે જઈએ અને જોઈએ કે તેઓ શું માને છે.
જ્યારે અમે એ ધર્મોના લોકોને મળતા, ત્યારે ઘણા સવાલો પૂછતા. અમને તો ખબર હતી કે એ સવાલોના બાઇબલ શું જવાબ આપે છે, એટલે અમે તરત જ પારખી શકતા કે તેઓના જવાબો બાઇબલ આધારે છે કે નહિ. આવી મુલાકાતો પછી હું ઈશ્વરને પ્રાર્થના કરતો: ‘જો આ લોકો બાઇબલ પ્રમાણે ચાલતા હોય, તો તેઓને ફરી મળવા મારા મનમાં ઇચ્છા જગાડજો.’ જોકે, મહિનાઓ પછી પણ મને એવો સમૂહ ન મળ્યો, જે બાઇબલમાંથી અમારા સવાલોના જવાબ આપે અને મને તેઓને ફરી મળવાની ઇચ્છા પણ ન થઈ.
આખરે, હું અને મારો મિત્ર યહોવાના સાક્ષીઓને મળ્યા. હંમેશની જેમ અમે તેઓ પર સવાલોની ઝડી વરસાવી, પણ તેઓએ બધા સવાલોના જવાબ બાઇબલમાંથી આપ્યા. તેઓના જવાબો અને અમે જે શીખ્યા હતા, એ એકદમ બંધબેસતું હતું. એટલે અમે તેઓને એ સવાલો પૂછ્યા, જેના જવાબો અમને બાઇબલમાંથી મળ્યા ન હતા. દાખલા તરીકે, ધૂમ્રપાન અને ડ્રગ્સ વિશે ઈશ્વરના વિચારો કેવા છે? ફરીથી તેઓએ બાઇબલમાંથી એના જવાબો આપ્યા. પછી અમે તેઓની સભાઓમાં જવા રાજી થઈ ગયા.
સભામાં જવું મારા માટે ખૂબ અઘરું હતું. તેઓ ખૂબ મળતાવડા હતા અને સારાં કપડાં પહેર્યાં હતા. તોપણ હું તેઓ સાથે વાત કરવા માંગતો ન હતો. મને તેઓ પર ભરોસો ન હતો અને મારે તેઓની સભામાં જવું ન હતું. પણ હંમેશની જેમ મેં ઈશ્વરને પ્રાર્થના કરી, ‘જો આ લોકો તમારા કહ્યા પ્રમાણે ચાલતા હોય, તો તેઓને ફરી મળવાની મારા દિલમાં ઇચ્છા જગાડજો.’ એવું જ થયું. મારા મનમાં તેઓ પાસેથી બાઇબલમાંથી શીખવાની તીવ્ર ઇચ્છા જાગી.
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: હું જાણતો હતો કે મારે ડ્રગ્સ છોડવાનું છે અને એ હું સહેલાઈથી છોડી શક્યો. પણ મારા માટે ધૂમ્રપાન છોડવું ખૂબ અઘરું હતું. મેં ઘણી વાર કોશિશ કરી, પણ હું નિષ્ફળ ગયો. જ્યારે મેં સાંભળ્યું કે અમુક લોકોએ એક ઝાટકે સિગારેટ ફેંકી દીધી અને ફરી ક્યારેય ફૂંકી નહિ, ત્યારે મેં એ વિશે યહોવા સાથે વાત કરી. પછી યહોવાની મદદથી હું ધૂમ્રપાન છોડી શક્યો. હું શીખ્યો કે યહોવા સાથે ખુલ્લા દિલે વાત કરવી કેટલું જરૂરી છે.
મારે બીજો એક મોટો ફેરફાર કરવાનો હતો. એ હતો, કપડાં અને વાળની સ્ટાઇલ બદલવી. હું જ્યારે પહેલી વાર પ્રાર્થનાઘરમાં ગયો, ત્યારે મારા વાળ કાંટા જેવા હતા અને એ મોરપીંછ રંગના હતા. થોડા સમય પછી મેં એને ભપકાદાર કેસરી રંગના કરાવ્યા હતા. સાક્ષીઓએ મને ઘણી વાર પ્રેમથી સમજાવ્યો, તોપણ મને મારો દેખાવ બદલવાની જરૂર લાગતી ન હતી. આખરે, મેં ૧ યોહાન ૨:૧૫-૧૭ના શબ્દોનો વિચાર કર્યો. ત્યાં લખ્યું છે: “દુનિયા કે એની વસ્તુઓ માટે પ્રેમ રાખશો નહિ. જો કોઈ દુનિયાને પ્રેમ કરે છે, તો તેનામાં પિતા માટેનો પ્રેમ નથી.” મને સમજાયું કે હું મારા દેખાવથી દુનિયા માટેનો પ્રેમ બતાવું છું અને જો મારે ઈશ્વર માટે પ્રેમ બતાવવો હોય, તો બદલાવું પડશે. મેં એવું જ કર્યું.
સમય જતાં, મને ખ્યાલ આવ્યો કે ફક્ત સાક્ષીઓ જ નહિ, ઈશ્વર પણ ચાહતા હતા કે હું સભાઓમાં જઉં. એ વાત મને હિબ્રૂઓ ૧૦:૨૪, ૨૫થી સમજાઈ. હું બધી સભાઓમાં જવા લાગ્યો અને ત્યાંનાં ભાઈ-બહેનો સાથે હળવા-મળવા લાગ્યો, ત્યાર પછી મેં યહોવાને મારું જીવન સમર્પણ કરવાનો અને બાપ્તિસ્મા લેવાનો નિર્ણય લીધો.
મને કઈ રીતે ફાયદો થયો: મને એ વાત ગમી કે યહોવા આપણને તેમના દોસ્ત બનવાનો મોકો આપે છે. ઈશ્વરની દયા અને પ્રેમનો અનુભવ કર્યા પછી મને ઇચ્છા થાય છે કે યહોવાને અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્તને અનુસરું, જેમણે આપણા માટે નમૂનો બેસાડ્યો છે. (૧ પિતર ૨:૨૧) હું શીખ્યો કે આદત બદલવાનો અર્થ એ નથી કે હું મારી ઓળખ ગુમાવી દઉં. પ્રેમાળ વ્યક્તિ બનવા મેં સખત મહેનત કરી છે. હું મારી પત્ની અને દીકરા સાથે ખૂબ જ પ્રેમથી વર્તું છું. યહોવાની ભક્તિ કરતા ભાઈ-બહેનો સાથે પણ હું ખૂબ પ્રેમથી વર્તું છું. ઈસુને પગલે ચાલવાને લીધે બીજાઓની અને મારી પોતાની નજરમાં મારું માન વધ્યું છે અને હું બીજાઓને પ્રેમ બતાવી શકું છું.
“તેઓ મારી સાથે આદરથી વર્ત્યા.”—ગ્વાડેલુપે વિલારીઅલ
જન્મ: ૧૯૬૪
દેશ: મેક્સિકો
ભૂતકાળ: ગંદું જીવન
મારા વિશે: અમે સાત ભાઈ-બહેનો હતાં. મારો ઉછેર મેક્સિકો દેશના સોનોરા રાજ્યના હરમોસિલો શહેરમાં થયો હતો. અમારો વિસ્તાર ખૂબ ગરીબ હતો. હું નાનો હતો ત્યારે મારા પપ્પા ગુજરી ગયા હતા. એટલે અમારું ભરણ-પોષણ કરવા મમ્મીએ કામ કરવું પડતું હતું. અમારી પાસે ચંપલ ખરીદવાના પૈસા ન હતા, એટલે મોટા ભાગે હું બધે ઉઘાડા પગે જ જતો. નાનો હતો ત્યારથી હું કામધંધે વળગ્યો, જેથી કુટુંબનો ખર્ચો કાઢવા મદદ કરી શકું. બીજાં ઘણાં કુટુંબોની જેમ અમે પણ નાનકડા ઘરમાં રહેતા હતા.
કામના લીધે મમ્મી મોટા ભાગે ઘરની બહાર રહેતી, એટલે અમને બાળકોને સાચવવા કોઈ ન હતું. હું ૬ વર્ષનો હતો ત્યારે એક ૧૫ વર્ષના છોકરાએ મારું જાતીય શોષણ કર્યું. એનું એક પરિણામ એ આવ્યું કે મને હંમેશાં લાગતું કે છોકરાઓ પ્રત્યે આકર્ષણ થવું સામાન્ય છે. એ વિશે મેં ડૉક્ટરો અને પાદરીઓ પાસે મદદ માંગી. પણ તેઓએ કહ્યું કે એમાં કંઈ ખોટું નથી અને એવી લાગણીઓ હોવી સામાન્ય છે.
હું ૧૪ વર્ષનો હતો ત્યારે મેં નક્કી કર્યું કે હવેથી હું ગે (પુરુષ સાથે સંબંધ બાંધનાર પુરુષ) તરીકે વર્તીશ અને સ્ત્રીઓ જેવાં કપડાં પહેરીશ. એ પછીનાં ૧૧ વર્ષ હું એવું જ જીવન જીવ્યો. એ વર્ષો દરમિયાન હું અલગ અલગ પુરુષો સાથે પણ રહ્યો. સમય જતાં, હું હેર સ્ટાઇલિસ્ટ બન્યો અને બ્યુટી પાર્લર ચલાવવા લાગ્યો. પણ હું જરાય ખુશ ન હતો. મારા જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવી અને લોકોએ મારી સાથે છળ-કપટ પણ કર્યું. હું સમજી ગયો હતો કે હું જે કરું છું એ ખરું નથી. હું પોતાને પૂછતો: ‘શું આ દુનિયામાં સારા અને ભરોસાપાત્ર લોકો છે?’
મેં મારી મોટી બહેનનો વિચાર કર્યો. તેણે યહોવાના સાક્ષીઓ પાસે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું હતું અને સમય જતાં બાપ્તિસ્મા પણ લીધું હતું. તે જે શીખતી, એ મને પણ જણાવતી, છતાં હું એના પર ધ્યાન ન આપતો. જોકે, તેનો સુખી સંસાર જોઈને મારા દિલમાં તેના માટે આદર જાગતો. હું જોઈ શકતો હતો કે તે અને તેનો પતિ એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને માન આપે છે. તેઓ એકબીજા સાથે દયાથી વર્તતા હતા. થોડા સમય પછી, મેં પણ એક સાક્ષી બહેન સાથે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. પહેલાં તો મને શીખવામાં કંઈ ખાસ રસ ન હતો, પણ પછી મારું વલણ બદલાયું.
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: સાક્ષીઓએ મને સભામાં આવવા કહ્યું અને હું ત્યાં ગયો. એ મારા માટે એક નવો અનુભવ હતો. મોટા ભાગે લોકો મારી મજાક ઉડાવતા, પણ સાક્ષીઓએ એવું જરાય ન કર્યું. તેઓએ ખૂબ જ ઉમળકાથી મારો આવકાર કર્યો. તેઓ મારી સાથે આદરથી વર્ત્યા. તેઓનો પ્રેમ જોઈને હું ગદ્ગદ થઈ ગયો.
હું સંમેલનમાં ગયો ત્યારે સાક્ષીઓ માટેની મારી કદર વધી ગઈ. ભલે તેઓ મોટા સમૂહમાં ભેગા મળ્યા હતા, પણ તેઓ મારી બહેનની જેમ સાફ દિલના અને દયાળુ હતા. મેં પોતાને પૂછ્યું: ‘શું આ એ જ સારા અને ભરોસાપાત્ર લોકો છે, જેઓને હું લાંબા સમયથી શોધી રહ્યો છું?’ તેઓનો પ્રેમ અને તેઓની એકતા જોઈને મને નવાઈ લાગી. એટલું જ નહિ, મારા બધા સવાલોના જવાબ તેઓએ બાઇબલમાંથી આપ્યા, એ જોઈને તો હું દંગ રહી ગયો. હું જોઈ શક્યો કે બાઇબલનાં ધોરણો પાળવાને લીધે તેઓ સારા હતા. મને એ પણ સમજાઈ ગયું કે તેઓ જેવા બનવા મારે ફેરફારો કરવાની જરૂર હતી.
હકીકતમાં, મારે બધું બદલવાની જરૂર હતી, કેમ કે હું સ્ત્રીઓની જેમ જીવતો હતો. મારે મારાં મિત્રો, બોલી, વર્તન, કપડાં અને હેર સ્ટાઇલ બદલવાની જરૂર હતી. મારા જૂના મિત્રો મારી મશ્કરી કરતા અને કહેતા: “તું આ બધું શું કામ કરે છે? તું જેવો હતો એવો જ સારો હતો. બાઇબલમાંથી શીખવાનું બંધ કર. તને શાની ખોટ છે?” પણ મારાં ગંદાં કામો છોડવાં એ મારા માટે સૌથી અઘરું હતું.
ફેરફારો કરવા અઘરું હતું, પણ ૧ કોરીંથીઓ ૬:૯-૧૧ના શબ્દોએ મને ભરોસો અપાવ્યો કે ફેરફારો કરી શકાય છે. ત્યાં લખ્યું છે: ‘શું તમને ખબર નથી કે સત્યને માર્ગે ન ચાલતા લોકોને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ? છેતરાશો નહિ! વ્યભિચારી, મૂર્તિપૂજક અને પુરુષ સાથે સંબંધ બાંધનાર પુરુષને ઈશ્વરના રાજ્યનો વારસો મળશે નહિ. તમારામાંથી અમુક એવા જ હતા, પણ તમને ધોઈને શુદ્ધ કરવામાં આવ્યા છે.’ યહોવાએ એ સમયના લોકોને ફેરફારો કરવા મદદ કરી હતી અને મને પણ કરી. ફેરફારો કરવામાં ઘણાં વર્ષો લાગ્યાં અને ઘણી મુશ્કેલીઓ આવી. પણ સાક્ષીઓના પ્રેમ અને સાથ-સહકારથી મને ઘણી મદદ મળી.
મને કઈ રીતે ફાયદો થયો: હવે હું એક ઈશ્વરભક્તને શોભે એવું જીવન જીવું છું. હું પરિણીત છું. હું અને મારી પત્ની અમારા દીકરાને બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે જીવવા મદદ કરીએ છીએ. મારા જૂના જીવનને મેં પાછળ છોડી દીધું છે. હવે યહોવા સાથે મારો ગાઢ સંબંધ છે અને હું ખુશી ખુશી તેમની ભક્તિ કરું છું. મંડળમાં હું એક વડીલ તરીકે સેવા આપું છું. મેં ઘણા લોકોને બાઇબલમાંથી શીખવા મદદ કરી છે. મારા જીવનમાં આવેલા ફેરફારો જોઈને મારી મમ્મીએ પણ બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું અને પછી બાપ્તિસ્મા લીધું. મારી નાની બહેન, જે પહેલાં ગંદું જીવન જીવતી હતી, તે પણ હવે યહોવાની સાક્ષી બની છે.
જેઓ મને પહેલાં ઓળખતા હતા, તેઓ પણ માને છે કે મારામાં સારા ફેરફારો આવ્યા છે. હું જાણું છું કે એ ફેરફારો કરવા મને શાનાથી મદદ મળી છે. અગાઉ મેં ડૉક્ટરો પાસે મદદ માંગી હતી, પણ ખરાબ જ સલાહ મળી. જોકે, યહોવાએ મને સાચે જ મદદ કરી. ભલે હું પોતાને નકામો ગણતો હતો, પણ તેમણે મારા પર ધ્યાન આપ્યું અને તે મારી સાથે પ્રેમ અને ધીરજથી વર્ત્યા. સાચું કહું, આટલા મહાન, બુદ્ધિશાળી અને પ્રેમાળ ઈશ્વર મારા જેવી તુચ્છ વ્યક્તિ પર ધ્યાન આપે અને ચાહે કે મને સારું જીવન મળે, એ મારા માટે બહુ મોટી વાત છે. એના લીધે જ મને ફેરફારો કરવા હિંમત મળી.
“મને કશાથી સંતોષ ન મળ્યો, જીવનમાં બસ ખાલીપો જ હતો.”—કાઝુહીરો કુનીમોચી
જન્મ: ૧૯૫૧
દેશ: જાપાન
ભૂતકાળ: સાયકલ હરીફાઈમાં ભાગ લેનાર
મારા વિશે: જાપાનના એક શાંત નગરમાં મારો ઉછેર થયો હતો. અમે આઠ લોકો એક નાના ઘરમાં રહેતા હતા. મારા પપ્પા સાયકલની દુકાન ચલાવતા હતા. હું નાનો હતો ત્યારથી જ તે મને સાયકલની હરીફાઈ જોવા લઈ જતા. તેમણે જ મારામાં એ રમત માટે રસ જગાડ્યો. થોડો મોટો થયો ત્યારે તે ખૂબ ખંતથી મને તાલીમ આપવા લાગ્યા. હાઈ સ્કૂલમાં હતો ત્યારે હું સળંગ ત્રણ વર્ષ રાષ્ટ્રીય સ્પર્ધા જીત્યો. મને યુનિવર્સિટીમાં જવાની ઑફર મળી, પણ મેં સાયકલનો મોટો ખેલાડી બનવા તાલીમ લેવાનું નક્કી કર્યું. ૧૯ વર્ષની ઉંમરે હું મોટો ખેલાડી બની ગયો.
મારા જીવનનો એક જ ધ્યેય હતો, જાપાનનો સૌથી સારો સાયકલનો ખેલાડી બનવું. મારે ઘણા પૈસા કમાવા હતા, જેથી મારા કુટુંબને સુખી અને સમૃદ્ધ જીવન આપી શકું. મેં મારો બધો સમય અને શક્તિ તાલીમ પાછળ નાખી દીધાં. જ્યારે પણ કોઈ તાલીમ અથવા હરીફાઈથી થાકી જતો, ત્યારે હું પોતાને વારંવાર કહેતો કે હું સાયકલનો ખેલાડી બનવા જ જન્મ્યો છું, મારે આગળ વધવાનું જ છે! હું એવું જ કરતો. મારી સખત મહેનતનું મને ફળ મળ્યું. પહેલા વર્ષે હું નવા ખેલાડીઓમાં પ્રથમ આવ્યો. બીજા વર્ષે મને જાપાનની નેશનલ ચેમ્પિયનશીપ રેસમાં ભાગ લેવાનો મોકો મળ્યો. છ અલગ અલગ વખત હું એ રેસમાં બીજા નંબરે આવ્યો.
હું એક પછી એક સ્પર્ધા જીતતો ગયો અને લોકોએ મને એક ઉપનામ આપ્યું, ‘ટોકાઈના મજબૂત પગ.’ ટોકાઈ જાપાનનો એક વિસ્તાર હતો. હરીફાઈનું વલણ મારામાં બહુ પ્રબળ હતું. હું એટલો નિર્દય હતો કે બીજા ખેલાડીઓ મારાથી ડરતા હતા. મારી કમાણી વધવા લાગી હતી. મેં એક ઘર ખરીદ્યું. એક રૂમમાં મેં કસરતનાં સૌથી શ્રેષ્ઠ સાધનો મૂક્યાં હતાં. મેં એક મોંઘીદાટ ગાડી પણ ખરીદી હતી, જેની કિંમત એક ઘર જેટલી હતી. સલામતી માટે હું મિલકતમાં અને શેરબજારમાં રોકાણ કરવા લાગ્યો.
સફળતાનાં શિખરો ચૂમતો હોવા છતાં મને કશાથી સંતોષ ન મળ્યો, જીવનમાં બસ ખાલીપો જ હતો. એ સમય સુધીમાં મારું લગ્ન થઈ ગયું હતું અને અમને ત્રણ દીકરાઓ હતા. ઘણી વાર હું સાન-ભાન ગુમાવી બેસતો અને નાની નાની વાતે મારી પત્ની અને બાળકો પર ગુસ્સે થઈ જતો. તેઓ ખૂબ ડરી ડરીને રહેતાં અને જોતાં કે મારો મૂડ ખરાબ છે કે નહિ.
સમય જતાં, મારી પત્ની યહોવાના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવા લાગી. એનાથી અમારાં જીવનમાં ઘણા ફેરફારો આવ્યા. તે યહોવાના સાક્ષીઓની સભામાં જવા માંગતી હતી, એટલે મેં નક્કી કર્યું કે અમે આખું કુટુંબ સભામાં જઈશું. એક બનાવ હું કદી નહિ ભૂલું. એક રાતે એક વડીલ અમારા ઘરે આવ્યા અને મને બાઇબલમાંથી શીખવવા લાગ્યા. બાઇબલમાંથી શીખેલી એ વાતો મારા મન પર છપાઈ ગઈ.
પવિત્ર શાસ્ત્રે કઈ રીતે મારું જીવન સુધાર્યું: એફેસીઓ ૫:૫ના શબ્દો મારા દિલને સ્પર્શી ગયા. ત્યાં લખ્યું છે: “કોઈ વ્યભિચારી કે અશુદ્ધ કે લોભી માણસ જે મૂર્તિપૂજક જેવો છે, તેને ખ્રિસ્તના અને ઈશ્વરના રાજ્યમાં કોઈ વારસો મળશે નહિ.” મેં જોયું કે સાયકલની સ્પર્ધામાં લોકો સટ્ટો રમે છે અને એ લાલચ જગાડે છે. એના લીધે મારું દિલ ડંખવા લાગ્યું. મને લાગ્યું કે જો મારે યહોવા ઈશ્વરની કૃપા જોઈતી હોય, તો સ્પર્ધા છોડવી જ પડશે. પણ એ નિર્ણય ખૂબ જ અઘરો હતો.
સાયકલના ખેલાડી તરીકે મારું આ વર્ષ ખૂબ સફળ રહ્યું હતું, પણ હજી મારું મન ધરાયું ન હતું. સફળ થવા ઝનૂન જોઈએ, હરીફાઈનું વલણ જોઈએ, પણ બાઇબલ અભ્યાસથી તો હું એકદમ શાંત બની ગયો હતો. શીખવાનું શરૂ કર્યું એના પછી મેં ફક્ત ત્રણ જ વાર સ્પર્ધામાં ભાગ લીધો હતો. પણ સ્પર્ધા માટેનો પ્રેમ હજીયે મારા દિલમાં હતો, નીકળતો જ ન હતો. મને એ પણ સમજાતું ન હતું કે હું કઈ રીતે કુટુંબનું ભરણ-પોષણ કરીશ. મને એવું લાગતું હતું કે હું જાણે થંભી ગયો છું, ન આગળ જઈ શકતો, ન પાછળ! સગા-વહાલાઓએ પણ મને ન છોડ્યો, તેઓનાં કડવાં વેણથી મારું જીવન ઝેર જેવું થઈ ગયું હતું. પપ્પા તો સખત નારાજ થઈ ગયા હતા. હું એટલી તાણ અનુભવતો હતો કે મારા પેટમાં ચાંદાં પડી ગયાં હતાં.
બાઇબલનો અભ્યાસ ચાલુ રાખવાથી અને સભાઓમાં જવાથી મને એ અઘરા સંજોગોનો સામનો કરવા મદદ મળી. ધીરે ધીરે મારી શ્રદ્ધા વધતી ગઈ. મેં યહોવાને વિનંતી કરી કે મારી પ્રાર્થનાઓ સાંભળે અને મને એ જોવા મદદ કરે કે તેમણે એ સાંભળી છે. જ્યારે મારી પત્નીએ મને કહ્યું કે ખુશ રહેવા તેને મોટા બંગલાની જરૂર નથી, ત્યારે મારી ચિંતાઓ હળવી થઈ ગઈ. ધીરે ધીરે હું યહોવાની ભક્તિમાં આગળ વધતો ગયો.
મને કઈ રીતે ફાયદો થયો: હું શીખ્યો કે માથ્થી ૬:૩૩માં લખેલા ઈસુના શબ્દો એકદમ સાચા છે. તેમણે કહ્યું: “એ માટે ઈશ્વરના રાજ્યને અને તેમનાં ધોરણોને જીવનમાં પહેલા રાખો. પછી એ બધું તમને આપવામાં આવશે.” ઈસુએ કહ્યું હતું તેમ જ અમારી દરેક જરૂરિયાત પૂરી થઈ છે. ખેલાડી તરીકે જેટલું કમાતો હતો, એના કરતાં હવે મારી આવક ૩૦ ગણી ઓછી થઈ ગઈ છે. છતાં, પાછલાં ૨૦ વર્ષોમાં મને કે મારા કુટુંબને કશાની ખોટ પડી નથી.
ભાઈ-બહેનો સાથે મળીને યહોવાની ભક્તિ કરવામાં મને અનેરો આનંદ અને સંતોષ મળે છે, જે પહેલાં કદી મળ્યો ન હતો. યહોવાની સેવામાં સમય ક્યાં વહી જાય છે, એની ખબર જ નથી પડતી. કુટુંબમાં હવે અમે એકબીજાની વધારે નજીક આવ્યા છીએ. મારા ત્રણ દીકરાઓ અને તેઓની પત્નીઓ પણ યહોવાની ભક્તિ કરે છે.