‘મેં તમારું નામ જણાવ્યું છે’
‘મેં તમારું નામ જણાવ્યું છે’
“દુનિયામાંથી જે માણસો તમે મને આપ્યા, તેઓને મેં તમારું નામ જાહેર કર્યું છે. . . . મેં તેઓને તમારું નામ જણાવ્યું છે અને જણાવતો રહીશ.”—યોહાન ૧૭:૬, ૨૬.
એનો શું અર્થ થાય: ઈસુએ પ્રચાર કરતી વખતે ઈશ્વરનું નામ જણાવ્યું. જ્યારે તેમણે શાસ્ત્રવચનોમાંથી કલમો વાંચી, ત્યારે તેમણે ઈશ્વરનું નામ વાપર્યું. (લૂક ૪:૧૬-૨૧) તેમણે પોતાના શિષ્યોને આ રીતે પ્રાર્થના કરતા શીખવ્યું: “હે પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.”—લૂક ૧૧:૨.
પહેલાંના ખ્રિસ્તીઓએ એમ કઈ રીતે કર્યું હતું: પ્રેરિત પિતરે યરૂશાલેમના વડીલોને જણાવ્યું કે ઈશ્વરે બીજી પ્રજાઓમાંથી એવા લોકોને બહાર કાઢ્યા, જેઓ “તેમના નામે ઓળખાય છે.” (પ્રેરિતોનાં કાર્યો ૧૫:૧૪) પ્રેરિતો અને બીજાઓએ જણાવ્યું: “જે કોઈ યહોવાને નામે પોકાર કરશે, તે ઉદ્ધાર મેળવશે.” (પ્રેરિતોનાં કાર્યો ૨:૨૧; રોમનો ૧૦:૧૩) તેઓએ પોતાનાં લખાણોમાં પણ ઈશ્વરનું નામ વાપર્યું, જે ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો તરીકે ઓળખાય છે. યહૂદીઓના નિયમોના એક જૂના સંગ્રહમાં લખ્યું છે કે ખ્રિસ્તીઓનો વિરોધ કરનારાઓએ ખ્રિસ્તીઓએ લખેલાં પુસ્તકો બાળી નાખ્યાં. જેમ કે, માથ્થી, માર્ક, લૂક અને યોહાને લખેલાં પુસ્તકો. એ પુસ્તકોમાં ઈશ્વરનું નામ હતું, તેમ છતાં તેઓએ એ બાળી નાખ્યાં.
આજે એ પ્રમાણે કોણ કરે છે? એક બાઇબલ ભાષાંતરની પ્રસ્તાવનામાં લખ્યું છે કે ખ્રિસ્તી ચર્ચો એકમાત્ર સાચા ઈશ્વર માટે કોઈ નામ વાપરે એ ખોટું છે, કેમ કે બીજાં દેવ-દેવીઓથી એ ઈશ્વરને જુદા પાડવાની કોઈ જરૂર નથી. ઈસુનો જન્મ થયો એ પહેલાં જ યહૂદી ધર્મએ ઈશ્વરનું નામ વાપરવાનું બંધ કરી દીધું હતું. એટલે એ ભાષાંતરમાં ઈશ્વરના નામના બદલે “પ્રભુ” ખિતાબ વાપરવામાં આવ્યો છે. તાજેતરમાં, વેટિકને (અથવા પોપની સરકારે) પોતાના બિશપોને જણાવ્યું કે તેઓ ગીતોમાં અને પ્રાર્થનાઓમાં ઈશ્વરના નામના ચાર મૂળાક્ષરો યહવહ * ન વાપરે.
આજે કયા લોકો ઈશ્વરને તેમના નામથી બોલાવે છે અને બીજાઓને એ નામ જણાવે છે? કિર્ગિઝસ્તાનના સર્ગીનો વિચાર કરો. તે પંદરેક વર્ષનો હતો ત્યારે તેણે એક પિક્ચર જોયું હતું. એમાં બતાવ્યું હતું કે ઈશ્વરનું નામ યહોવા છે. પણ દસેક વર્ષ સુધી તેને ઈશ્વરનું નામ ફરી સાંભળવા ન મળ્યું. પછી તે અમેરિકા રહેવા ગયો. ત્યાં બે યહોવાના સાક્ષીઓ ઘર ઘરના પ્રચારકામ દરમિયાન સર્ગીને મળ્યા અને તેઓએ તેને બાઇબલમાંથી ઈશ્વરનું નામ બતાવ્યું. સર્ગીને એવા લોકોને મળીને ખુશી થઈ જેઓ ઈશ્વરને તેમના નામ યહોવાથી બોલાવે છે. વધુમાં, વેબસ્ટર થર્ડ ન્યૂ ઇન્ટરનેશનલ ડિક્શનરી જણાવે છે કે યહોવા ઈશ્વર જ સર્વોચ્ચ ઈશ્વર છે અને તે એકમાત્ર ઈશ્વર છે જેમને યહોવાના સાક્ષીઓ ભજે છે.
[ફૂટનોટ]
^ ગુજરાતીમાં એનો ઉચ્ચાર “યહોવા,” “યહોવાહ” કે “યાહવે” થાય છે.