વાચકો તરફથી પ્રશ્નો
દારૂનો ગ્લાસ બીજાના ગ્લાસ સાથે ટકરાવવો કે નહિ, એ વિશે બાઇબલમાં કંઈ જણાવ્યું નથી. તો પછી યહોવાના સાક્ષીઓ કેમ એવું કરતા નથી?
કોઈ વ્યક્તિ અથવા વસ્તુને માન આપવા લોકો પોતાનો દ્રાક્ષદારૂનો (અથવા આલ્કોહોલવાળા કોઈ પણ પીણાંનો) ગ્લાસ ઊંચો કરે છે અને પછી એમાંથી પીએ છે, એ રિવાજને અંગ્રેજીમાં ટોસ્ટીંગ કહેવાય છે. એ આજકાલ ખૂબ જ સામાન્ય છે અને અલગ અલગ દેશોમાં લોકો એને અલગ અલગ રીતે કરે છે. અમુક વાર લોકો પોતાનો દારૂનો ગ્લાસ બીજાના ગ્લાસ સાથે ટકરાવે છે અને ‘ચીઅર્સ’ કે એવું કંઈક બોલે છે. એક વ્યક્તિ પોતાનો દારૂનો ગ્લાસ ઊંચો કરીને બીજી વ્યક્તિને ખુશીઓ, સારી તંદુરસ્તી, લાંબા જીવન અથવા બીજા કશાની શુભેચ્છાઓ પાઠવે છે. બીજા લોકો પોતાની સહમતી બતાવવા કંઈક બોલે છે અથવા પોતાનો ગ્લાસ ઊંચો કરીને થોડો દારૂ પીએ છે. ઘણાને લાગે છે કે એનાથી કોઈનું નુકસાન નથી થતું અને એ સારી રીતભાતનો એક ભાગ છે. પણ અમુક વાજબી કારણોને લીધે યહોવાના સાક્ષીઓ એવું કરતા નથી. ચાલો એ કારણો જોઈએ.
એવું નથી કે યહોવાના ભક્તો ચાહતા નથી કે બીજાઓને ખુશીઓ અને સારી તંદુરસ્તી મળે. નિયામક જૂથે પહેલી સદીનાં મંડળોને જે પત્ર લખ્યો હતો, એમાં છેલ્લે એક ગ્રીક શબ્દ લખ્યો હતો. એ શબ્દનો અર્થ આવો થાય, “તમારી સંભાળ રાખજો!” “તમારું ભલું થાઓ” અથવા “અમારા તરફથી તમને શુભેચ્છા.” (પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨૯) અમુક વફાદાર ઈશ્વરભક્તોએ રાજાઓને કહ્યું હતું: ‘મારા માલિક, સદા જીવો!’ અથવા “હે રાજા, જુગ જુગ જીવો!”—૧ રાજાઓ ૧:૩૧; નહેમ્યા ૨:૩.
પણ દ્રાક્ષદારૂનો ગ્લાસ ઊંચો કરીને શુભેચ્છા પાઠવવાનો રિવાજ ક્યાંથી શરૂ થયો? જાન્યુઆરી ૧, ૧૯૬૮ ચોકીબુરજમાં (અંગ્રેજી) એક વિશ્વકોશના આ શબ્દો ટાંક્યા હતા: ‘દ્રાક્ષદારૂના ગ્લાસથી બીજાઓને સારી તંદુરસ્તીની શુભેચ્છાઓ પાઠવવી એ રિવાજ કદાચ પ્રાચીન ધાર્મિક રીતરિવાજોને આધારે છે. એ સમયના લોકો દેવતાઓને અને મરેલાઓને અર્પણ ચઢાવતી વખતે દારૂ પીતા હતા. ગ્રીક અને રોમન લોકો જમતી વખતે તેઓના દેવોને દ્રાક્ષદારૂ-અર્પણ ચઢાવતા હતા અને ઉજવણીઓમાં તેઓના દેવો અને મરેલાઓના માનમાં દ્રાક્ષદારૂ પીતા હતા. અર્પણો ચઢાવતી વખતે પણ તેઓ કદાચ દ્રાક્ષદારૂ પીતા હતા અને બીજાઓને સારી તંદુરસ્તીની શુભેચ્છાઓ પાઠવતા હતા.’—ઍન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા (૧૯૧૦), ગ્રંથ ૧૩, પાન ૧૨૧.
શું એ આજે પણ લાગુ પડે છે? એક અંગ્રેજી પુસ્તક કહે છે: “ભલે લોકો કોઈ ધાર્મિક કારણના લીધે ગ્લાસ ઊંચો કરવાનો રિવાજ પાળતા ન હોય, પણ એ પ્રાચીન રીતરિવાજમાંથી આવેલો છે, જેમાં લોકો તેઓના દેવોને પવિત્ર પીણું, એટલે કે લોહી અથવા દ્રાક્ષદારૂ ચઢાવતા હતા અને સારી તંદુરસ્તીની દુઆ માંગતા હતા.”
જરૂરી નથી કે પ્રાચીન ધર્મોમાં જે વસ્તુઓ વપરાતી હતી અને જે વિધિઓ થતી હતી એ ખોટી છે. દાડમનો દાખલો લો. એક પ્રખ્યાત બાઇબલ વિશ્વકોશ કહે છે કે, અમુક ધર્મના લોકો દાડમને પવિત્ર ગણતા હતા અને એનો ભક્તિમાં ઉપયોગ કરતા હતા. તોપણ ઈશ્વરે ઇઝરાયેલીઓને કહ્યું હતું કે તેઓ પ્રમુખ યાજકના કપડાની અને મંદિરના થાંભલાની સજાવટમાં દાડમનો ઉપયોગ કરે. (નિર્ગમન ૨૮:૩૩; ૨ રાજાઓ ૨૫:૧૭) વધુમાં, લગ્નમાં વીંટી પહેરાવવાનો રિવાજ પ્રાચીન ધર્મોમાંથી આવ્યો છે. પણ આજે લોકો લગ્નની વીંટીને ધાર્મિક રિવાજ ગણતા નથી. લગ્નની વીંટી ફક્ત એટલું જ બતાવે છે કે એ વ્યક્તિ પરણેલી છે.
દેવ-દેવીઓની ભક્તિમાં દ્રાક્ષદારૂના ઉપયોગ વિશે બાઇબલ શું કહે છે? આ બનાવનો વિચાર કરો. શખેમના માણસો બઆલની ભક્તિ કરતા હતા. એક વખતે “તેઓ પોતાના દેવના મંદિરમાં ગયા. તેઓએ ખાધું-પીધું અને [ગિદિયોનના દીકરા] અબીમેલેખને શ્રાપ દીધો.” (ન્યાયાધીશો ૯:૨૨-૨૮) શું યહોવાના વફાદાર ભક્તે તેઓની સાથે દ્રાક્ષદારૂ પીધો હોત અને બઆલને વિનંતી કરી હોત કે અબીમેલેખને શ્રાપ આપે? એક સમયે ઘણા ઇઝરાયેલીઓએ યહોવા સામે બંડ કર્યું હતું. તેઓનાં કામો વિશે આમોસે કહ્યું: ‘તેઓ વેદીઓ આગળ સૂઈ જાય છે, દંડમાં મળેલા પૈસાથી તેઓ દ્રાક્ષદારૂ ખરીદે છે અને પોતાના દેવોના મંદિરમાં એ પીએ છે.’ (આમોસ ૨:૮) શું સાચા ઈશ્વરભક્તોએ એવું કર્યું હોત, પછી ભલેને એ દ્રાક્ષદારૂને અર્પણમાં ચઢાવવામાં આવ્યો હોત અથવા દેવોના માનમાં પીવામાં આવ્યો હોત? (યર્મિયા ૭:૧૮) અથવા શું એક વફાદાર સેવકે દ્રાક્ષદારૂનો ગ્લાસ ઊંચો કરીને ઈશ્વરને કહ્યું હોત કે કોઈ વ્યક્તિને શ્રાપ કે આશીર્વાદ આપે?
તમને જાણીને નવાઈ લાગશે કે યહોવાના ભક્તોએ અમુક સમયે હાથ ઊંચા કરીને ઈશ્વર પાસે આશીર્વાદ માંગ્યા હતા. તેઓએ સાચા ઈશ્વર આગળ પોતાના હાથ ફેલાવ્યા હતા. બાઇબલમાં લખ્યું છે: ‘સુલેમાન યહોવાની વેદી આગળ ઊભો રહ્યો. તેણે આકાશ તરફ પોતાના હાથ ફેલાવ્યા અને કહ્યું: “હે ઇઝરાયેલના ઈશ્વર યહોવા, તમારા જેવો બીજો કોઈ ઈશ્વર નથી. સ્વર્ગમાંના તમારા રહેઠાણમાંથી તમે સાંભળજો; હા, તમે સાંભળજો અને માફી આપજો.”’ (૧ રાજાઓ ૮:૨૨, ૨૩, ૩૦) એવી જ રીતે, ‘એઝરાએ યહોવાની સ્તુતિ કરી. બધા લોકોએ પોતાના હાથ ઊંચા કરીને કહ્યું, “આમેન! આમેન!” તેઓ યહોવા આગળ ઘૂંટણિયે પડ્યા અને પોતાનું માથું જમીન સુધી નમાવ્યું.’ (નહેમ્યા ૮:૬; ૧ તિમોથી ૨:૮) એનાથી સાફ જોવા મળે છે કે એ વફાદાર ભક્તોએ આકાશો સામે હાથ ઊંચા કરીને કોઈ શુકનના દેવ પાસે આશીર્વાદ માંગ્યો ન હતો.—યશાયા ૬૫:૧૧.
દારૂનો ગ્લાસ ઊંચો કરતી વખતે ઘણા લોકો કદાચ કોઈ ભગવાન પાસેથી આશીર્વાદ મેળવવાની અપેક્ષા રાખતા નથી. પણ તેઓ કેમ ગ્લાસ ઊંચો કરે છે એનું કારણ પણ સમજાવી શકતા નથી. ભલે તેઓને કારણ ખબર ન હોય, પણ યહોવાના ભક્તો તેઓને અનુસરતા નથી અને એ રિવાજમાં ભાગ લેતા નથી.
તમે કદાચ જાણતા હશો કે યહોવાના સાક્ષીઓ બીજા પણ અમુક જાણીતા રિવાજોમાં ભાગ લેતા નથી. દાખલા તરીકે, ઘણા લોકો ધ્વજને સલામી આપે છે અથવા બીજી કોઈ રીતે દેશભક્તિ જાહેર કરે છે. પણ તેઓ જાણતા નથી કે હકીકતમાં એ એક પ્રકારની ભક્તિ છે. યહોવાના સાક્ષીઓ કોઈને એમ કરતા રોકતા નથી, પણ તેઓ પોતે એવું કરતા નથી. જો યહોવાના સાક્ષીઓને ખબર હોય કે એવું કંઈક બનવાનું છે, તો તેઓ ત્યાં હાજર રહેતા નથી, જેથી બીજાઓને ઠોકર ન લાગે. પણ જો કોઈ કારણે ત્યાં હાજર રહેવું પડે, તો તેઓ કોઈ પણ રીતે દેશભક્તિમાં ભાગ લેતા નથી, કેમ કે એ બાઇબલની વિરુદ્ધ છે. (નિર્ગમન ૨૦:૪, ૫; ૧ યોહાન ૫:૨૧) બની શકે કે, આજે કદાચ લોકો દ્રાક્ષદારૂના ગ્લાસને ઊંચા કરવાના રિવાજને ધાર્મિક માન્યતા સાથે સાંકળતા ન હોય. પણ યહોવાના સાક્ષીઓ એ રિવાજમાં ભાગ લેતા નથી, કેમ કે એ ધાર્મિક માન્યતા સાથે જોડાયેલું છે અને આજે પણ ઘણા લોકો એને ‘આકાશમાંથી’ આશીર્વાદ મેળવવા જેવું ગણે છે, જાણે કે કોઈક અલૌકિક શક્તિ તેઓને મદદ કરતી હોય.—નિર્ગમન ૨૩:૨.