વાચકો પૂછે છે . . .
શું યહોવાના સાક્ષીઓમાં બહેનો પણ શીખવે છે?
હા. દુનિયાભરમાં યહોવાના સાક્ષીઓમાં લાખો બહેનો ઈશ્વરના રાજ્ય વિશે લોકોને શીખવે છે. ગીતશાસ્ત્ર ૬૮:૧૧માં પહેલેથી જણાવ્યું હતું: “યહોવા પોતાના લોકોને આજ્ઞા આપે છે; ખુશખબર કહેનારી સ્ત્રીઓનું મોટું ટોળું છે.”
પણ યહોવાના સાક્ષીઓમાં બહેનો જે રીતે શીખવે છે અને બીજા ધર્મોમાં સ્ત્રીઓ જે રીતે શીખવે છે, એમાં આભ-જમીનનો ફરક છે. કઈ રીતે?
બીજા ધર્મની સ્ત્રીઓ પોતાના સંગઠનના સભ્યોને શીખવે છે અને આગેવાની લે છે. પણ યહોવાના સાક્ષીઓના સંગઠનમાં બહેનો મંડળની બહારના લોકોને શીખવે છે. તેઓ ઘરે ઘરે જઈને કે પછી બીજી જગ્યાએ મળતા લોકોને ખુશખબર જણાવે છે.
બીજો એક તફાવત છે કે યહોવાના સાક્ષીઓના મંડળોમાં પુરુષોને શીખવવાની જવાબદારી સોંપવામાં આવી છે. એટલે, સભાઓમાં બાપ્તિસ્મા પામેલા ભાઈઓ હોય ત્યારે, બહેનો શીખવતી નથી.—૧ તિમોથી ૩:૨; યાકૂબ ૩:૧.
બાઇબલમાં જણાવ્યું છે કે ફક્ત પુરુષોને જ મંડળમાં વડીલો તરીકે પસંદ કરવામાં આવે છે. દાખલા તરીકે, પાઉલે તિતસને ‘શહેરેશહેર વડીલો નીમવા’ કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે એ પુરુષો ‘પર કોઈ આરોપ ન હોવો જોઈએ’ અને તેઓ ‘એક જ પત્નીના પતિ’ હોવા જોઈએ. (તિતસ ૧:૫, ૬) પાઉલે તિમોથીને એવું જ કંઈક કહ્યું હતું: ‘જો કોઈ માણસ મંડળની દેખરેખ રાખનાર બનવા માંગતો હોય અને એ માટે મહેનત કરતો હોય, તો તે સારા કામની ઇચ્છા રાખે છે. એટલે દેખરેખ રાખનાર માણસ દોષ વગરનો, એક પત્નીનો પતિ અને શીખવી શકે એવો હોવો જોઈએ.’—૧ તિમોથી ૩:૧, ૨.
મંડળમાં શા માટે ફક્ત પુરુષોને જ વડીલો તરીકે પસંદ કરવામાં આવે છે? પાઉલે કહ્યું: “મંડળને શીખવવાની અથવા પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે ચૂપ રહેવું જોઈએ. કેમ કે પહેલા આદમને રચવામાં આવ્યો હતો, પછી હવાને.” (૧ તિમોથી ૨:૧૨, ૧૩) એના પરથી શું શીખવા મળે છે? ઈશ્વર ચાહે છે કે પુરુષો જ મંડળમાં શીખવે અને આગેવાની લે.
બધા યહોવાના સાક્ષીઓ પોતાના આગેવાન ઈસુ ખ્રિસ્તના પગલે ચાલે છે. ઈસુ વિશે લૂકે લખ્યું: “ઈસુ શહેરેશહેર અને ગામેગામ ગયા. તે ઈશ્વરના રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવા લાગ્યા.” પછી ઈસુએ પોતાના શિષ્યોને પણ જઈને પ્રચાર કરવા કહ્યું. એટલે, “તેઓ આખા વિસ્તારમાં ગામેગામ બધે ખુશખબર જાહેર કરતા” ગયા.—લૂક ૮:૧; ૯:૨-૬.
ઈસુએ સોંપેલું કામ પૂરું કરવા આજે પણ યહોવાના સાક્ષીઓ પોતાનાથી બનતું બધું કરે છે. એ કામ પુરુષો અને સ્ત્રીઓ, બંને કરે છે. એ વિશે ઈસુએ પહેલેથી કહ્યું હતું: “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.”—માથ્થી ૨૪:૧૪.