સ્કીપ ટુ કન્ટેન્ટ

ધર્મને નામે ધતિંગ ક્યાં સુધી ચાલશે?

ધર્મને નામે ધતિંગ ક્યાં સુધી ચાલશે?

રાજ્યસંદેશ નં. ૩૭

બધા માટે સંદેશો

ધર્મને નામે ધતિંગ ક્યાં સુધી ચાલશે?

▪ ધર્મને નામે કેવા ધતિંગ થાય છે?

▪ એને કોણ રોકશે?

▪ તમારે એ કેમ જાણવું જોઈએ?

ધર્મને નામે શું ચાલે છે?

ધર્મને નામે ઘણા ધતિંગ થાય છે. ધર્મ દેશ-દેશની વચ્ચે સંપ નહિ, પણ નફરતની દીવાલ કેમ ઊભી કરે છે? આતંકવાદીઓ ધર્મને નામે કેમ નિર્દોષ લોકોના જીવ લઈ લે છે? ભ્રષ્ટાચાર પણ ઉપરવાળાને નામે કેમ થાય છે? ખુદાને, ભગવાનને, ગોડને નામે કેમ આ બધું ચાલે છે?

કારણ કે સાચા ઈશ્વર જે શીખવે છે એ ધર્મગુરુઓ શીખવતા નથી. પ્રભુ ઈસુએ સમજાવ્યું કે ‘ખરાબ ઝાડમાં ખરાબ ફળ ઊગે છે.’ (માત્થી ૭:૧૫-૧૭) આજે ધર્મો ખરાબ ઝાડ જેવા ફૂલ્યા-ફાલ્યા છે. તેઓ જે શીખવે છે એના ફળ પણ ખરાબ છે. કઈ રીતે?

 

ધર્મ રાજનીતિમાં માથું મારે છે, હિંસાને ઉશ્કેરે છે: એશિયા વીક છાપું જણાવે છે કે, ‘પોતાનું વર્ચસ્વ અને દબદબો વધારવા ધર્મગુરુઓ પ્રજાની ભાવના ભડકાવે છે. પ્રજા પણ ધર્મને નામે ભડકે છે. ધર્મને નામે આ પાગલપન કહેવાય.’ અમેરિકાના એક જાણીતા પાદરીએ કહ્યું કે, ‘બધા આતંકવાદીઓને ઈશ્વરને નામે ગોળીથી ઉડાવી દેવા જોઈએ. પછી જ શાંતિ આવશે.’ આ માણસ બાઇબલને માનનાર. પણ બાઇબલ શું એવું શીખવે છે? ના. એમાં તો ચોખ્ખે-ચોખ્ખું લખ્યું છે કે, જો કોઈ કહે કે હું ઈશ્વરને પ્રેમ કરું છું, પણ પછી એ જ માણસ બીજાની નફરત કરે તો એ જૂઠો છે. તે ઈશ્વરને પ્રેમ કરતો નથી. (૧ યોહાન ૪:૨૦) ઈસુએ પણ કહ્યું કે ‘તમારા દુશ્મનોને પણ પ્રેમ કરો.’ (માત્થી ૫:૪૪) તોપણ ધર્મને નામે કેટ-કેટલી લડાઈઓ, મારામારી ને કાપાકાપી થાય છે.

ધર્મો સનાતન સત્ય શીખવતા નથી: એક દાખલો લઈએ. મોટા ભાગના લોકો માને છે કે માણસ મરે, પણ આત્મા નહિ. કોઈ ગુજરી જાય તો કહેશે કે તેના આત્માને શાંતિ મળે માટે જાત-જાતની વિધિઓ કરાવવી પડશે. ઘણા ધર્મો એવું શીખવીને લોકોને ખોટા રસ્તે લઈ જાય છે, તેઓના પૈસા પડાવે છે. પણ બાઇબલમાં એવું કંઈ લખ્યું નથી કે આપણામાં આત્મા જેવું કંઈ છે. એમાં લખ્યું છે કે મરેલો માણસ જોઈ શકતો નથી. સાંભળી શકતો નથી. વિચારી શકતો નથી. કંઈ જ કરી શકતો નથી. (સભાશિક્ષક ૯:૫) તો પછી માણસ ગુજરી જાય ત્યારે ખરેખર શું થાય? તે પાછો જનમ લેતો નથી. બાઇબલમાં લખ્યું છે કે પરમેશ્વર ગુજરી ગયેલા લોકોને આ ધરતી પર પાછા જીવતા કરશે. (યોહાન ૧૧:૧૧-૨૫) આ હકીકત છે. સત્ય છે. શું તમારો ધર્મ એ શીખવે છે?

ધર્મ કંઈ પણ ચલાવી લે છે: આજે ઘણા દેશોમાં ચર્ચના લોકો સરકારોને દબાણ કરે છે કે તેઓ સ્ત્રીઓને સ્ત્રીઓ સાથે અને પુરુષોને પુરુષો સાથે પરણવા દે. અરે, એવા લોકોને પાદરી પણ બનાવે છે. ઘણા ચર્ચના લોકો એવા ગંદા કામ ચલાવી લેતા નથી. તોપણ તેઓના પાદરીઓ બાળકોને પોતાની વાસનાનો શિકાર બનાવે તો ચલાવી લે છે. એવાં કાળાં કામો વિષે બાઇબલ ચોખ્ખું કહે છે કે ચેતો, વ્યભિચારીઓ અને મૂર્તિપૂજકોને ઈશ્વરનો આશીર્વાદ મળશે નહિ. લગ્‍ન પહેલાં સેક્સ કે સ્ત્રી-સ્ત્રી સાથે અને પુરુષ-પુરુષ સાથે સેક્સ સંબંધ બાંધે છે તેઓને ઈશ્વરનો આશીર્વાદ મળશે નહિ. (૧ કોરીંથી ૬:૯, ૧૦) તમે પણ આવાં કામો વિષે સાંભળ્યું હશે, તમારી નજરે જોયું હશે.

જેઓ ગૉડને નામે, ખુદાને નામે, ભગવાનને નામે આવા ધતિંગ કરે છે, તેઓનું શું થશે? ઈસુએ કહ્યું, “જે કોઈ વૃક્ષ સારું ફળ આપી શકતું નથી તેને કાપી નાખવામાં આવે છે અને અગ્‍નિમાં બાળી નાખવામાં આવે છે.” (માત્થી ૭:૧૯) જે ધર્મ ઈશ્વરને નામે આવું ચલાવી લે છે એનો સર્વનાશ થશે. પણ કઈ રીતે? ક્યારે? બાઇબલના છેલ્લા પુસ્તક પ્રકટીકરણમાં એનો જવાબ લખ્યો છે.

ઈશ્વરનો માર્ગ નથી શીખવતા એ ધર્મોનો નાશ થશે

બાઇબલ એક વેશ્યા વિષે જણાવે છે. મોંઘાં મોંઘાં કપડાંનો એનો શણગાર છે. એની ચારે બાજુ અગરબત્તીની ધૂપ ફેલાયેલી છે. ધન-દોલતમાં તે આળોટે છે. ધરતીના સર્વ ‘રાજાઓને’ તે નચાવે છે. અરે, આખી દુનિયાને પણ પોતાના જાદુમંતરથી ભમાવે છે. (પ્રકટીકરણ ૧૭:૧૮; ૧૮:૧૨, ૧૩, ૨૩) આ વેશ્યા કોણ છે? બાઇબલ જણાવે છે કે એ તો બધા ધર્મો છે, જે સાચા ઈશ્વરનો માર્ગ શીખવતા નથી. વેશ્યાની જેમ તેઓ પાપી કામો કરે છે. એ જ વેશ્યા એક ખતરનાક જાનવર પર બેઠી છે. એ જાનવર પણ જેવું તેવું નહિ, એને તો સાત માથા અને દશ શિંગડા છે!—પ્રકટીકરણ ૧૭:૧-૪.

આ ખતરનાક જાનવરનો અર્થ શું થાય? બાઇબલ જણાવે છે કે આ જાનવર દુનિયાની સરકારો અને નેતાઓને રજૂ કરે છે. * (પ્રકટીકરણ ૧૭:૧૦-૧૩) આ નેતાઓ કોને ઇશારે ચાલે છે? ધર્મોને ઇશારે. એ વેશ્યાને ઇશારે. એટલે કે ધર્મને નામે જે ધતિંગો થાય છે, એ નેતાઓ ચલાવી લે છે.

હવે શું થશે એનો જરા વિચાર કરો. દશ શિંગડાંવાળું જાનવર ‘વેશ્યાનો તિરસ્કાર કરવા લાગશે. તેનું બધું પડાવી લઈને નગ્‍ન કરી દેશે. તેનું માંસ ખાઈ જશે અને તેને અગ્‍નિથી બાળી નાખશે.’ (પ્રકટીકરણ ૧૭:૧૬) કોઈ કારણ વગર, આ દુનિયાના નેતાઓ એકેએક ધર્મોનો સર્વનાશ કરશે. એમ કેવી રીતે થશે? એક જ સાચા ઈશ્વર પોતાનો વિચાર રાજનેતાઓના મનમાં મૂકશે. (પ્રકટીકરણ ૧૭:૧૭) ઈશ્વર તેઓના મનમાં ધર્મોનું નામનિશાન મિટાવવાનો વિચાર મૂકશે. એટલે કે જેઓએ ઈશ્વરને નામે લોકોને ખોટે માર્ગે ચડાવ્યા છે, ધર્મને નામે પાપ કર્યાં છે, તેઓએ ઈશ્વરને જવાબ આપવો પડશે. હા, તેઓનો સર્વનાશ થશે.

સર્વનાશ એ ધર્મોનો જ નહિ, એમાં માનનારાનો પણ થશે. તમારે બચવું હોય તો શું કરશો? બાઇબલ જણાવે છે કે ‘એમાંથી નીકળી જાવ.’ (પ્રકટીકરણ ૧૮:૪) શું એનો અર્થ એમ થાય કે આપણે સાવ નાસ્તિક બની જઈએ? ના, એવા લોકોનો પણ ન્યાય થશે. (૨ થેસ્સાલોનીકી ૧:૬-૯) તો શું કરીએ? આપણે એવો ધર્મ, એ ખોટો માર્ગ છોડી દઈએ. સાચે માર્ગે ચાલીએ! સાચા ઈશ્વરને ઓળખવાનો એક જ માર્ગ છે, ઘણા નહિ. એ ધર્મ કોણ પાળે છે?

ઈશ્વરને ભજવાનો એક જ માર્ગ છે

સાચા માર્ગ પર ચાલતા લોકો સારાં ફળ આપે છે.—માત્થી ૭:૧૭.

સાચો માર્ગ શું શીખવે છે?

પ્રેમભાવ રાખતા શીખવે છે: જેઓ સાચા ઈશ્વરને માને છે તેઓ સંસારમાં ડૂબી જતા નથી. તેઓ માટે દુનિયાના બધા લોકો એક સરખા. ન કોઈ રંગભેદ, ન કોઈ નાત-જાતનો ભેદ. તેઓ ‘એકબીજા પર સાચો પ્રેમ’ રાખે છે. (યોહાન ૧૩:૩૫; ૧૭:૧૬; પ્રેરિતોના કૃત્યો ૧૦:૩૪, ૩૫) તેઓ કોઈનો જીવ લેતા નથી, ખૂન-ખરાબી કરતા નથી. પણ એકબીજા માટે પોતાનો જીવ આપી દે છે. આ જ સાચો ધર્મ કહેવાય. સાચા ઈશ્વરનો માર્ગ.—૧ યોહાન ૩:૧૬.

ઈશ્વરનો બોલ પાળવાનું શીખવે છે: ઈશ્વરે બાઇબલ આપ્યું છે. એમાં તેમના પોતાના વિચારો છે. એ સત્ય શીખવે છે. જીવન સુધારે છે. સાચો રસ્તો બતાવે છે. (૨ તિમોથી ૩:૧૬) જેઓ ઈશ્વરને માર્ગે ચાલે છે, તેઓ માણસો કે ગુરુઓની વાતમાં આવી જતા નથી. પણ બાઇબલમાં ઈશ્વરે જે લખાવ્યું છે, જે કહ્યું છે, એ પ્રમાણે જ ચાલે છે.—માત્થી ૧૫:૬-૯.

પરિવારમાં સંપ લાવે છે, સારા સંસ્કાર શીખવે છે: ઈશ્વર શીખવે છે કે પતિ પત્ની સાથે પ્રેમથી રહે. પત્ની પતિને માન આપે. બાળકો મમ્મી-પપ્પાનું કહેવું માને. (એફેસી ૫:૨૮, ૩૩; ૬:૧) બીજાને બોધ આપવા જાય, તેના પોતાના સારા સંસ્કાર હોવા જ જોઈએ. નહિ તો બીજાને શીખવવાનો શો ફાયદો?—૧ તિમોથી ૩:૧-૧૦.

આજે એ માર્ગે કયો ધર્મ ચાલે છે? એ કોણ પાળે છે? ઇતિહાસનું એક પુસ્તક જણાવે છે: ‘યહોવાના સાક્ષીઓ બાઇબલમાંથી શીખવે છે, એ પ્રમાણે જીવે છે. જો આખી દુનિયા એ પ્રમાણે જીવતી હોત, તો બીજા વિશ્વયુદ્ધમાં જર્મન લશ્કરને હાથે લાખો લોકો મર્યા ન હોત. કોઈ પણ જાતિની મોટી કત્લેઆમ થઈ ન હોત. દુનિયા આખી સુખ-શાંતિમાં હોત.’ (હોલોકોસ્ટ પોલીટીક્સ)

યહોવા પરમેશ્વરના ભક્તો ૨૩૫ દેશોમાં બાઇબલમાંથી યહોવા, સાચા ઈશ્વર વિષે શીખવવા જાય છે. તેઓ કહે એક ને કરે બીજું એવું નથી. પણ બાઇબલનો હરેક શબ્દ પાળવાની કોશિશ કરે છે. તમે યહોવાના ભક્તો સાથે વાત કરો. તેઓ તમને ઈશ્વરનો માર્ગ બતાવશે. સાચા ઈશ્વર વિષે શીખવશે. મોડું કરશો નહિ. ઈશ્વરને નામે ધતિંગ કરતા ધર્મોનો ન્યાય કરવાની ઘડી આવી ગઈ છે!—સફાન્યાહ ૨:૨, ૩.

યહોવાના સાક્ષીઓ બાઇબલમાંથી ઈશ્વરનો સંદેશો ફેલાવે છે. જો તમને વધુ જાણવું હોય તો, નીચે આપેલા સરનામે જરૂર લખો.

□ જાગતા રહો! નામની ચોપડી વિષે મને જણાવો.

□ મને કોઈ ચાર્જ વગર બાઇબલમાંથી શીખવું છે. કોઈને મારા ઘરે મોકલો.

[Footnote]

^ આ વિષય પર વધારે સમજણ માટે, પ્રકટીકરણ—એની ભવ્ય પરાકાષ્ઠા હાથવેંતમાં છે! પુસ્તક જુઓ. એ યહોવાના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[Blurb on page 3]

‘ઓ મારા લોક, તેમાંથી નીકળી જાઓ’

[Blurb on page 3]

દુનિયાના સર્વ ‘રાજનેતાઓ’ ધર્મગુરુઓને ઇશારે નાચે છે