સ્કીપ ટુ કન્ટેન્ટ

ભવિષ્ય વિશે તમે શું વિચારો છો?

ભવિષ્ય વિશે તમે શું વિચારો છો?

શું આપણી દુનિયા . . .

  • આવી જ રહેશે?

  • બગડતી જશે?

  • સુધરશે?

પવિત્ર શાસ્ત્ર શું કહે છે?

“ઈશ્વર તેઓની આંખોમાંનું એકેએક આંસુ લૂછી નાખશે. શોક કે વિલાપ કે દુઃખ રહેશે નહિ. અરે, મરણ પણ રહેશે નહિ! ઈશ્વર આપણાં બધાં દુઃખો દૂર કરશે!”—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

આ વચનથી આશા મળે છે કે . . .

તમારી પાસે આનંદ અને સંતોષ મળે એવું કામ હશે.—યશાયા ૬૫:૨૧-૨૩.

કોઈ પ્રકારની બીમારી કે દુઃખ-દર્દ નહિ હોય.—યશાયા ૨૫:૮; ૩૩:૨૪.

કુટુંબ અને મિત્રો સાથે તમે હંમેશ માટેનું સુખી જીવન માણશો.—ગીતશાસ્ત્ર ૩૭:૧૧, ૨૯.

પવિત્ર શાસ્ત્ર જે કહે છે, એ શું આપણે ખરેખર માની શકીએ?

હા, એ માનવાનાં ઓછાંમાં ઓછાં બે કારણો છે:

  • ઈશ્વર પાસે વચન પૂરું કરવાની શક્તિ છે. પવિત્ર શાસ્ત્રમાં ફક્ત યહોવા ઈશ્વરને જ “સર્વશક્તિમાન” કહેવામાં આવ્યા છે, કેમ કે તેમની પાસે અપાર શક્તિ છે. (પ્રકટીકરણ ૧૫:૩) તેથી તે પોતાના વચન પ્રમાણે આપણી દુનિયાને સારી બનાવી શકે છે. શાસ્ત્ર જણાવે છે તેમ, “ઈશ્વર માટે બધું જ શક્ય છે.”—માથ્થી ૧૯:૨૬.

  • ઈશ્વર પોતાનું વચન પૂરું કરવા ચાહે છે. દાખલા તરીકે, જેઓ મરણ પામ્યા છે તેઓને જીવતા કરવાની યહોવા ઝંખના રાખે છે.—અયૂબ ૧૪:૧૪, ૧૫.

    પવિત્ર શાસ્ત્ર એ પણ બતાવે છે કે ઈશ્વરના દીકરા ઈસુએ બીમાર લોકોને સાજા કર્યા હતા. તેમણે શા માટે એમ કર્યું? કેમ કે એમ કરવાની તેમની તમન્‍ના હતી. (માર્ક ૧:૪૦, ૪૧) જે લોકોને જરૂર હતી તેઓને ઈસુએ મદદ કરી હતી. આ બતાવે છે કે ઈસુનો સ્વભાવ તેમના પિતા યહોવા જેવો જ હતો.—યોહાન ૧૪:૯.

    એટલે આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવા અને ઈસુ આપણું ભવિષ્ય સુખી કરવા કોઈ પણ મદદ કરવા તૈયાર છે.—ગીતશાસ્ત્ર ૭૨:૧૨-૧૪; ૧૪૫:૧૬; ૨ પિતર ૩:૯.

વિચારવા જેવું

ઈશ્વર કઈ રીતે દુનિયાને સારી બનાવશે?

એનો જવાબ પવિત્ર શાસ્ત્રમાં અહીં જોવા મળે છે: માથ્થી ૬:૯, ૧૦ અને દાનિયેલ ૨:૪૪.