પહેરવેશ અને શણગાર મારા માર્ગમાં કાંટા જેવા હતા
આઇલીન બ્રમ્બોના જણાવ્યા પ્રમાણે
મારું કુટુંબ ભાઈઓની મંડળીનો (બ્રધરન ચર્ચનો) ભાગ હતું. મારો ઉછેર પણ એ ધર્મમાં થયો હતો. એ ધર્મના લોકો ચુસ્ત હોય છે અને જૂના રીતરિવાજોને વળગી રહે છે. એ ધર્મની શરૂઆત જર્મનીમાં ૧૭૦૮માં થઈ હતી. એક વિશ્વકોશ કહે છે કે અમુક લોકો માનતા હતા કે ખ્રિસ્તની ખુશખબર બધાએ જાણવી જોઈએ અને એના લીધે એ ધર્મની શરૂઆત થઈ. એ માટે તેઓ મિશનરીઓને અલગ અલગ જગ્યાએ મોકલવા લાગ્યા.
સાલ ૧૭૧૯માં એક નાનો સમૂહ અમેરિકાના એક રાજ્યમાં આવ્યો, જે આજે પેન્સિલ્વેનિયા તરીકે ઓળખાય છે. એ સમૂહના આગેવાન એલેકઝાંડર મેક હતા. એ સમય સુધીમાં આ ધર્મમાં ઘણા ફાંટા પડી ગયા હતા. દરેક જૂથના અલગ અલગ વિચારો હતા. અમારા નાના જૂથમાં પચાસેક સભ્યો હતા. અમને લાગતું હતું કે બાઇબલ વાંચવું અને ધાર્મિક આગેવાનોની દરેક વાત માનવી ખૂબ જરૂરી છે.
ત્રણ પેઢીઓથી અમારું કુટુંબ આ ધર્મ પાળતું હતું. હું ૧૩ વર્ષની હતી ત્યારે મેં આ ધર્મમાં બાપ્તિસ્મા લીધું. નાનપણથી મને શીખવવામાં આવ્યું હતું કે વાહનો, ટ્રેક્ટર, ટેલિફોન, રેડિયો કે બીજાં ઇલેક્ટ્રિક સાધનો વાપરવાં ખોટું છે. અમારા ધર્મની સ્ત્રીઓ સાદાં અને લાંબાં કપડાં પહેરતી, વાળ ન કપાવતી અને હંમેશાં માથું ઢાંકેલું રાખતી. અમારા ધર્મના પુરુષો દાઢી રાખતા. ઈસુએ કહ્યું હતું કે આ દુનિયાનો ભાગ ન બનો, એટલે અમે માનતા હતા કે મોર્ડન કપડાં પહેરવાં, મેકઅપ કરવો અથવા ઘરેણાં પહેરવાં ખોટું છે અને ઘમંડની નિશાની છે.
અમને શીખવવામાં આવ્યું હતું કે બાઇબલને માન આપવું જોઈએ, કેમ કે એ ઈશ્વરની વાણી છે. દરરોજ સવારે નાસ્તો કરતા પહેલાં અમે બેઠકરૂમમાં ભેગાં મળતાં, પપ્પા બાઇબલનો એક અધ્યાય વાંચતા અને અમે એ કલમો વિશે અમારા વિચારો જણાવતાં. પછી અમે ઘૂંટણિયે પડતાં અને પપ્પા પ્રાર્થના કરાવતા. ત્યાર બાદ, મમ્મી પ્રભુની પ્રાર્થના બોલતાં. હું હંમેશાં સવારની રાહ જોતી, કેમ કે એ સમયે અમે કુટુંબ તરીકે ઈશ્વરની વાતો પર મનન કરતા.
અમેરિકાના એક નાનકડા શહેર ડેલ્ફી નજીક અમારું એક ખેતર હતું અને ત્યાં અમે રહેતાં હતાં. અમે જાતજાતની શાકભાજી ઉગાડતાં. પછી એને ઘોડાગાડીમાં ભરીને ઘરે ઘરે વેચવા જતાં. અમે માનતાં હતાં કે સખત મહેનત કરવી એ ઈશ્વરની ભક્તિનો એક ભાગ છે. એટલે અમે એ કામમાં બહુ ધ્યાન આપતાં. પણ રવિવારે અમે એ ન કરતા, કેમ કે એ સાબ્બાથનો દિવસ હતો અને અમે એને પવિત્ર ગણતાં. અમુક સમયે અમે ખેતીકામમાં એટલાં ડૂબી જતાં કે ઈશ્વરની ભક્તિ કરવી અઘરું થઈ જતું.
લગ્ન અને કુટુંબ
૧૯૬૩માં જેમ્સ સાથે મારું લગ્ન થયું ત્યારે હું ૧૭ વર્ષની હતી. જેમ્સ અમારો ધર્મ પાળતા હતા. તેમના પરદાદા પણ આ જ ધર્મ પાળતા હતા. ઈશ્વરની સેવા કરવી એ અમારાં દિલની ઇચ્છા હતી. અમે માનતાં હતાં કે અમારો ધર્મ જ સાચો છે.
૧૯૭૫ સુધીમાં અમને છ બાળકો હતાં. ૧૯૮૩માં અમારા સાતમા અને છેલ્લા બાળકનો જન્મ થયો. સાત બાળકોમાં અમને એક જ દીકરી છે, એનું નામ રિબેકા છે અને એ બીજા નંબરે જન્મી છે. અમે સખત મહેનત કરતા, ઓછો ખર્ચ કરતા અને સાદું જીવન જીવતાં. જેમ મમ્મી-પપ્પાએ અને ચર્ચના બીજા લોકોએ અમારા દિલમાં બાઇબલ માટે પ્રેમ જગાડ્યો, તેમ અમે પણ અમારાં બાળકોનાં દિલમાં બાઇબલ માટે પ્રેમ જગાડવાની કોશિશ કરતા.
અમારા ચર્ચમાં બહારના દેખાવને ખૂબ મહત્ત્વનું ગણવામાં આવતું. અમે માનતા કે વ્યક્તિનું દિલ કોઈ વાંચી શકતું નથી, પણ તેનાં કપડાં બતાવે છે કે તેના દિલમાં શું છે. એટલે જો ચર્ચની કોઈ સ્ત્રી વધારે પડતી હેર-સ્ટાઇલ કરે, તો અમે એને ઘમંડની નિશાની ગણતા. જો કોઈનાં કપડાંની ડિઝાઈન બહુ મોટી હોય, તો એ પણ ઘમંડની નિશાની ગણાતી. અમુક વાર એ નિયમો બાઇબલના સિદ્ધાંતો કરતાં પણ મહત્ત્વના બની જતા.
મારા દિયરને જેલમાં સત્ય મળ્યું
મારા દિયર જેસ્સીએ લશ્કરમાં જોડાવાની ના પાડી હતી, એટલે ૧૯૬૦ના દાયકામાં તેને જેલમાં પૂરવામાં આવ્યો. ત્યાં તેનો ભેટો યહોવાના સાક્ષીઓ સાથે થયો. તેઓ પણ માનતા હતા કે યુદ્ધમાં ભાગ લેવો એ બાઇબલના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. (યશાયા ૨:૪; માથ્થી ૨૬:૫૨) જેસ્સીને સાક્ષીઓ સાથે બાઇબલમાંથી ચર્ચા કરવામાં મજા આવતી. તે સાક્ષીઓ વિશે જે શીખ્યો એ તેને બહુ ગમ્યું. બાઇબલમાંથી ઘણું શીખ્યા પછી તે બાપ્તિસ્મા લઈને યહોવાનો સાક્ષી બન્યો. પણ એ વાત અમને જરાય ન ગમી.
જેસ્સી જે શીખ્યો હતો એ તેણે મારા પતિને જણાવ્યું. તેણે એક ગોઠવણ પણ કરી, જેથી જેમ્સને નિયમિત રીતે ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન મળતાં રહે. એ મૅગેઝિન વાંચવાથી જેમ્સનો બાઇબલમાં રસ વધ્યો. જેમ્સ હંમેશથી ઈશ્વરની ભક્તિ કરવા માંગતા હતા, પણ અમુક વાર તેમને લાગતું હતું કે ઈશ્વર તેમનાથી બહુ દૂર છે. એટલે ઈશ્વરની નજીક લઈ જાય એવી એકેએક વાતમાં તેમને રસ પડતો હતો.
અમારા ચર્ચના આગેવાનોએ અમને એમિશ, મેનોનાઇટ અને બીજાં બ્રધરન ચર્ચની ચોપડીઓ વાંચવાનું કહ્યું. જોકે, એ પંથોને તો અમે દુનિયાનો ભાગ ગણતા હતા. મારા પપ્પાને યહોવાના સાક્ષીઓ જરાય ગમતા ન હતા. તેમને લાગતું હતું કે અમારે ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન કદી વાંચવાં ન જોઈએ. એટલે જ્યારે જેમ્સને એ મૅગેઝિન વાંચતા જોયા, ત્યારે હું ખૂબ ડરી ગઈ. મને ડર હતો કે તે ક્યાંક ખોટી માન્યતાઓ અપનાવી ન લે.
લાંબા સમયથી જેમ્સના મનમાં ચર્ચના અમુક શિક્ષણ વિશે શંકાઓ જાગી હતી, ખાસ કરીને આના વિશે: રવિવારે કામ કરવું એ પાપ છે. દાખલા તરીકે, ચર્ચમાં શીખવવામાં આવતું હતું કે રવિવારે ઢોરોને પાણી પિવડાવી શકાય, પણ ખેતરમાંથી નકામા છોડ ઉખેડી ન શકાય. ચર્ચના આગેવાનો જેમ્સને એ નિયમ પાછળનું કારણ બાઇબલમાંથી બતાવી ન શક્યા. ધીરે ધીરે મારા મનમાં પણ એવાં શિક્ષણ વિશે શંકાઓ જાગવા લાગી.
અમને પહેલેથી શીખવવામાં આવ્યું હતું કે અમારો ધર્મ સાચો છે. તેમ જ, અમે જાણતા હતા કે જો અમે ચર્ચ છોડી દઈશું, તો અમારા પર તકલીફો આવશે. એટલે ચર્ચ સાથે છેડો ફાડવાનો નિર્ણય બહુ અઘરો હતો. પણ બાઇબલની સાચી વાતો શીખવતો ન હોય એવા ધર્મ સાથે જોડાઈ રહેવામાં મન પણ માનતું ન હતું. એટલે ૧૯૮૩માં અમે ચર્ચને પત્ર લખીને જણાવ્યું કે અમે કેમ ચર્ચ છોડવા માંગીએ છીએ. અમે એ પણ જણાવ્યું કે એ પત્રને મંડળમાં બધાની સામે વાંચવામાં આવે. પછી અમને ચર્ચમાંથી કાઢી મૂકવામાં આવ્યા.
એવા ધર્મની શોધમાં જે બાઇબલનું સાચું શિક્ષણ આપતું હોય
એ પછી અમે એવા ધર્મની શોધ કરવા લાગ્યા, જેનું શિક્ષણ બાઇબલ સાથે મેળ ખાતું હોય અને એના સભ્યો જે કહેતા હોય, એ પોતે પણ કરતા હોય. સૌથી પહેલા તો, અમે યાદીમાંથી એવા ધર્મોનું નામ કાઢી નાખ્યું, જેઓ યુદ્ધમાં ભાગ લેતા હતા. અમે હજી પણ એવા ધર્મની શોધમાં હતા, જેના સભ્યો સાદાં કપડાં પહેરતા હોય અને સાદાઈથી રહેતા હોય. કેમ કે અમારું માનવું હતું કે એવો ધર્મ દુનિયાનો ભાગ નથી. ૧૯૮૩થી ૧૯૮૫ સુધીમાં અમે અમેરિકા ખૂંદી વળ્યા અને એક પછી એક ધર્મની ચકાસણી કરી. અમે મેનોનાઇટ, ક્વેકર્સ અને એના જેવા બીજા ધર્મોની પણ ચકાસણી કરી.
એ જ સમયગાળામાં યહોવાના સાક્ષીઓ અમારા ખેતરે અમને મળવા આવ્યા. અમે તેઓની વાત સાંભળતાં, પણ અમે તેઓને જણાવ્યું હતું કે એ જ બાઇબલ વાપરે જે અમે વાપરતાં હતાં. મને સાક્ષીઓની એ વાત ગમી કે તેઓ યુદ્ધમાં ભાગ નથી લેતા. પણ તેઓ અમારા જેવાં કપડાં પહેરતા ન હતા, એટલે મને થયું કે તેઓ દુનિયાનો ભાગ છે અને તેઓનો ધર્મ સાચો ન હોય શકે. મને લાગતું કે ઘમંડને લીધે લોકો અમારા જેવાં સાદાં કપડાં નથી પહેરતા. હું માનતી કે આધુનિક કપડાં અને વસ્તુઓથી દેખાઈ આવે છે કે વ્યક્તિ ઘમંડી છે.
જેમ્સે યહોવાના સાક્ષીઓના પ્રાર્થનાઘરમાં જવાનું શરૂ કર્યું. તે પોતાની સાથે અમારા અમુક દીકરાઓને પણ લઈ જતા. તેમનું સભામાં જવું મને જરાય ન ગમતું. મારા પતિ મને તેમની સાથે સભામાં આવવા કહેતા, પણ હું ઘસીને ના પાડી દેતી. એક દિવસે તેમણે મને કહ્યું: “ભલે તું તેઓનાં શિક્ષણ સાથે સહમત ન થાય પણ એકવાર આવીને જો તો ખરી કે તેઓ કઈ રીતે એકબીજા સાથે વર્તે છે!” સાક્ષીઓના વર્તને જેમ્સના દિલ પર ઊંડી છાપ છોડી હતી.
આખરે, મેં ત્યાં જવાનું નક્કી કર્યું, પણ ખૂબ સમજી-વિચારીને. હું મારાં સાદાં કપડાં પહેરીને પ્રાર્થનાઘરમાં ગઈ. ટોપી જેવી ડિઝાઈનના કપડાથી મેં મારું માથું ઢાંકેલું હતું. અમારા અમુક દીકરાઓ ઉઘાડા પગે આવ્યા હતા અને તેઓનાં કપડાં પણ સાદાં હતાં. તેમ છતાં, સાક્ષીઓ સામે ચાલીને અમારી પાસે આવ્યા અને ખૂબ જ પ્રેમથી વર્ત્યા. મને થયું, ‘અમે અલગ છીએ, પણ તેઓને એનાથી ફરક નથી પડતો.’
તેઓનું પ્રેમાળ વર્તન મારા દિલને સ્પર્શી ગયું. પણ મેં નક્કી કર્યું હતું કે હું ફક્ત ત્યાં બેસીને જોઈશ, કશામાં ભાગ નહિ લઉં. સભા પછી મેં તેઓ પર સવાલોની ઝડી વરસાવી દીધી. જેમ કે, મને તેઓની અમુક બાબતો ન ગમી એટલે મેં તેઓને એ વિશે સવાલો પૂછ્યા. મેં તેઓને અમુક કલમોના અર્થ વિશે પણ સવાલો પૂછ્યા. હું સમજી-વિચારીને પૂછતી ન હતી, તોપણ દરેકે મારામાં દિલથી રસ લીધો. હું એક જ સવાલ અલગ અલગ લોકોને પૂછતી, પણ દરેક જણ સરખો જ જવાબ આપતા. એનાથી તો હું દંગ રહી ગઈ. અમુક વાર તેઓ મને જવાબ લખીને આપતા, જેથી હું ઘરે જઈને મારી જાતે એનો અભ્યાસ કરી શકું. એનાથી મને ઘણી જ મદદ મળી.
૧૯૮૫માં અમારું કુટુંબ ટેનિસીમાં યોજાયેલા યહોવાના સાક્ષીઓના એક સંમેલનમાં ગયું. અમે ફક્ત જોવા ગયાં હતાં કે એ કેવું હોય છે. જેમ્સ હજી દાઢી રાખતા હતા અને મેં પણ સાદાં કપડાં જ પહેર્યાં હતાં. રીસેસમાં અમને બહુ બધા લોકો મળવા આવતા. તેઓએ જે રીતે પ્રેમ અને હૂંફ બતાવ્યાં અને અમારી દેખભાળ રાખી એ જોઈને અમે ગદ્ગદ થઈ ગયાં. તેઓની એકતા ઊડીને આંખે વળગતી હતી. અમે અલગ અલગ જગ્યાએ તેઓની સભામાં ગયાં, પણ દરેક જગ્યાએ અમને એક જ શિક્ષણ જોવા મળ્યું.
સાક્ષીઓ જે રીતે લોકોમાં રસ લેતા હતા એનાથી જેમ્સ ખૂબ પ્રભાવિત થઈ ગયા, એટલે તે તેઓ પાસેથી શીખવા રાજી થઈ ગયા. તે જે શીખતા હતા એની ઝીણામાં ઝીણી વિગત તપાસતા, જેથી પારખી શકે કે એ સાચું છે કે નહિ. (પ્રેરિતોનાં કાર્યો ૧૭:૧૧; ૧ થેસ્સાલોનિકીઓ ૫:૨૧) સમય જતાં, જેમ્સને લાગ્યું કે તેમને એ ધર્મ મળી ગયો છે, જે બાઇબલનું સાચું શિક્ષણ શીખવતું હોય. પણ મારા મનમાં ગડમથલ ચાલી રહી હતી. મારે જે ખરું હતું એ કરવું હતું, પણ “આધુનિક” અને “દુનિયાનો ભાગ” બનવું ન હતું. જ્યારે હું પહેલી વાર બાઇબલ અભ્યાસ માટે બેઠી, ત્યારે મારા એક પગ પર કિંગ જેમ્સ વર્ઝન બાઇબલ હતું અને બીજા પગ પર સાક્ષીઓનું નવી દુનિયા ભાષાંતર બાઇબલ હતું. હું દરેક કલમ બંને બાઇબલમાં જોતી, જેથી ખાતરી કરી શકું કે તેઓ મને છેતરતા નથી.
મને કઈ રીતે ખાતરી થઈ?
બાઇબલના અભ્યાસથી અમે શીખ્યા કે આપણા સ્વર્ગમાંના પિતા જ એકમાત્ર ઈશ્વર છે, તે કોઈ ત્રિએકનો ભાગ નથી તેમજ આપણામાં આત્મા જેવું કંઈ નથી. (પુનર્નિયમ ૬:૪; ૧ કોરીંથીઓ ૮:૫, ૬) અમે એ પણ શીખ્યા કે નરક જેવી કોઈ જગ્યા નથી, જ્યાં વ્યક્તિને મરણ પછી રિબાવવામાં આવે છે. (અયૂબ ૧૪:૧૩; ગીતશાસ્ત્ર ૧૬:૧૦; સભાશિક્ષક ૯:૫, ૧૦; પ્રેરિતોનાં કાર્યો ૨:૩૧) નરક વિશેનું સત્ય જાણીને અમારી આંખો ઊઘડી ગઈ, કેમ કે બ્રધરન ચર્ચના લોકો તો કંઈક જુદું જ માનતા હતા. અમને ભરોસો થઈ ગયો કે આ જ એ ધર્મ છે, જે બાઇબલનું સાચું શિક્ષણ આપે છે.
હું હજી વિચારતી હતી કે સાક્ષીઓનો ધર્મ કઈ રીતે સાચો હોય શકે, કેમ કે મારા મને તો હજી તેઓ આ દુનિયાનો ભાગ હતા. મને લાગતું હતું કે વ્યક્તિએ “સાદાઈથી” જીવવું જોઈએ, પણ તેઓ એવું કરતા ન હતા. જોકે, એ સમયે હું એટલું તો પારખી શકી કે, ફક્ત તેઓ જ બીજાઓને રાજ્યની ખુશખબર જણાવે છે. મન તો જાણે ચકડોળે ચઢ્યું હતું.—માથ્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.
એ કપરા સમયમાં સાક્ષીઓના પ્રેમથી મને મદદ મળી કે મેં જે શોધ આદરી છે, એને અધવચ્ચે પડતી ન મૂકું. આખું મંડળ અમારા કુટુંબને મદદ કરતું હતું. મંડળનાં ભાઈ-બહેનો અમુક વાર દૂધ અને ઈંડાં ખરીદવાને બહાને અમારે ત્યાં આવતા. ધીરે ધીરે અમે જોઈ શક્યા કે તેઓ કેટલા સારા લોકો છે. એવું ન હતું કે ફક્ત અમારા અભ્યાસનો સમય હોય ત્યારે જ સાક્ષીઓ અમારા ઘરે આવતા. જ્યારે પણ તેઓ અમારા વિસ્તારમાં આવતા, ત્યારે અમને મળવા અચૂક આવતા. એ અમારા માટે બહુ જ જરૂરી હતું, કેમ કે એનાથી અમે સાક્ષીઓને સારી રીતે ઓળખી શક્યા તેમજ તેઓનો સાચો પ્રેમ જોઈ શક્યા અને એની અમને કદર થઈ.
ફક્ત નજીકના મંડળના જ નહિ, આજુબાજુના મંડળના સાક્ષીઓ પણ અમને મદદ કરી રહ્યા હતા. કપડાં અને શણગાર વિશે મનમાં ગડમથલ ચાલતી હતી ત્યારે, નજીકના મંડળનાં કેય બ્રિગ્ઝ નામનાં બહેન મને મળવા આવ્યાં. તે સાદાં કપડાં પહેરતાં હતાં અને મેકઅપ કરતાં ન હતાં. તેમની સાથે વાત કરીને મને સારું લાગ્યું અને હું મારું દિલ ખોલી શકી. પછી એક દિવસે લૂઇસ ફ્લોરા નામના ભાઈ મને મળવા આવ્યા. તેમનો ઉછેર પણ સાદા ધર્મમાં થયો હતો. મારા મનની મૂંઝવણ મારા ચહેરા પર સાફ દેખાતી હતી અને તે એ જોઈ શક્યા. મારું મન શાંત પાડવા તેમણે મને દસ પાનાંનો એક પત્ર લખ્યો. તેમનો પ્રેમ જોઈને મારી આંખો ભરાઈ આવી. એ પત્ર મેં ઘણી વાર વાંચ્યો.
ભાઈ ઓડેલ સરકીટ નિરીક્ષક હતા. મેં તેમને યશાયા ૩:૧૮-૨૩ અને ૧ પિતર ૩:૩, ૪નો અર્થ સમજાવવા કહ્યું. મેં પૂછ્યું: “શું આ કલમોમાં એવું નથી બતાવ્યું કે ઈશ્વરને ખુશ કરવા સાદાં કપડાં પહેરવાં જોઈએ?” તેમણે કહ્યું: “શું ટોપી જેવું કપડું માથે પહેરવું ખોટું છે? શું ચોટલા વાળવા ખોટું છે?” બ્રધરન ચર્ચની નાની છોકરીઓ ચોટલા વાળતી અને સ્ત્રીઓ ટોપી જેવું કપડું માથે પહેરતી. પણ એ નિયમો બાઇબલ પ્રમાણે ન હતા. સરકીટ નિરીક્ષકે ખૂબ ધીરજથી અને પ્રેમથી મને સમજાવ્યું, એ મને બહુ ગમ્યું.
ધીરે ધીરે મને ભરોસો થવા લાગ્યો કે આ જ ધર્મ સાચું શિક્ષણ આપે છે. પણ એક વાત હજી મારા દિલને કોરી ખાતી હતી. એ હતી કે બહેનો વાળ કપાવતી હતી. વડીલોએ મને પૂછ્યું: “શું લાંબા વાળવાળી બહેન ટૂંકા વાળવાળી બહેન કરતાં ચઢિયાતી છે?” તેઓએ મને એ સમજવા પણ મદદ કરી કે કેવાં કપડાં પહેરવાં અને કેવો શણગાર કરવો એ વ્યક્તિના અંતઃકરણ પર આધારિત છે. પછી તેઓએ મને વાંચવા માટે અમુક લેખ આપ્યા.
શીખ્યા એ પ્રમાણે પગલાં ભર્યાં
આખરે અમારી મહેનત ફળી. અમને એ ધર્મ મળી ગયો, જે બાઇબલનું સાચું શિક્ષણ શીખવતો હોય. ઈસુએ કહ્યું હતું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહાન ૧૩:૩૫) અમને ખાતરી થઈ ગઈ કે ફક્ત યહોવાના સાક્ષીઓ જ સાચો પ્રેમ બતાવે છે. તોપણ અમારાં બે બાળકો નાથાન અને રિબેકાને એ સ્વીકારવું અઘરું લાગતું હતું. કેમ કે તેઓ બ્રધરન ચર્ચની માન્યતાઓ પાળતાં હતાં અને એમાં બાપ્તિસ્મા લીધું હતું. સમય જતાં, અમે શીખવેલી બાઇબલની વાતો અને સાક્ષીઓનો પ્રેમ તેઓનાં દિલને સ્પર્શી ગયો.
દાખલા તરીકે, રિબેકા પહેલેથી ચાહતી હતી કે ઈશ્વર સાથે તેનો ગાઢ સંબંધ હોય. એમ કરવામાં ઘણી વાતે તેને મદદ કરી. જેમ કે, તે શીખી કે ઈશ્વર કોઈ ત્રિએકનો ભાગ નથી, ઈશ્વર સાચે જ છે અને તે તેમનું અનુકરણ કરી શકે છે. (એફેસીઓ ૫:૧) તેને સમજાયું કે ઈશ્વર પહેલેથી નક્કી નથી કરતા કે કોઈ વ્યક્તિ કઈ રીતે વર્તશે અથવા તેનું ભાવિ કેવું હશે. એ સત્ય જાણ્યું ત્યારે ઈશ્વરને પ્રાર્થના કરવી તેના માટે સહેલું થઈ ગયું. તેને એ વાત જાણીને ખુશી થઈ કે ઈશ્વર સાથે વાત કરતી વખતે તેણે જૂના-પુરાણા શબ્દો વાપરવાની જરૂર નથી. તે શીખી કે પ્રાર્થના કઈ રીતે કરવી. તેને એ પણ જાણવા મળ્યું કે ઈશ્વર મનુષ્યોને હંમેશ માટેનું જીવન આપવાના છે. (ગીતશાસ્ત્ર ૩૭:૨૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪) એ બધાથી સર્જનહાર સાથેનો તેનો સંબંધ વધારે મજબૂત થયો.
હવે અમે બધા યહોવાની સેવા કરીએ છીએ
૧૯૮૭ના ઉનાળામાં હું, જેમ્સ અને અમારાં પાંચ મોટાં બાળકો નાથાન, રિબેકા, જ્યોર્જ, ડેનિયેલ અને જોન બાપ્તિસ્મા લઈને યહોવાના સાક્ષી બન્યાં. હાર્લીએ ૧૯૮૯માં અને સાઇમને ૧૯૯૪માં બાપ્તિસ્મા લીધું. ઈસુ ખ્રિસ્તે આજ્ઞા આપી હતી કે ઈશ્વરના રાજ્યની ખુશખબર જાહેર કરો અને અમારું આખું કુટુંબ જોરશોરથી એ કામમાં લાગેલું છે.
નાથાન, જ્યોર્જ, ડેનિયેલ, જોન, હાર્લી અને રિબેકાએ અમેરિકાની શાખા કચેરીમાં સેવા આપી છે. આજે ૧૪ વર્ષ પછી પણ જ્યોર્જ ત્યાં જ સેવા આપી રહ્યો છે. સાઇમને ૨૦૦૧માં ભણવાનું પૂરું કર્યું અને હમણાં જ બેથેલમાં જોડાયો છે. અમારા દીકરાઓ વડીલો અથવા સહાયક સેવકો તરીકે સેવા આપી રહ્યા છે. મારા પતિ મિઝૂરી રાજ્યના થાયર મંડળમાં વડીલ તરીકે સેવા આપે છે અને હું પ્રચારકામમાં વ્યસ્ત રહું છું.
અમારી દીકરીને બે દીકરીઓ છે: જેસિકા અને લતિશા. અમારા દીકરાને એક દીકરો છે: કેલેબ. અમને એ જોઈને ખુશી થાય છે કે અમારાં બાળકો તેઓનાં બાળકોનાં કુમળાં દિલમાં યહોવા માટેનો પ્રેમ સિંચી રહ્યાં છે. કુટુંબ તરીકે અમે ઘણા ખુશ છીએ કે યહોવાએ અમને તેમની તરફ ખેંચ્યા અને તેમના લોકોને ઓળખવા મદદ કરી, જેઓ તેમના જેવો પ્રેમ બતાવે છે.
આજે એવા ઘણા લોકો છે જેઓ ઈશ્વરની કૃપા મેળવવા માંગે છે, પણ તેઓને શીખવવામાં આવ્યું છે કે બાઇબલ કરતાં ધર્મના રીતરિવાજો વધારે મહત્ત્વના છે. તેઓ માટે મને સાચે જ સહાનુભૂતિ થાય છે. હું આશા રાખું છું કે એક દિવસે તેઓને પણ અમારી જેમ ખુશીઓ મળે. પહેલાં અમે શાકભાજી વેચવા ઘરે ઘરે જતાં હતાં, પણ આજે ઈશ્વરના રાજ્યનો સંદેશો જણાવવા જઈએ છીએ. જ્યારે હું વિચારું છું કે યહોવાના નામે ઓળખાતા લોકોએ અમને કેટલી ધીરજ બતાવી અને પ્રેમ બતાવ્યો, ત્યારે મારી આંખો હર્ષનાં આંસુથી છલકાઈ ઊઠે છે.
[પાન ૧૯ પર ચિત્ર]
હું સાતેક વર્ષની હતી ત્યારે અને પછી યુવાન હતી ત્યારે
[પાન ૨૦ પર ચિત્ર]
જેમ્સ, જ્યોર્જ, હાર્લી અને સાઇમન સાદાં કપડાંમાં
[પાન ૨૧ પર ચિત્ર]
હું બજારમાં શાકભાજી વેચતી હતી એવો મારો ફોટો, જે અખબારમાં આવ્યો હતો
[ક્રેડીટ લાઈન]
Journal and Courier, Lafayette, Indiana
[પાન ૨૩ પર ચિત્ર]
આજે અમારું કુટુંબ