સ્કીપ ટુ કન્ટેન્ટ

મને જાણવા મળ્યું કે અન્યાયનો અંત કેવી રીતે આવશે

મને જાણવા મળ્યું કે અન્યાયનો અંત કેવી રીતે આવશે

મને જાણવા મળ્યું કે અન્યાયનો અંત કેવી રીતે આવશે

ઉર્સુલા મેનેનો અનુભવ

નાનપણથી હું ચાહતી હતી કે કોઈની સાથે અન્યાય ન થાય. અન્યાય સામે લડવાને લીધે જ મારે સામ્યવાદી પૂર્વ જર્મનીની જેલમાં જવું પડ્યું અને મને જેલમાં જ જાણવા મળ્યું કે અન્યાય કઈ રીતે દૂર થશે. ચાલો એ વિશે વધારે જણાવું.

મારો જન્મ ૧૯૨૨માં જર્મનીના હેલે શહેરમાં થયો હતો. આ શહેર બર્લિનથી લગભગ ૨૦૦ કિલોમીટર દૂર છે. આ શહેરનો ઇતિહાસ ૧,૨૦૦થી વધારે વર્ષ જૂનો છે. હેલે એ શહેરોમાંનું એક છે, જ્યાં પ્રોટેસ્ટંટ ધર્મની શરૂઆત થઈ હતી. મારી બહેન કેથીનો જન્મ ૧૯૨૩માં થયો હતો. મારા પપ્પા લશ્કરમાં સેવા આપતા હતા અને મમ્મી ગાયિકા હતી.

અન્યાય દૂર કરવાની પ્રબળ ઇચ્છા મને પપ્પા પાસેથી મળી હતી. પપ્પાએ લશ્કરની નોકરી છોડ્યા પછી એક દુકાન ખોલી. મોટા ભાગના ઘરાકો ગરીબ હતા. પપ્પાને તેઓ પર દયા આવતી અને તે દિલ ખોલીને તેઓને ઉધાર આપતા. એના લીધે પપ્પાને દેવાળું ફૂંકવાનો વારો આવ્યો. પપ્પાના અનુભવથી મારે સમજી જવું જોઈતું હતું કે ભેદભાવ અને અન્યાય દૂર કરવો લોઢાના ચણા ચાવવા જેવું છે. એક તો યુવાનીનો જોશ હતો અને બીજી બાજુ અન્યાય સામે લડવાની આગ ભડકે બળી હતી. પછી તો પૂછવું જ શું હતું!

મમ્મી કલાકાર હતી અને તેની પાસેથી અમને પણ એ વારસામાં મળ્યું. મમ્મીએ મારા અને કેથીના દિલમાં સંગીત, ગીતો અને નૃત્ય માટે રસ જગાડ્યો. હું હંમેશાં ખુશ રહેતી હતી. મારું અને કેથીનું બાળપણ ખૂબ મજામાં વીત્યું. પણ એ ખુશી લાંબો સમય ન ચાલી. ૧૯૩૯માં બધું બદલાઈ ગયું.

ખરાબ દિવસોની શરૂઆત

સ્કૂલનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી હું બેલે ડાન્સ શીખવા એક સ્કૂલમાં જોડાઈ. ત્યાં હું બીજો પણ એક ખાસ ડાન્સ શીખવા લાગી, જેમાં શરીરના હાવભાવ દ્વારા લાગણીઓ વ્યક્ત કરવામાં આવે છે. એ ડાન્સની શરૂઆત કરવામાં જેમનો મોટો હાથ હતો એવાં મેરી વીગમેન પાસેથી હું એ ડાન્સ શીખી. પછી હું ચિત્રો દોરવાનું પણ શીખી. એ વખતે તો હું ખુશ હતી અને નવું નવું શીખવાની મજા આવતી હતી. પણ ૧૯૩૯નું વર્ષ આવ્યું અને બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. ૧૯૪૧માં બીજો દુઃખદ બનાવ બન્યો, ક્ષયરોગથી (ટીબી) પપ્પાનું મરણ થયું.

યુદ્ધનાં ખરાબ દૃશ્યો મને રાતે ઊંઘવા દેતાં ન હતાં. યુદ્ધ શરૂ થયું ત્યારે હું ફક્ત ૧૭ વર્ષની હતી અને વિચારતી કે દુનિયા પાગલ થઈ ગઈ છે. સામાન્ય લોકો પણ નાઝીમાં જોડાવા લાગ્યા હતા. યુદ્ધના લીધે જીવન જરૂરિયાતની વસ્તુઓ મળતી ન હતી અને ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને મોટો વિનાશ થયો. બૉમ્બમારામાં અમારા ઘરને ભારે નુકસાન થયું. યુદ્ધ દરમિયાન અમે અમારાં ઘણાં સગાં-વહાલાંને મરણમાં ગુમાવ્યાં.

૧૯૪૫માં યુદ્ધ પૂરું થયું ત્યારે હું, મમ્મી અને કેથી હેલે શહેરમાં જ હતા. એ સમયે મારું લગ્‍ન થઈ ગયું હતું અને મને એક નાની દીકરી હતી. પણ અમે લગ્‍નજીવનથી ખુશ ન હતાં, એટલે અલગ થઈ ગયાં. મારે મારું અને મારી દીકરીનું ભરણ-પોષણ કરવાનું હતું, એટલે હું ડાન્સર અને ચિત્રકાર તરીકે કામ કરવા લાગી.

યુદ્ધ પછી જર્મની ચાર ભાગમાં વહેંચાઈ ગયું. અમારો વિસ્તાર જે ભાગમાં હતો, એના ઉપર સોવિયેત યુનિયનનું રાજ ચાલતું હતું. એટલે અમારે બધાએ સામ્યવાદી શાસનથી ટેવાવું પડ્યું. જર્મનીના જે ભાગમાં અમે રહેતા હતા, એ પૂર્વ જર્મની તરીકે પણ ઓળખાતો હતો. પણ ૧૯૪૯થી એ જર્મન લોકશાહી પ્રજાસત્તાક (જીડીઆર) તરીકે ઓળખાવવા લાગ્યો.

સામ્યવાદી શાસન નીચે અમારું જીવન

એ વર્ષોમાં મમ્મી બીમાર પડી અને મારે તેની સંભાળ લેવાની હતી. હું સરકારી ઑફિસમાં કામ કરવા લાગી. એ સમયે હું એવા વિદ્યાર્થીઓને મળી જેઓ સરકાર તરફથી થતા અન્યાય પર બધાનું ધ્યાન દોરવા માંગતા હતા. દાખલા તરીકે, એક યુવાન છોકરાને યુનિવર્સિટીમાં ભણવા દેવામાં ન આવ્યો, કેમ કે તેના પપ્પા નાઝી પક્ષના સભ્ય હતા. હું એ છોકરાને સારી રીતે ઓળખતી હતી, કેમ કે અમે ઘણી વાર સાથે સંગીત વગાડતા હતા. મને થયું, ‘તેના પપ્પાને લીધે તેણે કેમ ભોગવવું જોઈએ?’ હું એ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓમાં વધારે ભાગ લેવા લાગી. મેં વિરોધ પ્રદર્શન પણ કરવાનું નક્કી કર્યું. એક વખતે મેં સ્થાનિક કોર્ટની સીડીઓ પર કાગળિયાં ચોંટાડ્યાં.

હું એક સમિતિની સેક્રેટરી હતી, જે શાંતિ જાળવવાનું કામ કરતી હતી. મારું કામ પત્રો લખવાનું હતું. અમુક પત્રો લખતી વખતે હું જોઈ શકતી કે અન્યાય થઈ રહ્યો છે અને એનાથી મારો ગુસ્સો આસમાને પહોંચી જતો. દાખલા તરીકે, મારી ઑફિસના લોકોએ એક ષડ્યંત્ર રચ્યું હતું. તેઓ સામ્યવાદને લગતાં અમુક કાગળિયાં પશ્ચિમ જર્મનીમાં રહેતા એક વૃદ્ધ માણસને મોકલવા માંગતા હતા, જેથી ત્યાંની સરકાર એ માણસ પર શંકા કરે અને તે મુસીબતમાં ફસાઈ જાય. એ જાણ્યું ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો. એટલે મેં એ પાર્સલ ઑફિસમાં સંતાડી દીધું અને એને કદી ન મોકલ્યું.

સૌથી “ખરાબ” સ્ત્રીએ મને આશા આપી

જૂન ૧૯૫૧માં બે માણસો મારી ઑફિસે આવ્યા અને મને કહ્યું: “અમે તારી ધરપકડ કરવા આવ્યા છીએ.” તેઓ મને રોટર ઓક્સ અથવા રેડ ઓક્સ નામથી ઓળખાતી જેલમાં લઈ ગયા. એક વર્ષ પછી મારા પર સરકાર વિરુદ્ધ બંડ પોકારવાનો આરોપ મૂકવામાં આવ્યો. એનું કારણ એ હતું કે એક વિદ્યાર્થીએ મને દગો દીધો અને છૂપી પોલીસને (સ્ટાસી) જણાવી દીધું કે કોર્ટની સીડીઓ પર મેં કાગળિયાં ચોંટાડ્યાં હતાં. મારી સુનાવણી ફક્ત નામ પૂરતી હતી, કેમ કે કોઈએ મારી વાત સાંભળી નહિ. મને છ વર્ષની કેદની સજા થઈ. એ દરમિયાન હું બીમાર પડી અને મને જેલના દવાખાનામાં લઈ જવામાં આવી. ત્યાં એક મોટા ઓરડામાં ચાલીસેક જેટલી સ્ત્રીઓ હતી. એ સ્ત્રીઓ એટલી દુઃખી હતી કે તેઓને જોઈને હું ખૂબ જ ડરી ગઈ. હું દરવાજા તરફ ભાગી અને એને જોરજોરથી ખખડાવા લાગી.

ચોકીદારે પૂછ્યું, “તને શું જોઈએ છે?”

મેં બૂમ પાડીને કહ્યું, “મારે બહાર જવું છે. જો તમારી પાસે કાળકોટડી હોય, તો મને એમાં પૂરી દો. પણ મહેરબાની કરીને મને અહીંથી બહાર કાઢો.” જોકે, તેઓએ મારા પર જરાય ધ્યાન ન આપ્યું. થોડા જ સમય પછી મારું ધ્યાન એક સ્ત્રી પર પડ્યું. તે બીજાઓ કરતાં થોડી અલગ હતી. તેની આંખોમાં એક અલગ પ્રકારની શાંતિ હતી. તેને જોઈને મને થોડી શાંતિ વળી. એટલે હું તેની બાજુમાં જઈને બેસી ગઈ.

તેણે કહ્યું: “તું મારી બાજુમાં બેઠી છે, પણ જરા સાવચજે.” તેની આ વાતથી મને બહુ નવાઈ લાગી. પછી તેણે કહ્યું: “હું યહોવાની સાક્ષી છું, એટલે અહીં બધાને લાગે છે કે હું બહુ ખરાબ છું.”

એ સમયે મને ખબર ન હતી કે સામ્યવાદી સરકાર યહોવાના સાક્ષીઓને પોતાના દુશ્મનો ગણે છે. પણ મને એટલી ખબર હતી કે હું નાની હતી ત્યારે બે બાઇબલ વિદ્યાર્થીઓ (યહોવાના સાક્ષીઓ પહેલાં એ નામથી ઓળખાતા હતા) મારા પપ્પાને નિયમિત મળવા આવતા હતા. મને તો એ પણ યાદ હતું કે પપ્પા કહેતા હતા, “બાઇબલ વિદ્યાર્થીઓ સાચા છે!”

એ પ્રેમાળ અને વહાલી સ્ત્રીને મળીને મને રાહત થઈ અને મારું દિલ ભરાઈ આવ્યું. તેનું નામ બર્ટા બ્રુગેમિઆ હતું. મેં તેને કહ્યું: “મને યહોવા વિશે શીખવને.” પછી તો અમે ઘણો સમય સાથે વિતાવતા અને કેટલીક વાર બાઇબલની વાતો પણ કરતા. તેણે મને યહોવા વિશે ઘણું શીખવ્યું. જેમ કે, હું શીખી કે સાચા ઈશ્વરનું નામ યહોવા છે. તે પ્રેમ, ન્યાય અને શાંતિના ઈશ્વર છે. હું એ પણ શીખી કે તે દુષ્ટ અને જુલમી શાસકોનો સફાયો કરશે અને તેઓએ ફેલાવેલા આતંકને પણ કાયમ માટે કાઢી નાખશે. ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧માં લખ્યું છે: “થોડા જ સમયમાં દુષ્ટોનો વિનાશ થઈ જશે, . . . નમ્ર લોકોને પૃથ્વીનો વારસો મળશે, તેઓ સુખ-શાંતિથી જીવશે ને અનેરો આનંદ માણશે.”

હું જેલમાંથી છૂટી અને પશ્ચિમ જર્મની ભાગી ગઈ

પાંચેક વર્ષની જેલની સજા પછી ૧૯૫૬માં હું આઝાદ થઈ. હું જેલમાંથી છૂટી એના પાંચ દિવસ પછી જ હું જીડીઆર છોડીને પશ્ચિમ જર્મની ભાગી ગઈ, જેથી ત્યાં જીવનની નવી શરૂઆત કરી શકું. એ સમયે મને બે દીકરીઓ હતી, હેનેલોર અને ઝોબીના. હું તેઓને પણ મારી સાથે લઈ ગઈ. ત્યાં મારા અને મારા પતિના છૂટાછેડા થયા અને સાક્ષીઓ સાથે મારો ફરી ભેટો થયો. અભ્યાસ કરતી ગઈ તેમ મને સમજાયું કે યહોવાની ઇચ્છા પ્રમાણે જીવવા મારે ઘણા ફેરફારો કરવાની જરૂર છે. મેં એ બધા ફેરફારો કર્યા અને ૧૯૫૮માં બાપ્તિસ્મા લીધું.

થોડા સમય પછી મેં ફરી લગ્‍ન કર્યું, પણ આ વખતે યહોવાના સેવક સાથે. તેમનું નામ ક્લોસ મેને હતું. ક્લોસ સાથેનું મારું લગ્‍નજીવન ખૂબ જ સુખદાયી હતું. અમને બે બાળકો થયાં, બેન્યામિન અને ટાબિયા. દુઃખની વાત છે કે વીસેક વર્ષ પહેલાં એક અકસ્માતમાં મેં ક્લોસને ગુમાવ્યા. ક્લોસ વગર જીવવું થોડું અઘરું છે, પણ ગુજરી ગયેલા લોકોને સુંદર પૃથ્વી પર જીવતા કરવામાં આવશે એ આશાથી મને દિલાસો મળે છે. (લૂક ૨૩:૪૩; પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫) મારાં ચારેય બાળકો દિલથી યહોવાની સેવા કરે છે એ જોઈને મારું હૈયું ખુશીથી ઊભરાઈ જાય છે.

હું ખૂબ ખુશ છું કે મને બાઇબલમાંથી જાણવા મળ્યું કે ફક્ત યહોવા જ સાચો ન્યાય લાવી શકે છે. માણસો આપણા સંજોગો જાણતા નથી, તેઓ એ પણ જાણતા નથી કે આપણો ઉછેર કેવી રીતે થયો છે. પણ યહોવા એવા નથી. તે આપણા વિશે બધું જ જાણે છે, તેમની નજરમાં કંઈ પણ સંતાડેલું નથી. એ વાતથી મને મનની શાંતિ મળે છે. જ્યારે હું અન્યાય જોઉં છું અથવા મારી સાથે અન્યાય થાય છે, ત્યારે પણ હું મન શાંત રાખી શકું છું. સભાશિક્ષક ૫:૮ કહે છે: “જો તું દેશમાં ગરીબો ઉપર જુલમ થતો અને તેમના હક અને ન્યાય બળજબરીથી ઝૂંટવી લેવાતા જુએ તો તું એથી નવાઈ ન પામતો; કારણ, એક અધિકારી ઉપર તેના કરતાં ઊંચો અધિકારી હોય છે, અને તેમના ઉપર વળી સૌથી ઊંચો અધિકારી હોય છે.” (સંપૂર્ણ બાઇબલ) એ “સૌથી ઊંચો અધિકારી” બીજું કોઈ નહિ, પણ આપણા સર્જનહાર છે. હિબ્રૂઓ ૪:૧૩ કહે છે: “સૃષ્ટિમાં એવું કંઈ નથી, જે ઈશ્વરની નજરથી છુપાયેલું હોય. આપણે એ ઈશ્વરને હિસાબ આપવાનો છે, જેમની આગળ બધું ખુલ્લું છે અને જેમની નજરથી કંઈ સંતાયેલું નથી.”

૯૦ વર્ષની જીવન સફર પર એક નજર

ઘણી વાર લોકો મને પૂછે છે કે નાઝી સત્તા અને સામ્યવાદી સત્તા નીચે જીવન કેવું હતું. બેમાંથી એકેય સત્તા નીચે જીવન સહેલું ન હતું. આ બંને સરકારોએ સાબિત કર્યું છે કે માણસો પોતાની મેળે એક પગલું પણ ભરી નથી શકતા. બાઇબલ સાચું જ કહે છે: “એક માણસ બીજા માણસ પર સત્તા જમાવીને તેને નુકસાન પહોંચાડે છે.”—સભાશિક્ષક ૮:૯.

યુવાન અને નાદાન હતી ત્યારે, મને લાગતું હતું કે માણસોની સરકારો ન્યાયથી રાજ કરશે. પણ હું કેટલી ખોટી હતી! હવે હું જાણું છું કે ફક્ત આપણા સર્જનહાર જ આ દુનિયામાં સાચો ન્યાય લાવી શકે છે. તે બહુ જલદી આ દુનિયામાંથી દુષ્ટતા દૂર કરશે. તેમણે રાજ્યની સત્તા પોતાના દીકરા ઈસુ ખ્રિસ્તના હાથમાં સોંપી છે, જે પોતાના કરતાં બીજાની ભલાઈનો વધારે વિચાર કરે છે. ઈસુ વિશે બાઇબલમાં લખ્યું છે: “તું સચ્ચાઈને ચાહે છે અને અન્યાયને ધિક્કારે છે.” (હિબ્રૂઓ ૧:૯) હું ઈશ્વરનો ખૂબ આભાર માનું છું કે તે મને આવા ન્યાયી રાજા પાસે દોરી લાવ્યા, જેમના રાજમાં હું યુગોના યુગો સુધી જીવવા માંગું છું.

[પાન ૨૩ પર ચિત્ર]

પશ્ચિમ જર્મનીમાં આવ્યા પછી મારી દીકરીઓ હેનેલોર અને ઝોબીના સાથે

[પાન ૨૩ પર ચિત્ર]

આજે મારા દીકરા બેન્યામિન અને તેની પત્ની સેન્ડ્રા સાથે