ગીતશાસ્ત્ર ૩૫:૧-૨૮

  • દુશ્મનોથી છોડાવવા માટેની પ્રાર્થના

    • દુશ્મનોને નસાડી મુકાશે ()

    • લોકોનાં ટોળાંમાં ઈશ્વરનો જયજયકાર (૧૮)

    • વિના કારણે નફરત કરવામાં આવી (૧૯)

દાઉદનું ગીત. ૩૫  હે યહોવા, મારા વિરોધીઓ સામે મુકદ્દમો લડો,+જેઓ મારી સામે લડે છે તેઓ સામે લડો.+  ૨  તમારી નાની ઢાલ* અને મોટી ઢાલ ઉપાડો+અને મારું રક્ષણ કરવા ઊભા થાઓ.+  ૩  મારો પીછો કરનારા+ સામે તમારો ભાલો અને તમારી કુહાડી ઉગામો,મને કહો કે, “હું તારો ઉદ્ધાર કરનાર છું.”+  ૪  મારો જીવ લેવા તરસતા લોકો લજવાઓ અને શરમાઓ.+ મારો નાશ કરવાનું કાવતરું ઘડનારાઓ બદનામ થઈને પીછેહઠ કરો.  ૫  તેઓ પવનમાં ઊડતાં ફોતરાં જેવા થાય. યહોવાનો દૂત તેઓને નસાડી મૂકે.+  ૬  તેઓનો માર્ગ અંધકારમય અને લપસણો થાયઅને યહોવાનો દૂત તેઓની પાછળ પડે.  ૭  મેં તેઓનું કંઈ બગાડ્યું નથી છતાં મને ફસાવવા જાળ બિછાવી,કોઈ કારણ વગર તેઓએ મારા માટે ખાડો ખોદ્યો.  ૮  તેઓ પર અચાનક આફત આવી પડે,પોતે બિછાવેલી જાળમાં તેઓ પોતે ફસાય,તેઓએ ખોદેલા ખાડામાં તેઓ પોતે જ પડે અને નાશ પામે.+  ૯  પણ હું યહોવાને લીધે આનંદ કરીશ,તેમણે કરેલાં ઉદ્ધારનાં કામોને લીધે હું ખુશી મનાવીશ. ૧૦  મારું અંતર પોકારી ઊઠશે: “હે યહોવા, તમારા જેવું બીજું કોણ? તમે નિરાધારને બળવાનના હાથમાંથી છોડાવો છો,+લાચાર અને ગરીબને તમે લુટારાઓના પંજામાંથી બચાવો છો.”+ ૧૧  મારી વિરુદ્ધ કાવાદાવા કરીને સાક્ષીઓ ઊભા થાય છે,+મને ખબર નથી એ વિશે મારા પર આરોપ મૂકે છે. ૧૨  તેઓ મારી ભલાઈનો બદલો બૂરાઈથી વાળે છે.+ તેઓના લીધે હું શોકમાં ડૂબી ગયો છું. ૧૩  તેઓ બીમાર હતા ત્યારે મેં કંતાન પહેર્યું,મેં ઉપવાસ કરીને દુઃખ સહન કર્યું. જ્યારે મારી પ્રાર્થનાનો જવાબ ન મળ્યો, ૧૪  ત્યારે હું શોક મનાવતા ફર્યો, જાણે મારા દોસ્ત કે ભાઈનું મોત થયું હોય. કોઈ પોતાની મા માટે વિલાપ કરતું હોય એમ હું શોકથી નમી ગયો. ૧૫  જ્યારે મારી પડતી થઈ, ત્યારે તેઓએ ભેગા થઈને ખુશી મનાવી. મારા પર છૂપી રીતે હુમલો કરવા તેઓ એક થયા. ચૂપ રહેવાને બદલે તેઓએ કડવાં વેણથી મને વીંધી નાખ્યો. ૧૬  દુષ્ટો મારી હાંસી ઉડાવે છે,*તેઓ મારી સામે પોતાના દાંત કચકચાવે છે.+ ૧૭  હે યહોવા, તમે ક્યાં સુધી બધું જોયા કરશો?+ તેઓના હુમલાથી મને બચાવો,+યુવાન સિંહોથી મારું અનમોલ જીવન* ઉગારો.+ ૧૮  મોટા મંડળમાં હું તમારો આભાર માનીશ,+લોકોનાં ટોળાંમાં હું તમારો જયજયકાર કરીશ. ૧૯  જેઓ વિના કારણે દુશ્મનો બની બેઠા છે, તેઓને મારા પર ખુશી મનાવવા ન દેતા. જેઓ વિના કારણે મને નફરત કરે છે,+ તેઓને મારી મશ્કરી કરવા ન દેતા.*+ ૨૦  તેઓ શાંતિ ફેલાવતી વાતો કરતા નથી,પણ દેશના શાંતિચાહકો વિરુદ્ધ ચાલાકીથી કાવતરાં રચે છે.+ ૨૧  તેઓ ગળું ફાડીને મારા પર આરોપ મૂકે છેઅને કહે છે: “અરે વાહ! અમે સગી આંખે જોઈ લીધું.” ૨૨  હે યહોવા, તમે એ બધું જોયું છે. તમે ચૂપ રહેશો નહિ.+ હે યહોવા, મારાથી દૂર રહેશો નહિ.+ ૨૩  જાગો, ઊઠો, મારો બચાવ કરો. હે મારા ઈશ્વર યહોવા, મારા પક્ષે મુકદ્દમો લડો. ૨૪  હે યહોવા મારા ઈશ્વર, તમારાં ખરાં* ધોરણો પ્રમાણે મારો ન્યાય કરો,+દુશ્મનોને મારી મજાક ઉડાવવાનો મોકો ન આપો. ૨૫  તેઓ કદી એમ ન વિચારે કે, “વાહ, અમે ધાર્યું હતું એ જ થયું!” તેઓ કદી એમ ન કહે કે, “અમે તેને ભરખી ગયા છીએ.”+ ૨૬  મારા પર આવેલી આફતો જોઈને જેઓ તાળીઓ પાડે છે,તેઓ બધા શરમાઓ અને લજવાઓ. જેઓ પોતાને મારાથી ચઢિયાતા ગણે છે, તેઓ શરમાઓ અને બદનામ થાઓ. ૨૭  પણ જેઓ મારી સચ્ચાઈને લીધે હરખાય છે, તેઓ ખુશીનો પોકાર કરે. તેઓ વારંવાર કહે: “યહોવા મોટા મનાઓ. તે પોતાના ભક્તોની શાંતિ જોઈને હરખાય છે.”+ ૨૮  મારી જીભ તમારો સાચો માર્ગ જણાવશે+અને આખો દિવસ તમારો જયજયકાર કરશે.+

ફૂટનોટ

એ મોટા ભાગે તીરંદાજો વાપરતા હતા.
અથવા કદાચ, “દુષ્ટો રોટલીના એક ટુકડા માટે હાંસી ઉડાવે છે.”
મૂળ, “મારું એકમાત્ર,” જે તેના જીવનને બતાવે છે.
અથવા, “આંખ મિચકારવા ન દેતા.” તિરસ્કાર બતાવવા એમ કરવામાં આવતું.
અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.