ગીતશાસ્ત્ર ૭૪:૧-૨૩

  • ઈશ્વર પોતાના લોકોને યાદ રાખે એવી પ્રાર્થના

    • ઈશ્વરે કરેલાં ઉદ્ધારનાં કામો યાદ કરાયાં (૧૨-૧૭)

    • “દુશ્મનોનાં મહેણાં-ટોણાં યાદ રાખો” (૧૮)

માસ્કીલ.* આસાફનું ગીત.+ ૭૪  હે ભગવાન, તમે કેમ અમને કાયમ માટે તરછોડી દીધા છે?+ તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારો ગુસ્સો કેમ સળગી ઊઠ્યો છે?+  ૨  તમે લાંબા સમય પહેલાં પસંદ કરેલા લોકોને* યાદ કરો,+એ કુળ જેને તમે વારસા તરીકે છોડાવ્યું હતું.+ સિયોન પર્વત યાદ કરો, જ્યાં તમે રહો છો.+  ૩  વર્ષોથી પડી રહેલાં ખંડેરો તરફ તમારાં પગલાં વાળો.+ વેરીઓએ પવિત્ર સ્થાનની બધી વસ્તુઓનો નાશ કર્યો છે.+  ૪  શત્રુઓએ ભક્તિ-સ્થળે ધમાલ મચાવી છે.+ તેઓએ ત્યાં નિશાની તરીકે પોતાના ઝંડા લહેરાવ્યા છે.  ૫  તેઓ ગીચ જંગલ પર કુહાડો મારનારા માણસો જેવા છે.  ૬  તેઓ કુહાડીઓ અને લોઢાના સળિયાઓથી મંદિરના નકશીકામનો+ કચ્ચરઘાણ વાળે છે.  ૭  તેઓ તમારા મંદિરને આગ ચાંપે છે.+ તેઓએ તમારા નામનો મંડપ અશુદ્ધ કરીને જમીનદોસ્ત કરી દીધો છે.  ૮  તેઓ અને તેઓના વંશજો મનોમન વિચારે છે: “આખા દેશમાં જ્યાં જ્યાં ઈશ્વરની ભક્તિ થાય છે, એ બધી જગ્યાઓ બાળીને ભસ્મ કરી નાખીએ.”  ૯  અમને નથી કોઈ નિશાનીઓ દેખાતી,નથી કોઈ પ્રબોધક દેખાતો,નથી અમને કોઈને ખબર કે આવું ક્યાં સુધી ચાલશે. ૧૦  હે ભગવાન, ક્યાં સુધી વેરી મહેણાં મારતો રહેશે?+ શું દુશ્મન કાયમ તમારા નામનું અપમાન કરતો રહેશે?+ ૧૧  તમે કેમ તમારો જમણો હાથ પાછો રાખો છો?+ તમારો હાથ લંબાવો* અને તેઓનો સફાયો કરી નાખો. ૧૨  પણ ઈશ્વર સદીઓથી મારા રાજા છે,પૃથ્વી પર ઉદ્ધારનાં કામો કરનાર તે જ છે.+ ૧૩  તમે તમારા બળથી દરિયો વલોવી નાખો છો.+ તમે મોટાં દરિયાઈ પ્રાણીઓનાં માથાં ફોડી નાખો છો. ૧૪  તમે મોટાં દરિયાઈ પ્રાણીનાં* માથા કચડી નાખો છો,રણપ્રદેશોના રહેવાસીઓને એ ખોરાક તરીકે આપી દો છો. ૧૫  ખડકો કાપીને તમે ઝરાઓ અને ઝરણાઓ વહેતાં કરો છો.+ ખળખળ વહેતી નદીઓને તમે સૂકવી નાખો છો.+ ૧૬  દિવસ તમારો છે અને રાત પણ તમારી જ છે. રોશની* તમે બનાવી છે અને સૂરજ પણ તમે જ બનાવ્યો છે.+ ૧૭  પૃથ્વીની બધી હદો તમે જ ઠરાવી છે.+ ઉનાળા અને શિયાળાની ૠતુ પણ તમે જ ઠરાવી છે.+ ૧૮  હે યહોવા, દુશ્મનોનાં મહેણાં-ટોણાં યાદ રાખો. મૂર્ખ લોકો તમારા નામનું ઘોર અપમાન કરે છે.+ ૧૯  તમારા હોલાનું જીવન જંગલી જાનવરોને સોંપી દેશો નહિ. તમારા દીન-દુખિયા લોકોને હંમેશ માટે ભૂલી જશો નહિ. ૨૦  તમે અમારી સાથે કરેલો કરાર યાદ રાખો,કેમ કે ધરતીની અંધારી જગ્યાઓ જુલમી લોકોથી ખદબદે છે. ૨૧  કચડાયેલા લોકો નિરાશ થઈને પાછા ન વળે.+ નિરાધાર અને ગરીબ તમારા નામની સ્તુતિ કરે.+ ૨૨  હે ઈશ્વર, ઊઠો અને તમારો મુકદ્દમો લડો. ભૂલશો નહિ, મૂર્ખ લોકો તમને આખો દિવસ મહેણાં મારે છે.+ ૨૩  તમારા દુશ્મનો જે કહે છે એ ભૂલશો નહિ. બંડખોરોનો ઘોંઘાટ આસમાન સુધી ચઢતો જાય છે.

ફૂટનોટ

મૂળ, “તમારા ટોળાને.”
અથવા, “તમારા ઝભ્ભામાંથી હાથ લંબાવો.”
હિબ્રૂ, લિવયાથાન. શબ્દસૂચિમાં “લિવયાથાન” જુઓ.
અથવા, “જ્યોતિ.”