ગીતશાસ્ત્ર ૯૪:૧-૨૩

  • બદલો લેવા ઈશ્વરને પ્રાર્થના

    • ‘દુષ્ટો ક્યાં સુધી રહેશે?’ ()

    • યાહ જેને સુધારે છે તે સુખી છે (૧૨)

    • ઈશ્વર પોતાના લોકોને તરછોડી દેશે નહિ (૧૪)

    • “કાયદાની આડમાં મુશ્કેલીઓ ઊભી કરે છે” (૨૦)

૯૪  હે બદલો લેનાર ઈશ્વર યહોવા,+હે બદલો લેનાર ઈશ્વર, તમારો પ્રકાશ પાથરો!  ૨  હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊભા થાઓ.+ ઘમંડી લોકોને તેઓનાં કામ પ્રમાણે સજા આપો.+  ૩  દુષ્ટો ક્યાં સુધી આનંદ મનાવતા રહેશે?+ હે યહોવા, ક્યાં સુધી?  ૪  તેઓ બકવાસ કરે છે અને ડંફાસ મારે છે. બધા ગુનેગારો પોતાના વિશે બડાઈ હાંકે છે.  ૫  હે યહોવા, તેઓ તમારા લોકોને કચડી નાખે છે,+તમારા લોકો પર જુલમ ગુજારે છે.  ૬  તેઓ વિધવાઓની અને પરદેશીઓની કતલ કરે છે,તેઓ અનાથ બાળકોનું ખૂન કરે છે.  ૭  તેઓ કહે છે: “યાહ જોતા નથી.+ યાકૂબના ઈશ્વરને એની કંઈ પડી નથી.”+  ૮  હે અક્કલ વગરનાઓ, જરા સમજો. હે મૂર્ખો, તમારામાં ક્યારે સમજ આવશે?+  ૯  જે કાનના ઘડનાર છે, તે શું સાંભળી નહિ શકે? જે આંખના રચનાર છે, તે શું જોઈ નહિ શકે?+ ૧૦  પ્રજાઓને જે સુધારે છે, તે શું ઠપકો નહિ આપે?+ તે જ લોકોને જ્ઞાન આપે છે!+ ૧૧  યહોવા જાણે છે કે માણસોના વિચારોસાવ નકામા છે.+ ૧૨  હે યાહ, સુખી છે એ માણસ, જેને તમે સુધારો છો+અને જેને તમારો નિયમ શીખવો છો,+ ૧૩  જેથી આફતના દિવસોમાં તેને શાંતિ મળે,હા, દુષ્ટ માટે ખાડો ન ખોદાય ત્યાં સુધી તેને શાંતિ મળે.+ ૧૪  યહોવા પોતાના લોકોને તરછોડી દેશે નહિ,+તે પોતાના લોકોને ત્યજી દેશે નહિ,+ ૧૫  કેમ કે ફરી એક વાર સાચો ચુકાદો આપવામાં આવશે. અને બધા નેક દિલ લોકો એ પ્રમાણે કરશે. ૧૬  મારા માટે દુષ્ટો વિરુદ્ધ કોણ ઊભો થશે? મારા માટે ગુનેગારો વિરુદ્ધ કોણ ઊઠશે? ૧૭  જો યહોવાએ મને મદદ કરી ન હોત,તો હું ક્યારનોય ધૂળભેગો થઈ ગયો હોત.+ ૧૮  જ્યારે મેં કહ્યું કે, “મારો પગ લપસી જાય છે,” ત્યારે હે યહોવા, તમારા અતૂટ પ્રેમે મને સાથ આપ્યો.+ ૧૯  જ્યારે હું ચિંતાઓના બોજથી દબાઈ ગયો,ત્યારે તમે મને દિલાસો આપ્યો અને મારું મન શાંત પાડ્યું.+ ૨૦  ભ્રષ્ટાચારી શાસકો* કાયદાની આડમાં મુશ્કેલીઓ ઊભી કરે છે,તેઓ કઈ રીતે તમારો સહકાર માંગી શકે?+ ૨૧  તેઓ સચ્ચાઈથી ચાલનાર પર જુલમ ગુજારે છે.+ તેઓ નિર્દોષને મોતની સજા ફટકારે છે.+ ૨૨  પણ યહોવા મારા માટે સલામત આશરો* બનશે. મારા ઈશ્વર મને આશરો આપનાર ખડક છે.+ ૨૩  તે દુષ્ટોનાં કામોનો બદલો વાળી આપશે.+ તેઓનાં જ ખોટાં કામોથી તે તેઓનો નાશ કરશે. યહોવા આપણા ઈશ્વર તેઓનો સર્વનાશ કરશે.+

ફૂટનોટ

અથવા, “ન્યાયાધીશો.” મૂળ, “રાજગાદી.”
અથવા, “ગઢ.”