પ્રેરિતોનાં કાર્યો ૧૮:૧-૨૮

  • પાઉલ કોરીંથમાં પ્રચાર કરે છે (૧-૧૭)

  • પાઉલ સિરિયાના અંત્યોખ પાછો જાય છે (૧૮-૨૨)

  • પાઉલ ગલાતિયા અને ફ્રુગિયા જવા નીકળે છે (૨૩)

  • કુશળ વક્તા અપોલોસને મદદ કરવામાં આવે છે (૨૪-૨૮)

૧૮  પછી પાઉલ એથેન્સથી નીકળ્યો અને કોરીંથ આવ્યો. ૨  ત્યાં તે આકુલા+ નામના યહૂદીને મળ્યો, જે પોન્તસનો વતની હતો. તે પોતાની પત્ની પ્રિસ્કિલાને* લઈને ઇટાલીથી હમણાં જ આવ્યો હતો, કેમ કે સમ્રાટ ક્લોદિયસે બધા યહૂદીઓને  રોમમાંથી નીકળી જવાનો હુકમ કર્યો હતો. પાઉલ તેઓના ત્યાં ગયો. ૩  આકુલા અને પ્રિસ્કિલા તંબુ બનાવવાનો વ્યવસાય કરતાં હતાં. પાઉલ પણ એ જ વ્યવસાય કરતો હતો, એટલે તે તેઓના ઘરે રોકાયો અને તેઓ સાથે કામ કરવા લાગ્યો.+ ૪  તે દરેક સાબ્બાથે+ સભાસ્થાનમાં પ્રવચન આપતો*+ અને યહૂદીઓ તથા ગ્રીકોને સમજાવતો. ૫  જ્યારે સિલાસ+ અને તિમોથી+ મકદોનિયાથી આવ્યા, ત્યારે પાઉલ વધારે ઉત્સાહથી સંદેશો ફેલાવવા લાગ્યો. તે યહૂદીઓને સાક્ષી આપવા લાગ્યો અને સાબિત કરવા લાગ્યો કે ઈસુ એ જ ખ્રિસ્ત છે.+ ૬  પણ તેઓ પાઉલનો વિરોધ કરતા હતા અને તેને જેમતેમ બોલતા હતા. તેથી તેણે પોતાનાં કપડાં ખંખેરીને*+ તેઓને કહ્યું: “તમારું લોહી તમારા માથે.+ હું નિર્દોષ છું.+ હવેથી, હું બીજી પ્રજાઓના લોકો પાસે જઈશ.”+ ૭  પછી તે સભાસ્થાનમાં પ્રચાર કરવાનું છોડીને તિતસ યુસ્તસ નામના માણસના ઘરે ગયો અને ત્યાં પ્રચાર કરવા લાગ્યો. તિતસ એક ઈશ્વરભક્ત હતો, જેનું ઘર સભાસ્થાનની જોડે જ હતું. ૮  સભાસ્થાનના મુખ્ય અધિકારી ક્રિસ્પુસે+ માલિકમાં શ્રદ્ધા મૂકી. તેના ઘરના બધા લોકોએ પણ શ્રદ્ધા મૂકી. સંદેશો સાંભળનારા ઘણા કોરીંથીઓએ શ્રદ્ધા મૂકી અને બાપ્તિસ્મા લીધું. ૯  એટલું જ નહિ, આપણા માલિક ઈસુએ રાતે દર્શનમાં પાઉલને કહ્યું: “ડરતો નહિ, પણ બોલતો રહેજે. તું ચૂપ રહેતો નહિ, ૧૦  કેમ કે આ શહેરમાં એવા ઘણા લોકો છે જેઓ મારા પર શ્રદ્ધા મૂકશે. હું તારી સાથે છું,+ કોઈ માણસ હુમલો કરીને તારું કંઈ બગાડી શકશે નહિ.” ૧૧  તે દોઢ વર્ષ ત્યાં રહ્યો અને લોકોને ઈશ્વરનો સંદેશો શીખવતો રહ્યો. ૧૨  અખાયાના રાજ્યપાલ* ગાલિયોના સમયમાં, યહૂદીઓ એક થઈને પાઉલની વિરુદ્ધ ઊઠ્યા અને તેને ન્યાયાસન આગળ લઈ ગયા. ૧૩  તેઓએ કહ્યું: “આ માણસ લોકોને એ રીતે ઈશ્વરની ભક્તિ કરવાનું શીખવે છે, જે નિયમ વિરુદ્ધ છે.” ૧૪  પણ પાઉલ બોલવાની તૈયારીમાં જ હતો, એવામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું: “ઓ યહૂદીઓ, જો કંઈક ખોટું થયું હોત કે ગંભીર ગુનો થયો હોત, તો એ વાજબી ગણાત કે હું તમારું શાંતિથી સાંભળું. ૧૫  પણ શબ્દો, વ્યક્તિઓ અને તમારા નિયમો વિશે તકરાર હોય+ તો, એ તમારે જાતે જોઈ લેવું. હું એ બધાનો ન્યાય કરવા માંગતો નથી.” ૧૬  એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા. ૧૭  ત્યારે એ બધાએ સભાસ્થાનના મુખ્ય અધિકારી સોસ્થનેસને+ પકડ્યો અને ન્યાયાસન આગળ તેને મારવા લાગ્યા. પણ ગાલિયો એ બધામાં વચ્ચે પડ્યો નહિ. ૧૮  તોપણ પાઉલ ત્યાં થોડા દિવસ વધારે રોકાયો અને પછી તેણે ભાઈઓથી વિદાય લીધી. તેણે પ્રિસ્કિલા અને આકુલા સાથે સિરિયા જવા દરિયાઈ મુસાફરી કરી. તેણે માનતા લીધી હોવાથી કિંખ્રિયામાં+ પોતાના વાળ ટૂંકા કરાવ્યા. ૧૯  પછી તેઓ એફેસસ આવ્યાં. પ્રિસ્કિલા અને આકુલાને ત્યાં મૂકીને તે સભાસ્થાનમાં ગયો અને યહૂદીઓ સાથે ચર્ચા કરવા લાગ્યો.+ ૨૦  તેઓએ તેને વધારે સમય રોકાવા વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ. ૨૧  તેણે વિદાય લેતી વખતે તેઓને કહ્યું: “જો યહોવાની* ઇચ્છા હશે, તો હું તમારી પાસે પાછો આવીશ.” પછી તે એફેસસથી દરિયાઈ માર્ગે નીકળ્યો ૨૨  અને કાઈસારીઆ આવ્યો. તેણે યરૂશાલેમ જઈને મંડળની મુલાકાત લીધી અને પછી અંત્યોખ ગયો.+ ૨૩  ત્યાં થોડો સમય વિતાવ્યા પછી, તે નીકળીને ગલાતિયાના અને ફ્રુગિયાના પ્રદેશોમાં ગયો.+ ત્યાં એક પછી એક જગ્યાઓએ ફરીને તેણે બધા શિષ્યોને ઉત્તેજન આપ્યું.+ ૨૪  હવે અપોલોસ+ નામનો એક યહૂદી માણસ એફેસસ આવ્યો. તે એલેકઝાંડ્રિયાનો વતની હતો. તે કુશળ વક્તા હતો અને શાસ્ત્રવચનોનો સારો જાણકાર હતો. ૨૫  આ માણસને યહોવાના* માર્ગનું શિક્ષણ* આપવામાં આવ્યું હતું. તે પવિત્ર શક્તિને લીધે ઘણો જોશીલો હતો. તે ઈસુ વિશેની વાતો ચોકસાઈથી કહેતો અને શીખવતો હતો, પણ તે ફક્ત યોહાને પ્રચાર કરેલા બાપ્તિસ્મા વિશે જાણતો હતો. ૨૬  તે સભાસ્થાનમાં હિંમતથી બોલવા લાગ્યો. પ્રિસ્કિલા અને આકુલાએ+ તેને સાંભળ્યો ત્યારે, તેઓ તેને પોતાની સાથે લઈ ગયા. તેઓએ તેને ઈશ્વરના માર્ગ વિશે વધારે ચોકસાઈથી સમજાવ્યું. ૨૭  તે પેલે પાર અખાયા જવા માંગતો હતો. એટલે ભાઈઓએ ત્યાંના શિષ્યોને પત્ર લખીને વિનંતી કરી કે પ્રેમથી તેનો આવકાર કરે. તે ત્યાં પહોંચ્યો ત્યારે, જેઓએ ઈશ્વરની અપાર કૃપાથી શ્રદ્ધા મૂકી હતી, તેઓને તેણે ઘણી મદદ કરી. ૨૮  ઈસુ એ જ ખ્રિસ્ત છે,+ એમ શાસ્ત્રવચનોમાંથી બતાવીને તેણે જાહેરમાં પૂરા જોશથી યહૂદીઓને તદ્દન ખોટા સાબિત કર્યા.

ફૂટનોટ

પ્રિસ્કા તરીકે પણ ઓળખાતી.
અથવા, “તેઓ સાથે ચર્ચા કરતો.”
એ જવાબદારી પૂરી થવાને બતાવે છે.
શબ્દસૂચિમાં “પ્રદેશનો રોમન રાજ્યપાલ” જુઓ.
અથવા, “મૌખિક રીતે શિક્ષણ.”