ફિલેમોનને પત્ર ૧:૧-૨૫

  • સલામ (૧-૩)

  • ફિલેમોનનો પ્રેમ અને શ્રદ્ધા (૪-૭)

  • ઓનેસિમસ માટે પાઉલની અરજ (૮-૨૨)

  • છેલ્લી સલામ (૨૩-૨૫)

૧  અમારા વહાલા ભાઈ અને સાથી કામદાર ફિલેમોન, હું પાઉલ તને આ પત્ર લખું છું. હું ખ્રિસ્ત* ઈસુ માટે કેદમાં છું+ અને આપણા ભાઈ તિમોથી+ સાથે મળીને તને આ પત્ર લખું છું. ૨  અમારી બહેન આફિયા, અમારા સાથી સૈનિક આર્ખિપસ+ અને તારા ઘરમાં ભેગા મળતા મંડળને પણ લખું છું:+ ૩  ઈશ્વર આપણા પિતા પાસેથી અને આપણા માલિક ઈસુ ખ્રિસ્ત પાસેથી તમને અપાર કૃપા અને શાંતિ મળે. ૪  વહાલા ફિલેમોન, હું પ્રાર્થનામાં તને યાદ કરું છું ત્યારે, હંમેશાં મારા ઈશ્વરનો આભાર માનું છું,+ ૫  કેમ કે મેં સાંભળ્યું છે કે તું માલિક ઈસુમાં શ્રદ્ધા રાખે છે અને પૂરા દિલથી તેમને પ્રેમ કરે છે. એવો જ પ્રેમ તું ભાઈ-બહેનોને* પણ કરે છે. ૬  મારી પ્રાર્થના છે કે તારી અને તારાં સાથી ભાઈ-બહેનોની શ્રદ્ધા તને એ આશીર્વાદોનો અહેસાસ કરાવે, જે આપણને ખ્રિસ્ત દ્વારા મળ્યા છે. ૭  મારા ભાઈ, તારા પ્રેમ વિશે સાંભળીને મને ખૂબ જ ખુશી અને દિલાસો મળે છે, કેમ કે તારા લીધે બધાં ભાઈ-બહેનોનાં* હૃદયને* તાજગી મળી છે. ૮  હું ચાહું તો ખ્રિસ્તના પ્રેરિત* તરીકે કોઈ સંકોચ વગર તને જે યોગ્ય છે એ કરવાની આજ્ઞા કરી શકું છું. ૯  તોપણ, તેં બતાવેલા પ્રેમને લીધે હું તને વિનંતી કરું છું, કેમ કે હું વૃદ્ધ થયો છું અને હવે ખ્રિસ્ત ઈસુ માટે કેદી પણ છું. ૧૦  મારા દીકરા ઓનેસિમસ+ માટે હું તને વિનંતી કરું છું. હું કેદમાં* હતો ત્યારે મેં તેને મારો દીકરો બનાવ્યો હતો.+ ૧૧  તે અગાઉ તારા માટે નકામો હતો, પણ હવે તારા અને મારા માટે કામનો છે. ૧૨  હું ઓનેસિમસને, હા, જે મને જીવની જેમ વહાલો છે તેને તારી પાસે પાછો મોકલું છું. ૧૩  મારી ઇચ્છા તો છે કે તેને અહીં મારી પાસે જ રાખું, જેથી ખુશખબરને માટે હું કેદમાં છું ત્યાં સુધી તારી જગ્યાએ તે મારી સેવા કરે.+ ૧૪  તોપણ, તારી મંજૂરી વગર હું કંઈ પણ કરવા ઇચ્છતો નથી. હું ચાહું છું કે તું તારી ઇચ્છાથી આ સારું કામ કરે, મારા દબાણમાં આવીને નહિ.+ ૧૫  કદાચ એટલે જ તે થોડી વાર* માટે તારાથી દૂર થઈ ગયો હતો, જેથી તું તેને હંમેશ માટે પાછો મેળવી શકે. ૧૬  હવે, દાસ તરીકે નહિ+ પણ દાસ કરતાંય વધારે, એટલે કે વહાલા ભાઈ તરીકે તેને સ્વીકારજે.+ મને તો એ ખૂબ જ વહાલો છે. તું તો તેને મારાથી પણ વધારે વહાલો ગણીશ, કેમ કે તે તારો દાસ જ નહિ, આપણા માલિક ઈસુની સેવામાં તારો ભાઈ પણ છે. ૧૭  જો તું મને મિત્ર* ગણતો હોય, તો જાણે મારો આવકાર કરતો હોય તેમ પ્રેમથી તેનો આવકાર કરજે. ૧૮  એટલું જ નહિ, જો તેણે તારું કંઈ નુકસાન કર્યું હોય કે કંઈ લીધું હોય, તો એ મારા ખાતામાં લખજે. ૧૯  હું પાઉલ મારા હાથે આ લખું છું કે ઓનેસિમસનું દેવું હું ચૂકવીશ. હકીકતમાં, તું જાણે છે કે તારા જીવન માટે તું મારો દેવાદાર છે. ૨૦  મારા ભાઈ, આપણા માલિકની સેવામાં તું મને આટલી મદદ કરજે, ખ્રિસ્તના પગલે ચાલનાર તરીકે તું મારા હૃદયને* તાજગી આપજે. ૨૧  તું મારું કહ્યું માનીશ એવા ભરોસા સાથે હું તને લખું છું. હું જાણું છું કે મેં કહ્યું છે એનાથી પણ વધારે તું કરીશ. ૨૨  તું મારી રહેવાની જગ્યા પણ તૈયાર રાખજે. મને આશા છે કે તમારી પ્રાર્થનાઓને લીધે હું તમારી પાસે પાછો આવીશ.*+ ૨૩  એપાફ્રાસ+ તને યાદ આપે છે, જે ખ્રિસ્ત ઈસુ માટે મારી જેમ કેદમાં છે. ૨૪  મારા સાથી કામદારો માર્ક, અરિસ્તાર્ખસ,+ દેમાસ+ અને લૂક+ પણ યાદ આપે છે. ૨૫  તમારા સારા વલણ પર આપણા માલિક ઈસુ ખ્રિસ્તની અપાર કૃપા રહે.

ફૂટનોટ

મૂળ, “બધા પવિત્ર જનોને.”
મૂળ, “પવિત્ર જનોનાં.”
મૂળ, “આંતરડીને.” એ ઊંડી લાગણીઓને બતાવે છે.
મૂળ, “બંધનોમાં.”
મૂળ, “એક કલાક.”
મૂળ, “ભાગીદાર.”
મૂળ, “આંતરડીને.” એ ઊંડી લાગણીઓને બતાવે છે.
અથવા, “તમારા માટે મને છોડવામાં આવશે.”