હિબ્રૂઓને પત્ર ૩:૧-૧૯

  • મૂસા કરતાં ઈસુ મહાન છે (૧-૬)

    • બધી વસ્તુઓ ઈશ્વરે બનાવી છે ()

  • શ્રદ્ધા ઓછી ન થાય એ વિશે ચેતવણી (૭-૧૯)

    • “આજે જો તમે તેમનું સાંભળો” (, ૧૫)

 પવિત્ર ભાઈઓ, તમે સ્વર્ગના આમંત્રણના ભાગીદાર છો.+ તમે ઈસુનો વિચાર કરો, જેમને આપણે પ્રેરિત* અને પ્રમુખ યાજક* તરીકે સ્વીકારીએ છીએ.+ ૨  ઈસુ એ જવાબદારી સોંપનાર ઈશ્વરને+ વફાદાર રહ્યા, જેમ ઈશ્વરના આખા ઘરમાં મૂસા વફાદાર હતા.+ ૩  જેમ ઘર કરતાં ઘર બાંધનારને વધારે માન મળે છે, તેમ મૂસા કરતાં ઈસુને વધારે મહિમા મળે છે.+ ૪  ખરું કે દરેક ઘર કોઈકે બનાવ્યું છે, પણ બધી વસ્તુઓ બનાવનાર તો ઈશ્વર છે. ૫  હવે ઈશ્વરના આખા ઘરમાં મૂસા એક સેવક તરીકે વફાદાર હતા. મૂસાની સેવા એ વાતોની સાક્ષી બની,* જે ઈશ્વર પછીથી કહેવાના હતા. ૬  પણ ખ્રિસ્ત* તો ઈશ્વરના આખા ઘર પર દીકરા તરીકે વફાદાર હતા.+ જો આપણે હિંમતથી બોલતા રહીએ અને જે આશા વિશે આપણને ગર્વ છે, એને અંત સુધી મજબૂત પકડી રાખીએ, તો સાચે જ આપણે ઈશ્વરનું ઘર છીએ.+ ૭  એટલે જેમ પવિત્ર શક્તિ કહે છે,+ “આજે જો તમે તેમનું સાંભળો, ૮  તો તમારું દિલ કઠણ ન કરતા, જેમ તમારા બાપદાદાઓએ વેરાન પ્રદેશમાં કર્યું હતું અને કસોટીના દિવસે મને ખૂબ ગુસ્સે કર્યો હતો.+ ૯  તમારા બાપદાદાઓએ ૪૦ વર્ષો સુધી મારા ચમત્કારો જોયા હતા, છતાં તેઓએ મારી કસોટી કરી.+ ૧૦  એટલે મને એ પેઢીથી નફરત થઈ ગઈ અને મેં કહ્યું: ‘તેઓનાં દિલ હંમેશાં ભટકી જાય છે અને તેઓ મારા માર્ગો જાણતા નથી.’ ૧૧  એટલે મેં ગુસ્સે ભરાઈને સોગંદ લીધા: ‘તેઓ મારા આરામમાં પ્રવેશ કરશે નહિ.’”+ ૧૨  ભાઈઓ, સાવધ રહો કે તમે જીવંત ઈશ્વરથી દૂર ન થઈ જાઓ, નહિતર તમારું દિલ દુષ્ટ બની જશે અને તમારી શ્રદ્ધા ઓછી થઈ જશે.+ ૧૩  પણ જ્યાં સુધી દિવસને “આજ”+ કહેવામાં આવે છે, ત્યાં સુધી રોજ એકબીજાને ઉત્તેજન આપતા રહો, જેથી પાપની ભમાવનારી તાકાત તમારામાંથી કોઈનું દિલ કઠણ ન બનાવે. ૧૪  કેમ કે શરૂઆતમાં આપણને જે ભરોસો હતો એને જો અંત સુધી વળગી રહીશું, તો જ આપણે ખ્રિસ્તના ભાગીદાર બનીશું.*+ ૧૫  જેમ લખેલું છે: “આજે જો તમે તેમનું સાંભળો, તો તમારું દિલ કઠણ ન કરતા, જેમ તમારા બાપદાદાઓએ કર્યું હતું અને મને ખૂબ ગુસ્સે કર્યો હતો.”+ ૧૬  કોણે ઈશ્વરની વાત સાંભળી હતી છતાં તેમને ભારે ગુસ્સે કર્યા હતા? શું એ જ લોકો નહિ, જેઓ મૂસાની આગેવાની નીચે ઇજિપ્તમાંથી* બહાર આવ્યા હતા?+ ૧૭  કોના પર ઈશ્વર ૪૦ વર્ષો સુધી ગુસ્સે રહ્યા હતા?+ શું એ લોકો પર નહિ, જેઓએ પાપ કર્યું અને વેરાન પ્રદેશમાં મરી ગયા?+ ૧૮  કોના વિશે ઈશ્વરે સોગંદ લીધા હતા કે તેઓ તેમના આરામમાં પ્રવેશ કરશે નહિ? શું એ લોકો વિશે નહિ, જેઓએ આજ્ઞા માની ન હતી? ૧૯  આપણે જાણીએ છીએ કે શ્રદ્ધાની ખામીને લીધે તેઓ ઈશ્વરના આરામમાં પ્રવેશી શક્યા નહિ.+

ફૂટનોટ

અથવા, “પુરાવો બન્યો.”
અથવા, “ખ્રિસ્ત સાથે ભાગ લઈશું.”
અથવા, “મિસરમાંથી.”