સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જીવન સફર

ઈશ્વરની અપાર કૃપાનો અમે અનુભવ કર્યો

ઈશ્વરની અપાર કૃપાનો અમે અનુભવ કર્યો

યુવાન હતા ત્યારથી જ મારા પિતાને ઈશ્વર પ્રત્યે બહુ પ્રેમ હતો. તેઓ મેથોડિસ્ટ ચર્ચના સેવક બનવા માંગતા હતા. પણ જ્યારે તેમણે બાઇબલ વિદ્યાર્થીઓનું સાહિત્ય વાંચ્યું, ત્યારે તેમણે ચર્ચના સેવક બનવાનું માંડી વાળ્યું અને બાઇબલ વિદ્યાર્થીઓ સાથે સંગત કરવા લાગ્યા. ૧૯૧૪ની સાલમાં, ૧૭ વર્ષની ઉંમરે મારા પિતાએ બાપ્તિસ્મા લીધું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, તેમને સેનામાં ભરતી થવાનો હુકમ મળ્યો. પણ, તેમણે યુદ્ધમાં ભાગ લેવાની સાફ મનાઈ કરી દીધી. એના કારણે તેમને કેનેડાના ઑન્ટેરીઓની કિંગસ્ટન જેલમાં ૧૦ મહિનાની સજા થઈ. જેલમાંથી છૂટ્યા બાદ તે કોલ્પોર્ચર, એટલે કે પાયોનિયર બન્યા.

સાલ ૧૯૨૬માં, મારાં માતા-પિતાએ લગ્ન કર્યું. મારાં માતાનું નામ હેઝલ વિલ્કીનસન છે. મારાં નાનીને ૧૯૦૮માં સત્ય મળ્યું હતું. મારો જન્મ, એપ્રિલ ૨૪, ૧૯૩૧ના રોજ થયો હતો. ચાર બાળકોમાં હું બીજા નંબરે હતો. મારા પિતાને બાઇબલ પ્રત્યે ખૂબ જ પ્રેમ અને આદર હતો. તેમણે અમને પણ એમ કરતા શીખવ્યું હતું. યહોવાની ભક્તિ અમારા જીવનમાં સૌથી મહત્ત્વની હતી. અમે આખું કુટુંબ નિયમિત રીતે ઘર ઘરના પ્રચારકામમાં જતું.—પ્રે.કા. ૨૦:૨૦.

પિતાની જેમ હું પણ તટસ્થ રહ્યો, પાયોનિયર બન્યો

સાલ ૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું. એ પછીના વર્ષે, કેનેડામાં યહોવાના સાક્ષીઓના પ્રચારકામ પર પ્રતિબંધ મુકાયો. શાળામાં ભણતાં બાળકો માટે ધ્વજવંદન કરવું અને રાષ્ટ્રગીત ગાવું ફરજિયાત બની ગયું. મને અને મારી બહેન ડોરોથીને એ સમયે વર્ગમાંથી બહાર જવાની પરવાનગી હતી. પણ એક દિવસે, મારા શિક્ષિકાએ આખા વર્ગની સામે મને ડરપોક કહીને મારું અપમાન કર્યું. સ્કૂલ પછી, મારા વર્ગના અમુક વિદ્યાર્થીઓએ મારા પર હુમલો કર્યો અને મને ભોંય ભેગો કરી દીધો. આ બનાવથી, ‘માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માનવાનો’ મારો સંકલ્પ વધુ મજબૂત થયો.—પ્રે.કા. ૫:૨૯.

જુલાઈ ૧૯૪૨માં, ૧૧ વર્ષની ઉંમરે મેં ખેતરની એક ટાંકીમાં બાપ્તિસ્મા લીધું. વેકેશન દરમિયાન મને પાયોનિયરીંગ કરવું ખૂબ ગમતું. આજે આપણે એને સહાયક પાયોનિયરીંગ કહીએ છીએ. એક વખતે, હું ત્રણ ભાઈઓ સાથે ઑન્ટેરીઓના ઉત્તર ભાગમાં ગયો અને ત્યાં વસતા કઠિયારાઓને અમે ખુશખબર જણાવી.

મે ૧, ૧૯૪૯માં મેં નિયમિત પાયોનિયરીંગ શરૂ કર્યું. ત્યાર બાદ, મને કેનેડા શાખાના બાંધકામમાં મદદ કરવાનું આમંત્રણ મળ્યું. પછીથી, હું કેનેડાના બેથેલમાં સેવા આપવા લાગ્યો. હું પ્રિન્ટિંગ વિભાગમાં કામ કરતો, જ્યાં હું છાપકામ શીખ્યો. કેનેડામાં યહોવાના સાક્ષીઓને જે સતાવણી થતી હતી, એ વિશે એક પત્રિકા છાપવાની હતી. મને હજીયે યાદ છે કે, એ માટે અમે ઘણાં અઠવાડિયાં સુધી આખી આખી રાત કામ કર્યું હતું.

ત્યાર બાદ, મેં સેવા વિભાગમાં કામ કર્યું. કેનેડાના ક્વિબેક રાજ્યમાં સાક્ષીઓની આકરી સતાવણી કરવામાં આવતી હતી. તેમ છતાં, ઘણાં ભાઈ-બહેનો ત્યાં જઈને પાયોનિયર સેવા કરી રહ્યા હતા. એવા પાયોનિયરોના ઇન્ટરવ્યૂ લેવાની મને સોંપણી મળી. એમાંની એક પાયોનિયર મેરી ઝઝૂલા હતી, જે ઍલ્બર્ટાના એડમોન્ટન શહેરની હતી. તેનાં માતા-પિતા ઑર્થોડૉક્સ ચર્ચના સભ્ય હતાં. મેરી અને તેના મોટા ભાઈએ બાઇબલ અભ્યાસ બંધ કરવાની મનાઈ કરી ત્યારે, તેઓનાં માતા-પિતાએ તેઓને ઘરમાંથી બહાર કાઢી મૂક્યાં. મેરી અને તેના ભાઈએ જૂન ૧૯૫૧માં બાપ્તિસ્મા લીધું અને છ મહિના પછી પાયોનિયરીંગ શરૂ કર્યું. મેરીના ઇન્ટરવ્યૂ દરમિયાન હું જોઈ શક્યો કે, તે યહોવાને ખૂબ ચાહે છે. મેં વિચાર્યું, આ જ એ છોકરી છે જેની સાથે મારે પરણવું જોઈએ. નવ મહિના પછી, જાન્યુઆરી ૩૦, ૧૯૫૪માં અમે લગ્ન કર્યું. લગ્નના એક અઠવાડિયા પછી, મને અને મેરીને સરકીટ કામની તાલીમ માટે આમંત્રણ મળ્યું. ત્યાર પછી, બે વર્ષ સુધી અમે ઑન્ટેરીઓના ઉત્તર ભાગમાં સરકીટ કામ કર્યું.

આખી દુનિયામાં પ્રચારકામ વધવા લાગ્યું તેમ, વધુ મિશનરીઓની જરૂર ઊભી થઈ. મેં અને મેરીએ વિચાર્યું, જો અમે કેનેડાના ઠંડાગાર શિયાળામાં અને ઉનાળામાં હેરાન-પરેશાન કરી મૂકતા મચ્છરો સાથે જીવી શકતા હોઈએ, તો અમે દુનિયાના કોઈ પણ ખૂણામાં જીવી શકીએ છીએ. તેથી, અમે ગિલયડ સ્કૂલના ૨૭મા વર્ગમાં હાજરી આપી અને જુલાઈ ૧૯૫૬માં ગ્રેજ્યુએટ થયાં. નવેમ્બર સુધીમાં તો અમે અમારા નવા ઘરમાં હતા, બ્રાઝિલ.

બ્રાઝિલમાં મિશનરી કામ

બ્રાઝિલ આવ્યા પછી, અમે પોર્ટુગીઝ ભાષા શીખવાં લાગ્યાં. સૌથી પહેલા અમે વાત શરૂ કરવા નાનાં નાનાં વાક્યો શીખ્યાં. પછી, મૅગેઝિન આપવાની નાની રજૂઆત મોઢે કરી. ત્યાર બાદ, અમે પ્રચારકામમાં ગયાં. અમે એક સ્ત્રીને મળ્યાં, જેણે અમારા સંદેશામાં રસ બતાવ્યો. અમે નક્કી કર્યું હતું કે જો ઘરમાલિક રસ બતાવશે, તો અમે ઈશ્વરના રાજ્યમાં જીવન કેવું હશે, એ વિશે તેમને એક કલમ વાંચી બતાવીશું. મેં પ્રકટીકરણ ૨૧:૩, ૪ વાંચી અને પછી હું બેભાન થઈ ગયો! ગરમ અને ભેજવાળી આબોહવામાં રહેવા હું ટેવાયેલો ન હતો. ગરમીમાં રહેવું મારા માટે એક મોટો પડકાર હતો.

કૅમ્પોઝ નામના શહેરમાં અમને મિશનરી કામ કરવાની સોંપણી મળી હતી. આજે ત્યાં ૧૫ મંડળો છે! પણ જ્યારે અમે આવ્યા ત્યારે આખા શહેરમાં કોઈ મંડળ ન હતું, ફક્ત એક નાનો સમૂહ અને મિશનરી ઘર હતું. એ ઘરમાં ચાર બહેનો રહેતી હતી: એસ્તેર ટ્રેસી, રમોના બોઅર, લુઈઝા સ્વાર્ટ્ઝ, અને લોરેન બ્રુક્સ (હવે વોલન). મિશનરી ઘરમાં મારે કપડાં ધોવાના હતાં અને રાંધણ માટે લાકડાં લાવવાનાં હતાં. એક સોમવારની રાતે, ચોકીબુરજ અભ્યાસ પછી, મેરી સોફા પર આરામ કરી રહી હતી. અમે અમારો દિવસ કેવો રહ્યો એ વિશે વાત કરી રહ્યા હતા. મેરી ઊભી થઈ ત્યારે, તેના તકિયા નીચેથી એક સાપ નીકળ્યો! જ્યાં સુધી મેં એને મારી ન નાંખ્યો, ત્યાં સુધી અમારો જીવ અધ્ધર ને અધ્ધર જ રહ્યો.

એક વર્ષ સુધી પોર્ટુગીઝ શીખ્યા પછી, અમે સરકીટ કામ શરૂ કર્યું. અમે એવા વિસ્તારોમાં સેવા કરી જ્યાં વીજળી ન હતી. અમે ચટાઈ પર સૂતા અને ઘોડા કે ઘોડાગાડીમાં સફર કરતાં. એકવાર અમે ટ્રેનમાં મુસાફરી કરીને એક પર્વત પરનાં ગામમાં ગયા, જેથી ત્યાંના છૂટાછવાયા વિસ્તારમાં પ્રચાર કરી શકીએ. અમે એક નાનકડી ઓરડી ભાડે લીધી. પ્રચારકામ માટે શાખા કચેરીએ અમને ૮૦૦ મૅગેઝિન મોકલ્યાં હતાં. એને ઘરે લાવવા અમારે ઘણી વાર પોસ્ટ ઑફિસે જવું પડ્યું હતું.

૧૯૬૨માં આખા બ્રાઝિલમાં અલગ અલગ સ્થળે રાજ્ય સેવા શાળાનું આયોજન કરવામાં આવ્યું. છ મહિના સુધી, મારે એકથી બીજી જગ્યાએ જઈને તાલીમ આપવાની હતી. મેં મનાઉસ, બેલેમ, ફૉર્ટાલેઝા, રેસીફે અને સાલ્વાડૉર નામના શહેરોમાં રાજ્ય સેવા શાળા માટેની તાલીમ આપી. મનાઉસ શહેરમાં હતો ત્યારે, મેં ત્યાંના પ્રખ્યાત ઑપેરા હાઉસમાં ડિસ્ટ્રીક્ટ સંમેલનનું આયોજન કર્યું. ધોધમાર વરસાદને કારણે ત્યાં પીવાના પાણીની તંગી હતી. ત્યાં એવી કોઈ સુઘડ જગ્યા પણ ન હતી, જ્યાં ભાઈ-બહેનો બેસીને જમી શકે. મેં સેનાના એક અધિકારીને અમારી સમસ્યા જણાવી. તેણે સંમેલન માટે પીવાના પાણીની ગોઠવણ કરી આપી. એટલું જ નહિ, તેણે તેના સૈનિકોને મોકલીને બે મોટા તંબુ પણ બાંધી આપ્યા, જેનો અમે રસોડા તરીકે અને જમવા માટે ઉપયોગ કર્યો.

તાલીમ આપવા હું શહેર બહાર હતો ત્યારે, મેરીએ વેપાર વિસ્તારમાં પ્રચાર કર્યો. ત્યાં કોઈને પણ બાઇબલ વિશે વાત કરવામાં રસ ન હતો. એ વેપારીઓ પોર્ટુગલથી બ્રાઝિલ બસ પૈસા કમાવવા આવ્યા હતા. તેઓનું વલણ જોઈને મેરી નિરાશ થઈ ગઈ. તેણે પોતાના અમુક મિત્રોને કહ્યું, ‘હું દુનિયાના કોઈ પણ ખૂણે રહેવા તૈયાર છું, પણ પોર્ટુગલ, જરાય નહિ.’ થોડા જ સમયમાં, અમને એક પત્ર મળ્યો. અમને નવી સોંપણી મળી હતી, પોર્ટુગલ. એ જાણીને મેરીને મોટો આઘાત લાગ્યો. એ દેશમાં આપણા કામ પર પ્રતિબંધ હતો. પણ, અમે એ નવી સોંપણી સ્વીકારી અને પોર્ટુગલ ગયા.

પોર્ટુગલમાં અમારી સોંપણી

ઑગસ્ટ ૧૯૬૪માં અમે પોર્ટુગલના લિસ્બન શહેર પહોંચ્યાં. ત્યાંની છૂપી પોલીસે આપણાં ભાઈ-બહેનોનું જીવન મુશ્કેલ બનાવી દીધું હતું. અમે વિચાર્યું, શરૂઆતમાં ત્યાંનાં ભાઈ-બહેનોનો સંપર્ક ન કરીએ તો સારું રહેશે. સૌથી પહેલા અમે રહેવા માટે એક ઓરડી ભાડે લીધી. ત્યાંના વિઝા મળ્યા પછી, અમે એક ઍપાર્ટમેન્ટ ભાડા પર લીધું. પાંચ મહિના બાદ, અમે શાખા કચેરીના ભાઈઓનો સંપર્ક કર્યો. અમે સભાઓમાં જઈ શકતા હતા, એટલે અમે ખૂબ ખુશ હતા!

આપણા કામ પર પ્રતિબંધ હોવાને કારણે ત્યાંના રાજ્યગૃહો બંધ કરી દેવાયાં હતાં. સભાઓ માટે અમે ભાઈ-બહેનોના ઘરે મળતાં. પોલીસ નિયમિત રીતે તેઓનાં ઘરોમાં છાપો મારતી. સેંકડો ભાઈ-બહેનોને પૂછતાછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતાં. એટલું જ નહિ, પોલીસ તેઓ સાથે ખરાબ રીતે વર્તતી, તેઓ પર જવાબદાર ભાઈઓનાં નામ જાહેર કરવા દબાણ કરતી. તેથી, એકબીજાનો બચાવ કરવા અમે ભાઈ-બહેનોને અટકને બદલે નામથી જ બોલાવવાં લાગ્યાં.

અમારો મુખ્ય ધ્યેય ગમે તેમ કરીને ભાઈઓ સુધી આપણું સાહિત્ય પહોંચાડવાનો હતો, જેનાથી તેઓને ટકી રહેવા મદદ મળતી. મેરી, ચોકીબુરજ અભ્યાસ લેખો અને બીજું સાહિત્ય એક ખાસ પ્રકારના કાગળ પર ટાઇપ કરતી. એ કાગળની મદદથી બીજી અનેક પ્રતો છાપવામાં આવતી.

અદાલતમાં ખુશખબરનો બચાવ કરવો

જૂન ૧૯૬૬માં, લિસ્બનની અદાલતમાં એક ખાસ મુકદ્દમો ચલાવવામાં આવ્યો. ફેઈજો મંડળમાં ૪૯ સદસ્યો હતા. તેઓ બધા પર આરોપ મૂકવામાં આવ્યો હતો કે, તેઓએ કોઈના ઘરમાં ગેરકાયદેસર યોજાયેલી સભામાં હાજરી આપી હતી. મુકદ્દમા માટે મેં ભાઈ-બહેનોને તૈયાર કર્યા. એ માટે મેં સામા પક્ષના વકીલનો ભાગ ભજવ્યો અને ભાઈ-બહેનોની પૂછપરછ કરતો હોય, એમ સવાલો પૂછ્યા. આખરે અમારા મુકદ્દમાનો ચુકાદો આવ્યો અને ધાર્યા પ્રમાણે અમે હારી ગયા. એ ૪૯ ભાઈ-બહેનોને દોઢ મહિનાથી લઈને સાડા પાંચ મહિના સુધીની જેલની સજા ફટકારવામાં આવી. પણ, આ મુકદ્દમાથી બહુ મોટા પાયે લોકોને સાક્ષી મળી. અરે, અદાલતમાં અમારા વકીલે, બાઇબલમાં આપેલા ગમાલીયેલના શબ્દો ટાંક્યા. (પ્રે.કા. ૫:૩૩-૩૯) ત્યાર બાદ, સમાચાર માધ્યમોએ આ મુકદ્દમાનો અહેવાલ સમાચારપત્રોમાં આપ્યો. અમારા વકીલે બાઇબલમાંથી શીખવાનું અને સભામાં આવવાનું શરૂ કર્યું ત્યારે, અમારી ખુશીનો કોઈ પાર ન રહ્યો.

ડિસેમ્બર ૧૯૬૬માં, મને શાખા નિરીક્ષકની સોંપણી મળી, જ્યાં કાયદાકીય બાબતો પર કામ કરવા મેં ઘણો સમય વિતાવ્યો. પોર્ટુગલમાં, યહોવાના સાક્ષીઓને છૂટથી ભક્તિ કરવાનો કાયદેસર હક મળે માટે, અમે બનતી કોશિશ કરી. (ફિલિ. ૧:૭) આખરે, ડિસેમ્બર ૧૮, ૧૯૭૪માં અમને કાયદેસર મંજૂરી મળી. અમારી આ ખુશીમાં સામેલ થવા જગત મુખ્યમથકથી ભાઈ નાથાન નોર અને ફ્રેડરિક ફ્રાન્ઝ આવ્યા હતા. ઑપોર્ટો અને લિસ્બનમાં એક ઐતિહાસિક સભા યોજવામાં આવી, જેમાં ૪૬,૮૭૦ ભાઈ-બહેનોએ હાજરી આપી હતી.

યહોવાએ પ્રચારકામને એવા ટાપુઓમાં પણ ફેલાવવા મદદ કરી, જ્યાં પોર્ટુગીઝ ભાષા બોલાતી હતી. જેમ કે, એઝોર્સ, કેપ વર્ડ, મડીરા તેમજ સાઓ તોમે અને પ્રિન્સીપ ટાપુઓ. સાક્ષીઓની સંખ્યા વધતી ગઈ તેમ મોટી શાખા કચેરીની જરૂર ઊભી થઈ. એના બાંધકામ પછી, એપ્રિલ ૨૩, ૧૯૮૮માં એનું સમર્પણ કરવા એક સભા યોજવામાં આવી. ભાઈ મિલ્ટન હેન્શલે સમર્પણ પ્રવચન આપ્યું. એ સભામાં ૪૫,૫૨૨ ભાઈ-બહેનો હાજર રહ્યાં હતાં. એમાંથી ૨૦ ભાઈ-બહેનો પોર્ટુગલમાં મિશનરી કામ કરી રહ્યા હતા અને ખાસ આ પ્રસંગ માટે આવ્યા હતા.

વફાદાર ભાઈ-બહેનોના દાખલામાંથી શીખ્યાં

વર્ષો દરમિયાન, મેં અને મેરીએ, વફાદાર ભાઈઓ પાસેથી શીખવાનો આનંદ માણ્યો છે. દાખલા તરીકે, ઝોન મુલાકાત વખતે મને ભાઈ થીઓડોર જારીઝ સાથે કામ કરવાનો લહાવો મળ્યો. તેમની પાસેથી હું એક અમૂલ્ય બોધપાઠ શીખ્યો. અમે જે શાખાની મુલાકાત લઈ રહ્યા હતા, એ મોટી સમસ્યાનો સામનો કરી રહી હતી. એનો નિવેડો લાવવા શાખા સમિતિના ભાઈઓએ ખૂબ મહેનત કરી હતી. બીજું કંઈ વધારે કરી શકતા ન હોવાને લીધે તેઓ ખૂબ દિલગીર હતા. ભાઈ જારીઝે તેઓને આશ્વાસન આપતા કહ્યું, ‘સમય આવી ગયો છે કે, હવે આપણે પવિત્ર શક્તિને કામ કરવા દઈએ.’ દાયકાઓ પહેલાં ભાઈ ફ્રાન્ઝે કહેલા શબ્દો પણ હું ક્યારેય નહિ ભૂલું. હું અને મેરી બ્રુકલિન શાખાની મુલાકાતે ગયાં હતાં. એ વખતે અમે ભાઈ ફ્રાન્ઝને મળ્યાં હતાં. અમારા નાના સમૂહે તેમને સલાહ માટે પૂછ્યું ત્યારે, તેમણે કહ્યું: ‘મારી સલાહ છે કે, જીવનમાં ભલે ઉતાર-ચઢાવ આવે, પણ યહોવાના સંગઠનને વળગી રહો. એ જ એક એવું સંગઠન છે જે ઈસુની આજ્ઞા પ્રમાણે આખી દુનિયામાં ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવી રહ્યું છે.’

એ કામમાં લાગુ રહેવાથી મને અને મેરીને ખૂબ ખુશી મળી છે. અલગ અલગ શાખા કચેરીની ઝોન મુલાકાત કરવામાં પણ અમને અનહદ આનંદ મળ્યો છે. એ મુલાકાતોથી અમને દરેક ઉંમરના વફાદાર ઈશ્વરભક્તોને મળવાની અને તેઓની સેવા માટે કદર વ્યક્ત કરવાની તક મળી છે. અમે હંમેશાં બધાને યહોવાની સેવામાં લાગુ રહેવાનું ઉત્તેજન આપ્યું છે.

ઘણાં વર્ષો વીતી ગયા છે અને અમે બંને ૮૦ની ઉંમર વટાવી ચૂક્યાં છીએ. મેરીને તબિયતને લગતી ઘણી તકલીફો છે. (૨ કોરીં. ૧૨:૯) અમે બીજી ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કર્યો છે. જોકે, એ મુશ્કેલીઓથી અમારી શ્રદ્ધા મજબૂત બની છે. એટલું જ નહિ, યહોવાને વફાદાર રહેવાનો અમારો નિર્ણય વધુ મક્કમ બન્યો છે. યહોવાની સેવામાં વિતાવેલા વર્ષોનો વિચાર કરીએ છીએ ત્યારે, અમે મહેસૂસ કરીએ છીએ કે યહોવાએ અનેક રીતોએ તેમની અપાર કૃપા અમારા પર વરસાવી છે. *

^ ફકરો. 29 આ લેખ તૈયાર થઈ રહ્યો હતો, એ દરમિયાન, ઑક્ટોબર ૨૫, ૨૦૧૫ના રોજ ભાઈ ડગ્લાસ ગેસ્ટ ગુજરી ગયા. તે છેક સુધી યહોવાને વફાદાર રહ્યા.