સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દિલાસો મેળવીએ, દિલાસો આપીએ

દિલાસો મેળવીએ, દિલાસો આપીએ

અપૂર્ણ મનુષ્યો હોવાને લીધે આપણે બીમાર પડીએ છીએ. અરે, અમુકને તો જીવલેણ બીમારી થાય છે. આપણા પર એવી મુશ્કેલી આવી પડે તો, એને સહેવા શું કરી શકાય?

એને સહેવા સૌથી મહત્ત્વનો આશરો છે, કુટુંબીજનો, મિત્રો અને મંડળનાં ભાઈ-બહેનો.

એક મિત્રના પ્રેમાળ શબ્દો, જખમને મટાડનાર અને તાજગી આપનાર મલમ જેવા છે. (નીતિ. ૧૬:૨૪; ૧૮:૨૪; ૨૫:૧૧) જોકે, સાચા ખ્રિસ્તીઓ ફક્ત દિલાસો મેળવવાનું જ વિચારતા નથી. તેઓ દિલાસો આપવા પહેલ કરે છે અને ‘ઈશ્વર તરફથી જે દિલાસો મળે છે, એનાથી જેઓ વિપત્તિમાં હોય તેઓને દિલાસો આપે છે.’ (૨ કોરીં. ૧:૪; લુક ૬:૩૧) મૅક્સિકોમાં રહેતા એન્ટોનિઓ, જે ડિસ્ટ્રીક્ટ નિરીક્ષક છે, તેમને એનો અનુભવ થયો છે.

તપાસ કરાવતા જાણ થઈ કે તેમને એક પ્રકારનું લોહીનું કૅન્સર છે. એન્ટોનિઓ ખૂબ જ ચિંતિત થયા. તોપણ, તેમણે ખોટી લાગણીઓ દબાવવા સખત પ્રયત્નો કર્યા. કઈ રીતે? તે આપણા રાજ્ય ગીતોને યાદ કરવાનો પ્રયત્ન કરતા. પછી, તે મોટેથી ગાતા અને એના શબ્દો પર મનન કરતા. મોટેથી પ્રાર્થના કરવાથી અને બાઇબલ વાંચવાથી પણ તેમને ઘણો દિલાસો મળ્યો.

વધુમાં, એન્ટોનિઓ પારખી શક્યા કે તેમને મંડળનાં ભાઈ-બહેનો પાસેથી ઘણી મદદ મળી. તે કહે છે: ‘જ્યારે મને અને મારી પત્નીને નિરાશા સતાવતી, ત્યારે અમે એક સગાને બોલાવતા, જે મંડળમાં વડીલ છે. તે આવીને અમારી સાથે પ્રાર્થના કરતા. એનાથી, અમને ઘણો દિલાસો અને મનની શાંતિ મળતાં. કુટુંબીજનો અને મંડળનાં ભાઈ-બહેનોએ અમને જે સાથ આપ્યો, એ માટે અમે ઘણાં આભારી છીએ. થોડા જ સમયમાં, અમે ખોટી લાગણીઓને સાવ દૂર કરી શક્યા.’ આવાં પ્રેમાળ અને સંભાળ રાખનાર મિત્રોની, એન્ટોનિઓ ઘણી કદર કરે છે.

ઈશ્વરે વચન આપ્યું છે કે તે મુશ્કેલ સમયે પવિત્ર શક્તિની મદદ આપશે. પ્રેરિત પીતરે જણાવ્યું કે ઈશ્વરની શક્તિ “દાન” છે. (પ્રે.કૃ. ૨:૩૮) પેન્તેકોસ્ત ૩૩ની સાલમાં જ્યારે ઘણા ભક્તોને અભિષિક્ત કરવામાં આવ્યા, ત્યારે એ સાચું પડ્યું. જોકે, એ દાન ફક્ત અભિષિક્તો માટે જ નહિ, આપણા બધા માટે છે. પવિત્ર શક્તિનું દાન ક્યારેય ખૂટતું નથી. એટલે એનો લાભ લેવા, વારંવાર પ્રાર્થનાઓમાં એ માંગ્યા કરીએ.—યશા. ૪૦:૨૮-૩૧.

તકલીફો સહેતા લોકોને સહાનુભૂતિ બતાવો

પ્રેરિત પાઊલે ઘણી તકલીફોનો સામનો કર્યો. અરે, એક વાર તો તે મરવાની અણીએ હતા. (૨ કોરીં. ૧:૮-૧૦) જોકે, પાઊલ પોતાના જીવની વધુ પડતી ચિંતા નહોતા કરતા. ઈશ્વર તેમની સાથે છે એ જાણીને તેમને ઘણો દિલાસો મળતો. તેમણે લખ્યું: ‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઈશ્વર તથા પિતા, જે કરુણાના પિતા તથા સર્વ દિલાસાના ઈશ્વર છે, તેમની સ્તુતિ થાઓ; તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે.’ (૨ કોરીં. ૧:૩, ૪) પાઊલ પોતાની તકલીફો વિશે ચિંતામાં ડૂબી ગયા નહિ. એને બદલે, જે સહ્યું એનાથી તેમને સાથી ભાઈ-બહેનો માટે સહાનુભૂતિ કેળવવા મદદ મળી. આમ, તે બીજાઓને વધુ સારી રીતે દિલાસો આપી શક્યા.

એન્ટોનિઓ સાજા થયા પછી, પ્રવાસી નિરીક્ષકના કામમાં પાછા જોડાયા. આમ તો તે પહેલેથી જ ભાઈ-બહેનોમાં રસ બતાવતા હતા. પરંતુ, એ પછી તે અને તેમની પત્ની, બીમાર વ્યક્તિઓની મુલાકાત લેવા અને તેમને ઉત્તેજન આપવા ખાસ પ્રયત્નો કરે છે. દાખલા તરીકે, તે એક વાર એવા ભાઈને મળ્યા જેમને ગંભીર બીમારી હતી. એન્ટોનિઓને જાણવા મળ્યું કે તે ભાઈ સભામાં જવા માંગતા નથી. એન્ટોનિઓ જણાવે છે કે ‘એવું નહોતું કે તે ભાઈને યહોવા અને ભાઈ-બહેનો માટે પ્રેમ ન હતો. પરંતુ, બીમારીની અસર તેમની લાગણીઓ પર એટલી હદે થઈ હતી કે તેમને લાગતું તે સાવ નકામા છે.’

ઉત્તેજન આપવા એન્ટોનિઓએ તે બીમાર ભાઈને એક પ્રસંગે પ્રાર્થના કરવા કહ્યું. પહેલાં તો ભાઈ પ્રાર્થના કરવા અચકાયા, પણ પછી તે તૈયાર થઈ ગયા. એન્ટોનિઓ જણાવે છે, ‘તેમણે બહુ સરસ પ્રાર્થના કરી. એ પછી તો તેમના ચહેરા પર રોનક આવી ગઈ અને પોતાને તે ઉપયોગી ગણવા લાગ્યા.’

સાચે જ, આપણે બધાએ ઓછાંવત્તાં પ્રમાણમાં તકલીફોનો સામનો કર્યો છે. પણ પાઊલે જણાવ્યું તેમ, એના લીધે આપણે બીજાઓને જરૂરના સમયે દિલાસો આપવા તૈયાર થઈએ છીએ. તેથી, ચાલો આપણે સાથી ભાઈ-બહેનોની તકલીફોને ધ્યાનમાં લઈએ. અને આપણા ઈશ્વર યહોવાની જેમ બીજાઓને દિલાસો આપીએ.