સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સનાતન રાજા યહોવાની ભક્તિ કરીએ

સનાતન રાજા યહોવાની ભક્તિ કરીએ

‘સનાતન રાજાને સર્વકાળ માન અને મહિમા હો.’—૧ તીમો. ૧:૧૭.

૧, ૨. (ક) ‘સનાતન રાજા’ કોણ છે અને તેમને સનાતન રાજા શા માટે કહી શકાય? (શરૂઆતનું ચિત્ર જુઓ.) (ખ) યહોવાની રાજ કરવાની રીતથી આપણે તેમની તરફ શા માટે ખેંચાઈએ છીએ?

સ્વાઝીલૅન્ડના રાજા, શોભુઝા બીજાએ આશરે ૬૧ વર્ષ રાજ કર્યું. આજના સમયમાં એટલું લાંબું રાજ કોઈ કરે તો કદાચ આપણને નવાઈ લાગે. જોકે, એવા એક રાજા છે જેમનું આયુષ્ય માણસોની જેમ ટૂંકું નથી. બાઇબલ જણાવે છે કે તે ‘સનાતન રાજા’ છે. (૧ તીમો. ૧:૧૭) એ સનાતન રાજાનું નામ જણાવતા બાઇબલના એક લેખક કહે છે, “યહોવા સદાસર્વકાળ રાજા છે.”—ગીત. ૧૦:૧૬.

ઈશ્વર યહોવા એટલા લાંબા સમયથી રાજા છે કે એની સરખામણી કોઈ માણસના રાજ સાથે થઈ શકે નહિ. તોપણ, રાજ કરવાની તેમની રીત એવી છે કે આપણે તેમની તરફ ખેંચાઈએ છીએ. એક રાજાએ ૪૦ વર્ષ પ્રાચીન ઈસ્રાએલ પર રાજ કર્યું. તે આવા શબ્દોમાં યહોવાનો મહિમા વ્યક્ત કરે છે: ‘યહોવા દયાળુ તથા કરુણાળુ છે, તે કોપ કરવામાં ધીમા અને કૃપા કરવામાં મોટા છે. યહોવાએ પોતાની રાજગાદી સ્વર્ગમાં સ્થાપી છે અને તેમના રાજ્યની સત્તા સર્વ ઉપર છે.’ (ગીત. ૧૦૩:૮, ૧૯) યહોવા આપણા રાજા જ નહિ, તે આપણા પિતા પણ છે. હાં, તે આપણા પ્રેમાળ પિતા છે. તેથી, આપણને આ બે સવાલો થઈ શકે: યહોવા આપણા પિતા કઈ રીતે છે? તેમણે કઈ રીતે બતાવ્યું કે, તે હજુ પણ રાજા છે અને એદનમાં બળવો થયો ત્યારથી લઈને હમણાં સુધી બાબતો તેમના કાબૂમાં છે? એ સવાલોના જવાબ મેળવવાથી યહોવાની નજીક જવામાં અને તેમની ભક્તિ દિલથી કરવામાં આપણને મદદ મળશે.

સનાતન રાજા પોતાનું કુટુંબ ઊભું કરે છે

૩. યહોવાના કુટુંબનો પ્રથમ સભ્ય કોણ છે? યહોવાના બીજા “દીકરાઓ” તરીકે કોનું સર્જન કરવામાં આવ્યું છે?

પોતાના પ્રથમ દીકરાનું સર્જન કર્યા પછી યહોવાને કેટલો આનંદ થયો હશે! તેમણે પોતાના એ પ્રથમ દીકરાને કોઈ પણ રીતે ઊતરતા ગણ્યા નહિ. અરે, તેમણે પોતાના પ્રથમ દીકરાને ખૂબ વહાલા ગણ્યા. તેમણે એ દીકરા સાથે મળીને અબજો સંપૂર્ણ દૂતોના સર્જનનો આનંદ માણ્યો. (કોલો. ૧:૧૫-૧૭) બાઇબલમાં સ્વર્ગદૂતોને ‘યહોવાની ઇચ્છાને અનુસરનારા સેવકો’ કહેવામાં આવ્યા છે. સ્વર્ગદૂતો તેમની સેવા આનંદથી કરે છે. ઈશ્વર તેઓને પોતાના “દીકરાઓ” કહીને માન આપે છે. તેઓ પણ યહોવાના કુટુંબના સભ્યો છે.—ગીત. ૧૦૩:૨૦-૨૨; અયૂ. ૩૮:૭, NW.

૪. માણસો કઈ રીતે ઈશ્વર યહોવાના કુટુંબનો ભાગ બન્યા?

આકાશો અને પૃથ્વીને બનાવ્યાં પછી, યહોવાએ આખા વિશ્વના પોતાના કુટુંબને વધારવાનું નક્કી કર્યું. તેમણે પૃથ્વીને સુંદર અને રહેવા લાયક બનાવી. પછી, પોતાની પ્રતિમા પ્રમાણે પહેલો માણસ બનાવ્યો. (ઉત. ૧:૨૬-૨૮) ઉત્પન્નકર્તા હોવાથી તે ઇચ્છતા હતા કે આદમ તેમની આજ્ઞાઓ પાળે, જે એકદમ યોગ્ય હતું. એક પિતા તરીકે યહોવાએ પ્રેમ અને ભલાઈથી બધાં સૂચનો આપ્યાં હતાં. જોકે, તેમણે કડક નિયમો આપીને માણસોની આઝાદી છીનવી લીધી નહિ.—ઉત્પત્તિ ૨:૧૫-૧૭ વાંચો.

૫. યહોવાએ પૃથ્વીને માણસોથી વસાવવા કઈ ગોઠવણ કરી?

યહોવા માનવી રાજા જેવા નથી. તે પોતાની પ્રજાને સેવકો નહિ, પણ પોતાના કુટુંબના સભ્યો ગણે છે. તેમ જ, તેઓને જવાબદારી સોંપે છે. દાખલા તરીકે, ઈશ્વરે આદમને બધાં જાનવરો પર અધિકાર આપ્યો હતો. ઉપરાંત, જાનવરોનાં નામ રાખવાનું આનંદદાયક કામ આદમને સોંપ્યું, જે કોઈ નાનીસૂની જવાબદારી ન હતી. (ઉત. ૧:૨૬; ૨:૧૯, ૨૦) ઈશ્વરે પૃથ્વીને વસાવવા એક સાથે લાખો માણસો બનાવી દીધા નહિ. એના બદલે, તેમણે આદમ માટે એક સંપૂર્ણ સહાયકારી સ્ત્રી બનાવી, જેનું નામ હવા હતું. (ઉત. ૨:૨૧, ૨૨) પછી, એ યુગલને પોતાનાં બાળકોથી પૃથ્વી વસાવવાની તક આપવામાં આવી. તેઓમાં કોઈ ખામી ન હોવાને લીધે તેઓ આખી પૃથ્વીને ધીરે ધીરે એદન બાગ જેવી બનાવી શક્યા હોત. સ્વર્ગદૂતો સાથે મળીને હંમેશ માટે યહોવાની ભક્તિ કરવાની તેઓ પાસે તક હતી. આમ, યહોવાના આખા વિશ્વના કુટુંબનો તેઓ ભાગ બની શક્યા હોત. તેઓ માટે કેટલું સુંદર ભાવિ હતું! યહોવા તેઓને પિતા જેવો પ્રેમ કરતા હતા એની એ સાબિતી હતી.

બંડખોર દીકરાઓએ યહોવાને રાજા તરીકે નકાર્યા

૬. (ક) ઈશ્વરના કુટુંબમાંથી કોણે બળવો કર્યો? (ખ) યહોવાએ બાબતો પરથી કાબૂ ગુમાવી દીધો નથી એવું કઈ રીતે કહી શકાય?

દુઃખની વાત છે કે આદમ અને હવાએ યહોવાને સર્વસમર્થ રાજા તરીકે સ્વીકાર્યા નહિ. એના બદલે, ઈશ્વરની વિરૂદ્ધ બળવો કરનાર દીકરા શેતાનના માર્ગે તેઓ ચાલ્યાં. (ઉત. ૩:૧-૬) પરિણામે આદમ, હવા અને તેઓના વંશજોનાં જીવનમાં દુઃખ, તકલીફો અને મરણ આવ્યાં. (ઉત. ૩:૧૬-૧૯; રોમ. ૫:૧૨) પૃથ્વી પર ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ચાલનારું કોઈ રહ્યું નહિ. શું એનો અર્થ એવો થાય કે યહોવાએ બાબતો પરથી કાબૂ ગુમાવી દીધો? અથવા પૃથ્વી પર રાજ કરવાના તેમના હકને તેમણે જવા દીધો? ના, જરાય નહિ! આદમ અને હવાને એદન બાગમાંથી બહાર કાઢીને યહોવાએ પોતાના એ અધિકારની સાબિતી આપી. તેઓ બાગમાં પાછા ન જાય માટે તેમણે દરવાજા પર કરૂબોનો પહેરો ગોઠવ્યો. (ઉત. ૩:૨૩, ૨૪) જોકે, સાથે સાથે તેમણે એક પિતાની જેમ પ્રેમની લાગણી પણ બતાવી. તેમણે વચન આપ્યું કે તે વફાદાર સ્વર્ગદૂતો અને માણસોના કુટુંબને વિખેરાઈ જવા દેશે નહિ. તેમ જ, આદમના વંશમાંથી એક “સંતાન” ઊભું કરશે, જે શેતાનનો નાશ કરીને આદમના પાપની બધી અસરોને દૂર કરશે.—ઉત્પત્તિ ૩:૧૫ વાંચો.

૭, ૮. (ક) નુહના સમયમાં પૃથ્વી પર કેવા લોકો હતા? (ખ) યહોવાએ કઈ રીતે આખી પૃથ્વીને દુષ્ટતાથી મુક્ત કરી અને કઈ રીતે માણસજાતનું કુટુંબ બચાવ્યું?

એ બનાવ પછીની સદીઓ દરમિયાન, અમુક એવા માણસો હતા જેઓ યહોવાને વફાદાર રહ્યા. એમાં હાબેલ અને હનોખનો સમાવેશ થાય છે. પરંતુ, મોટા ભાગના માણસોએ યહોવાને એક પિતા અને રાજા તરીકે નકાર્યા. નુહના સમય સુધી, “પૃથ્વી જુલમથી ભરપૂર” થઈ ગઈ હતી. (ઉત. ૬:૧૧) શું એનો અર્થ એવો થાય કે પૃથ્વી પર યહોવાનો કાબૂ રહ્યો નહિ? બાઇબલ એના વિશે શું કહે છે?

નુહના અહેવાલનો વિચાર કરો. યહોવાએ નુહને એક મોટું વહાણ બનાવવા કહ્યું, જેથી નુહ અને તેમનું કુટુંબ બચી શકે. યહોવાએ વહાણ વિશે વિગતવાર માહિતી પણ આપી. નુહને “ન્યાયીપણાના ઉપદેશક” તરીકેનું કામ સોંપીને યહોવાએ માણસજાતના કુટુંબ પ્રત્યે અપાર પ્રેમ બતાવ્યો. (૨ પીત. ૨:૫) નુહનો સંદેશો લોકોને આવનાર વિનાશ વિશે ચેતવતો તેમ જ, પસ્તાવો કરવાનો સંકેત આપતો હતો. પરંતુ, લોકોએ તેમનું સાંભળ્યું નહિ. દાયકાઓ સુધી, નુહ અને તેમનું કુટુંબ હિંસક અને ખરાબ લોકોની વચ્ચે રહ્યાં. યહોવાએ એક કાળજી લેનાર પિતા તરીકે એ આઠ વફાદાર લોકોનું રક્ષણ કર્યું અને તેઓને આશીર્વાદ આપ્યા. જળપ્રલય લાવીને યહોવાએ આખી પૃથ્વીને બળવાખોર માણસો અને દુષ્ટ દૂતોથી મુક્ત કરી. આમ, યહોવાએ સાબિત કર્યું કે પૃથ્વી પર તેમનો કાબૂ હતો.—ઉત. ૭:૧૭-૨૪.

યહોવા હંમેશાં રાજા તરીકે વર્ત્યા છે (ફકરા ૬, ૮, ૧૦, ૧૨, ૧૭ જુઓ)

જળપ્રલય પછી યહોવાનું રાજ

૯. જળપ્રલય પછી યહોવાએ માણસજાતને કઈ તક આપી?

નુહ અને તેમના કુટુંબની યહોવાએ કાળજી રાખી અને તેઓનું રક્ષણ કર્યું. તેથી, તેઓએ વહાણમાંથી બહાર આવ્યા પછી ચોક્કસ યહોવાનો આભાર માન્યો હશે. નુહે તરત જ વેદી બનાવીને યહોવાની ભક્તિ કરવા અર્પણ ચઢાવ્યું. યહોવાએ તેઓને આશીર્વાદ આપ્યો અને જણાવ્યું કે ‘સફળ થાઓ, વધો અને પૃથ્વીને ભરપૂર કરો.’ (ઉત. ૮:૨૦–૯:૧) આમ, માણસજાતને ફરીથી એકતામાં ભક્તિ કરવાની અને પૃથ્વીને ભરપૂર કરવાની તક મળી.

૧૦. (ક) જળપ્રલય પછી યહોવાની વિરુદ્ધ ક્યાં અને કઈ રીતે બળવો થયો? (ખ) પોતાનો હેતુ પૂરો કરવા યહોવાએ કયાં પગલાં લીધાં?

૧૦ જોકે, જળપ્રલયથી માણસજાતની અપૂર્ણતા દૂર થઈ નહિ. માણસોએ શેતાન અને તેના બળવાખોર દૂતોની ખરાબ અસરો સામે હજુ પણ લડતા રહેવાનું હતું. એ કારણને લીધે થોડા જ સમયમાં, યહોવાના પ્રેમાળ રાજ સામે લોકો ફરીથી બળવો કરવા લાગ્યા. દાખલા તરીકે, નુહનો વંશજ નિમ્રોદ યહોવાના રાજની વિરુદ્ધ ગયો. તેથી બાઇબલ તેને ‘યહોવાની સામે બળવાન શિકારી’ તરીકે વર્ણવે છે. તેણે બાબેલ જેવાં મોટાં શહેરો બાંધ્યાં અને તે “શિનઆર દેશ”નો રાજા બની બેઠો. (ઉત. ૧૦:૮-૧૨) “પૃથ્વીને ભરપૂર” કરવાના પોતાના હેતુની વિરુદ્ધ જનાર એ બળવાખોર સામે સનાતન રાજાએ કયાં પગલાં લીધાં? ઈશ્વર યહોવાએ લોકોની ભાષા બદલી નાખી, જેના લીધે તેઓ ગૂંચવાઈ ગયા. પછી, યહોવાએ “તેઓને ત્યાંથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા.” આમ, લોકો જ્યાં પણ ગયા ત્યાં પોતાની સાથે જૂઠી ઉપાસના અને રાજ કરવાની જૂની રીત લેતા ગયા.—ઉત. ૧૧:૧-૯.

૧૧. યહોવાએ પોતાના મિત્ર ઈબ્રાહીમ પ્રત્યે કઈ રીતે વફાદારી બતાવી?

૧૧ જળપ્રલય પછી ઘણા લોકો જૂઠા દેવોની ભક્તિ કરતા હતા. જોકે, અમુક વફાદાર ભક્તો યહોવાની જ ભક્તિમાં લાગુ રહ્યા. એમાંના એક ઈબ્રાહીમ હતા. યહોવાની આજ્ઞા પાળવા તે ઉર દેશમાંના પોતાના સુખ-સગવડવાળા ઘરમાંથી નીકળીને તંબુઓમાં રહેવા લાગ્યા. (ઉત. ૧૧:૩૧; હિબ્રૂ ૧૧:૮, ૯) ઈબ્રાહીમે એવા જીવન દરમિયાન રક્ષણ માટે કોઈ રાજામાં કે પછી શહેર ફરતે સુરક્ષાની દીવાલોમાં ભરોસો મૂક્યો નહિ. તેમનું અને તેમના કુટુંબનું રક્ષણ તો યહોવાએ કર્યું. યહોવા પાસેથી એક પિતાની જેમ મળતા રક્ષણ વિશે બાઇબલના એક લેખક જણાવે છે: ‘યહોવાએ તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ. તેમના લીધે યહોવાએ રાજાઓને શિક્ષા કરી.’ (ગીત. ૧૦૫:૧૩, ૧૪) મિત્ર ઈબ્રાહીમ પ્રત્યે પોતે વફાદાર છે, એની સાબિતી આપવા યહોવાએ તેમને વચન આપ્યું: “તારામાંથી રાજાઓ ઉત્પન્ન થશે.”—ઉત. ૧૭:૬; યાકૂ. ૨:૨૩.

૧૨. ઇજિપ્તમાં યહોવાએ કઈ રીતે સાબિત કર્યું કે તે જ સર્વોચ્ચ રાજા છે અને એમ કરવાથી તેમના ભક્તોને કઈ રીતે મદદ મળી?

૧૨ યહોવાએ ઈબ્રાહીમના દીકરા ઈસ્હાકને અને પછી તેમના પૌત્ર યાકૂબને પણ વચન આપ્યું કે તેઓને આશીર્વાદ આપશે તેમ જ, તેઓના વંશમાંથી જ રાજાઓ ઊભા કરશે. (ઉત. ૨૬:૩-૫; ૩૫:૧૧) જોકે, વચન પ્રમાણે થાય એ પહેલાં યાકૂબના વંશજોએ ઇજિપ્તની (મિસરની) ગુલામીમાં રહેવું પડ્યું. શું એનો અર્થ એવો થયો કે યહોવા પોતાનાં વચનો પૂરાં કરવાનાં ન હતાં, અથવા તેમણે પૃથ્વી પર રાજ કરવાના પોતાના હકને જવા દીધો હતો? ના. જરાય નહિ! સમય આવતાં, યહોવાએ પોતાની અપાર શક્તિનો પરચો બતાવ્યો અને સાબિત કરી દીધું કે હઠીલા ફારૂન કરતાં તેમની પાસે ઘણો મોટો અધિકાર છે. ઈસ્રાએલીઓએ પોતાનો ભરોસો યહોવામાં મૂક્યો અને તેમણે ભવ્ય રીતે લાલ સમુદ્ર પાર કરાવી તેઓને છોડાવ્યા. આમ સાબિત થયું કે યહોવા એ સમયે પણ વિશ્વના સર્વોચ્ચ રાજા હતા. તેમણે એક પ્રેમાળ પિતાની જેમ પોતાના લોકોને છોડાવવા પોતાની અપાર શક્તિનો ઉપયોગ કર્યો હતો.—નિર્ગમન ૧૪:૧૩, ૧૪ વાંચો.

યહોવા ઈસ્રાએલ માટે રાજા બને છે

૧૩, ૧૪. (ક) યહોવાના રાજા હોવા વિશે ઈસ્રાએલીઓએ ગીતમાં શું જાહેર કર્યું? (ખ) યહોવાએ દાઊદને કયું વચન આપ્યું?

૧૩ ઇજિપ્તમાંથી મોટા છુટકારા પછી તરત, ઈસ્રાએલીઓએ યહોવાને મહિમા આપવા વિજય ગીત ગાયું. એ ગીત નિર્ગમનના ૧૫મા અધ્યાયમાં જોવા મળે છે. એની ૧૮મી કલમ કહે છે: “યહોવા સદાસર્વકાળ રાજ કરશે.” આમ, એ નવા રાષ્ટ્રના રાજા યહોવા બન્યા. (પુન. ૩૩:૫) પરંતુ, એ અદૃશ્ય રાજાથી લોકોને સંતોષ ન થયો. ઇજિપ્ત છોડ્યાને આશરે ૪૦૦ વર્ષ પછી, ઈસ્રાએલીઓ જૂઠા ધર્મો પાળનાર પડોશી રાષ્ટ્રોનું અનુકરણ કરવા લાગ્યા. હવે, ઈસ્રાએલીઓને પણ માનવીય રાજા જોઈતો હતો. તેઓએ એની યહોવા પાસે માંગ કરી. (૧ શમૂ. ૮:૫) એ પ્રમાણે થવા છતાં, દાઊદના રાજ વખતે એકદમ સ્પષ્ટ થયું કે યહોવા હજુ પણ સર્વોપરી રાજા છે.

૧૪ એકવાર, દાઊદ યરૂશાલેમમાં કરારકોશ લાવી રહ્યા હતા. એ આનંદી વાતાવરણમાં લેવીઓ મહિમાનું ગીત ગાઈ રહ્યા હતા, જેમાં એક મહત્ત્વનો વિચાર જોવા મળે છે. એ વિચાર ૧ કાળવૃત્તાંત ૧૬:૩૧માં નોંધાયો છે: “વિદેશીઓ મધ્યે એવું કહેવાય કે યહોવા રાજ કરે છે.” યહોવા કયા અર્થમાં રાજ કરે છે? તે પોતાનો અધિકાર વાપરે છે ત્યારે તે રાજ કરે છે. અથવા કોઈક સમયે કે ખાસ સંજોગોને હાથ ધરવા તે કોઈ પ્રતિનિધિ નિયુક્ત કરે છે ત્યારે પણ કહેવાય કે, યહોવા રાજ કરે છે. યહોવા કઈ રીતે રાજ કરે છે, એ જાણવું ખૂબ મહત્ત્વનું છે. દાઊદના મૃત્યુ પહેલાં યહોવાએ તેમને વચન આપ્યું હતું કે રાજા હંમેશાં દાઊદના કુળમાંથી જ આવશે. તેમણે કહ્યું: ‘હું તારા પછી તારા સંતાનને ઊભો કરીશ અને તેનું રાજ્ય હું સ્થાપીશ.’ (૨ શમૂ. ૭:૧૨, ૧૩) દાઊદ થઈ ગયા એના એક હજારથી વધુ વર્ષો પછી એ “સંતાન” આવ્યું. એ સંતાન કોણ હતું? તે ક્યારે રાજા બનશે?

યહોવા એક નવો રાજા નીમે છે

૧૫, ૧૬. ભાવિના રાજા તરીકે ઈસુ ક્યારે અભિષિક્ત કરાયા? પૃથ્વી પર હતા ત્યારે પોતાના રાજ્ય માટે ઈસુએ કઈ વ્યવસ્થા કરી?

૧૫ ઈ.સ. ૨૯માં યોહાન બાપ્તિસ્મકે સંદેશો જણાવવાનું શરૂ કર્યું કે “આકાશનું રાજ્ય પાસે આવ્યું છે.” (માથ. ૩:૨) ઈસુએ યોહાન પાસેથી બાપ્તિસ્મા લીધું ત્યારે, યહોવાએ ઈસુને વચનના મસીહ અને ઈશ્વરના રાજ્યના ભાવિ રાજા તરીકે અભિષિક્ત કર્યા. પિતાની લાગણી બતાવતા યહોવાએ ઈસુ માટે આ શબ્દો કહ્યા: “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.”—માથ. ૩:૧૭.

૧૬ ઈસુએ પોતાના સેવાકાર્ય દરમિયાન પિતાને મહિમા આપ્યો. (યોહા. ૧૭:૪) એવું તેમણે ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરીને કર્યું. (લુક ૪:૪૩) તેમણે પોતાના શિષ્યોને રાજ્યના આવવા વિશે પ્રાર્થના કરતા પણ શીખવ્યું. (માથ. ૬:૧૦) ભાવિ રાજા તરીકે ઈસુ પોતાના વિરોધીઓને કહી શક્યા કે, “ઈશ્વરનું રાજ્ય તમારી વચ્ચે જ છે.” (લુક ૧૭:૨૧, સંપૂર્ણ) પોતાના મરણની આગલી સાંજે, ઈસુએ શિષ્યો સાથે ‘રાજ્યનો કરાર કર્યો.’ એમ કરીને ઈસુએ વચન આપ્યું કે, અમુક વફાદાર અનુયાયીઓ તેમની સાથે ઈશ્વરના રાજ્યમાં રાજ કરવા જોડાશે.—લુક ૨૨:૨૮-૩૦ વાંચો.

૧૭. સાલ ૩૩માં ઈસુએ કઈ રીતે પોતાનું રાજ શરૂ કર્યું અને તેમને શાની રાહ જોવાની છે?

૧૭ ઈશ્વરના રાજ્યના રાજા ઈસુ ક્યારે રાજ શરૂ કરવાના હતા? તે તરત રાજા બન્યા ન હતા. કારણ કે બીજી જ સાંજે તો ઈસુને મારી નાખવામાં આવ્યા અને તેમના શિષ્યો વિખેરાઈ ગયા. (યોહા. ૧૬:૩૨) જોકે, અગાઉ કર્યું હતું તેમ, યહોવા પરિસ્થિતિને કાબૂમાં રાખી રહ્યા હતા. ત્રીજા દિવસે, તેમણે પોતાના દીકરાને સજીવન કર્યા. પેન્તેકોસ્ત ૩૩ના દિવસે ઈસુએ અભિષિક્ત ભાઈઓના ખ્રિસ્તી મંડળ પર પોતાનું રાજ્ય સ્થાપ્યું. (કોલો. ૧:૧૩) છતાં, વચનના “સંતાન” તરીકે પૃથ્વી પર પોતાનું રાજ સ્થાપવા ઈસુને હજી રાહ જોવાની છે. યહોવાએ પોતાના એ દીકરાને કહ્યું છે: “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ.”—ગીત. ૧૧૦:૧.

સનાતન રાજાની ભક્તિ કરીએ

૧૮, ૧૯. આપણે શું કરવા પ્રેરાઈએ છીએ? આવતા લેખમાં શાના વિશે ચર્ચા કરીશું?

૧૮ હજારો વર્ષોથી, આકાશ અને પૃથ્વી પર યહોવાના રાજ કરવાના હકને પડકારવામાં આવ્યો છે. છતાં, તેમણે ક્યારેય એ હક જવા દીધો નથી અને પૃથ્વી પરની બાબતો પર હંમેશાં કાબૂ રાખ્યો છે. એક પ્રેમાળ પિતાની જેમ, તે પોતાની વફાદાર પ્રજાની કાળજી લે છે અને રક્ષણ કરે છે. એમાં નુહ, ઈબ્રાહીમ અને દાઊદનો પણ સમાવેશ થાય છે. શું એ જોઈને આપણે યહોવાને શરણે, તેમની નજીક જવા પ્રેરાતા નથી?

૧૯ ચાલો આપણે આ સવાલ પર વિચાર કરીએ: આપણા સમયમાં યહોવા કઈ રીતે રાજા બન્યા છે? આપણે કઈ રીતે યહોવાના રાજ્યની વફાદાર પ્રજા અને તેમના કુટુંબના સંપૂર્ણ દીકરાઓ બની શકીએ? ‘ઈશ્વરનું રાજ્ય આવો,’ એવી પ્રાર્થના કરીએ ત્યારે એનો શો અર્થ થાય? આ સવાલોના જવાબની ચર્ચા આવતા લેખમાં કરીશું.