સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

રાજ્યનાં ૧૦૦ વર્ષ તમને કઈ રીતે અસર કરે છે?

રાજ્યનાં ૧૦૦ વર્ષ તમને કઈ રીતે અસર કરે છે?

‘તમારાં કામો મહાન તથા અદ્ભુત છે; હે યુગોના રાજા, ઈશ્વર યહોવા!’—પ્રકટી. ૧૫:૩.

૧, ૨. ઈશ્વરનું રાજ્ય કયો હેતુ પૂરો કરશે અને આપણને શા માટે ખાતરી છે કે એ રાજ્ય આવશે જ?

સાલ ૩૧ની વસંતમાં કાપરનાહુમ નજીક એક પહાડ પર ઈસુએ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું: ‘તમારું રાજ્ય આવો.’ (માથ. ૬:૧૦) આજે, ઘણા લોકો શંકા કરે છે કે “રાજ્ય કદી આવશે ખરું?” પરંતુ, આપણને પૂરી ખાતરી છે કે ઈશ્વરના રાજ્યના આવવા વિશે આપણી પ્રાર્થનાઓ ચોક્કસ સાંભળવામાં આવશે.

યહોવા એ રાજ્ય દ્વારા સ્વર્ગ અને પૃથ્વી પરના પોતાના કુટુંબને એક કરશે. ઈશ્વરનો એ હેતુ ચોક્કસ પૂરો થશે. (યશા. ૫૫:૧૦, ૧૧) છેલ્લાં સો વર્ષના રોમાંચક બનાવો પુરાવો આપે છે કે યહોવા આપણા સમયમાં રાજા બની ચૂક્યા છે. ઈશ્વર પોતાના લાખો વફાદાર ભક્તો માટે મોટાં અને અદ્ભુત કામ કરી રહ્યા છે. (ઝખા. ૧૪:૯; પ્રકટી. ૧૫:૩) છતાં, યહોવાનું રાજા બનવું અને ઈસુએ જેના વિશે પ્રાર્થના શીખવી એ રાજ્યનું આવવું બંને એક જ બાબત નથી. એ બંને બનાવો કઈ રીતે અલગ છે અને આપણને કઈ રીતે અસર કરે છે? ચાલો જોઈએ.

યહોવાએ નીમેલો રાજા પગલાં ભરે છે

૩. (ક) ઈસુ ક્યાં અને ક્યારે રાજા બન્યા? (ખ) રાજ્ય ૧૯૧૪માં સ્થપાયું એ તમે કઈ રીતે પુરવાર કરી શકો? (ફૂટનોટ જુઓ.)

આશરે ૧૮૮૦ના દાયકાથી બાઇબલ વિદ્યાર્થીઓ ૨,૫૦૦ વર્ષ જૂની દાનીયેલની આ ભવિષ્યવાણી વિશે સમજવા લાગ્યા: ‘તે રાજાઓની કારકિર્દીમાં સ્વર્ગના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ.’ (દાની. ૨:૪૪) બાઇબલ વિદ્યાર્થીઓ દાયકાઓથી જાહેર કરતા હતા કે ૧૯૧૪નું વર્ષ બહુ મહત્ત્વનું હશે. એ સમયે જગતના મોટા ભાગના લોકો ભાવિ વિશે ઘણા આશાવાદી હતા. એક લેખકે જણાવ્યું: ‘સાલ ૧૯૧૪ની દુનિયા લોકોને ઘણી આશાઓ અને સફળતા આપનારી લાગતી હતી.’ પરંતુ, આગળ જતાં એ વર્ષમાં પ્રથમ વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું અને બાઇબલમાં જણાવેલી ભવિષ્યવાણી સાચી પડી. યુદ્ધ પછી દુકાળો, બીમારીઓ અને ધરતીકંપો ફાટી નીકળ્યાં. આમ, એ વિશેની અને બીજી બાબતોની બાઇબલ ભવિષ્યવાણીઓ પણ સાચી પડી. એ બધા પરથી પુરવાર થયું કે, ઈશ્વરના રાજ્યમાં સાલ ૧૯૧૪થી ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં રાજ કરવા લાગ્યા છે. * પોતાના દીકરાને મસીહી રાજા બનાવીને હકીકતમાં યહોવા પોતે રાજા બન્યા, જે રાજા બનવાની એક જુદી જ રીત કહી શકાય!

૪. નવા રાજાએ રાજગાદી પર બેઠા પછી, પહેલું કામ શું કર્યું? પછી તેમણે શાના પર ધ્યાન આપ્યું?

યહોવાએ નીમેલા નવા રાજાએ રાજગાદી પર બેઠા પછી, પહેલું કામ શું કર્યું? તેમણે પિતા યહોવાના મુખ્ય દુશ્મન શેતાન વિરુદ્ધ લડાઈ કરી. ઈસુએ પોતાના દૂતો સાથે મળીને, શેતાન અને તેના દુષ્ટ દૂતોને સ્વર્ગમાંથી ફેંકી દીધા. તેથી, સ્વર્ગમાં મહા આનંદ થયો. જ્યારે કે, પૃથ્વી પર પહેલાં ક્યારેય થઈ નહિ હોય એટલી બધી મુશ્કેલીઓ આવી પડી. ­(પ્રકટીકરણ ૧૨:૭-૯, ૧૨ વાંચો.) લડાઈ પછી, રાજાએ પૃથ્વી પર પોતાની પ્રજા પર ધ્યાન આપ્યું. તેમણે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા પોતાની પ્રજાને શુદ્ધ કરી, એને શિક્ષણ આપ્યું અને વ્યવસ્થામાં લાવ્યા. ચાલો, જોઈએ કે એ પ્રજાએ વફાદારીથી ઈસુના માર્ગદર્શન પ્રમાણે ચાલીને કઈ રીતે આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે.

મસીહી રાજા પોતાની વફાદાર પ્રજાને શુદ્ધ કરે છે

૫. ૧૯૧૪થી લઈને ૧૯૧૯ની શરૂઆત સુધી શું શુદ્ધ કરાયું?

શેતાન અને તેના દુષ્ટ દૂતોની ખરાબ અસરને હટાવીને ઈસુએ સ્વર્ગને શુદ્ધ કર્યું. પછી, યહોવાએ પૃથ્વી પરના ભક્તોની ચકાસણી અને તેઓને શુદ્ધ કરવાનું કામ ઈસુને સોંપ્યું. એ બાબતોનું વર્ણન માલાખી પ્રબોધકે શુદ્ધ કરવાની ક્રિયા તરીકે કર્યું. (માલા. ૩:૧-૩) ઇતિહાસ બતાવે છે કે એ કામ ૧૯૧૪થી લઈને ૧૯૧૯ની શરૂઆત સુધી થયું. * યહોવાના આખા વિશ્વના કુટુંબનો ભાગ બનવા આપણું શુદ્ધ કે પવિત્ર હોવું જરૂરી છે. (૧ પીત. ૧:૧૫, ૧૬) જૂઠા ધર્મો કે રાજકારણથી આપણી ભક્તિને ભ્રષ્ટ થવા દઈશું નહિ.

૬. ભક્તિને લગતું સાચું જ્ઞાન કઈ રીતે આપવામાં આવે છે અને એ જ્ઞાન શા માટે જરૂરી છે?

રાજા તરીકેના અધિકારનો ઉપયોગ કરતા ઈસુએ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” નિયુક્ત કર્યો. એ ચાકર ઈસુની દેખરેખ હેઠળના ‘એક ટોળા’ને નિયમિત રીતે ભક્તિને લગતું સાચું જ્ઞાન આપવા નિમાયો હતો. (માથ. ૨૪:૪૫-૪૭; યોહા. ૧૦:૧૬) સાલ ૧૯૧૯થી અભિષિક્ત ભાઈઓનો નાનો સમૂહ “પોતાના ઘરનાં”ને એ જ્ઞાન પીરસવાની મહત્ત્વની જવાબદારી નિભાવી રહ્યો છે. આમ, વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર આપણી ભક્તિની ભૂખ મિટાવવા મદદ કરે છે, જેથી આપણી શ્રદ્ધા વધુ મજબૂત બને. ઉપરાંત, એ મદદને લીધે ભક્તિ, કાર્યો, વિચારો અને શરીરને શુદ્ધ રાખવાનો આપણો નિર્ણય મક્કમ બને છે. પૃથ્વી પર ચાલી રહેલા મહત્ત્વના પ્રચારકાર્ય માટે એ જ્ઞાન આપણને તૈયાર કરે છે. શું એ જોગવાઈમાંથી તમે પૂરેપૂરો લાભ ઉઠાવો છો?

દુનિયા ફરતે સંદેશો ફેલાવવા રાજા પ્રજાને શિક્ષણ આપે છે

૭. પૃથ્વી પર હતા ત્યારે ઈસુએ કયું મહત્ત્વનું કાર્ય શરૂ કર્યું અને એ કાર્ય ક્યાં સુધી ચાલશે?

ઈસુએ પોતાનું સેવાકાર્ય પૃથ્વી પર શરૂ કર્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, “મારે બીજાં શહેરોમાં પણ ઈશ્વરના રાજ્યની સુવાર્તા પ્રગટ કરવી જોઈએ, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.” (લુક ૪:૪૩) સાડા ત્રણ વર્ષ સુધી, ઈસુએ એ કાર્યને પોતાના જીવનનો મહત્ત્વનો ભાગ બનાવ્યો. તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે “જ્યાં જ્યાં તમે જાઓ ત્યાં ત્યાં ઘોષણા કરજો કે, ‘ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે.’” (માથ. ૧૦:૭, સંપૂર્ણ) સજીવન થયા પછી ઈસુએ ભવિષ્યવાણી કરી કે, તેમના અનુયાયીઓ એ સંદેશો “પૃથ્વીના છેડા સુધી” ફેલાવશે. (પ્રે.કૃ. ૧:૮) તેમણે વચન આપ્યું કે જગતના અંત સુધી એ મહત્ત્વના કાર્યને પોતે ટેકો આપશે.—માથ. ૨૮:૧૯, ૨૦.

૮. દુનિયાભરમાં સંદેશો ફેલાવવા રાજાએ પોતાના અનુયાયીઓને કઈ રીતે ઉત્તેજન આપ્યું?

સાલ ૧૯૧૯ સુધીમાં ‘રાજ્યની સુવાર્તા’માં એક નવું પાસું ઉમેરાયું. (માથ. ૨૪:૧૪) રાજા સ્વર્ગમાં રાજ કરી રહ્યા હતા અને તેમણે પૃથ્વી પર શુદ્ધ કરાયેલા અનુયાયીઓનો એક નાનો સમૂહ ભેગો કર્યો હતો. ઈસુની આજ્ઞા હતી કે ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાં સ્થપાયું છે, એવો સંદેશો દુનિયાભરમાં ફેલાવવામાં આવે. (પ્રે.કૃ. ૧૦:૪૨) નાનો સમૂહ ઉત્સાહથી એ આજ્ઞા પ્રમાણે કરવા લાગ્યો. દાખલા તરીકે, સપ્ટેમ્બર ૧૯૨૨માં સીદાર પોઈન્ટ, ઓહાયો, અમેરિકામાં સંમેલન યોજાયું. એ વખતે રાજ્યને ટેકો આપનાર લગભગ ૨૦,૦૦૦ લોકો ત્યાં ભેગા થયા હતા. ભાઈ રધરફર્ડે ‘રાજ્ય’ પર જે વાર્તાલાપ આપ્યો એને સાંભળીને એ લોકોમાં જાગેલા ઉત્સાહની જરા કલ્પના કરો! ભાઈએ ઘોષણા કરી: ‘જુઓ, રાજા રાજ કરે છે! તમે તેમના પ્રચારકો છો. એટલે, રાજા અને તેમના રાજ્યને જાહેર કરો, જાહેર કરો, જાહેર કરો!’ એના બીજા જ દિવસે એમાંના ૨,૦૦૦ લોકો એ ખુશખબર ફેલાવવા નીકળ્યા. અરે, અમુક તો સંમેલનના સ્થળથી ૭૨ કિ.મી. દૂર મુસાફરી કરી ખુશખબર આપવા ગયા. એક ભાઈએ કહ્યું, ‘રાજ્યને જાહેર કરવાની એ ઝુંબેશ અને ત્યાં ભેગા થયેલા લોકોનો ઉત્સાહ હું ક્યારેય નહિ ભૂલું!’ ત્યાં આવેલા બીજા ઘણા લોકોએ એવું જ અનુભવ્યું.

૯, ૧૦. (ક) પ્રકાશકોને તાલીમ મળે માટે કઈ ગોઠવણો કરવામાં આવી છે? (ખ) એ શાળાઓમાંથી તમને કઈ રીતે ફાયદો થયો છે?

સાલ ૧૯૨૨ સુધીમાં ૧૭,૦૦૦ કરતાં વધારે પ્રકાશકો દુનિયાના ૫૮ દેશોમાં ઉત્સાહથી સંદેશો ફેલાવવા લાગ્યા. જોકે, તેઓને તાલીમની જરૂર હતી. નિયુક્ત રાજાએ પ્રથમ સદીમાં પોતાના શિષ્યોને સ્પષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું કે કયો સંદેશો, ક્યાં અને કઈ રીતે આપવાનો છે. (માથ. ૧૦:૫-૭; લુક ૯:૧-૬; ૧૦:૧-૧૧) આજે પણ એ ઢબને અનુસરતા, ઈસુ ધ્યાન રાખે છે કે સંદેશો ફેલાવવાના કામમાં બધાને જરૂરી સૂચનો અને સાધનો મળી રહે. (૨ તીમો. ૩:૧૭) ઈસુ પોતાની પ્રજાને તાલીમ આપવા મંડળોનો ઉપયોગ કરે છે. દુનિયા ફરતે ૧,૧૧,૦૦૦થી વધુ મંડળોમાં દેવશાહી સેવા શાળા દ્વારા ઈસુ તેઓને તાલીમ આપી રહ્યા છે. એ શાળાઓથી ૭૦ લાખથી વધુ લોકોને ફાયદો થયો છે. એનાથી તેઓ રસ પડે એ રીતે સંદેશાની વાત “સર્વની સાથે” કરી શકે છે તેમ જ શીખવી શકે છે.—૧ કોરીંથી ૯:૨૦-૨૩ વાંચો.

૧૦ દેવશાહી સેવા શાળા ઉપરાંત બીજી બાઇબલ શાળાઓ પણ છે. જેમ કે, મંડળના વડીલો, પાયોનિયરો, કુંવારા ભાઈઓ, યુગલો, શાખા સમિતિના સભ્યો અને તેઓની પત્નીઓ, પ્રવાસી નિરીક્ષકો અને તેઓની પત્નીઓ તેમ જ, મિશનરીઓ માટેની શાળાઓ. * યુગલો માટેની બાઇબલ શાળાના એક વિદ્યાર્થીએ પોતાની કદર વ્યક્ત કરતા કહ્યું, ‘એ ખાસ તાલીમને લીધે યહોવા માટે અમારો પ્રેમ વધુ ગાઢ બન્યો છે અને લોકોને સારી રીતે શીખવવા અમે તૈયાર થઈ શક્યા છીએ.’

૧૧. શેતાનના હુમલાઓ છતાં પ્રચારકો માટે સંદેશો ફેલાવવાનું કામ સતત કરતા રહેવું કેમ શક્ય બન્યું છે?

૧૧ રાજ્યના સંદેશાને ફેલાવવા અને શિક્ષણ આપવા માટે જે અથાક મહેનત કરવામાં આવી રહી છે, એના પર શેતાનની દુષ્ટ નજર છે. તે એ સંદેશા પર અને એને ફેલાવતી વ્યક્તિઓ પર અનેક રીતે હુમલો કરે છે, જેથી એ કામ અટકી જાય. પરંતુ, તેના એ પ્રયત્નો ક્યારેય સફળ થશે નહિ. યહોવાએ પોતાના દીકરા ઈસુને ‘બધાં જ અધિકાર, રાજ્યસત્તા, પરાક્રમ અને ધણીપણા કરતાં ઊંચા બેસાડ્યા’ છે. (એફે. ૧:૨૦-૨૨) ઈસુ ચાહે છે કે પોતાના પિતાની ઇચ્છા જરૂર પૂરી થાય. તેથી, તે રાજા તરીકેનો પોતાનો અધિકાર શિષ્યોની રક્ષા કરવા અને તેઓને માર્ગદર્શન આપવામાં ઉપયોગ કરે છે. * ખુશખબર સતત ફેલાવવામાં આવી રહી છે અને નમ્ર હૃદયના લાખો લોકોને યહોવાની ભક્તિ કરવાનું શીખવવામાં આવી રહ્યું છે. એવા ભવ્ય કાર્યમાં ભાગ લેવો એ આપણા માટે કેટલો મોટો લહાવો છે!

મોટાં પાયે કાર્ય કરવા રાજા પ્રજાને વ્યવસ્થામાં લાવે છે

૧૨. રાજ્ય સ્થપાયું ત્યારથી સંગઠનમાં કરાયેલી નવી વ્યવસ્થાઓ વિશે જણાવો.

૧૨ વર્ષ ૧૯૧૪માં રાજ્ય સ્થપાયું ત્યારથી ભક્તોનું સંગઠન યહોવાની ઇચ્છા પૂરી કરતું આવ્યું છે. જોકે, તેઓની કાર્યપદ્ધતિમાં સુધારો કરીને રાજા એને વધુ સારી બનાવી રહ્યા છે. (યશાયા ૬૦:૧૭ વાંચો.) વર્ષ ૧૯૧૯માં દરેક મંડળોમાં સંદેશો ફેલાવવાના કામની આગેવાની લેવા સર્વિસ ડાયરેક્ટરની નિમણૂક કરવામાં આવી. વર્ષ ૧૯૨૭માં મંડળોમાં દર રવિવારે ઘર-ઘરના પ્રચારકાર્યની ગોઠવણ કરવામાં આવી. સાલ ૧૯૩૧માં ભક્તોએ “યહોવાના સાક્ષી” નામ ધારણ કર્યું. એનાથી તેઓ સંદેશો ફેલાવવાના કામમાં વધુ ઉત્સાહી બન્યા. (યશા. ૪૩:૧૦-૧૨) પહેલાંના સમયમાં મંડળમાં જવાબદારી ઉઠાવનારા ભાઈઓને મત આપીને ચૂંટવામાં આવતા. જોકે, વર્ષ ૧૯૩૮થી તેઓને બાઇબલમાં જણાવેલી લાયકાતોને આધારે નિમવામાં આવે છે. સાલ ૧૯૭૨થી આખા મંડળની જવાબદારી ફક્ત એક ભાઈને આપવાને બદલે એના માટે વડીલોના જૂથને નિમવામાં આવે છે. લાયકાત ધરાવતા બધા ભાઈઓને ઉત્તેજન આપવામાં આવ્યું કે તેઓ ‘ઈશ્વરના ટોળાનું પ્રતિપાલન કરવા’ની જવાબદારી ઉપાડે. (૧ પીત. ૫:૨) સાલ ૧૯૭૬માં નિયામક જૂથના સભ્યોની ૬ સમિતિઓ નિમવામાં આવી, જેથી દુનિયાભરના પ્રચારકાર્ય પર દેખરેખ રાખી શકે. આમ, ઈસુએ રાજ શરૂ કર્યું ત્યારથી યહોવાની ઇચ્છા પ્રમાણે કામ કરવા પોતાના અનુયાયીઓને તે ધીરે ધીરે વ્યવસ્થામાં લાવ્યા છે.

૧૩. અત્યાર સુધીનાં ૧૦૦ વર્ષમાં મસીહી રાજાએ જે બાબતો કરી એની તમારા જીવન પર શું અસર થઈ છે?

૧૩ જરા વિચારો કે મસીહી રાજાએ તેમના અત્યાર સુધીનાં ૧૦૦ વર્ષનાં રાજમાં કેટલી બધી બાબતો કરી છે. યહોવાના નામથી ઓળખાતા ભક્તોને ઈસુએ શુદ્ધ કર્યા છે. તેમણે ૨૩૯ દેશોમાં થઈ રહેલાં પ્રચારકાર્યમાં માર્ગદર્શન આપ્યું છે. લાખો લોકોને યહોવાની ભક્તિ કરવા શિક્ષણ આપ્યું છે. તેમણે ૭૦ લાખથી વધુ ભક્તોને ભેગા કર્યા છે. આ વફાદાર ભક્તો ઈશ્વરની ઇચ્છા રાજીખુશીથી પૂરી કરે છે. (ગીત. ૧૧૦:૩) મસીહી રાજ દ્વારા યહોવાએ જે કાર્યો કર્યાં છે, એ મહાન અને અદ્ભુત છે. અરે, એનાથી પણ વધુ રોમાંચક બનાવો તો હજુ આવનાર દિવસોમાં બનવાના છે!

મસીહી રાજમાં ભાવિ આશીર્વાદો

૧૪. (ક) ‘તમારું રાજ્ય આવો’ની પ્રાર્થના કરીને આપણે ઈશ્વર પાસે ખરેખર શું માંગીએ છીએ? (ખ) સાલ ૨૦૧૪નું વાર્ષિક વચન શું છે અને એ શા માટે યોગ્ય છે?

૧૪ ખરું કે વર્ષ ૧૯૧૪માં યહોવાએ ઈસુને મસીહી રાજા નિયુક્ત કર્યા. પરંતુ, એ આપણી પ્રાર્થના ‘તમારું રાજ્ય આવો’નો પૂરેપૂરો જવાબ નથી. (માથ. ૬:૧૦) બાઇબલની ભવિષ્યવાણી પ્રમાણે ઈસુ ‘તેમના શત્રુઓ વચ્ચે શાસન કરવાના’ છે. (ગીત. ૧૧૦:૨, સંપૂર્ણ) શેતાનના કાબૂમાં જે માનવીય સરકારો છે એ હજુ પણ ઈશ્વરના રાજની વિરુદ્ધ છે. ઈશ્વરનું રાજ્ય આવે એવી પ્રાર્થના કરીને આપણે ઈશ્વર પાસે ખરેખર શું માંગીએ છીએ? એ જ કે મસીહી રાજા અને તેમના ૧,૪૪,૦૦૦ સાથીઓ મળીને માનવીય સરકારો અને વિરોધીઓનો નાશ કરે. એ બાબતો બનશે ત્યારે દાનીયેલ ૨:૪૪ના શબ્દો પૂરા થશે કે ઈશ્વરનું રાજ્ય ‘આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો નાશ કરશે.’ વિરોધ કરનારી બધી માનવીય સરકારોને એ રાજ્ય મિટાવી દેશે. (પ્રકટી. ૬:૧, ૨; ૧૩:૧-૧૮; ૧૯:૧૧-૨૧) એ બનાવો જલદી જ બનવાના છે. તેથી, સાલ ૨૦૧૪નું આપણું વાર્ષિક વચન કેટલું યોગ્ય છે, જે માથ્થી ૬:૧૦માંથી લેવામાં આવ્યું છે: ‘તમારું રાજ્ય આવો!’ સ્વર્ગમાં ઈસુના રાજને સ્થપાયે આ વર્ષે ૧૦૦ વર્ષ પૂરાં થયાં છે.

વર્ષ ૨૦૧૪નું આપણું વાર્ષિક વચન છે: ‘તમારું રાજ્ય આવો.’—માથ્થી ૬:૧૦

૧૫, ૧૬. (ક) ઈસુનાં હજાર વર્ષના રાજમાં કયા રોમાંચક બનાવો બનશે? (ખ) મસીહી રાજા તરીકે ઈસુ કઈ છેલ્લી બાબત કરશે? તેમનું એમ કરવું કઈ રીતે યહોવાનો હેતુ પૂરો કરશે?

૧૫ ઈશ્વરના દુશ્મનોનો નાશ કર્યા પછી, મસીહી રાજા હજાર વર્ષ માટે શેતાન અને દુષ્ટ દૂતોને ઊંડાણમાં નાખી દેશે. (પ્રકટી. ૨૦:૧-૩) આમ, શેતાનની દુષ્ટ અસરો દૂર થશે. તેમ જ, એ રાજ્ય દ્વારા માણસજાતને ઈસુના જીવનથી ચૂકવવામાં આવેલી કિંમતનો ફાયદો મળશે. કઈ રીતે? માણસજાત આદમના પાપની અસરોથી પૂરેપૂરી મુક્ત કરાશે. ગુજરી ગયેલા લાખો-કરોડો લોકોને રાજા સજીવન કરશે. પછી, યહોવા વિશે દુનિયા ફરતેના લોકોને શીખવવાની ખાસ ગોઠવણને તે હાથ ધરશે. (પ્રકટી. ૨૦:૧૨, ૧૩) આખી પૃથ્વી એદન બાગ જેવી સુંદર બની જશે અને બધા વફાદાર માણસોને સંપૂર્ણ બનાવવામાં આવશે.

૧૬ ઈસુના હજાર વર્ષનાં રાજના અંતે, પૃથ્વી માટે યહોવાનો જે હેતુ હતો તે પૂરો થશે. ત્યાર બાદ ઈસુ પોતાના પિતા યહોવાને રાજ પાછું સોંપશે. (૧ કોરીંથી ૧૫:૨૪-૨૮ વાંચો.) એ પછી આપણને યહોવા પાસે જવા કોઈ પ્રતિનિધિની જરૂર નહિ પડે. સ્વર્ગ અને પૃથ્વી પરના ઈશ્વરના દીકરાઓ આખા વિશ્વના કુટુંબનો ભાગ બનશે. આમ, ઈશ્વરપિતા યહોવા સાથે તૂટેલો તેઓનો સંબંધ ફરી સ્થપાશે.

૧૭. રાજ્ય માટે તમે શું કરવાનો નિર્ણય લીધો છે?

૧૭ રાજ્યનાં ૧૦૦ વર્ષના રાજમાં બનેલા રોમાંચક બનાવો ખાતરી કરાવે છે કે બાબતો પર યહોવાનો પૂરેપૂરો કાબૂ છે. તેમ જ, એ બનાવો ભરોસો આપે છે કે પૃથ્વી માટે તેમનો હેતુ સફળ થશે જ. તેથી, ચાલો આપણે તેમની વફાદાર પ્રજા બની રહીએ અને રાજા તથા તેમના રાજ્યને જાહેર કરતા રહીએ. આપણને અતૂટ ભરોસો છે કે આપણી પ્રાર્થના ‘તમારું રાજ્ય આવો’નો જવાબ યહોવા જલદી જ આપશે.

^ ફકરો. 10 ઑક્ટોબર ૨૦૧૧ની આપણી રાજ્ય સેવા, પાન ૩નો લેખ “યહોવાહ પાસેથી શીખી શકાય એટલું શીખીએ!” જુઓ.

^ ફકરો. 11 જુદા જુદા દેશોમાં મળેલી કાયદાકીય જીત વિશે જાણવા ડિસેમ્બર ૧, ૧૯૯૮નું ચોકીબુરજ, પાન ૧૯-૨૨ જુઓ.