સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“યુદ્ધ તમારું નહિ પરંતુ પરમેશ્વરનું છે”

“યુદ્ધ તમારું નહિ પરંતુ પરમેશ્વરનું છે”

“યુદ્ધ તમારું નહિ પરંતુ પરમેશ્વરનું છે”

ડબલ્યુ. ગ્લેન હાઉના જણાવ્યા પ્રમાણે

યહોવાહના સાક્ષીઓ છેલ્લા ૬૦ વર્ષમાં કૅનેડામાં અનેક મુકદ્દમાઓ લડ્યા છે. આ મુકદ્દમાઓમાં તેઓએ જે વિજય મેળવ્યો એ કોઈથી અજાણ્યો રહ્યો નથી. તાજેતરમાં વકીલોની એક અમેરિકન સંસ્થાએ યહોવાહના સાક્ષીઓના કેટલાક મુકદ્દમાઓ હું લડ્યો હતો એની પ્રશંસામાં મને એવૉર્ડ આપ્યો. આ પ્રસંગે જણાવવામાં આવ્યું કે યહોવાહના સાક્ષીઓ જે “મુકદ્દમાઓ જીત્યા એનાથી કૅનેડાના નાગરિકોને હક્ક અને સરકાર પાસેથી રક્ષણ મળી શક્યું છે.” ચાલો હું તમને એવા જ અમુક મુકદ્દમાઓ વિષે તથા હું કેમ યહોવાહના સાક્ષીઓ માટે લડ્યો એ વિષે જણાવું.

અમે ટોરન્ટો, કૅનેડામાં રહેતા હતા. વર્ષ ૧૯૨૪માં પહેલી વાર, જ્યોર્જ રિક્સ નામના એક ‘બાઇબલ વિદ્યાર્થી’ (હવે યહોવાહના સાક્ષી) અમારા ઘરે આવ્યા. એ સમયે હું પાંચ વર્ષનો અને મારો ભાઈ જૉ ત્રણ વર્ષનો હતો. મારી મમ્મી બેસાને તેમની વાતમાં રસ પડ્યો.

ધીરે ધીરે મારી મમ્મીએ સભાઓમાં જવાનું શરૂ કર્યું. મમ્મી સભાઓ અને પ્રચારમાં જતી એ મારા પિતાને જરા પણ ગમતું ન હતું. એથી મમ્મી અમુક પ્રવાસી પ્રચારકોને ઘરે બોલાવતી જેથી તેઓ મારા પિતાને સત્ય વિષે કંઈક જણાવી શકે. એમાં એક પ્રચારક હતા જ્યોર્જ યંગ. મારા પિતાએ જોયું કે બાઇબલ શીખવાને કારણે અમારા કુટુંબમાં સારી અસર પડી રહી છે ત્યારે, તેમણે ધીરે ધીરે વિરોધ કરવાનું બંધ કર્યું. જોકે તે પોતે કદી સાક્ષી બન્યા નહિ, પરંતુ તેમણે સત્યમાં અમને આગળ વધવા માટે પૂરેપૂરી મદદ કરી.

વર્ષ ૧૯૨૯માં મમ્મી પૂરા સમયની પ્રચારક બની. પ્રચારમાં મમ્મીનો ઉત્સાહ આજે પણ અમારા માટે સારું ​ઉદાહરણ છે. પોતાના આ ઉત્સાહને કારણે તે અનેકને સત્ય શીખવી શકી. વર્ષ ૧૯૬૯માં જ્યારે તેનું પાર્થિવ જીવન પૂરું થયું ત્યાં સુધી તેણે પાયોનિયરીંગ ચાલુ રાખ્યું હતું.

પરમેશ્વરની સેવા કરવાનો નિર્ણય

વર્ષ ૧૯૩૬માં, હું હાઈસ્કૂલમાંથી સ્નાતક થયો. એ સમયે ખૂબ જ બેકારીના કારણે નોકરી મળવી મુશ્કેલ હતી. એથી હાઈસ્કૂલ બાદ, વધારે અભ્યાસ માટે હું ટોરન્ટો યુનિવર્સિટીમાં ગયો. વર્ષ ૧૯૪૦માં મેં વકીલ બનવાનો નિર્ણય કર્યો ત્યારે મારી માતાએ કંઈ વિરોધ કર્યો નહિ. મને યાદ છે કે હું નાનો હતો ત્યારે માતા હંમેશા હેરાન થઈને કહેતી: “આ ધમાલિયો દરેક વાતમાં એટલી બધી દલીલો કરે છે કે એ મોટો થઈને ચોક્કસ વકીલ બનવાનો છે!”

હું લૉ શાળામાં ભણવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે, જુલાઈ ૪, ૧૯૪૦માં કૅનેડાની સરકારે અચાનક યહોવાહના સાક્ષીઓ પર પ્રતિબંધ લાદી દીધો. એનાથી મારા જીવનમાં મોટા ફેરફાર થયા. મેં જોયું કે સરકાર સીધા સાદા, નિર્દોષ લોકોના નાના સંગઠન પર જુલમ કરી રહી છે ત્યારે, મને ખાતરી થઈ ગઈ કે આ લોકો જ ઈસુના સાચા શિષ્યો છે, જેમના વિષે તેમણે કહ્યું હતું: “મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.” (માત્થી ૨૪:૯) હું એ દિવસોને ક્યારેય નહિ ભૂલી શકું. એ સમયે મેં નિર્ણય કર્યો કે હું પણ યહોવાહ પરમેશ્વરની સેવા કરીશ. મેં ફેબ્રુઆરી ૧૦, ૧૯૪૧માં બાપ્તિસ્મા લીધું.

હું પાયોનિયર બનવા માંગતો હતો, પરંતુ ભાઈ જેક નેથને મને પહેલા મારા લૉના અભ્યાસને પૂરો કરવાની સલાહ આપી. એ સમયે જેક નેથન કૅનેડામાં પ્રચારકામ પર દેખરેખ રાખી રહ્યા હતા. મેં તેમની વાત માનીને ૧૯૪૩માં વકીલની તાલીમ પૂરી કર્યા પછી પાયોનિયરીંગ શરૂ કર્યું. એ વર્ષે ઑગસ્ટમાં મને ટોરન્ટોમાં વૉચ ટાવર સોસાયટીની શાખામાં બોલાવવામાં આવ્યો. ત્યાં મને યહોવાહના સાક્ષીઓની કાયદાકીય સમસ્યાઓમાં મદદ કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું અને સપ્ટેમ્બરમાં, ઑન્ટૅરિયોની અદાલતે મને એક વકીલ તરીકે ઓળખ્યો.

કાયદાકીય રીતે સુસમાચારનું રક્ષણ

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ કૅનેડામાં યહોવાહના સાક્ષીઓ પર પ્રતિબંધ હતો અને તેઓ પર ખૂબ જ અત્યાચાર ગુજારવામાં આવતો. સ્ત્રી-પુરુષો, સર્વ યહોવાહના સાક્ષીઓને જેલમાં પૂરવામાં આવ્યા. શાળામાંથી યહોવાહના સાક્ષીઓના બાળકોને કાઢી મૂકવામાં આવ્યા, ઉપરાંત તેઓને તેઓના માબાપથી અલગ કરીને બીજાઓને સોંપી દેવામાં આવ્યા. સરકાર એમ કહેતી હતી કે ‘યહોવાહના સાક્ષીઓએ પોતાના બાળકોને ખોટું શિક્ષણ આપ્યું છે એથી તેઓ ઝંડાને સલામી નથી આપતા કે રાષ્ટ્રગીત પણ નથી ગાતા. તેઓ પોતાના બાળકોનો સારી રીતે ઉછેર કરવા માટે લાયક નથી.’ સરકાર અને ધર્મ: પોતાના હક્ક માટે યહોવાહના સાક્ષીઓની લડાઈ (અંગ્રેજી) પુસ્તકના લેખક, પ્રોફેસર વિલ્યમ કેપલને કહ્યું: “એક તરફ સરકાર યહોવાહના સાક્ષીઓ પર જુલમ કરતી હતી તો બીજી તરફ દેશભક્તિના નામે જનતાએ યહોવાહના સાક્ષીઓની સતાવણી કરી.”

એ દરમિયાન અમે સરકાર પાસે પ્રતિબંધ દૂર કરવા માટે ઘણી અપીલ કરી પરંતુ અમારા બધા જ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા. પછી, ઑક્ટોબર ૧૪, ૧૯૪૩માં ફક્ત નામ ખાતર પ્રતિબંધ હટાવવામાં આવ્યો. પરંતુ ત્યારે પણ અનેક યહોવાહના સાક્ષીઓ જેલોમાં અને મજૂરી છાવણીઓમાં કેદ હતા. બાળકોને શાળામાં દાખલો મળતો નહોતો અને ટોરન્ટોમાં વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી અને ધ ઇંટરનેશનલ બાઇબલ સ્ટુડન્ટ્‌સ એસોસિએશન પણ સરકારના કબજામાં હતી.

વર્ષ ૧૯૪૩ના અંતભાગમાં, હું કૅનેડા શાખાની દેખરેખ રાખનાર ભાઈ, પર્સી ચેપમન સાથે ન્યૂયૉર્ક ગયો. વાસ્તવમાં અમે, વૉચ ટાવર સોસાયટીના પ્રમુખ નાથાન નૉર તથા ઉપપ્રમુખ અને વકીલ હેડન કૉવિંગ્ટન પાસે ચર્ચા વિચારણા કરવા માટે ગયા હતા કે અમારે શું કરવું જોઈએ. ભાઈ કૉવિંગ્ટનને વકીલાતનો ઘણો અનુભવ હતો, તેમણે યુનાઈટેડ સ્ટેટ્‌સની સર્વોચ્ચ અદાલતમાં ૪૫ મુકદ્દમાઓમાંથી ૩૬ મુકદ્દમાઓ જીત્યા હતા.

ધીરે ધીરે કૅનેડામાં યહોવાહના સાક્ષીઓને પ્રતિબંધથી રાહત મળી. વર્ષ ૧૯૪૪માં સરકારે ટોરન્ટોની શાખા અને યહોવાહના સાક્ષીઓ પરથી પ્રતિબંધ ઉઠાવી લીધો. એથી શાખાએ પહેલા કામ કરતા હતા એ ભાઈબહેનોને પાછા બોલાવી લીધા. પછી ૧૯૪૫માં, ઑન્ટૅરિયો પ્રાંતની સૌથી મોટી અદાલતે આમ ફેંસલો આપ્યો કે યહોવાહના સાક્ષીઓનાં બાળકોને તેમના અંતઃકરણ વિરુદ્ધ કંઈ પણ કરવા માટે જબરજસ્તી કરશો નહિ. ઉપરાંત જે બાળકોને શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા તેઓને ફરીથી શાળામાં દાખલ કરવા માટે જણાવવામાં આવ્યું. પછી, ૧૯૪૬માં કૅનેડાની સરકારે મજૂર છાવણીમાં કેદ સર્વ યહોવાહના સાક્ષીઓને છોડી દીધા. ભાઈ કોવિંગ્ટન પાસેથી હું એ શીખ્યો કે આવા મુકદ્દમા લડવા માટે હિંમતવાન બનવું જોઈએ તેમ જ યહોવાહ પર ભરોસો મૂકવાની પણ જરૂર છે.

ક્વિબેકમાં લડાઈ

કૅનેડાના મોટા ભાગના વિસ્તારોમાં યહોવાહના સાક્ષીઓને પોતાના ધર્મ માટે સ્વતંત્રતા મળી હતી. પરંતુ ફ્રેંચ ક્વિબેક એક કૅથલિક પ્રાંત હોવાથી ત્યાં હજુ પણ સ્વતંત્રતા નહોતી. કંઈક ૩૦૦ કરતાં વધારે વર્ષોથી આ વિસ્તારમાં રોમન કૅથલિકોનું વર્ચસ્વ હતું. શાળાઓ, હૉસ્પિટલો અને સરકારી કચેરીઓ જેવી જરૂરી સેવાઓનું સંચાલન પણ તેઓના હાથમાં હતું. અરે વિધાનસભામાં વક્તા તરીકે કૅથલિક કાર્ડિનલ માટે પણ એક સિંહાસન મૂકવામાં આવ્યું હતું!

ક્વિબેકના પ્રધાન અને એટર્ની જનરલ મોરીસ ડ્યૂપ્લેસી એક સરમુખત્યાર હતા. તેમના વિષે ક્વિબેકના ઇતિહાસકાર જ્હેરાર પેલ્ટયા કહે છે: “ડ્યુપ્લેસીના ૨૦ વર્ષના રાજ્યમાં જૂઠાણું, ભ્રષ્ટાચાર, આતંક અને અન્યાયની બોલબાલા રહી. પોતાની વાતોથી તેણે લોકોની મતિ ભ્રષ્ટ કરી હોવાથી લોકો પોતાની સમજણ ગુમાવી બેઠા હતા.” રોમન કૅથલિક કાર્ડિનલ વિલ્લેન્યૂવ સાથે હાથ મીલાવીને તો તેની તાકાત બે ગણી થઈ ગઈ હતી.

વર્ષ ૧૯૪૦ની શરૂઆતમાં ૩૦૦ યહોવાહના સાક્ષી હતા. મારો ભાઈ જૉ પણ ક્વિબેકમાં પાયોનિયર હતો. પરંતુ ત્યાં પ્રચારકામ જોર શોરથી થવા માંડ્યું ત્યારે, પાદરીઓએ યહોવાહના સાક્ષીઓને હેરાન કરવા માટે પોલીસ પર દબાણ કર્યું. સાક્ષીઓ પાસે પ્રચાર કરવાનું લાઇસન્સ નથી એમ કહીને તેઓની અવારનવાર ધરપકડ કરવામાં આવતી હતી.

એ દરમિયાન મારે ટોરન્ટો અને ક્વિબેક વચ્ચે ખૂબ જ ભાગદોડ કરવી પડી. એથી છેવટે મને ક્વિબેકમાં આપણા ભાઈબહેનો માટે મુકદ્દમો લડી રહ્યા હતા એ વકીલો સાથે કામ કરવાનું કહેવામાં આવ્યું. દરરોજ કેટલા ભાઈબહેનોની ધરપકડ કરવામાં આવી છે એની ખબર મેળવીને હું અદાલતમાં જતો અને તેઓના જામીનની વ્યવસ્થા કરતો. ફ્રેંક રોન્કરલી નામના એક ધનવાન ભાઈ, મોટે ભાગે સાક્ષીઓના જામીન આપીને અમને મદદ કરતા હતા.

વર્ષ ૧૯૪૪માં યહોવાહના સાક્ષીઓ વિરુદ્ધ અદાલતમાં ૪૦ મુકદ્દમાઓ નોંધવામાં આવ્યા હતા. પરંતુ ૧૯૪૬ સુધીમાં આ સંખ્યા વધીને ૮૦૦ થઈ ગઈ. એ ઓછું હોય એમ વળી કૅથલિક પાદરીઓએ અમારી વિરુદ્ધ ટોળાને ઉશ્કેરવાનું શરૂ કર્યું. એ કારણે અમારે નફરત અને હિંસાનો ભોગ થવું પડ્યું.

આ મુશ્કેલીને હલ કરવા માટે મૉન્ટ્રિઑલમાં નવેમ્બર ૨ અને ૩, ૧૯૪૬માં એક ખાસ સંમેલન ભરવામાં આવ્યું. સંમેલનના છેલ્લા ભાષણ, “આપણે શું કરીશું?”માં ભાઈ નૉરે એક પત્રિકા બહાર પાડી જેનું શીર્ષક હતું: “પરમેશ્વર, ઈસુ અને સ્વતંત્રતા વિરુદ્ધ ક્વિબેકમાં નફરતનો જુવાળ—કૅનેડાવાસીઓ માટે કલંક સમાન છે.” સંમેલનમાં હાજર સર્વ ભાઈબહેનોએ પત્રિકા મેળવીને આનંદ અનુભવ્યો! આ પત્રિકામાં પાદરીઓએ સાક્ષીઓ વિરુદ્ધ જે લડાઈ કરાવી હતી એ વિષે તથા પોલીસ અને લોકોના ટોળાએ સાક્ષીઓ પર નિષ્ઠુર રીતે જે જુલમ કર્યો હતો એનું વર્ણન કરવામાં આવ્યું હતું. પત્રિકા બહાર પડ્યાના ૧૨ દિવસ પછી જ એને આખા કૅનેડામાં વહેંચવાની શરૂઆત કરવામાં આવી.

પરિણામ એ આવ્યું કે થોડા જ દિવસોમાં ડ્યૂપ્લેસીએ જાહેરાત કરી દીધી કે ‘યહોવાહના સાક્ષીઓ વિરુદ્ધ લડાઈ કરવામાં આવે.’ તેણે એવો આરોપ લગાવ્યો કે આ પત્રિકામાં દેશ વિરુદ્ધ બાબતો લખવામાં આવી છે. અને જે કોઈ આ પત્રિકાને વહેંચશે તેને દેશદ્રોહી જાહેર કરવામાં આવશે. પરંતુ વાસ્તવમાં તેને ખબર નહોતી કે તેના આ આરોપથી ઉલટાનો અમને જ ફાયદો થવાનો હતો. એમ કઈ રીતે? તેનો આરોપ એટલો ગંભીર હતો કે એમાં ધરપકડ થનારા લોકોના મુકદ્દમાઓને ક્વિબેકની અદાલતોમાંથી નીકળીને કૅનેડાની સર્વોચ્ચ અદાલતમાં લઈ જવામાં આવી શકે. કહેવામાં આવ્યું છે કે ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ.’ એ જ રીતે ડ્યૂપ્લેસીએ પણ ગુસ્સામાં આ મહત્ત્વની વાત પર આંખ આડા કાન કર્યા. પરંતુ તે હાર માનવા તૈયાર નહોતો. તેણે ગેરકાયદેસર રીતે ભાઈ ફ્રેંક રોન્કરલીનો આલ્કોહોલ વેચવાનો પરવાનો રદ કરાવ્યો. તેને ખબર હતી કે આપણા મોટા ભાગના ભાઈબહેનોના જામીન તે ભરતા હતા. થોડા જ મહિનાઓમાં મૉન્ટ્રિઑલમાં ભાઈ રોન્કરલીની રેસ્ટોરંટ બંધ થઈ ગઈ અને તેમની આર્થિક સ્થિતિ કથળતી ગઈ.

ઉપરાંત યહોવાહના સાક્ષીઓની ધરપકડ વધવાથી તેમની વિરુદ્ધ નોંધવામાં આવેલા મુકદ્દમાઓની સંખ્યા ૮૦૦થી વધીને ૧,૬૦૦ થઈ ગઈ. અનેક વકીલ અને ન્યાયાધીશોએ હેરાન થઈને જણાવ્યું કે ‘ક્વિબેકની અદાલતો તો યહોવાહના સાક્ષીઓના મુકદ્દમાઓથી જ ભરાઈ ગઈ છે. તેઓને કારણે બીજાઓના કેસ પણ આગળ વધી શકતા નથી.’ ત્યારે અમે જણાવ્યું કે એને હલ કરવાનો એક જ રસ્તો છે, ‘તમે પોલીસને જણાવો કે સાક્ષીઓની ધરપકડ કરવાનું બંધ કરીને ગુનેગારોને પકડવાનું શરૂ કરે!’

બે યહુદી વકીલોએ આ મુકદ્દમાઓને લડવા માટે અમારી ઘણી મદદ કરી. એક હતા એ. એલ. સ્ટાઈન જે મૉન્ટ્રિઑલના રહેવાસી હતા અને બીજા ક્વિબેકના સેમ એસ. બાર્ડ. હતા. એ બંને હિંમતવાન વકીલો હતા અને ૧૯૪૯માં, હું વકીલ બન્યો એ પહેલા તેઓએ યહોવાહના સાક્ષીઓના અનેક મુકદ્દમા લડ્યા હતા. આ મુકદ્દમાઓમાં સાક્ષીઓએ જે ધીરજ રાખી અને જેટલા જુલમ સહન કર્યા એનાથી પ્રભાવિત થઈને કૅનેડાના પ્રધાન મંત્રી, પીયર એલીઅત ટ્રૂટોએ કહ્યું કે ક્વિબેકમાં યહોવાહના સાક્ષીઓની “સમાજે મશ્કરી કરી, તેઓના પર જુલમ કર્યો અને તેઓની નફરત કરી, છતાં સાક્ષીઓએ કદી પણ પોતાની મર્યાદા ઓળંગી નથી. તેઓએ ચર્ચ, સરકાર, દેશ, પોલીસ અને જનતાના સર્વ અત્યાચારોનો જવાબ કાયદેસર રીતે જ આપ્યો છે.”

ક્વિબેક અદાલતની નફરત પણ સ્પષ્ટ નજરે પડતી હતી. મારા ભાઈ જૉ પર શાંતિ ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો ત્યારે, ન્યાયાધીશ મરસિએએ તેને ૬૦ દિવસની જેલની સજા ફટકારી. પરંતુ તેના મનમાં એટલી નફરત હતી કે તે પોતાના પર કાબૂ રાખી શક્યો નહિ અને દાંત પીસીને બરાડી ઊઠ્યો કે ‘તારે તો આખી જિંદગી જેલમાં સડવું જોઈએ!’

એક છાપા મુજબ ન્યાયાધીશ મરશિએએ ક્વિબેક પોલીસને એવો આદેશ આપ્યો હતો કે તેઓને “નજરે પડનાર સર્વ યહોવાહના સાક્ષીની અથવા શક આવે તેવા સર્વની ધરપકડ કરવામાં આવે.” મરસિએનો આ વર્તાવ બતાવે છે કે પત્રિકા “ક્વિબેકમાં નફરતનો જુવાળ”માં જે બાબતો લખી હતી તે એકદમ સાચી હતી. ક્વિબેક ઉપરાંત કૅનેડામાં બીજા અનેક સ્થળોએ છાપામાં એવા સમાચાર છપાયા કે “ક્વિબેકમાં અંધકાર યુગની ફરી શરૂઆત,” (ધ ટોરન્ટો સ્ટાર), “ધર્માધિકરણ પાછું ફરે છે” (ધ ગ્લોબ ઍન્ડ મેલ, ટોરન્ટો), “ફાંસીવાદની ગંધ,” (ધ ગેઝેટ, ગ્લેસ બે શહેર, નોવા સ્કૉશિયા).

દેશદ્રોહના આરોપનો જવાબ

વર્ષ ૧૯૪૭માં હું અને શ્રી. સ્ટાઈન મળીને ભાઈ એમે બૂશેનો મુકદ્દમો લડ્યા. એમેએ પોતાના ઘરની આસપાસ ક્લિબેકમાં નફરતનો જુવાળ પત્રિકા વહેંચી હોવાથી, તેમની ધરપકડ કરીને તેમના પર દેશદ્રોહીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અદાલતમાં અમે સાબિત કર્યું કે આ પત્રિકામાં લખવામાં આવેલી બધી જ બાબતો સાચી છે. એનો અર્થ લોકોને એ જણાવવાનો છે કે સાક્ષીઓ પર કઈ રીતે અત્યાચાર થઈ રહ્યા છે. ઉપરાંત એ પણ જણાવ્યું કે અત્યાચાર કરનારાઓની વિરુદ્ધ હજુ પણ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી. એમેનો વાંક ફક્ત એટલો છે કે તેણે આ પત્રિકા મારફતે લોકોને સત્ય જણાવવાનું ચાહ્યું!

ક્વિબેકની અદાલતોમાં “દેશદ્રોહ”ની ૩૫૦ વર્ષ જૂની વ્યાખ્યા એ છે કે કોઈ પણ વ્યક્તિ સરકાર વિરુદ્ધ કંઈ કહે તો તેને અપરાધી ઠરાવવામાં આવી શકે. ડ્યૂપ્લેસી એ જ લાગ જોઈને બેઠો હતો કે આ આરોપસર યહોવાહના સાક્ષીઓને ચૂપ કરી શકાય છે. પરંતુ ૧૯૫૦માં કૅનેડાની સર્વોચ્ચ અદાલતે અમારી આ દલીલ માન્ય કરી કે આજે સરકાર વિરુદ્ધ હિંસા કે બળવો કરવા માટે ઉશ્કેરનારાઓને “દેશદ્રોહી” જાહેર કરવામાં આવે. “ક્વિબેકમાં નફરતનો જુવાળ” પત્રિકા ફક્ત હકીકત જણાવે છે અને સત્ય કહેવાની સ્વતંત્રતા બધાને છે. યહોવાહના સાક્ષીઓએ એને વહેંચીને કોઈ દેશદ્રોહ કર્યો નથી. આ શક્તિશાળી ​ફેંસલાથી અમારી વિરુદ્ધ નોંધવામાં આવેલા ૧૨૩ દેશદ્રોહના મુકદ્દમાઓને પડતા મૂકવામાં આવ્યા. એ ફેંસલામાં મેં યહોવાહનો હાથ નજરે જોયો.

સેંસર-વ્યવસ્થા વિરુદ્ધ લડાઈ

ક્વિબેક શહેરના કાયદા મુજબ મુખ્ય પોલીસ અધિકારી પાસેથી પરવાનગી લીધા સિવાય કોઈ પણ પ્રકાશન વહેંચી શકાય નહિ. એ ધાર્મિક સ્વતંત્રતાની એકદમ વિરુદ્ધ હતું. આ કાયદા મુજબ પ્રવાસી નિરીક્ષક લૉરયે સોમૂરને ૩ મહિનાની જેલ થઈ.

વર્ષ ૧૯૪૭માં અમે એક કેસ નોંધાવ્યો જેમાં અમે જણાવ્યું કે ભાઈ સોમૂરના અધિકારોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે અને અમે અપીલ કરી કે આ કાયદો યહોવાહના સાક્ષીઓ પર લાગુ કરવામાં ન આવે. ક્વિબેકની અદાલતે અમારી અપીલ નામંજૂર કરી ત્યારે, અમે ૧૯૫૩માં આ કેસ કૅનેડાની સર્વોચ્ચ અદાલતમાં લઈ ગયા. સર્વોચ્ચ અદાલતમાં ૯ ન્યાયાધીશોની સામે સાત દિવસ સુધી કેસ ચાલ્યો અને ઑક્ટોબરમાં અમે એ જીતી ગયા. અદાલતે જણાવ્યું કે બાઇબલ પ્રકાશનો વહેંચવા એ યહોવાહના સાક્ષીઓની ઉપાસનાનો એક મહત્ત્વનો ભાગ છે અને એમ કરવા માટે તેઓને કોઈ પરવાનાની જરૂર નથી.

બૂશે કેસે એ સાબિત કર્યું કે યહોવાહના સાક્ષીઓને પોતાની વાત જણાવવાની કાયદેસર રીતે સ્વતંત્રતા છે અને સોમૂર કેસે હંમેશ માટે એ સાબિત કર્યું કે તેઓ ગમે ત્યાં અને ગમે તે રીતે સુસમાચાર જણાવી શકે. સોમૂર કેસ જીતવાથી ક્વિબેકમાં સાક્ષીઓ વિરુદ્ધ લગાવવામાં આવેલા ૧,૧૦૦ આરોપ રદ કરવામાં આવ્યા. પુરાવાઓ નહિ હોવાને કારણે મૉંટ્રીઑલમાં પણ સાક્ષીઓ વિરુદ્ધના ૫૦૦ કરતાં વધારે આરોપો દૂર કરવામાં આવ્યા. થોડા જ સમયમાં ક્વિબેકમાં યહોવાહના સાક્ષીઓ વિરુદ્ધ એક પણ કેસ રહ્યો નહિ!

ડ્યૂપ્લેસીનો છેલ્લો હુમલો

યહોવાહના સાક્ષીઓની વિરુદ્ધ ડ્યૂપ્લેસીના બધા જ કાયદાકીય દાવપેચ ટાઢા પડી ગયા ત્યારે, તેણે જાન્યુઆરી ૧૯૫૪ની શરૂઆતમાં વિધાનસભામાં એક નવો કાયદો બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. એ હતો બિલ નં. ૩૮. પત્રકારો મુજબ આ નવું બિલ ‘યહોવાહના સાક્ષીઓ વિરુદ્ધ કાયદો’ હતો. આ બિલ મુજબ કોઈને પણ શક પડે કે અમુક વ્યક્તિ સરકાર વિરુદ્ધ કંઈક “જૂઠી કે અપમાનજનક વાતો” ફેલાવે છે તો કોઈ પણ પુરાવા વિના જ તે એ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકે. એક વાર આવી ફરિયાદની નોંધણી થઈ જાય પછી ડ્યૂપ્લેસી તે વ્યક્તિને રોકવા માટે તરત હુકમ કરી શકતો હતો. અને એક વાર આવો હુકમ કર્યા પછી એવા કામ કરનાર આખા સમૂહ પર પ્રતિબંધ લગાવવામાં આવતો. આ ઉપરાંત, તેઓના સર્વ બાઇબલ અને ધાર્મિક પ્રકાશનો જપ્ત કરીને નાશ કરવામાં આવતા. અને મુકદ્દમાનો ફેંસલો આવતા સુધીમાં તેઓના ભેગા મળવાના સ્થળોને પણ તાળા મારી દેવામાં આવતા અને આવા મુકદ્દમા લડતા લડતા વરસો વીતી જતા.

આ નવું બિલ વાસ્તવમાં ૧૫મી સદીમાં સ્પેનના તોરકેમાદાએ બનાવેલા કાયદાની એક નકલ હતી. આ નવા બિલ નં. ૩૮ વિષે પ્રેસે જણાવ્યું કે ક્વિબેકના પોલીસોને યહોવાહના સાક્ષીઓના ભેગા મળવાના સ્થળોને તાળા મારીને ત્યાં રાખવામાં આવેલાં બાઇબલ અને અન્ય પુસ્તકોનો નાશ કરવાનો આદેશ મળ્યો છે. આ મોટી મુશ્કેલીથી બચવા માટે અમે ક્વિબેકના પ્રાંતમાંથી અમારા બધા પુસ્તકો હટાવી લીધા. પરંતુ અમે પ્રચારકાર્ય છોડ્યું નહિ. હવે પ્રચાર કરતી વખતે અમે ફક્ત અમારું બાઇબલ સાથે રાખતા હતા.

છેવટે જાન્યુઆરી ૨૮, ૧૯૫૪માં આ બિલ નંબર ૩૮ને એક નવો કાયદો બનાવી દેવામાં આવ્યો. બીજા દિવસે સવારે નવ વાગે હું અદાલત પહોંચી ગયો. ડ્યૂપ્લેસી અમારી વિરુદ્ધ આ કાયદો અજમાવે એ પહેલાં, હું ઇચ્છતો હતો કે આ કાયદાને રોકવા માટે અમને અદાલત પાસેથી હુકમ મળી જાય. પરંતુ ન્યાયાધીશે જણાવ્યું કે હાલમાં તો તે આ નવા કાયદા વિરુદ્ધ કોઈ હુકમ નહિ આપી શકે કારણ કે આ કાયદાને અત્યાર સુધી લાગુ કરવામાં આવ્યો નથી. પરંતુ ન્યાયાધીશે એ ખાતરી આપી કે કોઈ પણ સમયે સરકાર આ કાયદાનો ઉપયોગ કરશે તો તે એની વિરુદ્ધ હુકમ કરશે. ન્યાયાધીશની આ ખાતરી અદાલતના જ હુકમ સમાન હતી. એનાથી એમ થાય કે જો ડ્યૂપ્લેસી નવા કાયદાનો અમારા પર અમલ કરવા માંગે તો પણ તેને સફળતા મળે નહિ!

પછીના સપ્તાહમાં અમે એ તાકમાં બેઠા હતા કે કદાચ પોલીસ આ નવા કાયદા સંબંધી કોઈ પગલાં ભરશે. પરંતુ કંઈ ન થયું! એનું કારણ જાણવા માટે મેં એક યોજના ઘડી. અમે વિક્ટોરીયા ડગાલુક (જે લગ્‍ન પછી સ્ટીલ નામથી ઓળખાતી હતી) અને હેલન ડગાલુક (જે લગ્‍ન પછી સિમકોક્સ નામથી ઓળખાતી હતી) નામની બે પાયોનિયર બહેનોને ડ્યૂપ્લેસીના શહેર, ટ્રૉરિવ્યરમાં પ્રકાશનો લઈને ઘરઘરના પ્રચારમાં મોકલી. છતાં કંઈ ન થયું. આ બહેનો પ્રચાર કરી રહી હતી ત્યારે મેં પોલીસને ફોન કરવા માટે લૉરયે સોમૂરને મોકલ્યો. તેણે પોલીસને જણાવ્યું કે યહોવાહના સાક્ષીઓ અમારા વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે છતાં પોલીસ શા માટે ડ્યૂપ્લેસીના નવા કાયદાનો અમલ નથી કરતી?

લજ્જાતાં એક પોલીસ ઑફિસરે ફોન પર કહ્યું: “હા, અમને ખબર છે કે એવો કાયદો છે, પરંતુ અફસોસની વાત છે કે અમે તમને મદદ કરી શકીએ એમ નથી. વાસ્તવમાં યહોવાહના સાક્ષીઓએ બીજા દિવસે જ આ કાયદાની વિરુદ્ધ કોર્ટ પાસેથી મનાઈ હુકમ લઈ લીધો છે.” એ સાંભળતા જ અમે અમારા બધા જ પ્રકાશનો આ પ્રાંતમાં પાછા લઈ આવ્યા. એ પછી ૧૦ વર્ષ સુધી અમે આ કાયદાની વિરુદ્ધ મુકદ્દમો લડતા રહ્યા અને એ દરમિયાન સરળ રીતે અમારું પ્રચારકામ ચાલુ રાખ્યું.

અમે આ કાયદા વિરુદ્ધ હુકમ કરાવડાવ્યો, સાથોસાથ અમે એ પણ સાબિત કરવા ઇચ્છતા હતા કે બિલ નં. ૩૮ એ ખોટો કાયદો છે. અમે એ જણાવવા માંગતા હતા કે આ કાયદો ફક્ત યહોવાહના સાક્ષીઓને હેરાન કરવા માટે જ ઘડવામાં આવ્યો છે. અમે ડ્યૂપ્લેસીને અદાલતમાં બોલાવીને તેની પૂછપરછ કરવા માટે કોર્ટ હુકમ મોકલ્યો. એ સિંહને તેની ગુફામાં પડકાર ફેંકવા સમાન હતું. ડ્યૂપ્લેસી એનો નકાર કરી શકે એમ નહોતો. મેં અઢી કલાક સુધી તેના પર પ્રશ્નોની ઝડી વરસાવી. હું વારંવાર તેને પૂછતો રહ્યો કે છેવટે ‘યહોવાહના સાક્ષીઓ વિરુદ્ધ લડાઈ—દયા જરા પણ નહિ કરવામાં આવે,’ જાહેર કરવાનો તેનો હેતુ શું હતો? મેં એ પણ પૂછ્યું, ‘તમારો એમ કહેવાનો શું અર્થ હતો કે એક વાર બિલ નં. ૩૮ લાગુ થઈ જાય તો ક્વિબેકમાં યહોવાહના સાક્ષીઓનું નામોનિશાન મીટાવી દેવામાં આવશે?’ એ સર્વ સાંભળીને ડ્યૂપ્લેસી લાલપીળો થઈ ગયો અને બરાડી ઊઠ્યો: “તું આજકાલનો છોકરો મારી સામો થાય છે?”

મેં જવાબ આપ્યો: “શ્રીમાન ડ્યૂપ્લેસી, તમને અહીંયા મારા વિષે તમારું મંતવ્ય જાણવા માટે નથી બોલાવ્યા. જોકે તમારા વિષે મારું મંતવ્ય જાણવું હોય તો હું ઘણું કહી શકું. પરંતુ યોગ્ય બાબત એ છે કે આપણે અદાલતનો સમય ન બગાડીએ અને મહેરબાની કરીને તમે જણાવશો કે તમે મારા પ્રશ્નનો જવાબ શા માટે ન આપ્યો?”

વર્ષ ૧૯૫૯માં ડ્યૂપ્લેસીનું મૃત્યુ થયું એના થોડાક સમય અગાઉ કૅનેડાની સર્વોચ્ચ અદાલતે તેને, ભાઈ રોન્કરલીના આલ્કોહોલ વેચવાના પરવાનાને ગેરકાયદેસર રીતે રદ કરાવવા બદલ દોષિત ઠરાવ્યો. તેને ભાઈ રોન્કરલીનું બધું જ નુકશાન ભરપાઈ કરવાનો હુકમ કરવામાં આવ્યો. એ ફેંસલા પછી, અમારા પ્રત્યે ક્વિબેકના સર્વ લોકોનો વર્તાવ બદલાવા લાગ્યો.

પછી ૧૯૬૪માં બિલ નં. ૩૮ કેસને કૅનેડાની સર્વોચ્ચ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો. પરંતુ સર્વોચ્ચ અદાલતે આ કાયદા વિરુદ્ધ કંઈ પણ ફેંસલો કરવાની ના પાડી દીધી કારણ કે આ કાયદાનો અત્યાર સુધી અમલ કરવામાં આવ્યો નહોતો. ડ્યૂપ્લેસીના મૃત્યુ પછી કોઈએ પણ કદી આ બિલ વિષે પ્રશ્ન ઊઠાવ્યો નહિ. એને કારણે આ કાયદો યહોવાહના સાક્ષીઓ ઉપરાંત બીજા કોઈ પણ વિરુદ્ધ લાગુ પાડવામાં આવ્યો નહિ. વર્ષ ૧૯૪૩માં ક્વિબેકમાં ૩૦૦ યહોવાહના સાક્ષી હતા, પરંતુ આજે તેઓની સંખ્યા વધીને ૩૩,૦૦૦થી પણ વધારે થઈ ગઈ છે. કૅનેડાના આ પ્રાંતના સૌથી વધારે ધાર્મિક સમૂહોમાંથી યહોવાહના સાક્ષીઓનું સ્થાન ચોથું છે. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે આ મુકદ્દમામાં મળેલ વિજય કે પ્રચારમાં અમારી સફળતા, અમારી પોતાની શક્તિથી નહિ પરંતુ યહોવાહની મદદથી પ્રાપ્ત થઈ છે. તેમણે જ અમને વિજયી કર્યા છે કારણ કે યુદ્ધ અમારું નહિ પરંતુ પરમેશ્વરનું છે.—૨ કાળવૃત્તાંત ૨૦:૧૫.

સંજોગો બદલાયા

વર્ષ ૧૯૫૪માં મેં ઇંગ્લૅંન્ડની એક સુંદર પાયોનિયર માર્ગારેટ બીગલ સાથે લગ્‍ન કર્યું. લગ્‍ન પછી અમે બંનેએ એક સાથે પાયોનિયરીંગ કર્યું. પરંતુ મેં વકીલાત છોડી નહિ અને કૅનેડા તથા યુનાઈટેડ સ્ટેટ્‌સમાં યહોવાહના સાક્ષીઓ માટે અનેક મુકદ્દમા લડ્યા. ઉપરાંત યુરોપ અને ઑસ્ટ્રેલિયાના અનેક મુકદ્દમામાં મેં બીજા યહોવાહના સાક્ષી વકીલોને મદદ કરી. એ દરમિયાન માર્ગારેટે સેક્રેટરીની જેમ મને પૂરો સહકાર આપ્યો. વર્ષ ૧૯૮૪માં, હું અને માર્ગારેટ કૅનેડા શાખામાં સેવા કરવા માટે ગયા. ત્યાં મેં લીગલ ડિપાર્ટમેન્ટને ફરીથી સ્થાપવા માટે મદદ કરી. દુઃખની વાત છે કે, ૧૯૮૭માં માર્ગારેટ કૅન્સરથી મૃત્યુ પામી.

મારો ભાઈ જૉ અને તેની પત્ની એલ્સી, વૉચટાવર બાઇબલ સ્કૂલ ઑફ ગિલયડના નવમાં વર્ગમાં હતા. વર્ષ ૧૯૬૯માં મમ્મીના મરણ પછી તેઓએ પપ્પાની દેખરેખ રાખવાની જવાબદારી ઉઠાવી અને તેમના મરણ સુધી તેમની સેવાચાકરી કરી. હું તેમનો ઉપકાર કદી નહિ ભૂલું, કારણ કે હું પૂરા-સમયની સેવા ચાલુ રાખી શકું એથી તેઓએ ૧૬ વર્ષ સુધી મારા માટે આ જવાબદારી સંભાળી.

યુદ્ધ ચાલુ જ છે

યહોવાહના સાક્ષીઓ અત્યાર સુધી જે મુકદ્દમાઓ લડ્યા છે એ ભિન્‍ન પ્રકારના હતા. જેમ કે કેટલાક મુકદ્દમાઓ નાના-મોટા હૉલ માટે જગ્યા પ્રાપ્ત કરવાની લડાઈ હતી. વળી, કેટલાક હૉલ બાંધવા માટે પરવાનગી મેળવવાની લડાઈ હતી. કેટલાક કિસ્સા એવા પણ હતા જેમાં પતિ અથવા પત્નીમાંથી કોઈ એક યહોવાહના સાક્ષી ન હોય અને પોતાના બાળકોની પૂરેપૂરી સંભાળ રાખવા માટેનો હક ઇચ્છતા હતા, અથવા પોતાના યહોવાહના સાક્ષી પતિ કે પત્નીને પોતાના ધર્મની સારી બાબતો બાળકોને શીખવવાથી રોકવા માટે અદાલતની મંજૂરી ઇચ્છતા હતા.

વર્ષ ૧૯૮૯માં કૅનેડા શાખામાં એક અમેરિકન વકીલ લિન્ડા મેનિંગ થોડાક સમય માટે કાયદાકીય સમસ્યાઓમાં મદદ કરવા માટે આવી હતી. એ વર્ષે નવેમ્બરમાં અમારું લગ્‍ન થઈ ગયું અને ત્યારથી અમે આનંદથી આ શાખામાં સેવા કરીએ છીએ.

વર્ષ ૧૯૯૦માં, હું કૅનેડા શાખામાં એક વકીલ જોન બર્ન્સ સાથે જાપાન ગયો. ત્યાંની શાળામાં દરેક બાળકને જૂડો અને કરાટેની ફરજિયાત તાલીમ આપવામાં આવે છે. ત્યાં અમે યહોવાહના સાક્ષી બાળકો માટે મુકદ્દમો લડવામાં પોતાના ભાઈઓને મદદ કરી કે આ તાલીમમાં ભાગ લેવો કે નહિ લેવો દરેક વિદ્યાર્થીની પોતાની મરજી છે. આ મુકદ્દમામાં પણ અમે જીતી ગયા. બીજા એક મુકદ્દમામાં અમે સાબિત કર્યું કે કોઈની મરજી વિરુદ્ધ લોહી ચઢાવવું ન જોઈએ, અને એક વ્યક્તિને લોહી લેવાનો નકાર કરવાનો પૂરેપૂરો હક્ક છે.

પછી ૧૯૯૫ અને ૧૯૯૬ વચ્ચે મને અને લિન્ડાને પાંચ મહિના સિંગાપોરમાં રહેવાનો મોકો મળ્યો. ત્યાંના યહોવાહના સાક્ષીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી અમે ત્યાં ગયા હતા. મેં ત્યાં ૬૪ ખ્રિસ્તી ભાઈબહેનો માટે મુકદ્દમા લડ્યા. તેઓનો વાંક કેવળ એટલો જ હતો કે તેઓ ખ્રિસ્તી સભાઓમાં જતા હતા અને તેઓ પાસે બાઇબલ અને બીજા પ્રકાશનો હતા. જોકે એમાંથી એક પણ મુકદ્દમો અમે જીતી શક્યા નહિ પરંતુ અમે જોયું કે યહોવાહ કઈ રીતે પોતાના સેવકોને મુશ્કેલ પરિસ્થિતિમાં વિશ્વાસુ રહેવાની શક્તિ આપે છે.

યહોવાહની સેવા માટે આભારી

હાલમાં હું ૮૦ વર્ષનો થયો છું. પરંતુ મને ખુશી છે કે મારી તબિયત સારી છે અને આજે પણ હું યહોવાહના લોકો માટે આ કાયદાકીય લડાઈમાં ભાગ લઈ રહ્યો છું. હું અત્યારે પણ અદાલતમાં જઈને સત્ય માટે લડવા તૈયાર છું. કૅનેડામાં યહોવાહના સાક્ષીઓની સંખ્યા ૧૯૪૦માં ૪,૦૦૦ હતી જે આજે ૧,૧૧,૦૦૦ થઈ ગઈ છે એથી હું ખૂબ જ ખુશ છું. અગાઉના વિરોધ કરનારાઓ હવે રહ્યા નથી. પરંતુ યહોવાહના લોકો હજુ પણ હયાત છે અને યહોવાહ તેઓને સતત આશીર્વાદ આપી રહ્યા છે.

શું અત્યારે કોઈ સમસ્યાઓ છે? હા ચોક્કસ છે, પરંતુ મને યહોવાહના આ વચનથી હંમેશા હિંમત મળી છે: “તારી વિરૂદ્ધ વાપરવા સારૂ ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ.” (યશાયાહ ૫૪:૧૭) આ શાસ્ત્રવચનથી શક્તિ મેળવીને મેં પૂરા-સમયની સેવામાં ‘સુવાર્તાની હિમાયત કરવામાં તથા એની સાબિતી’ આપવામાં મારા જીવનના ૫૬ કરતાં વધારે વર્ષો સેવા કરી છે અને આજે હું કહી શકું છું કે યશાયાહની ભવિષ્યવાણી એકદમ સાચી છે.—ફિલિપી ૧:૭.

[પાન ૧૭ પર ચિત્ર]

મારા નાના ભાઈ અને માબાપ સાથે

[પાન ૧૭ પર ચિત્ર]

વકીલ હેડન કૉવિંગ્ટન

[પાન ૧૭ પર ચિત્ર]

ભાઈ નાથાન નૉર સાથે

[પાન ૧૮ પર ચિત્ર]

કાર્ડિનલ વિલ્લેન્યૂવની સામે ઘૂંટણિયે પડેલો ડ્યૂપ્લેસી

[ક્રેડીટ લાઈન]

Photo by W. R. Edwards

[પાન ૧૮, ૧૯ પર ચિત્રો]

ફ્રેંક રોન્કરલી

[ક્રેડીટ લાઈન]

Courtesy Canada Wide

[પાન ૧૯ પર ચિત્ર]

એમે બૂશે

[પાન ૨૨ પર ચિત્ર]

સાથી વકીલ જોન બર્ન્સ અને મારી પત્ની લિન્ડા