સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શા માટે મારા રૂમમેટ સાથે રહેવું બહું અઘરું છે?

શા માટે મારા રૂમમેટ સાથે રહેવું બહું અઘરું છે?

યુવાનો પૂછે છે . . .

શા માટે મારા રૂમમેટ સાથે રહેવું બહું અઘરું છે?

“હું તો ચોખ્ખાઈમાં માનું છું. પરંતુ, હું રૂમ પર જાઉ ત્યારે જોવા મળે છે કે, બધે જ ધાણી પડી હોય છે. તેમ જ મારો રૂમમેટ નીચે આમતેમ કાગળિયા પાથરી લાંબો થઈને ટીવી જોતો હોય છે. હું ઘરે જવાનો વિચાર કરું એટલે મને ખબર જ હોય કે રૂમની કેવી હાલત હશે. ‘એથી ઘણી વાર મને એવું થાય કે મારે ઘરે જવું જ નથી.’ ”—ડેવિડ.

“મારી રૂમમેટ ઘરને સાફસૂફ રાખવામાં માનતી નથી. મને એવું લાગે છે કે તેને એમ થતું હશે કે તેનો નોકર અથવા નોકરાણી સાફ કરશે. વળી, તેને મન ફાવે તેમ જ તે કરતી.”—રીની. *

અમેરિકાના સમાચાર અને દુનિયાના અહેવાલ એમ જણાવે છે કે “રૂમમેટના સ્વભાવને સહન કરતાં શીખવાથી . . . આપણે નમતું જોખતાં શીખી શકીએ છીએ. પરંતુ, એ શીખવું ઘણું અઘરું હોય છે.” જે રૂમમેટ એક જ રૂમમાં રહ્યા હશે તેઓ પણ કદાચ એની સાથે સહમત થશે.

ઘણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ભણવાનો ખર્ચ ઘટાડવા માટે સાથે મળીને એક રૂમમાં રહેતા હોય છે. બીજા ઘણા યુવાનો પોતાના માબાપથી અલગ રહેવા ઇચ્છતા હોવાથી પારકા સાથે રહેતા હોય છે. તેમ જ ઘણા ખ્રિસ્તી યુવાનોએ પરમેશ્વરની સેવામાં વધારે કામ કરવા રૂમમેટ સાથે રહેવાનું પસંદ કર્યું છે. (માત્થી ૬:૩૩) તેઓ જાણે છે કે બીજી વ્યક્તિ સાથે ખર્ચમાં ભાગીદારી કરવાથી, પરમેશ્વરના રાજ્યના પૂરા સમયના સેવકો તરીકે સેવા કરવામાં તેઓને મદદ થશે. તેમ જ અનેક યહોવાહના સાક્ષીઓ મિશનરી તરીકે જુદી જુદી શાખાઓમાં સેવા કરવા જાય છે, ત્યારે તેઓને બીજા વ્યક્તિ સાથે એક રૂમમાં રહેવાનું થાય છે. *

સજાગ બનો!એ, અનેક યુવાનો સાથે વાત કરી કે જેઓ રૂમમેટ સાથે એક રૂમમાં રહેતા હતા. તેઓ સર્વ સહમત થયા છે કે બે વ્યક્તિઓ સાથે મળીને ભાગીદારીમાં રૂમનું ભાડું આપે એટલું જ પૂરતું નથી. પરંતુ, તેઓ સારા મિત્રો બને એ પણ મહત્વનું છે. જેથી તેઓ એકબીજા સાથે વાતો કરીને સમય પસાર કરી શકે. લીન યાદ કરતાં કહે છે કે, “અમે છોકરીઓ સાથે મળીને વાતો કરતી અથવા ટીવી કે વિડીયો જોતી.” તેમ જ રીની કહે છે કે, “રૂમમેટ તમને ઉત્તેજન પણ આપી શકે છે. જેમ કે તમે નોકરી કરીને તમારા ખર્ચાઓને પહોંચી વળવા પ્રયત્ન કરતા હોવ, જેથી પ્રચાર કાર્યમાં ભાગ લઈ શકો, તો એવા સમયે તમને કોઈ ઉત્તેજન આપે એવા રૂમમેટ હોય, તો એ ખૂબ જ મદદરૂપ બની શકે.”

તેમ છતાં, જેને તમે ઓળખતા પણ નથી, તેઓને પ્રથમ વાર મળવું એ કંઈ સહેલું નથી. અમેરિકાના સમાચાર અને દુનિયાના અહેવાલએ કૉલેજના રૂમમેટ વિષે આમ કહ્યું: “ઘણી શાળાઓએ એકબીજાને અનુકૂળ હોય એવા યોગ્ય રૂમમેટને શોધવા ઘણા પ્રયત્નો કરે છે, છતાં મુશ્કેલીઓ તો હોય છે જ.” ખરેખર, હૉસ્ટલના રૂમમાં રહેતા છોકરાઓમાં તકરાર ઊભી થતી હોવાથી તેઓ મારામારી સુધી પહોંચી જાય છે! આજે કૉમ્પ્યુટરોનું યુગ હોવાથી વિદ્યાર્થીઓ પોતાના રૂમમેટનો ગુસ્સો ઇંટરનેટ પર કાઢે છે. અજાણ્યા સાથે એક રૂમમાં રહેવું કેટલું અઘરું છે?

અજાણ્યા સાથે રહેવું

માર્ક કહે છે, “અજાણી વ્યક્તિ સાથે રહેવું એ એક અજોડ અનુભવ છે. તમને એ પણ ખબર હોતી નથી કે તે કેવો હશે.” ખરેખર, તમારી અને તેની પસંદગીમાં આસમાન જમીનનો ફરક હોય, ત્યારે એકબીજાથી ટેવાવું અઘરું બની શકે. ખરું, કે યહોવાહના સાક્ષીઓમાં ઘણી બાબતો મળતી આવે છે. તેથી, ઘણા વિષયો વિશે છૂટથી વાતચીત થઈ શકે. તેમ છતાં, ડેવિડ કહે છે: “મારી સાથે રૂમમાં કોઈ રહે એ મને જરાય પસંદ ન હતું.”

જો કે ડેવિડના કિસ્સામાં એવું બન્યું કે પોતાના શહેરમાંથી આવતા છોકરા સાથે તેનું રહેવાનું થયું હતું. પરંતુ, બધાના કિસ્સામાં એવું બનતું નથી. માર્ક કહે છે: “મારી સાથે પ્રથમ છોકરો રહેવા આવ્યો હતો, તે ફક્ત જરૂર પૂરતું જ બોલતો. તમે એ જ રૂમમાં રહેતા હોવ ત્યારે વાતો કરવી જરૂરી છે. પરંતુ, તે વાત જ ન કરતો. એનાથી મને ખીજ ચડતી.”

જુદી જુદી સંસ્કૃતીમાંથી આવતા હોય તો ઘણી જ મુશ્કેલીઓ આવી શકે. લીન કહે છે: “તમે પહેલી વાર એકલા રહેવા લાગો ત્યારે તમે મન ફાવે એમ રહો છો. પરંતુ, તમને જલદી જ ખ્યાલ આવે છે કે બીજા લોકોનો પણ તમારે વિચાર કરવો જોઈએ.” જો કે કુટુંબથી અલગ રહેવા લાગીએ, અને બીજા લોકો સાથે રહીએ તેમ તેઓના વિચારો જાણીને ખરેખર આઘાત લાગી શકે.

જુદા જુદા સંસ્કાર

ઘણી બાબતો, માબાપે કેવા સંસ્કાર આપ્યા છે એના પર આધારિત હોય છે. (નીતિવચનો ૨૨:૬) ફેરનાન્ડો કહે છે: “હું તો ચોખ્ખાઈમાં માનું છું. પરંતુ, મારી સાથે જે છોકરો રહેતો તે જરાય એમ ન કરતો. દાખલા તરીકે, કપડાં રાખવાના કબાટની વાત કરીએ: તેને કબાટમાં વસ્તુઓ ગમે ત્યાં ફેંકવાની આદત હતી. જ્યારે મને વસ્તુઓ વ્યવસ્થિત મૂકવાની આદત છે.” અમુક વખતે ચોખ્ખાઈમાં, આસમાન જમીનો ફરક જોવા મળે છે.

રીની યાદ કરતાં કહે છે: “મારી સાથે જે છોકરી રહેતી તેનો બેડરૂમ તમે જુઓ તો ઉકરડા જેવો લાગે! મારી સાથે બીજી એક છોકરી રહેતી જે જમ્યા પછી ટેબલ સાફ ન કરતી. તેમ જ તે થાળીને સીન્કમાં બે-ત્રણ દિવસ સુધી પડી રહેવા દેતી.” હા, ઘર કામ વિષે વાત કરીએ તો અમુક રૂમમેટને નીતિવચનો ૨૬:૧૪ના શબ્દો લાગુ પડતા જોવા મળે છે: “જેમ બારણું તેનાં મિજાગરાં પર ફરે છે, તેમ આળસુ પોતાના બિછાના પર આળોટે છે.”

એની સાથે બીજી તરફ કોઈ વધૂ પડતી ચોખ્ખાઈ રાખતી હોય એવી વ્યક્તિ સાથે પણ રહેવું જરાય સહેલું નથી. લી નામની યુવતી પોતાની એક રૂમમેટ વિષે કહે છે: “તે એટલી ચોખ્ખી હતી કે, કલાકે કલાકે સાફસફાઈ કર્યા જ કરે. જો કે મને ચોખ્ખાઈ ગમે છે. પરંતુ, અમુક સમયે હું મારી પુસ્તકો બેડ પર રાખતી તો તે તરત જ ઉપાડીને એની જગ્યાએ મૂકી દેતી.”

તેમ જ અમુક રૂમમેટ પોતે દૈહિક સ્વચ્છતા વિશે અલગ જ વિચારતા હોઈ શકે. માર્ક સમજાવે છે: “મારો રૂમમેટ છેલ્લી મિનિટે ઊઠશે. તે સીધો બેસિન પાસે દોડશે, પોતાના વાળ પર થોડું પાણી છાંટશે અને સીધો બહાર જતો રહેશે.”

જુદા જુદા સંસ્કારમાથી આવતા હોવાથી, મનોરંજનની પસંદગીમાં પણ મોટો ફરક પડે છે. માર્ક પોતાના રૂમમેટ વિષે કહે છે, “સંગીત બારામાં અમારી બન્‍નેની એકદમ અલગ જ પસંદગી છે.” પછી ભલેને જુદા જુદા સંસ્કારમાથી આવતા હોય, છતાં જ્યાં સુઘી એકબીજા પ્રત્યે માન હોય તો બન્‍ને રૂમમેટ એકબીજા પાસેથી ઘણું શીખી શકે. પરંતુ, ઘણી વાર બન્‍નેની પસંદગીમાં ઘણો ફરક હોવાથી ઝઘડા ઊભા થાય છે. ફેરનાન્ડો કહે છે, “મને સ્પેનિશ સંગીત ખુબ જ ગમે છે, પરંતુ મારા રૂમમેટને ગમતું ન હોવાથી ફરિયાદ કરતો હોય છે.”

ફોન—એક મોટો પ્રોબ્લમ

ટેલિફોનના કારણે પણ ખટપટ ઊભી થઈ શકે. માર્ક કહે છે: “મને વહેલા સૂઈ જવાનું ગમે છે. પરંતુ, મારો રૂમમેટ મોડે સુધી ફોન પર વાત કરતો હોય છે. એનાથી થોડા સમય પછી ખીજ આવી શકે.” એવી જ રીતે લીન પણ યાદ કરતાં કહે છે: “અમુક સમયે મારી રૂમમેટના મિત્રો વહેલી સવારે ત્રણ કે ચાર વાગ્યે ફોન કરતા. તે ન હોય તો, મારે ઊઠીને ફોન પર વાત કરવી પડતી.” તેઓનો ઉકેલ? “અમે ખાતરી રાખતા કે દરેક પાસે પોતાનો મોબાઈલ ફોન હોય.”

તેમ છતાં, બધા યુવાનો પોતાનો મોબાઈલ ફોન રાખી શકતા નથી. તેથી ઘણાઓને ભાગીદારીમાં ફોન રાખવો જ પડે છે. એનાથી અમુક વખતે તકલીફો ઊભી થઈ શકે. રીની યાદ કરતાં કહે છે: “મારી એક રૂમમેટ, છોકરાના પ્રેમમાં હોવાથી તે હંમેશાં કલાકો સુધી ફોન પર વાતો કરતી. એક મહિને ૯૦ ડૉલર ફોનનું બિલ આવતા તે પૈસા ઉઘરાવવા નીકળી. અમે ટેલિફોન બીલના પૈસા સરખે ભાગે વહેંચી લેવા સહમત થયા હોવાથી, તે આ વખતે પણ ઇચ્છતી હતી કે અમે દરેક એનો એક ભાગ ચૂકવીએ.”

ફોન પર વાત કરવાનો મોકો ન મળવાથી પણ સમસ્યા ઊભી થઈ શકે. લી યાદ કરતા કહે છે, “હું મારા કરતાં મોટી ઉંમરના રૂમમેટ સાથે રહેતી હતી. અમારી પાસે ફક્ત એક જ ફોન હતો. હું હંમેશાં ફોનનો ઉપયોગ કરતી કેમ કે મારા ઘણા મિત્રો હતા. તેમણે ક્યારેય કંઈ કહ્યું નથી. હું વિચારતી કે તેમને ફોન જોઈતો હશે તો તે મને કહેશે. પણ હવે મને સમજાઈ રહ્યું છે કે મારું વિચારવું યોગ્ય ન હતું.”

એકાંતની ખામી

ડેવિડ કહે છે, “દરેક વ્યક્તિને અમુક સમયે એકાંતની જરૂર હોય છે. અમુક સમયે હું ફક્ત આરામ સિવાય કંઈ જ કરવા ઇચ્છતો નથી.” તેમ છતાં, તમે કોઈની સાથે રૂમમેટ તરીકે રહેતા હોવ તો, એકાંતનો સમય મેળવવો બહુ મુશ્કેલ હોય શકે. માર્ક સહમત થાય છે, “મને એકલા રહેવું ગમે છે. તેથી, એકાંત ન મળે ત્યારે મને ખૂબ મુશ્કેલી પડે છે. મારું અને મારા રૂમમેટનું સમયપત્રક એક સરખું જ છે. તેથી એકાંત મેળવવું બહુ મુશ્કેલ છે.”

ઈસુ ખ્રિસ્તને પણ અમુક સમયે એકાંતની જરૂર હતી. (માત્થી ૧૪:૧૩) તેથી, રૂમમેટની હાજરીમાં વાંચવું, અભ્યાસ કરવો અથવા મનન કરવું શક્ય ન હોય તો, એ ખૂબ જ અઘરું બની શકે. માર્ક કહે છે: “મારા માટે અભ્યાસ કરવો બહુ મુશ્કેલ હોય છે કેમ કે હંમેશાં કંઈકને કંઈ બાબતો ચાલુ જ હોય છે. જેમ કે તેણે પોતાના મિત્રને રૂમમાં બોલાવ્યો હોય, ફોન પર વાત કરતો હોય અથવા તે ટીવી જોતો હોય કે રેડિયો સાંભળતો હોય છે.”

રૂમમેટ સાથે રહેવું સહેલું નથી. તેમ છતાં, હજારો યુવાનોએ સફળતા મેળવી છે. આપણે આવતા અંકોમાં જોઈશું કે રૂમમેટ સાથે હળીમળીને કઈ રીતે રહી શકાય.

[ફુટનોટ્‌સ]

^ નામ બદલવામાં આવ્યા છે.

^ ખરું કે આ સલાહ યુવાનોને સીધે સીધી લાગું પડે છે. પરંતુ, એ મોટી ઉંમરના લોકોને પણ મદદરૂપ થઈ શકે છે. જ્યારે કોઈના સંજોગો બદલાય ત્યારે બીજા વ્યક્તિ સાથે એક રૂમમાં રહેવું પડે છે. જેમ કે કોઈ વિધવા બને ત્યારે.

[પાન ૧૨, ૧૩ પર ચિત્ર]

સંગીતમાં સૌ સૌની પસંદગી હોવાથી મુશ્કેલી ઊભી થઈ શકે

[પાન ૧૪ પર ચિત્ર]

બીજાઓનો વિચાર ન કરવાથી ઝઘડા ઊભા થઈ શકે