સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પોર્નોગ્રાફી જોવામાં શું ખોટું છે?

પોર્નોગ્રાફી જોવામાં શું ખોટું છે?

બાઇબલ શું કહે છે?

પોર્નોગ્રાફી જોવામાં શું ખોટું છે?

ઇંગ્લૅંડની રાણી વિક્ટોરીયાના રાજમાં (૧૮૩૭-૧૯૦૧), પુરાતત્ત્વશાસ્ત્રીઓ ઇટાલીના પૉમ્પૅ શહેરમાં પ્રાચીન ખંડેરોનું ખોદકામ કરવા લાગ્યા. તેઓને જે મળી આવ્યું એનાથી તેઓને ખૂબ આઘાત લાગ્યો. ખંડેરની દીવાલો પર ખુલ્લેઆમ જાતીય ક્રીડા બતાવતા કામશાસ્ત્રના ચિત્રો અને શિલ્પો કંડારેલા હતા. તેથી સરકારે એ શિલ્પોને ખાનગી મ્યુઝિયમોમાં સંતાડી દીધા. પછી તેઓએ આ શિલ્પો અને ચિત્રોને વર્ગ પ્રમાણે અલગ પાડવા, ગ્રીક ભાષાના બે શબ્દો પૉર્નૉ અને ગ્રાફી જોડીને એને “પોર્નોગ્રાફી” નામ આપ્યું. એ “વેશ્યાઓનું જીવન” બતાવે છે. આજે પણ પોર્નોગ્રાફીથી ઓળખાતી ઘણી અશ્લીલ સામગ્રી મળી આવે છે. જેમ કે “કામવાસનાને ઉશ્કેરતા પુસ્તકો, ચિત્રો, મૂર્તિઓ કે ફિલ્મો,” જે જાતીય રીતે ઉત્તેજિત કરવા બનાવવામાં આવ્યા હોય છે.

આજે ખુલ્લેઆમ અશ્લીલ પુસ્તકો, ચિત્રો અને ફિલ્મો મળી આવે છે. એનાથી એવું લાગે છે કે લોકોને એનો જરાય વાંધો નથી. વર્ષો પહેલાં અમુક બદનામ વિસ્તારોમાં જ વેશ્યાઘરો અને ગંદી ફિલ્મો બતાવતા થિયેટરો જોવા મળતા હતા. પરંતુ આજે ઘણા વિસ્તારોમાં એ ખૂબ સામાન્ય થઈ ગયું છે. આજે એકલા અમેરિકામાં જ પોર્નોગ્રાફી પર દર વર્ષે દસ અબજ ડૉલરથી વધારે વેપાર થઈ રહ્યો છે.

આવા ગંદા સાહિત્યને પસંદ કરનારાઓ દલીલ કરે છે કે, જે લોકો લગ્‍નજીવનમાં સેક્સનો આનંદ માણી શકતા નથી, તેઓ પોર્નોગ્રાફી જોઈને સેક્સની દુનિયામાં ખોવાઈ જવાનો આનંદ માણી શકે છે. એના વિષે એક લેખિકાએ કહ્યું: “એનાથી લોકો જાતીયતાનાં સપનાં જોવા લાગે છે. તેમ જ જાતીય આનંદ માણવા એ ઘણું માર્ગદર્શન આપે છે.” બીજા લોકો દાવો કરે છે કે, એનો ઉપયોગ કરવાથી લોકોને સેક્સ વિષે શરમાયા વગર ખુલ્લા દિલથી ચર્ચા કરવા ઉત્તેજન મળે છે. એક લેખિકા વૅડી મૅકઍલરૉય દાવો કરે છે કે, “પોર્નોગ્રાફીથી સ્ત્રીઓને પણ લાભ થાય છે.”

જોકે એની સાથે બધા જ સહમત નથી. અરે, ગંદા સાહિત્યોથી તો વ્યક્તિનું જીવન પણ બરબાદ થઈ શકે છે. ઘણા લોકોનું માનવું છે કે કોઈ પણ જાતના ગંદા સાહિત્યનો ઉપયોગ કરવો એ સ્ત્રી-બાળકો પર બળાત્કાર કર્યા બરાબર છે, અને એ ગુનો છે. ઘણા ખૂન કરવા માટે કુખ્યાત ટૅડ બન્ડી સ્વીકારે છે કે તેને “હિંસાભરી પોર્નોગ્રાફી જોવાની ખૂબ જ ભૂખ હતી.” તે કહે છે: ‘વ્યક્તિને એ ખબર હોતી નથી કે તેના પર એની કેવી અસર થશે. પરંતુ એ જોઈને તેનામાં કામવાસના ભડકી ઊઠે છે. અને એ સંતોષવા તે ખૂનખરાબી કરતા પણ અચકાતી નથી. હું ભાર દઈને કહેવા માગું છું કે, સેક્સ માટે ધીમે ધીમે જે ભૂખ જાગે છે, એ થોડા દિવસોમાં જ મટી જતી નથી.’

પોર્નોગ્રાફી ઉપર આજે પાર વગરની ચર્ચાઓ થઈ રહી છે અને એને લગતી અશ્લીલ સામગ્રી સર્વસામાન્ય થઈ ગઈ છે. તેથી તમને એ જાણવું ગમશે કે, ‘બાઇબલ એના વિષે શું કહે છે?’

જાતીયતા વિષે બાઇબલ શું શીખવે છે

બાઇબલમાં જાતીયતાને લગતી માહિતી એટલી સરળતાથી આપવામાં આવી છે કે, એ વાંચતાં પણ શરમ ન આવે. (પુનર્નિયમ ૨૪:૫; ૧ કોરીંથી ૭:૩, ૪) સુલેમાન કહે છે, “તારી જુવાનીની પત્નીમાં આનંદ માન . . . સર્વ પ્રસંગે તેનાં સ્તનોથી તું સંતોષ પામ.” (નીતિવચનો ૫:૧૮, ૧૯) આમ, બાઇબલ જાતીય સંબંધનો આનંદ માણવા વિષે સ્પષ્ટ અને યોગ્ય માર્ગદર્શન આપે છે. તે એ પણ જણાવે છે કે જાતીય સંબંધ ફક્ત કોના વચ્ચે હોવો જોઈએ. લગ્‍ન બહારના કોઈ પણ જાતીય સંબંધની બાઇબલ સાફ મના કરે છે. તેમ જ કોઈ પણ જાતના અકુદરતી જાતીય સંબંધોની પણ મનાઈ કરવામાં આવી છે.—લેવીય ૧૮:૨૨, ૨૩; ૧ કોરીંથી ૬:૯; ગલાતી ૫:૧૯.

પતિ-પત્નીમાં પણ એકબીજા માટે માન-મર્યાદા અને સંયમ હોવા જોઈએ. પ્રેષિત પાઊલે લખ્યું: “સૌએ લગ્‍નને માનયોગ્ય ગણવું.” (હેબ્રી ૧૩:૪, પ્રેમસંદેશ) બાઇબલની આ સલાહ પોર્નોગ્રાફીની એકદમ વિરુદ્ધમાં છે.

પોર્નોગ્રાફી સેક્સને ભ્રષ્ટ કરે છે

દાંપત્યજીવનમાં પતિ-પત્ની જાતીય સંબંધનો આનંદ માણે છે ત્યારે, તેઓ એકબીજાને પ્રેમ બતાવે છે જે માનયોગ્ય અને આનંદ આપનારો છે. જ્યારે પોર્નોગ્રાફી જાતીય સંબંધને વિકૃત બનાવી દે છે. એ વ્યક્તિના વિચારો અને લાગણીને ભ્રષ્ટ કરી દે છે. પોર્નોગ્રાફી જોઈને વ્યક્તિમાં ખોટી જાતીય ભૂખ ઉત્પન્‍ન થાય છે અને તેને સામેની વ્યક્તિની જરાય પડી હોતી નથી.

આજે પોર્નોગ્રાફી એવું દર્શાવે છે કે સ્ત્રી, પુરુષ અને બાળકો ફક્ત જાતીયતાની ભૂખ સંતોષવાનું એક સાધન જ છે. એક અહેવાલ કહે છે: “સ્ત્રીનું રૂપ અને શરીરના દેખાવ પરથી તેની સુંદરતા માપવામાં આવે છે.” બીજો એક અહેવાલ જણાવે છે: પોર્નોગ્રાફીમાં “એવું બતાવવામાં આવે છે કે, સ્ત્રીઓ હલકી જાત છે, તેઓ હંમેશાં જાતીયતાની ભૂખી હોય છે; તેઓ પુરુષોની ભૂખ સંતોષવાનું એક રમકડું જ છે. તેઓ પૈસા માટે નગ્‍ન થઈને લોકો આગળ નાચવા અને દેહનો સોદો કરવા પણ તૈયાર હોય છે. પરંતુ, એ આ માન્યતાથી કેટલું વિરુદ્ધ છે કે, આજની સ્ત્રીઓ પુરુષો સમાન છે, તેઓ માન-મર્યાદાને યોગ્ય છે.”

પાઊલ પ્રેમ વિષે કંઈક અલગ જ માનતા હતા. તેમણે લખ્યું: ‘પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત જોતો નથી.’ (૧ કોરીંથી ૧૩:૫) બાઇબલ પુરુષોને ઉત્તેજન આપે છે કે ‘તેઓ પોતાનાં શરીરો પર પ્રેમ રાખે છે એવો જ પોતાની પત્ની પર પ્રેમ રાખે અને તેને માન આપે.’ તેઓએ સ્ત્રીને એ રીતે જોવાની નથી કે તે ફક્ત જાતીય ભૂખ સંતોષવા માટે જ છે. (એફેસી ૫:૨૮; ૧ પીતર ૩:૭) જો કોઈ સ્ત્રી કે પુરુષ બીજા લોકોના ગંદા ચિત્રો જોઈને ભૂંડા વિચારોથી પોતાનું મગજ ભરે તો, શું તે યોગ્ય રીતે વર્તી શકશે? એમ કરવાથી શું તે બીજાઓ સાથે માનપૂર્વક વર્તે છે? કોઈ પણ અશ્લીલ સામગ્રી સાચો પ્રેમ કેળવતી નથી, પણ એ વ્યક્તિને જાતીય બાબતોમાં સ્વાર્થી બનાવે છે.

પોર્નોગ્રાફી વ્યક્તિને બીજી એક રીતે પણ ખરાબ અસર કરે છે. જેમ વ્યક્તિ ધીમે ધીમે કોઈ નશીલી વસ્તુની બંધાણી થઈ જાય છે તેમ, સમય જતાં તે પોર્નોગ્રાફીની પણ બંધાણી થઈ જાય છે. એ તેના માટે એકદમ સામાન્ય બની જાય છે. એક લેખિકા કહે છે: “[ગંદા સાહિત્યો જોતા લોકો] સમય જતાં એનાથી પણ અશ્લીલ સાહિત્ય શોધતા હોય છે. . . . તેઓ પછી પોતાના જીવનસાથી પાસે પણ એવા જ ગંદા અને વિકૃત જાતીય સંબંધની માંગણી કરે છે. . . . એમ કરવાથી તેઓ પછી ખરા પ્રેમનો આનંદ માણી શકતા નથી.” ખરેખર, પોર્નોગ્રાફી બરબાદી તરફ લઈ જાય છે. પોર્નોગ્રાફીને ટાળવાનું બીજું એક મહત્ત્વનું કારણ પણ છે.

ભૂંડા વિચારો વિષે બાઇબલ શું કહે છે?

આજે ઘણા લોકો માને છે કે પોર્નોગ્રાફીથી જાતીય નશો ચઢાવવામાં કંઈ ખોટું નથી અને એમાં કંઈ જોખમ પણ નથી. પરંતુ બાઇબલ એની સાથે જરાય સહમત નથી. બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે, આપણે પોતાનું મગજ ભૂંડા વિચારોથી ભરી દઈશું તો એવી જ રીતે વર્તીશું. ઈસુનો શિષ્ય યાકૂબ કહે છે: “દરેક માણસ પોતાની દુર્વાસનાથી ખેંચાઈને તથા લલચાઈને પરીક્ષણમાં પડે છે. પછી દુર્વાસના ગર્ભ ધરીને પાપને જન્મ આપે છે, અને પાપ પરિપક્વ થઈને મોતને ઊપજાવે છે.” (યાકૂબ ૧:૧૪, ૧૫) ઈસુએ કહ્યું: “હું તમને કહું છું, કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.”—માત્થી ૫:૨૮.

ઈસુ અને યાકૂબે કહ્યું તેમ, આપણે હૃદયમાં જે ઇચ્છાઓ જાગે છે એમ કરવા લલચાઈએ છીએ. જો આપણે એવી ખોટી જાતીય ઇચ્છાઓને મનમાં ભરીશું તો, સમય જતાં એને બહાર કાઢવી ખૂબ જ અઘરું બની જશે. એના બંધાણી થઈ ગયા પછી, વ્યક્તિ પોતાની ભૂખ સંતોષવા ગમે એવું ખોટું કામ કરવા પણ તૈયાર થઈ જશે. એ બતાવે છે કે, આપણે મનમાં જે ભરીએ છીએ એની આપણા પર જરૂર ઊંડી અસર પડે છે.

આપણે અનૈતિક વિચારોમાં ડૂબેલા રહીશું તો, યહોવાહ પરમેશ્વર સાથેનો આપણો સંબંધ તૂટી શકે. એ કારણથી પાઊલે લખ્યું: “એ માટે પૃથ્વી પરના તમારા અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઇચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.”—કોલોસી ૩:૫.

પાઊલ અહીં ભૂંડી જાતીય ઇચ્છાને લોભ સાથે જોડે છે. એ પોતાની ન હોય એવી કોઈ પણ પારકી વસ્તુના મોહને બતાવે છે. * અને લોભ એક પ્રકારની મૂર્તિપૂજા છે. શા માટે? કારણ કે બીજાની કોઈ પણ વસ્તુ પડાવી લેનારને પરમેશ્વરનો પણ ડર હોતો નથી. પોર્નોગ્રાફી વ્યક્તિને એવી વસ્તુ પડાવી લેવા ઉશ્કેરે છે જેના પર તેનો કોઈ હક્ક નથી. ધર્મના એક લેખકે કહ્યું: “જે તમારી પાસે નથી એના માટે જ તમારા મનમાં વિચારો ભટકતા રહે છે. . . . જેમ કે કોઈકની સાથે તમને જાતીય સંબંધ બાંધવો છે. . . . આપણે જે જાતીય વાસના માટે તડપીએ છીએ, એને જ આપણે ભજીએ છીએ.”

પોર્નોગ્રાફી આપણને ભ્રષ્ટ કરે છે

બાઇબલ ઉત્તેજન આપે છે: “જે કંઈ શુદ્ધ, જે કંઈ પ્રેમપાત્ર, જે કંઈ સુકીર્તિમાન છે; . . . જો કોઈ સદ્‍ગુણ કે જો કોઈ પ્રશંસા હોય, તો આ બાબતોનો વિચાર કરો.” (ફિલિપી ૪:૮) જો કોઈ ગંદા સાહિત્ય કે અશ્લીલ ફિલ્મોથી પોતાનું મન ભરતું હોય તો, તે પાઊલની આ સલાહને સાંભળતો નથી. પોર્નોગ્રાફી જોવી ખૂબ જ ખરાબ છે કેમ કે, એમાં ફક્ત પતિ-પત્ની વચ્ચે જ હોવા જોઈએ એવા અંગત જાતીય સંબંધોને છડેચોક બતાવાય છે. એ ધિક્કારપાત્ર છે, કેમ કે એ લોકોનું મન ભ્રષ્ટ કરે છે. એનાથી તેઓની લાગણી બહેર મારી જાય છે. એવું સાહિત્ય લોકોમાં ખરો પ્રેમ અને માન કેળવવા ઉત્તેજન આપતું નથી. એના બદલે, એ ફક્ત જાતીય વાસનાની ભૂખ જાગૃત કરે છે.

આપણે યહોવાહના સાક્ષીઓ થઈને આવા ગંદા સાહિત્યો કે ફિલ્મોને જોઈશું તો, જે ‘ભૂંડું છે એને ધિક્કારી’ નહિ શકીએ. (આમોસ ૫:૧૫) આવી ભૂંડી ઇચ્છાઓ સામે, પાઊલે એફેસી મંડળને ઉત્તેજન આપતા કહ્યું: “વ્યભિચાર તથા સર્વ પ્રકારની મલિનતા અથવા લોભ, એઓનાં નામ સરખાં તમારે ન લેવાં, કેમકે સંતોને એજ શોભે છે; નિર્લજ્જ તથા . . . ઠઠ્ઠામશ્કરી તમારામાં ન થાય, કેમકે એ ઘટિત નથી.”—એફેસી ૫:૩, ૪.

પોર્નોગ્રાફી ખરેખર નુકસાન કરે છે. એનાથી આપણું લગ્‍નજીવન નંદવાઈ શકે. તેમ જ બીજાઓને જાતીય ક્રીડાઓમાં રત થતા જોઈને આપણી સ્વાભાવિક જાતીય ઇચ્છાઓ મરી જઈ શકે. એવું સાહિત્ય કે ફિલ્મો જોતા લોકો અધર્મી બની જાય છે એટલું જ નહિ, એનાથી તેઓનું મન પણ ભ્રષ્ટ થઈ જાય છે. એવી અશ્લીલ સામગ્રી આપણને સ્વાર્થી અને લોભી બનાવે છે. અને બીજાઓને ફક્ત પોતાની જાતીય ભૂખ સંતોષવાનું સાધન તરીકે જોવા શીખવે છે. એના સકંજામાં જે કોઈ ફસાય છે તે શુદ્ધ અંતઃકરણ રાખીને ભલું કરી શકશે નહિ. સૌથી મહત્ત્વનું તો, એમાં ફસાવાથી યહોવાહ પરમેશ્વર સાથેનો આપણો સંબંધ તૂટી જાય છે. (એફેસી ૪:૧૭-૧૯.) સાચે જ, પોર્નોગ્રાફી એક મહારોગ છે જેનાથી આપણે દૂર જ રહેવું જોઈએ.—નીતિવચનો ૪:૧૪, ૧૫.

[ફુટનોટ]

^ પતિ-પત્નીને જાતીય સંબંધ રાખવાની જે કુદરતી લાગણી થતી હોય છે એના વિષે પાઊલ અહીં વાત કરતા ન હતા.

[પાન ૨૦ પર ચિત્ર]

પોર્નોગ્રાફીથી સામેની વ્યક્તિ વિષે આપણામાં ભૂંડા વિચારો ઉત્પન્‍ન થાય છે