સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જડીબુટ્ટીઓથી ઉપચાર કરવો—કેટલો અસરકારક?

જડીબુટ્ટીઓથી ઉપચાર કરવો—કેટલો અસરકારક?

જડીબુટ્ટીઓથી ઉપચાર કરવો—કેટલો અસરકારક?

જૂના જમાનાથી લોકો વનસ્પતિ ઔષધિ કે જડીબુટ્ટીથી બીમારીનો ઇલાજ કરતા આવ્યા છે. એબર પપાયરસ ગ્રંથની જ વાત કરો. એ ગ્રંથ ઇજિપ્તમાં આશરે ઈસવીસન પૂર્વે ૧૬મી સદીમાં તૈયાર કરવામાં આવ્યો હતો. એમાં દેશી દવાઓથી અનેક બીમારીઓનો ઉપચાર બતાવતી આશરે ૭૦૦ જેટલી રીતો લખેલી છે. જોકે, મોટા ભાગના દેશી ઉપચારોનો કોઈ રેકોર્ડ નથી, એ બાપદાદાઓ પેઢીઓથી પોતાના સંતાનોને કહેતા આવ્યા છે.

એમ લાગે છે કે પશ્ચિમના દેશોમાં જડીબુટ્ટીઓથી ઇલાજ કરવાની શરૂઆત પહેલી સદીમાં ગ્રીક ચિકિત્સક, ડાયોસ્કોરીડેસે કરી હતી. તેમણે ડી મેટેરિયા મેડિકા નામનો ઔષધવિદ્યાનો ગ્રંથ લખ્યો હતો. એ ગ્રંથ પછીના ૧,૬૦૦ વર્ષ સુધી, દવાઓ તૈયાર કરવામાં ખૂબ મહત્ત્વનો સાબિત થયો. હવે તો દુનિયાના ઘણા દેશોમાં બાપદાદાઓથી ચાલ્યા આવતા દેશી ઉપચારો ખૂબ જ લોકપ્રિય થવા લાગ્યા છે. જર્મનીમાં તો, ત્યાંનું હેલ્થ ડિપાર્ટમેન્ટ દેશી દવાઓનો ખર્ચ ભોગવવા પણ તૈયાર છે.

લોકોમાં એક સામાન્ય માન્યતા છે કે ઘરે ઘરે જાણીતી દેશી દવાઓ આજની નવી નવી દવાઓ કરતાં ખૂબ જ સુરક્ષિત છે. પણ યાદ રાખો, દેશી દવાઓથી પણ તમને અમુક નુકસાન થઈ શકે છે. તેથી, સવાલ થાય છે કે, જો દેશી ઉપચારથી કોઈ બીમારીનો ઇલાજ કરાવવો હોય તો, શું ધ્યાનમાં રાખવું જોઈએ? અને જુદા જુદા ઉપચારો કરાવવા કરતાં જો એક જ જાતની દવા લેવામાં આવે તો, એનાથી ફાયદો થશે કે કેમ? *

દેશી ઔષધિઓથી લાભ લેવો

કહેવામાં આવે છે કે વનસ્પતિમાંથી બનેલી ઔષધિ ઘણી બીમારીઓને મટાડે છે. અમુક દેશી દવાઓ શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જ્યારે અમુક ઔષધિઓ અપચો દૂર કરે છે, ચેતાતંત્રને સામાન્ય બનાવે છે, પેટ ભારે થઈ ગયું હોય તો, એને નરમ બનાવે છે અને આપણી ગ્રંથિઓને બરાબર ચલાવે છે.

આ ઔષધિઓ ખાલી બીમારી જ મટાડતી નથી. એ પૌષ્ટિક તત્ત્વો પણ પૂરાં પાડે છે. દાખલા તરીકે, કેટલીક વનસ્પતિ પેશાબને લગતી તકલીફોને દૂર કરે છે. જેમ કે અજમાનો છોડ. આ મુત્રવર્ધક વનસ્પતિમાં પોટેશિયમનું પ્રમાણ ખૂબ હોય છે. * આપણે પેશાબ દ્વારા પોટેશિયમ ગુમાવી દઈએ છીએ ત્યારે, પુષ્કળ પોટેશિયમ ધરાવતી આ વનસ્પતિ એ ખોટ સરભર કરી દે છે. એ જ રીતે, વલીરિઅન નામની વનસ્પતિમાં (વલીરીયાના ઓફિસિનાલીસ) પણ પુષ્કળ કેલ્શિયમ હોય છે. આ વનસ્પતિ પીડાશામક તરીકે ઘણા સમયથી લોકો વાપરતા આવ્યા છે. વનસ્પતિમાં રહેલું કેલ્શિયમ ઉત્તેજિત ચેતાતંત્રને શાંત પાડીને, શામક દવાનું કામ કરે છે.

દેશી દવા કેવી રીતે લઈ શકાય?

વનસ્પતિમાંથી બનેલી દેશી દવા ઘણી રીતોએ લઈ શકાય છે. જેમ કે, ચા કે ઉકાળો અથવા કાવો બનાવીને, અથવા ટિંક્ચર કે મલમ રૂપે પણ એ લઈ શકાય છે. જડીબુટ્ટીઓ પર ઊકળતું પાણી નાખીને ચા બનાવાય છે. પરંતુ વૈદ્યો ખાસ સલાહ આપે છે કે હર્બલ ટી બનાવવા માટે સામાન્ય રીતે જડીબુટ્ટીને પાણીમાં ઉકાળવી ન જોઈએ. કાવો બનાવવા વનસ્પતિ ઔષધિના મૂળિયા અને વૃક્ષની છાલને પાણીમાં ઉકાળવામાં આવે છે જેથી, રોગ મટાડતું તત્ત્વ પાણીમાં સારી રીતે મળી જાય.

ટિંક્ચર કેવી રીતે બનાવાય છે? એક પુસ્તક કહે છે કે, “શુદ્ધ અથવા ડાઈલ્યુટેડ આલ્કોહોલ, બ્રાંડી અથવા વોડકા સાથે જડીબુટ્ટીમાંથી ઉપયોગી અર્કને કાઢીને મિશ્ર કરીને ટિંક્ચર બનાવાય છે.” મલમ બનાવવાની પણ ઘણી રીતો છે. સામાન્ય રીતે મલમ કોઈ રોગમાં કે શરીરમાં કોઈ જગ્યાએ પીડા થતી હોય ત્યારે લગાવવામાં આવે છે.

બીજી દવાઓ અને વિટામિન્સ સામાન્ય રીતે જમ્યા પછી લેવામાં આવે છે. જ્યારે દેશી દવાઓને ખાલી પેટે પણ લેવામાં આવે છે. કેમ કે એને એક પ્રકારનો ખોરાક જ ગણવામાં આવે છે. આ આયુર્વેદ દવા તમે કેપ્સ્યુલમાં પણ લઈ શકો. એ વધારે સહેલું છે અને તમારી જીભનો સ્વાદ પણ બગડતો નથી. તમે કોઈ પણ રીતે આ દેશી દવાઓથી ઉપચાર કરાવવા માંગતા હોય તો, એ ક્ષેત્રના ડૉક્ટરોની પહેલાં સલાહ લો. એમાં તમારું જ ભલું છે.

સામાન્ય રીતે, તાવ, પેટની કોઈ બીમારી, અનિદ્રા, કબજિયાત, ઊબકા કે ઊલટી થતી હોય ત્યારે, ગામઠી ઉપચાર તરીકે દેશી દવા કે ફાકી લેવાનું કહેવામાં આવે છે. જોકે, એનાથી પણ ગંભીર પરિસ્થિતિમાં અમુક વાર આ દેશી દવા કામ કરી જાય છે. એ ખાલી દરદ જ મટાડતું નથી, પરંતુ બીમાર પડતા પણ રોકે છે. દાખલા તરીકે, જર્મની અને ઑસ્ટ્રિયામાં કોઈને પ્રૉસ્ટેટીક હાયપરપ્લેશીઆ નામનો રોગ (જેમાં પ્રૉસ્ટેટ ગ્રન્થિ સૂજી જાય છે) થયો હોય તો, લોકો સૌથી પહેલાં પૅલમેટો (સેરેનોઆ રેપેન્સ) નામની જડીબુટ્ટી દવા આપે છે. કેટલાક દેશોમાં તો આ રોગથી ૫૦થી ૬૦ ટકા પુરુષો પીડાતા હોય છે. તોપણ, આ રીતે કોઈ સોજો થયો હોય તો, વધારે સારવાર કરાવવી પડશે કે કેમ, એ જાણવા ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે. કેમ કે, જો તમને કેન્સર હોય તો, વધારે સારવારની જરૂર પડી શકે.

આ ધ્યાનમાં રાખો

મોટા ભાગે લોકો એવું જ માને છે કે દેશી દવાઓ લેવામાં કોઈ જોખમ નથી. તોપણ, એ લેવામાં સાવચેતી રાખવી જ જોઈએ. ભલે કોઈ પણ વસ્તુ “કુદરતી” લેબલવાળી હોય તોપણ, ક્યારેય આંખો મીંચીને લેશો નહિ. એક એન્સાયક્લોપેડિયા દેશી ઔષધિ વિષે જણાવે છે: “એ જાણીને આઘાત લાગશે, પણ અમુક વનસ્પતિમાંથી બનાવેલી દવા એકદમ જોખમી હોય છે. . . . તોપણ, [દુઃખની વાત છે કે] અમુક લોકો આવી દેશી દવા લેવામાં જોખમ છે કે નહિ એનો જરાય વિચાર કરતા નથી.” દેશી દવાઓમાં રહેલા અમુક કેમિકલ્સ તમારા હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, અને ગ્લુકોઝના પ્રમાણને બદલી શકે છે. તેથી, જે લોકોને હૃદયને લગતી કોઈ બીમારી, હાઈ બ્લડ પ્રેશર, અથવા ડાયાબિટીસને લીધે લોહીમાં શર્કરાનું વધતું-ઘટતું પ્રમાણ હોય, તો તેઓએ કોઈ પણ દેશી દવા લેતા પહેલાં સાવચેતીના પગલાં લેવા જ જોઈએ.

તોપણ, એક વાત નોંધવા જેવી છે કે બીજી દવાઓ કરતાં આ દેશી દવાઓથી બહુ ઓછી આડઅસર થાય છે. એનાથી ફક્ત અમુક જ એલર્જી થતી હોય છે જેમ કે, માથાનો દુખાવો, ચક્કર આવવા, ઊલટી કે ઊબકા, અથવા ચામડી પર ખંજવાળ આવવી વગેરે. દેશી દવાઓ વિષે એમ પણ કહેવામાં આવે છે કે એ લેવાથી શરૂઆતમાં સાજા થતા ખૂબ પીડા થાય છે. એમાં તાવ આવવો કે એવા બીજા કોઈ લક્ષણો જોવા મળે છે, પણ એ ફક્ત થોડા જ સમય માટે હોય છે. જો તમે દેશી ઔષધિ લેતા હોવ તો, સાજા થતા પહેલાં તમારી હાલત વધારે બગડી હોય એવું લાગી શકે. ડૉક્ટરો કહે છે કે દેશી ઉપચારમાં શરૂઆતમાં આવી અસર થવી સામાન્ય છે. કેમ કે, તમે દેશી દવા લેતા હોવ ત્યારે, તમારા શરીરમાંથી લોહીનો વિકાર કરતી વસ્તુઓ કે બીજો બગાડ બહાર નીકળી જતો હોય છે, જેના કારણે તમને પીડા કે ઉપર બતાવેલા લક્ષણો જોવા મળે છે.

એ હકીકત છે કે અમુક લોકો કોઈ દેશી દવાઓ લેવાથી મરણ પામ્યા છે. એ બતાવે છે કે દેશી દવાઓ લેતા પહેલાં સાવચેત રહેવું, અને કોઈ અનુભવી કે ડૉક્ટરની સલાહ લેવી કેટલું મહત્ત્વનું છે. દાખલા તરીકે, ઈફેદ્રા નામની જડીબુટ્ટી સામાન્ય રીતે વજન ઓછું કરવા લેવામાં આવે છે. પણ એનાથી તમારું બ્લડ પ્રેશર ઊંચું જઈ શકે છે. યુનાઈટેડ સ્ટેટ્‌સમાં ૧૦૦ કરતાં વધારે મરણ ઈફેદ્રા જડીબુટ્ટી લેવાને કારણે થયાનો રિપોર્ટ મળ્યો છે. એ વિષે સાન ફ્રાન્સિસ્કોના પેથોલોજિસ્ટ સ્ટીવન કાર્ચ લખે છે: “હું એવા કેસ વિષે જાણું છું જ્યાં લોકો [ઇફેદ્રા લેવાને કારણે] મરણ પામ્યા છે, કે જેઓને હૃદયની ધમનીને લગતી ગંભીર બીમારી હતી, અથવા તેઓએ હદ ઉપરાંત એ ઔષધિ લીધી હતી.”

જડીબુટ્ટીઓ વિષેના એક પુસ્તકના લેખક, ડૉક્ટર લોગાન ચેમ્બરલેઈન દેશી દવાના પક્ષમાં કહે છે: “હાલના વર્ષોમાં દેશી દવાઓથી થતા નુકસાન વિષે જે રિપોર્ટ મળ્યા છે એ એવા દરદીઓના છે જેઓ દવા લેવા વિષેના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા ન હતા. . . . જો ભરોસાપાત્ર દેશી ઔષધિઓને સૂચવેલા પ્રમાણમાં લેવામાં આવે તો, એ એકદમ સુરક્ષિત અને પેઢીઓથી ચાલી આવતી રીત પ્રમાણે લાભકારી છે. જડીબુટ્ટીઓના કોઈ અનુભવી ડૉક્ટર સૂચવે નહિ ત્યાં સુધી આપેલ માર્ગદર્શન પ્રમાણે જ ચાલો, અને અતિશય વધારે કે ઓછી માત્રામાં દવા ન લો.”

બીજી એક આયુર્વેદ ડૉક્ટર, લીન્ડા પેજ સારી સલાહ આપે છે: “ભલે તમારી હાલત ગમે એટલી ખરાબ હોય, તોપણ દવા યોગ્ય પ્રમાણમાં જ લેવી જોઈએ. ક્યારેય જેમ તેમ દવા ન લો. સારી સારવાર સમય માંગી લે છે. અને એનાથી વધારે સારું પરિણામ મળે છે. તમે પહેલાં જેવા સાજા થઈ જાવ એ માટે સમય તો લાગશે જ.”

જડીબુટ્ટીનું એક પુસ્તક આમ કહે છે: કેટલીક ઔષધિમાં એવા ગુણ હોય છે કે જેના લીધે, તમે એને હદ ઉપરાંત લો તો, એ કોઈને કોઈ રીતે બહાર નીકળી જાય છે. દાખલા તરીકે, એક જડીબુટ્ટી શરીરને આરામ આપવા લેવામાં આવે છે. પણ જો તમે એને વધારે માત્રામાં લો તો, ઊલટી થઈને એ બહાર નીકળી જશે. જોકે, એનો અર્થ એ નથી કે તમે ઔષધિને ગમે તેમ લઈ લો. તમારે એને યોગ્ય માત્રામાં જ લેવી જોઈએ. અને એ પણ યાદ રાખો કે, બધી જ જડીબુટ્ટીમાં આવા ગુણ હોતા નથી.

તોપણ, ઘણા માને છે કે ઔષધિમાંથી પૂરેપૂરો લાભ લેવો હોય તો, એને યોગ્ય માત્રામાં અને આપેલી રીત પ્રમાણે જ લેવી જોઈએ. ઘણી વાર એમ કરવા માટે ફક્ત જડીબુટ્ટીનો રસ કે અર્ક કાઢીને લેવાની જરૂર પડે છે. મેડનહેર વૃક્ષમાંથી બનતી ગિંક્ગો બિલોબા નામની જડીબુટ્ટીમાં પણ એવું જ છે. ઘણા લોકો આ જડીબુટ્ટીને યાદશક્તિ વધારવા કે પછી, લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય એ માટે લે છે. પરંતુ એનો એક અસરકારક ડોઝ લેવા માટે આ વૃક્ષના ઘણા કિલો પાંદડાંની જરૂર પડે છે.

દેશી દવાને બીજી દવા સાથે લેવાના જોખમો

જો ડૉક્ટરે સૂચવેલી દવાઓ સાથે તમે દેશી દવાઓ પણ લો તો, એની ઘણી રીતોએ આડઅસરો થઈ શકે છે. દાખલા તરીકે, દેશી દવાઓ બીજી દવાઓની અસર વધારી કે ઘટાડી શકે છે. એના કારણે આ બીજી દવાઓ તમારા શરીરમાંથી સામાન્ય કરતાં બહુ ઓછા સમયમાં બહાર નીકળી શકે છે. અથવા, એનાથી આડઅસરો થવાનું જોખમ વધી શકે છે. જર્મનીમાં કોઈ નિરાશા કે ડિપ્રેસનમાં ડૂબી ગયું હોય તો, ડૉક્ટરો સંત જોન વોર્ટ નામની દેશી દવા લખી આપે છે. પણ આ દેશી દવા બીજી ઘણી દવાઓની શરીર પર કોઈ અસર થવા દેતી નથી. એ સામાન્ય કરતાં બમણી ઝડપે શરીરમાંથી બીજી દવાઓને કાઢી નાખે છે અને આમ એની અસરકારકતાને એકદમ ઘટાડી દે છે. તેથી, જો તમે ડૉક્ટરે સૂચવેલી કોઈ દવા કે ગર્ભ-નિરોધક ગોળીઓ પણ લેતા હોવ તો, કોઈ પણ દેશી દવા લેતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લો.

ગુણકારી દેશી દવા વિષેનું એક પુસ્તક જણાવે છે: “જો કોઈ વ્યક્તિ આલ્કોહોલ, મેરિજુઆના, કોકેઈન, કે પછી મગજને રિલેક્ષ કરી દેતા બીજા કોઈ ડ્રગ્સ અને તમાકુ સાથે દેશી દવા પણ લેવા લાગે તો, એ તેના માટે જીવલેણ બની શકે છે. . . . તેથી, તમારે આવા [કોઈ પણ નશીલા પદાર્થથી] દૂર રહેવું જોઈએ, ખાસ કરીને તમે બીમાર હોવ ત્યારે.” એ જ રીતે, ગર્ભવતી કે ધાવણા બાળકની માતાએ પણ આ સલાહને ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ. જોકે, તમાકુ અથવા બીજા કોઈ પણ નશીલા પદાર્થની વાત આવે છે ત્યારે, ખ્રિસ્તીઓ બાઇબલની આ સલાહને પાળીને ઘણા જોખમોથી દૂર રહે છે: “આપણે દેહની તથા આત્માની સર્વ મલિનતાને દૂર કરીને પોતે શુદ્ધ થઈએ.”—૨ કોરીંથી ૭:૧.

દેશી દવા વિષે બીજું એક પુસ્તક સાવધાન કરતા કહે છે: “તમે કદાચ અમુક સમયથી દેશી દવા લેતા હશો. એવા સમયે ખબર પડે કે તમને ગર્ભ રહ્યો છે તો, તરત એ દવા લેવાનું બંધ કરો અને તમારા ડૉક્ટરની સલાહ લો. પછી જો ડૉક્ટર રજા આપે તો જ એ દવા ચાલુ રાખો. તમે કેટલા પ્રમાણમાં અને કેટલા સમયથી એ દવા લો છો એ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરો.”

જડીબુટ્ટીઓ પર એક જ્ઞાનકોશ કહે છે: “તમે કોઈ ડૉક્ટરને પૂછ્યા વગર જાતે જ દેશી દવાથી પોતાનો ઇલાજ કરતા હોવ તો, એના ઘણાં જોખમો છે.” આ લેખમાં આપેલા બૉક્સ, “મન ફાવે તેમ દવા લેવાના જોખમો” નીચે તમને જોવા મળશે કે દેશી દવાઓ લેવામાં કેવા શક્ય જોખમો રહેલા છે.

તમે તાજામાજા અને તંદુરસ્ત રહેવા બીજી દવા લો છો એ જ રીતે, દેશી દવા પણ ખૂબ સમજી વિચારીને લેવી જોઈએ. તમારે પૂરતી જાણકારી લઈને જ એનો ઉપયોગ કરવો જોઈએ. અને હા, તમારે એને યોગ્ય પ્રમાણમાં જ લેવી જોઈએ. એ પણ ભૂલશો નહિ, કે હાલમાં અમુક બીમારીનો કોઈ જ ઇલાજ નથી. પરંતુ, સાચા ખ્રિસ્તીઓ પાસે આશાનું એક કિરણ છે. તેઓ એ સમયની આતુરતાથી રાહ જુએ છે જ્યારે, બીમારી અને મરણના મૂળ કારણને હંમેશ માટે મિટાવી દેવામાં આવશે. એ આપણા પ્રથમ માબાપ પાસેથી આપણને વારસામાં મળેલી અપૂર્ણતા છે. આપણા પરમદયાળુ પરમેશ્વરનું રાજ આવશે ત્યારે, તે આપણી અપૂર્ણતાનું નામનિશાન મિટાવી દેશે!—રૂમીઓને પત્ર ૫:૧૨; પ્રકટીકરણ ૨૧:૩, ૪. (g03 12/22)

[ફુટનોટ્‌સ]

^ સજાગ બનો! કોઈ મેડિકલ સામયિક નથી. તેથી, એ કોઈ ખાસ ઉપચાર કે આહાર, આયુર્વેદ કે બીજા કોઈ પણ ઇલાજ વિષે ભલામણ કરતું નથી. આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જ્ઞાન માટે છે. કોઈ બીમારી કે રોગના ઇલાજ વિષે વાચકોએ પોતે નક્કી કરવાનું છે.

^ આ મુત્રવર્ધકમાં એવા દ્રવ્યો હોય છે જે પેશાબનું પ્રમાણ વધારે છે.

[પાન ૧૪ પર બોક્સ]

મન ફાવે તેમ દવા લેવાના જોખમો

કોઈ અનુભવી ડૉક્ટરની સલાહ વગર જાતે દેશી દવાઓ લેવામાં નીચે મુજબના જોખમો રહેલાં છે.

તમને ખરેખર શું બીમારી છે એ તમે ન પણ જાણતા હોવ.

તમે રોગ પારખી લીધો હોય તોપણ, તમે જાતે એનો ઉપચાર કરી રહ્યા હોવ તો, એ કદાચ તમારા રોગનો ખરો ઇલાજ ન પણ હોય.

તમે જાતે ઉપચાર કરો તો, તમારો રોગ તો મટી જશે, પણ એ જડમૂળથી નીકળશે નહિ.

જો તમે કોઈ એલર્જી કે પછી બ્લડ પ્રેશર માટે ડૉક્ટરે લખી આપેલી દવાઓ લેતા હોવ અને એ સાથે મન ફાવે તેમ દેશી દવાઓ પણ લેશો તો, એની આડઅસરો થઈ શકે છે.

તમે જાતે જે દેશી દવાઓ લો છો, એનાથી તમારી નાની અમથી બીમારી તો મટી જશે, પણ એનાથી હાઈ બ્લડ પ્રેશર જેવી બીજી સમસ્યા વધી શકે છે.

[ક્રેડીટ લાઈન]

માહિતી આ પુસ્તકમાંથી લેવામાં આવી છે: Rodale’s Illustrated Encyclopedia of Herbs