સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પરમેશ્વર કેમ દુઃખો ચાલવા દે છે?

પરમેશ્વર કેમ દુઃખો ચાલવા દે છે?

યુવાનો પૂછે છે . . .

પરમેશ્વર કેમ દુઃખો ચાલવા દે છે?

“પરમેશ્વર શાંતિથી સ્વર્ગમાં રહે છે, આપણે અહીં દુઃખોમાં પીસાઈએ છીએ.”—મેરી. *

મેરીના પિતા ગુજરી ગયા. તેને એટલું દુઃખ થયું કે તેણે એવી ફરિયાદ કરી. તેણે જે કહ્યું એ વિષે તમને શું લાગે છે? જરા વિચારો, આજે બાળકો જન્મથી જ ખરાબ દુનિયામાં જીવે છે. આજકાલ ધરતીકંપ, વાવાઝોડું જેવી કુદરતી આફતમાં એક પળમાં જ હજારો મરી જાય છે. ચારે બાજુ આતંકવાદ અને યુદ્ધોના જ સમાચાર છે. બીમારી, ગુના અને એક્સિડન્ટ ક્યારે આપણા વહાલાઓને છીનવી લે, એની ખબર નથી.

જ્યારે આપણા પર દુઃખ-તકલીફો આવી પડે છે, ત્યારે આપણે ભાંગી પડીએ છીએ. ઘણા તો ગુસ્સો પણ કરે છે. તમે પણ કદાચ વિચારશો કે, ‘મારા પર જ કેમ આ બધું દુઃખ?’ આ સવાલનો જવાબ મળી શકે છે! ક્યાંથી? ધર્મશાસ્ત્રમાંથી. પણ એ જવાબને શાંતિથી જોવો જોઈએ. કેમ? એક યુવાને કહ્યું કે સખત દુઃખ આવે ત્યારે, અમુક લોકો બહુ દુઃખી થઈ જાય છે. પણ શાંત મન હોય તો શાસ્ત્રમાંથી સુખ-દુઃખના જવાબ સહેલાઈથી જોઈ શકીએ છીએ.

દુઃખ તો આવશે જ!

આપણા જીવનમાં આફતો આવે તો કેવું લાગે છે? ભલે આપણને ગમે કે નહિ, જીવનમાં મરણ અને દુઃખ તો આવવાના જ છે. એક ઈશ્વરભક્ત અયૂબે કહ્યું કે ‘માણસના દિવસો થોડા છે. તેનું જીવન મુસીબતોથી ભરેલું છે.’—યોબ ૧૪:૧, IBSI.

અયૂબના જમાનામાં લોકો વિચારતા કે કેમ આ બધું દુઃખ. પણ અયૂબ જાણતા હતા કે ઈશ્વરે વચન આપ્યું છે કે એક દિવસ આખી પૃથ્વી પર કોઈ માણસ દુઃખી નહિ હોય! મરણ પણ નહિ હોય! (૨ પીતર ૩:૧૩; પ્રકટીકરણ ૨૧:૩, ૪) ક્યારે? થોડા જ વખત પછી. પણ ત્યાં સુધી તો બધાના જીવનમાં તકલીફો આવવાની જ છે. શાસ્ત્ર કહે છે કે આ દુનિયાના “છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે.”—૨ તીમોથી ૩:૧.

હવે અંતના સમયને કેટલી વાર છે? એ સવાલ બે હજાર વર્ષો પહેલાં ઈસુના શિષ્યોએ પૂછ્યો હતો. ઈસુએ કહ્યું કે એ દિવસની કોઈને ખબર નથી, પણ “અંત સુધી જે કોઈ ટકશે તે જ તારણ પામશે.” (માત્થી ૨૪:૩, ૧૩) આપણા જીવનમાં દુઃખ તો આવશે જ. પણ એ સહન કરવા આપણે તૈયાર રહીએ.

શું દુઃખો પાછળ ઈશ્વરનો હાથ છે?

પૃથ્વીની હાલત માટે આપણે ઈશ્વર પર એકદમ ગુસ્સો કરવા લાગી શકીએ. પણ શું એ માટે ઈશ્વર જવાબદાર છે? ના, પણ ઈશ્વર તો વચન આપે છે કે તે આ બધી મુશ્કેલીઓનો ચોક્કસ અંત લાવશે. વિચારો કે ધરતીકંપ કે વાવાઝોડામાં ઘણા લોકો માર્યા જાય ત્યારે, લોકો કહેશે કે એમાં ઈશ્વરનો જ હાથ છે. શું એ સાચું હોય શકે? એક ઉદાહરણ વિચારો. સખત પવન ફૂંકાય છે. એક ઝાડ પડ્યું અને એની નીચે ઊભેલા એક માણસને બહુ જ વાગ્યું. અમુક કહેશે કે એમાં ઈશ્વરનો હાથ હતો. શું એ ઝાડ ઈશ્વરે પાડ્યું? ના. શાસ્ત્ર જણાવે છે કે આપણા દરેક પર અચાનક આફત આવી શકે છે.—સભાશિક્ષક ૯:૧૧.

અમુક વાર મનુષ્યોના ખોટા નિર્ણયોથી તેઓ પર આફતો આવે છે. કઈ રીતે? કલ્પના કરો કે અમુક યુવાનિયાઓએ બહુ જ દારૂ પીધો અને પછી બાઈક લઈને નીકળી પડે છે. પછી તેઓને ગંભીર અકસ્માત થાય છે. તો શું એમાં ઈશ્વરનો દોષ હતો? ના, કેમ કે આપણે જાણીએ છીએ કે એ યુવાનોએ બહુ જ દારૂ પીધો હોવાથી અકસ્માત થયો. જો માણસ ખરાબ નિર્ણય લે તો એનું પરિણામ પણ ભોગવવું પડી શકે.—ગલાતી ૬:૭.

પણ હવે બીજો સવાલ ઊભો થાય છે કે ઈશ્વરે આ બધા દુઃખો કેમ ચાલવા દીધા છે? ધર્મશાસ્ત્રના લેખકોએ પણ આ સવાલ કર્યો. હબાક્કૂકે ઈશ્વરને પૂછ્યું કે “તું [ઈશ્વર] છતાં કપટીઓને કેમ દેખી ખમે છે, ને જ્યારે દુષ્ટ માણસો પોતાના કરતાં વધારે નેક પુરુષોને ગળી જાય છે, ત્યારે તું કેમ છાનો રહે છે?” પછી તેમણે લખ્યું કે ‘હું બુરજ પર ખડો રહીને જોયાં કરીશ કે તે મારી સાથે શું બોલે છે.’ હબાક્કૂકે ધીરજ બતાવી. યહોવાહે તેને ખાતરી આપી કે તે ‘નીમેલા વખતે’ દુઃખોનો અંત લાવશે. (હબાક્કૂક ૧:૧૩; ૨:૧-૩) પોતાના વચન પ્રમાણે જ પરમેશ્વર મુશ્કેલીઓનો અંત લાવ્યા. આપણે પણ ધીરજ બતાવીએ, કેમ કે પરમેશ્વરે વચન આપ્યું છે કે આ બધા દુઃખોને તે ચોક્કસ દૂર કરશે.

જીવનની મુશ્કેલીઓ બીજી રીતે પણ ઘણો લાભ કરે છે. શાસ્ત્ર જણાવે છે કે જે માણસ સહન કરશે તેનો વિશ્વાસ વધશે. (હેબ્રી ૫:૮; ૧ પીતર ૧:૭) પણ તમને લાગશે કે ઈશ્વર મારી ધીરજ કે મારા વિશ્વાસની કસોટી કેમ કરે છે? શાસ્ત્ર કહે છે: ‘જો કોઈની કસોટી થાય, તો “આ કસોટી ઈશ્વર તરફથી આવી છે” એમ તેણે ન કહેવું. કારણ, ઈશ્વર કોઈની કસોટી કરતા નથી.’ આપણે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે “દરેક સારી બક્ષિસ અને દરેક સંપૂર્ણ કૃપાદાન . . . ઈશ્વર પાસેથી આવે છે.”—યાકોબ ૧:૧૩, ૧૭, પ્રેમસંદેશ.

પરમેશ્વર કેમ દુષ્ટતા ચાલવા દે છે?

દુષ્ટતા ક્યાંથી આવી? શાસ્ત્ર જવાબ આપે છે: “જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે.” (પ્રકટીકરણ ૧૨:૯) જ્યારે ઈશ્વરે પૃથ્વી બનાવી, ત્યારે તેમનો હેતુ હતો કે માણસ સુખ-શાંતિથી રહે. પહેલો પુરુષ અને પહેલી સ્ત્રી આદમ અને હવા હતા. શાસ્ત્ર બતાવે છે કે શેતાને હવાને ફોસલાવી કે ‘તમે મન ફાવે એમ જીવો, ઈશ્વરનું કહેવું માનવાની જરૂર નથી.’ હવાએ શેતાનનું સાંભળ્યું, આદમ પણ તેના પગલે ચાલ્યો. (ઉત્પત્તિ ૩:૧-૫) એ કારણથી આખા જગતમાં તકલીફો અને મરણ છે. ધર્મશાસ્ત્ર કહે છે: “સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.”—રૂમી ૫:૧૨.

પણ પરમેશ્વરે ત્યારે જ શેતાનનો નાશ કેમ ન કર્યો? પહેલું કારણ એ હતું કે બધા જોઈ શકે કે શેતાન ચોક્કસ જૂઠો જ છે. શાસ્ત્ર બતાવે છે કે “આખું જગત તે દુષ્ટની સત્તામાં રહે છે.” (૧ યોહાન ૫:૧૯) બીજું કારણ કે લોકોને જીવનમાં ઈશ્વરનો માર્ગ અને મદદની જરૂર છે. શાસ્ત્ર બતાવે છે: “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.” (સભાશિક્ષક ૮:૯) આજના પાદરીઓ પણ ખોટું શિક્ષણ આપે છે. તેઓ એક રીતે કહેશે પણ બીજી રીતે ચાલશે. લોકો પણ આજે અનૈતિક જીવન જીવે છે. આ બધું જોઈને લોકોની આંખો આંસુથી ભરાઈ જાય છે.

શું તમને નથી લાગતું કે આપણને ખરેખર ઈશ્વરની મદદની જરૂર છે? હા, ઈશ્વર તેમના સમયે જરૂર દુષ્ટતા દૂર કરશે. પણ ત્યાં સુધી આપણી જવાબદારી છે કે શાસ્ત્ર પ્રમાણે જ જીવીએ. કેમ? શાસ્ત્રમાં ઈશ્વરના નિયમો અને સિદ્ધાંતો છે. જ્યારે હૃદય કોરી ખાય એવી ચિંતા થાય ત્યારે યાદ રાખો કે ઈશ્વર થોડી વાર પછી આ બધાં દુઃખોનો અંત લાવી દેશે. પછી, આપણે સુંદર પૃથ્વી પર રહીશું.

હમણાં કઈ રીતે સહન કરીએ?

આ બધું જાણ્યા છતાં, આપણા પર દુઃખ આવી પડે ત્યારે, કદાચ ઈશ્વરને પૂછીશું કે “મારા પર જ કેમ એ મુશ્કેલીઓ આવી?” પણ દુઃખ કંઈ આપણા એકલા પર આવી પડતું નથી. શાસ્ત્ર બતાવે છે: “આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી આખી સૃષ્ટિ તમામ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.” (રૂમી ૮:૨૨) આ જાણીને તમને દુઃખ સહેવામાં મદદ મળી શકે. નિકોલ નામની છોકરીનો વિચાર કરો. તેને એ શાસ્ત્રના વિચારથી મદદ મળી હતી. ન્યૂ યૉર્ક અને વૉશિંગ્ટન ડી.સી.માં આતંકવાદી હુમલો જોઈને નિકોલે કહ્યું: “હું ખૂબ જ ડરી ગઈ હતી. પણ સજાગ બનો! વાંચ્યું અને જાણ્યું કે બીજા લોકોએ કઈ રીતે આફત સહન કરી. * પછી મને ખબર પડી કે હું એકલી નથી. હવે દિવસે દિવસે મને સારું લાગે છે.”

અમુક કિસ્સામાં તમને બીજાની મદદની જરૂર પડી શકે. કેવી મદદ? યોગ્ય સમયે બોલેલા સારા શબ્દોની મદદ. દુઃખમાં કદાચ આપણે માતા-પિતા કે કાકી-કાકા સાથે વાત કરીએ. આપણા પાક્કા મિત્ર કે બેનપણી સાથે વાત કરીએ. એમ આપણને નિરાશ કરતા કે ચિંતા કરાવતા કારણો જોવામાં મદદ મળી શકે. (નીતિવચનો ૧૨:૨૫) એક યુવાને કહ્યું કે “નવ વર્ષ પહેલાં મારા પિતા ગુજરી ગયા. હું જાણું છું કે ઈશ્વર તેમને સજીવન કરશે. પણ મેં મારા દુઃખ વિષે લખ્યું. મેં એના વિષે મારા દોસ્ત સાથે પણ વાત કરી ત્યારે મને દિલાસો મળ્યો.” શું તમે પણ કોઈને તમારા દુઃખની વાત કરી શકો? (નીતિવચનો ૧૭:૧૭) હૃદય ખોલીને વાત કરો. રડી પડવાની બીક ન રાખો. ઈસુ ખ્રિસ્તના દોસ્ત ગુજરી ગયા ત્યારે તે પણ રડ્યા હતા. આપણા દુઃખ વિષે બીજાઓને વાત કરીને આપણો બોજો હળવો થઈ શકે છે.—યોહાન ૧૧:૩૫.

શાસ્ત્ર વચન આપે છે કે એક દિવસ આખું જગત “ઈશ્વરના સંતાનોની સાથે પાપમાંથી મળતી મુક્તિનો અદ્‍ભુત આનંદ માણશે.” (રોમન ૮:૨૧, IBSI) થોડા વખત પછી, ઈશ્વરના વચન પ્રમાણે નવી દુનિયા આવશે. ત્યારે આપણે સુખ શાંતિમાં રહીશું. (g04 3/22)

[ફુટનોટ્‌સ]

^ અમુક નામો બદલ્યાં છે.

^ “દુઃખો આવ્યાં તોપણ હિંમત બતાવી,” જાન્યુઆરી ૮, ૨૦૦૨નું સજાગ બનો! (અંગ્રેજી) જુઓ.

[પાન ૧૬ પર ચિત્ર]

શોક કરવાથી, રડી લેવાથી મન હળવું થઈ શકે