સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું ઈશ્વર બાળકોના આંસુ જોઈ શકે?

શું ઈશ્વર બાળકોના આંસુ જોઈ શકે?

બાઇબલ શું કહે છે

શું ઈશ્વર બાળકોના આંસુ જોઈ શકે?

દર વર્ષે કરોડો બાળકો પર અત્યાચાર કરવામાં આવે છે. કેટલાકનો ગેરલાભ ઊઠાવવામાં આવે છે. તેઓને બળજબરીથી ઉઠાવી લઈ જઈને તેઓના હાથમાં હથિયારો પકડાવી દેવામાં આવે છે કે પછી વેશ્યાના ધંધામાં ધકેલી દેવામાં આવે છે. અરે, સૌથી દુઃખની વાત છે કે કેટલાક બાળકો પર તો પોતાના ઘરમાં જ બળાત્કાર કરવામાં આવે છે. એટલું જ નહિ તેઓ પર અનેક જાતના હુમલાઓ કરવામાં આવે છે.

આજે આપણને ચારેબાજુ સ્વાર્થ જોવા મળે છે. દયા કે માયાનું તો નામનિશાન પણ નથી રહ્યું. દુઃખની વાત એ છે કે આવા વાતાવરણમાં આપણા ફૂલ જેવાં બાળકો દુઃખના પહાડ નીચે દબાય જાય છે. બાળકોની આવી પરિસ્થિતિના લીધે કેટલાય દયાળુ લોકોને એમ થાય છે કે શા માટે બાળકોની આવી હાલત છે. તેઓ વિચારે છે કે ભગવાન આવો અન્યાય શા માટે ચાલવા દે છે. તેઓ એમ પણ માને છે કે ઈશ્વરને તો બાળકોની કંઈ પડી જ નથી. પણ શું એ ખરું છે? બાઇબલ આ વિષે શું કહે છે?

બાળકોને દુઃખી કરનારને ઈશ્વર ધિક્કારે છે

કોઈ લોકો કુમળા બાળકોને હેરાન કરે એ પરમેશ્વર યહોવાહને જરાય ગમતુ નથી. તો આજે શા માટે ઘણા લોકો એવા છે જે બાળકોને પ્રેમ નથી કરતા? એ જાણવા માટે આપણે એ જોવું જોઈએ કે આ ધરતી પર સૌથી પહેલા યુગલે શું કર્યું. તેઓએ યહોવાહનું માન્યું નહિ. તેઓના બાળકોએ પણ એવા જ થયા. ધીરે ધીરે વસતી વધી અને માણસો એક બીજા પર હુમલો કરવા લાગ્યાં.—ઉત્પત્તિ ૩:૧૧-૧૩, ૧૬; સભાશિક્ષક ૮:૯

ફૂલ જેવાં બાળકો પર અત્યાચાર કરનારાઓને યહોવાહ ધિક્કારે છે. પ્રાચીન રાષ્ટ્રોના જૂઠા ધાર્મિક લોકો પોતાના બાળકોની બલિ ચઢાવતા, ત્યારે યહોવાહે કહ્યું કે ‘આવા ભયંકર કાર્ય વિશે મેં કદી વિચાર્યું પણ નથી, અને તેવું કરવા મેં કદી આજ્ઞા પણ આપી નથી.’ (યિર્મેયાહ ૭:૩૧, IBSI) યહોવાહે પોતાના લોકોને ચેતવ્યા કે ‘તમે કોઇ વિધવાને કે અનાથ છોકરાને દુઃખ ન દો. જો તેઓ મને જરા પણ પોકારશે, તો હું નિશ્ચે તેમનો પોકાર સાંભળીશ; અને મારો ક્રોધ તપી ઊઠશે.’—નિર્ગમન ૨૨:૨૨-૨૪.

યહોવાહને ફૂલ જેવાં બાળકો વહાલા છે

યહોવાહે માબાપને આપેલી આજ્ઞામાંથી આપણે જોઈ શકીએ છીએ કે તેમને બાળકો વહાલા છે. માબાપ બાળકોને સારી રીતે ઉછેરશે તો બાળકો ડાહ્યા બનશે. કેમકે તેઓ કૂમળા છોડ જેવા છે કે તેઓને જેમ વાળીએ તેમ તેઓ વળશે. માબાપ બાળકોનું ધ્યાન રાખી શકે એટલે યહોવાહે લગ્‍ન બંધનની ગોઠવણ કરી. આ બંધન આખી જિંદગીનું છે. તેથી યહોવાહે કહ્યું: “એ સારૂ માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની વહુને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.” (ઉત્પત્તિ ૨:૨૪) યહોવાહ બાઇબલમાં જણાવે છે કે જાતીય સંબંધો ફક્ત પતિપત્ની વચ્ચે હોવા જોઈએ, જેથી તેઓને જે બાળકો થાય તેઓને સારી રીતે ઉછેરી શકે.—હેબ્રી ૧૩:૪.

ગીતશાસ્ત્ર ૧૨૭:૩, ૪ કહે છે: “છોકરાં તો યહોવાહનું આપેલું ધન છે; પેટનાં ફરજંદ તેના તરફનું પ્રતિદાન છે. યુવાવસ્થામાંના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે.” હા, છોકરાઓ તો યહોવાહનું આપેલું ધન છે, તેથી માબાપ બાળકોને સારા સંસ્કાર આપે એ કેટલું મહત્ત્વનું છે! યહોવાહ ચાહે છે કે આપણા બાળકો જીવનમાં સફળ થાય. તેથી, તેઓને સારી સલાહની જરૂર છે. જેમ “બળવાનના હાથમાંના બાણ” હોય અને તેને તાંકવું હોય તેમ તાંકી શકે એવી રીતે માબાપ પણ પોતાના બળકોને માર્ગદર્શન આપી શકે છે. યહોવાહ પિતાઓને એ પણ કહે છે “તમારાં છોકરાંને ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.”—એફેસી ૬:૪.

યહોવાહે માબાપને આજ્ઞા આપી છે કે તેઓ પોતાનાં બાળકોનું રક્ષણ કરે. યહોવાહે તેમના પ્રાચીન ભક્તોને હુકમ આપ્યો હતો કે યહોવાહના નિયમો વાંચવામાં આવે ત્યારે બાળકોને પણ એકઠાં કરવા જેથી તેઓ સાંભળે. આમ, બાળકો પોતે જાણી શકે કે જાતીયતા સંબંધ ફક્ત લગ્‍ન સંબંધમાં જ હોવા જોઈએ. (પુનર્નિયમ ૩૧:૧૨; લેવીય ૧૮:૬-૨૪) યહોવાહ ઇચ્છે છે કે માબાપ પોતાના બાળકોને સારી રીતે ઉછેરે જેથી કોઈ પણ તેઓના બાળકોનો ગેરલાભ ન ઉઠાવે.

યહોવાહ બાળકોને ભૂલી નથી ગયા

ઈસુએ બાળકો પર બતાવેલા પ્રેમ પરથી આપણને જોવા મળે છે કે યહોવાહને પણ બાળકો પર એવો જ પ્રેમ હતો. કેમ કે, ઈસુ સ્વભાવે એકદમ તેમના પિતા યહોવાહ જેવા જ છે. (યોહાન ૫:૧૯) એક પ્રસંગે માબાપ પોતાનાં બાળકોને ઈસુ પાસે લઈ જતા હતા ત્યારે ઈસુના શિષ્યોએ તેઓને રોકવાની કોશિશ કરી. ઈસુને એ ગમ્યું નહિ. આથી, તેમણે શિષ્યને ધમકાવતા કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો.” ત્યાર પછી ઈસુએ “તેઓને બાથમાં લીધાં, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો.” (માર્ક ૧૦:૧૩-૧૬) યહોવાહ અને ઈસુની નજરમાં બાળકો ખરેખર કીંમતી છે.

યહોવાહે તેમના પુત્ર ઈસુને રાજા બનાવ્યા છે. જે કોઈ પણ બાળકોને દુઃખી કરે તેઓનું તે નામ નિશાન ભૂંસી નાખે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૦, ૧૧) યહોવાહ નમ્ર લોકો વિષે કહે છે, “તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમજ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી; પ્રથમની વાતો જતી રહેલી છે.”—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

યહોવાહ, આજે દુઃખી લોકોને સાથ આપે છે. તેમણે વચન આપ્યું છે, “ખોવાઈ ગએલાને હું શોધીશ, ને હાંકી મૂકેલાને હું પાછું લાવીશ, ને હાડકું ભાંગી ગએલાને હું પાટો બાંધીશ, ને માંદાને હું સારૂં કરીશ.” (હઝકીએલ ૩૪:૧૬) દુઃખમાં ડૂબેલા લાચાર બાળકોને, યહોવાહ તેમના પવિત્ર બાઇબલ દ્વારા, તેમની શક્તિથી અને તેમના બીજા ભક્તો દ્વારા મદદ કરે છે. આપણે ખરેખર ખુશ થઈ શકીએ કેમકે યહોવાહ ભાવિમાં જ નહિ, હમણાં પણ દિલાસો આપે છે. “આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દેવ તથા બાપ, જે કરુણાનો પિતા તથા સર્વ દિલાસાનો દેવ છે, . . . તે અમારી સર્વ વિપત્તિમાં અમને દિલાસો આપે છે.”—૨ કોરીંથી ૧:૩, ૪. (g04 8/8)

[પાન ૧૨ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

© Mikkel Ostergaard/Panos Pictures