સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નફરતના અનેક રંગ

નફરતના અનેક રંગ

નફરતના અનેક રંગ

‘નફરતની આગને એક બાજુથી ઠારો તો બીજી બાજુથી ભભૂકી ઊઠે છે.’ —ફ્રેડરીક ધ ગ્રેટ, પ્રશાનો રાજા.

રાજેશ પળિયાદનો રહેવાસી છે. અછૂત છે. ઘર માટે પાણી લેવા પંદરેક મિનિટ ચાલવું પડે છે. રાજેશ કહે છે: “આ ગામમાં પાણીના નળ છે તોપણ એ અમને હરિજનોને વાપરવાની મનાઈ છે.” રાજેશ જે સ્કૂલે ભણવા જતો ત્યાં એને ફૂટબોલ અડવા પણ ન દેતા. તે કહે છે કે, “અમે તો બસ પથ્થરોથી રમતા.”

ક્રિસ્ટીના, પૂર્વથી પશ્ચિમ રહેવા ગઈ તો શું થયું? ‘મને લાગે છે હું આ લોકોને ગમતી નથી. ખબર નહિ કેમ! પણ મને બહુ લાગી આવે છે. એટલે હું કોઈની સાથે દોસ્તી નથી કરતી. જોકે એ પણ સારું ન કહેવાય.’

સ્ટેનલી પશ્ચિમ આફ્રિકાનો છે. તે જણાવે છે: “નાતજાતમાં નફરત એટલે શું, એ પાઠ તો હું સોળ વર્ષનો થયો ત્યારે શીખ્યો.” તે કહે છે: “અરે, ન ઓળખે ન પારખે એવા મને આવીને કહી જતા કે આ ગામમાંથી નીકળી જા! ઘણાએ તો અમારી નાતના લોકોના ઘરો બાળી નાખ્યા. મારા પપ્પાનું બેંકનું ખાતું બંધ કરી દીધું. પછી જે લોકો અમને આ રીતે હેરાન કરતા હતા તેઓ પર મને નફરત થવા લાગી.”

રાજેશ, ક્રિસ્ટીના અને સ્ટેનલી આ ત્રણેય બિચારા નફરતનો શિકાર બન્યા. પણ યુનેસ્કોના ડાઇરેક્ટર જનરલ કોઈછાયરો માત્સુરા જણાવે છે કે, “આવી હાલત તો કરોડો લોકોની થાય છે. ઘણા નાતજાતનો ભેદ સહન કરે છે, ઘણા રંગભેદનો શિકાર બને છે. ઘણા ઊંચ-નીચમાંથી ઊંચા નથી આવતા.” પછી તે કહે છે: ‘ઘણા દેશોમાં, મોટે ભાગે સામેવાળી વ્યક્તિ વિષે કંઈ જાણ્યા વગર લોકો બસ નફરત કરવા લાગે છે. એટલી હદ સુધી કે માણસોનું જીવવું હરામ કરી નાંખે છે.’

જો આપણે કોઈ વખત નાતજાતના કે રંગભેદના શિકાર ન બન્યા હોય તો તેઓ પર શું વીતે છે એ સમજવું અઘરું લાગી શકે. નફરતનો સામનો (અંગ્રેજી) પુસ્તક જણાવે છે કે, “શિકાર બનેલા અમુક લોકો ચુપચાપ સહન કરી લે છે. બીજા લોકો નફરતને નફરતથી ઠારવાની કોશિશ કરે છે.” જે લોકો શિકાર બને તેઓ પર શું વીતે છે?

લોકો તેઓ સાથે બોલશે નહિ, શંકા જ કરતા હોય, તેઓની રીતભાત વિષે ખરાબ બોલે. રંગ જુદો હોય તેઓને કામ જલદી નથી મળતું, મળે તો જેવું તેવું મળે. રહેવાના પણ સાંસા. તેઓના બાળકોને પણ સ્કૂલે તકલીફો સહન કરવી પડે છે.

દિલમાં નફરત જાગે તો છેવટે લોકો મારામારી ને કાપાકાપીએ ચઢી જાય છે. આવા દાખલાઓથી તો ઇતિહાસના પાના છલકાય છે.

સદીઓથી નફરતની ભભૂકતી આગ સળગે છે

એક જમાનો એવો હતો, જ્યારે લોકોને ખ્રિસ્તીઓ જરાય ગમતા ન હતા. ઈસુના મરણ પછી, ખ્રિસ્તીઓની બૂરી હાલત કરવામાં આવી. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૩; ૯:૧, ૨; ૨૬:૧૦, ૧૧) વર્ષો પછી, ખ્રિસ્તીઓ પર પાછો જુલમ થવા માંડ્યો. ટર્ટૂલિયને લખ્યું કે ‘જ્યારે પણ આફત આવતી ત્યારે તરત જ ખ્રિસ્તીઓનો વાંક કાઢવામાં આવતો અને તેઓને મારી નાખવામાં આવતા.’

અગિયારમી સદીમાં શરૂ થયેલા ધર્મયુદ્ધ પછી, યુરોપમાં રહેતા યહુદીઓ પર જુલમ શરૂ થયો. જ્યારે બ્યુબોનીક રોગ ફાટી નીકળ્યો ને લાખો લોકો મોતના મોંમાં ચાલ્યા ગયા, ત્યારે યહુદીઓનો વાંક કાઢવામાં આવ્યો. જેનેટ ફેરલનું રોગ (અંગ્રેજી) પુસ્તક જણાવે છે: “માણસો એ રોગથી ડરતા હતા પણ જ્યારે યહુદીઓનો વાંક કાઢવામાં આવ્યો ત્યારે તેઓએ યહુદીઓ ઉપર ગુસ્સો કાઢ્યો.”

ફ્રાંસમાં એક યહુદી પાસે રિબાવી રિબાવીને ખોટું કબૂલ કરાવવામાં આવ્યું કે યહુદીઓએ ઘણા કૂવાઓમાં ઝેર નાખીને પાણીથી એ રોગ ફેલાવ્યો છે. એ ખબર હવાની જેમ ફેલાઈ ગઈ અને સ્પેન, ફ્રાંસ તથા જર્મનીમાં ઘણા યહુદીઓની કતલ કરવામાં આવી. કોઈને હકીકતની ગંધ પણ ન આવી. હકીકતમાં આ રોગ તો ઉંદરો ફેલાવતા હતા. અરે, યહુદીઓ પણ એ રોગથી મરતા હતા! તો તેઓએ કઈ રીતે ફેલાવ્યો હોય શકે એ તો કોઈએ વિચાર્યું પણ નહિ.

એક વખત નફરતની આગ લાગી જાય તો વર્ષો સુધી બૂઝતી નથી. હિટલરને યહુદીઓ દીઠા ગમતા ન હતા. પહેલા વિશ્વયુદ્ધમાં જર્મની હારી ગયું હતું. હિટલરે યહુદીઓનો વાંક કાઢ્યો. બીજા વિશ્વયુદ્ધમાં રુડોલ્ફ હોઝીસ નામે હિટલરનો એક સેનાપતિ હતો. તેણે લાખો યહુદીઓની કતલ કરાવી હતી. તેણે કહ્યું: “લશ્કરમાં અમારા મનમાં ઝેર ભરવામાં આવતું કે આપણા દેશમાંથી યહુદીઓનું નામ નિશાન કાઢી નાખવું.” પછી હોઝીસે બે લાખ લોકોની કતલ કરાવી, જેમાં મોટે ભાગે યહુદીઓ હતા.

આજેય માણસ કંઈ શીખ્યો નથી. પૂર્વ આફ્રિકામાં હુટુ અને ટુટ્‌સી નામના બે જાતના લોકો રહે છે. વર્ષ ૧૯૯૪માં જાણે ધડાકો થયો! બન્‍નેય જાતિ વચ્ચે નફરતનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. પાંચ લાખ લોકોના જીવન ધૂળ ભેગા થઈ ગયા. ટાઈમ મૅગેઝિન જણાવે છે: મારફાડ ને કાપાકાપીના વાવાઝોડામાંથી ‘બચી જવા ક્યાંય આશરો મળે એમ ન હતું. ઘણા લોકો ચર્ચમાં છુપાઈ ગયા હતા, અરે ત્યાં પણ લોહીની નદીઓ વહી. બધાય જાણે લોહીના તરસ્યા થઈ ગયા હતા. ફૂલ જેવા બાળકોને પણ મસળી નાખ્યા.’ ત્યાંનો એક રહેવાસી કહે છે: ‘રુવાન્ડા સાવ ટચુકડો દેશ છે, પણ એમાં વેરઝેરની તો કોઈ સીમા જ નથી.’

હવે યુગોસ્લાવિયાનો વિચાર કરો, એ દેશના ભાગલા પડ્યા ત્યારે લગભગ બે લાખ લોકો માર્યા ગયા. જે લોકો પાડોશમાં એકબીજા સાથે વર્ષોથી રહેતા તેઓએ એકબીજાની કતલ કરી નાખી! હજારો સ્ત્રીઓની ઇજ્જત લૂંટાઈ. બીજા હજારો લોકો ઘરબાર વગરના થઈ ગયા. એ તો વળી ક્યાંનો ન્યાય!

નફરત ને વેરઝેરથી ખૂનખરાબી થાય છે. કદાચ ખૂન નહિ પણ ભેદભાવના બી તો વવાય જ છે. આજકાલ તો આખા જગતમાં લોકો મુસાફરી કરી શકે છે. તોપણ યુનેસ્કોના કહ્યા પ્રમાણે, નાતજાત અને રંગભેદની નફરત, ઊંચનીચનો ભેદભાવ ‘દિવસે દિવસે વધતા જ જાય છે.’

શું નફરતને જડમૂળથી કાઢી શકાય? એ જાણવા માટે આપણે જોવું જોઈએ કે નફરતનું મૂળ શું છે? (g04 9/8)

[પાન ૫ પર બોક્સ]

ભેદભાવની નિશાની

ગોર્ડન ઓલપોર્ટએ લખેલું પુસ્તક, ભેદભાવના મૂળ (અંગ્રેજી) લોકોમાં ભેદભાવ છે કે નહિ એ પારખવાના પાંચ વિચારો આપે છે.

૧. બીજા લોકો વિષે ખરાબ બોલવું. ભેદભાવ રાખનાર વ્યક્તિ બીજા લોકો વિષે ખરાબ બોલે છે.

૨. હળવું-મળવું નહિ. ભેદભાવ રાખનાર લોકો બીજી નાતજાતના લોકો સાથે ભળતા નથી.

૩. ભેદભાવનું પરિણામ. ભેદ રાખનાર વ્યક્તિઓ જે લોકોની નફરત કરે છે તેઓને અમુક નોકરીઓ નથી આપતા, રહેવા માટે મકાન નથી આપતા. અમુક હરવા ફરવાની જગ્યાએ તેઓને આવવા નથી દેતા.

૪. મારપીટ. ભેદભાવ રાખનાર જે લોકોની નફરત કરે છે તેઓને ડરાવવા માટે તેઓ પર હાથ પણ ઉઠાવે છે.

૫. લોકોને કાઢી મૂકે છે. છેવટે તે જે લોકોની નફરત કરે છે અથવા ભેદભાવ રાખે છે તેઓને કાઢી પણ મૂકે છે, મારી નાખે છે.

[પાન ૩ પર ચિત્ર]

તમિલનાડુ ગામડાની એક સ્કૂલમાં અછૂત બાળકો

[પાન ૪ પર ચિત્ર]

ટાન્ઝાનિયામાં આવેલી બેંકો શરણાર્થી છાવણી, મે ૧૧, ૧૯૯૪

પાણીના કારબા આગળ લમણે હાથ દઈને બેઠેલી સ્ત્રી. લગભગ ત્રણ લાખ લોકો ઘરબાર વગરના થઈને ટાન્ઝાનિયામાં આશરો મેળવવા જાય છે, જેમાં મોટા ભાગના રુવાન્ડાના હુટુ જાતિના લોકો છે

[ક્રેડીટ લાઈન]

Photo by Paula Bronstein/Liaison