સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળકોનો નાનપણથી જ ઉછેર કરવો

બાળકોનો નાનપણથી જ ઉછેર કરવો

બાળકોનો નાનપણથી જ ઉછેર કરવો

ફ્લોરંસબેનની કૂખ ચાળીસ વર્ષે ભરાઈ. કૂખ ભરાઈ તો ખરી પણ ડૉક્ટરોએ કહ્યું કે એ બાળકની ભણવાની શક્તિ ધટી જશે. ભલે ગમે એમ થાય પણ ફ્લોરંસને ગર્ભપાત કરાવવો ન હતો. છેવટે તેમણે તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો.

નામ સ્ટીવન પાડ્યું. નાનપણથી જ ફ્લોરંસ સ્ટીવનને વાંચી સંભળાવતા. એ મોટો થતો ગયો તેમ મા-દીકરો સાથે ખેલતા-કૂદતા. ફ્લોરંસ તેને ફરવા લઈ જતા. ગણિત શીખવતા, ગીતો પણ સાથે ગાતા. “તેને નવડાવતી વખતે પણ અમે કંઈક રમતો તો રમતા જ.” આખરે માની મહેનત ફળી.

સ્ટીવન ૧૪ વર્ષનો થયો ત્યારે માયામીની યુનિવર્સિટીમાં સ્નાતક થયો. બે વર્ષ પછી, ૧૬ વર્ષની નાની વયે તે કાયદો ભણ્યો. તેની આત્મકથા પ્રમાણે તે યુનાઈટેડ સ્ટેટ્‌સમાં સૌથી યુવાન વકીલ બન્યો. તેની માનું ખરું નામ ડૉક્ટર ફ્લોરંસ બાકસ. તેમણે બાળકોને નાનપણમાં કેવી રીતે કેળવવા જોઈએ એનો અભ્યાસ કરેલો છે. તેમને ખાતરી છે કે સ્ટીવનને નાનપણથી તાલીમ આપેલી એનું જ આ પરિણામ છે.

બાળકને કોણ ઘડે છે?

બાળકને કોણ ઘડે છે? માની કૂખ કે આસપાસનો માહોલ અને તાલીમ? આ વિવાદ વર્ષોથી ચાલતો આવ્યો છે. પણ હવે મોટા ભાગે વૈજ્ઞાનિકો માને છે કે એક યા બીજું નહિ પણ બંનેય બાળકના વિકાસમાં ફાળો આપે છે.

બાળકોના ડૉક્ટર, જે. ફ્રેઝર મસ્ટર્ડ કહે છે: “બાળકને નાનપણથી જે તાલીમ આપવામાં આવે એ જીવનભર ટકી રહે છે.” પ્રોફેસર સુઝેન ગ્રીનફીલ્ડ પણ કહે છે: “દાખલા તરીકે, વાયોલિન વગાડતા શીખે છે તેઓનું મગજ ડાબા હાથની આંગળીઓને સારી રીતે વાપરતા શીખે છે.”

બાળકોને શું શીખવવું?

ઘણા મા-બાપ આવું વાંચીને પોતાના બાળકોને ભણવા-ગણવા એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં ધક્કા મારતા રહે છે. નાની વયે તેઓને મ્યુઝિક કે આર્ટ જેવી અનેક જાતની કળાઓ શીખવવામાં જોતરી દે છે. એ માટે બાળકો પાછળ પૈસાનું પાણી કરે છે. ઘણા માને છે કે બાળકને બધું જ શીખવીશું તો, તેઓ મોટા થશે ત્યારે તેમને બધું જ આવડશે. જ્યાં જુઓ ત્યાં જાતજાતના ટ્યુશનો ચલાવવાનો રાફડો ફાટ્યો છે. બાળકોને આગળ ધકેલવા માબાપ ગમે એ કરવા તૈયાર છે.

પણ શું માબાપને આવી મહેનતના ફળ મળે છે? કદાચ એમ લાગી શકે કે બાળકોને આ રીતે મોટા કરીએ તો તેઓ જીવનમાં સફળ થઈ શકશે. પણ બાળકોને બચપનની જરૂર છે. રમત-ગમતની જરૂર છે. આ જીવનનો એક ભાગ છે. જે બાળકને સારી રીતે ઘડી શકે છે.

ઘણા ડૉક્ટરો માને છે કે માબાપની હઠ, બિચારા બાળકોને ભારે પડે છે. બાળકોને શીખવવા પાછળ પડવાથી, તેઓ તાણનો શિકાર બની જાય છે. જિદ્દી થઈ જાય છે. રાત્રે સૂઈ નથી શકતા. શિરદર્દ ને દુખાવાની ફરિયાદ પણ કરે છે. એક બાળમનોચિકિત્સક કહે છે, આવા બાળકો તરૂણ વયે પહોંચે ત્યાં સુધીમાં તો સહનશક્તિ ખોઈ બેસે છે. અને તેઓ “થાકીને લોથપોથ થઈ ગયા હોય છે. કોઈ સાથે હળીમળીને રહી શકતા નથી. ઘણી વાર તો સામા પણ થઈ જાય છે.”

આ કારણે ઘણા માબાપ મૂંઝવણમાં મૂકાઈ ગયા છે. તેઓ ચાહે છે કે બાળકો જીવનમાં આગળ આવે. પણ મારી મચકોડીને આગળ ધકેલવાથી બાળકો પર ખરાબ અસર થાય છે. માબાપ શું કરી શકે? બાળકો કઈ હદ સુધી આગળ વધી શકે? બાળકોનું જીવન કઈ રીતે સફળ થઈ શકે? આગળ વાંચો. (g04 10/22)

[પાન ૩ પર ચિત્ર]

નાની વયે થયેલા અનુભવો બાળકના મગજના વિકાસને અસર કરે છે

[પાન ૪ પર ચિત્ર]

રમવાથી બાળકની સર્જનશક્તિ ખીલે છે