સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

માબાપની ભૂમિકા

માબાપની ભૂમિકા

માબાપની ભૂમિકા

“જો તમારા બાળકને પ્રેમ મળે, સંબંધની ગાંઠ મજબૂત થાય, જીવનમાં મકસદ મળે તો તેના મગજનો વિકાસ સારો થશે. માબાપની ભૂમિકા એ નથી કે બાળકના મગજને સૌથી તેજ કરે. પણ તેઓની ભૂમિકા બસ એ જ છે કે તેઓના બાળકો મોટા થઈને દયાળુ બને, તેઓમાં માણસાઈ હોય,” હાર્વર્ડ મેડીકલ સ્કૂલના પીટર ગોર્સકી જણાવે છે.

બાળકો મોટા થાય અને તેઓમાં સારા સંસ્કાર હોય છે ત્યારે માબાપને કેટલો ગર્વ થાય છે. બાળકોને એ દિશામાં વાળવા માટે તમે બાળકના મિત્ર બનો. એકબીજા સાથે પેટછૂટી વાતચીત કરો ને તેઓને સારી રીતે શીખવો. બાળકો મોટા થતા જાય એમ તેઓને સંસ્કારનો થોડો ઘણો તો ખ્યાલ હોય છે. પણ માબાપની જવાબદારી છે કે તેઓ બાળકોના દિલમાં સારા સંસ્કાર સિંચે.

આપણા બાળકોને કોણ ઘડે છે?

બાળકોને કોણ ઘડે છે એનો વિવાદ વર્ષોથી ચાલતો આવ્યો છે. ઘણા માને છે કે બાળકોના દોસ્તો તેઓનું જીવન ઘડે છે. ડૉ. બેરી બ્રાઝેલ્ટોન અને સ્ટેનલી ગ્રીનસ્પેન, બાળકોનો વિકાસ કઈ રીતે થાય છે એના પ્રોફેસરો છે. તેઓ માને છે કે માબાપ બાળકોના વિકાસમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

જીવનમાં અનુભવો અને દોસ્તો પણ બાળકના વિકાસમાં ફાળો આપે છે. કુટુંબમાં બાળકને દયાળુ બનતા શીખવવું જ જોઈએ. તેઓ પોતાની લાગણીઓને કઈ રીતે કાબૂમાં રાખી શકે એ પણ શીખવવું જોઈએ. જે બાળકોને આવું શિક્ષણ મળે છે તેઓ મોટા થઈને બીજા લોકો સાથે હળીમળીને રહી શકે છે. અને દયા પણ બતાવી શકે છે.

બાળકોને તાલીમ આપવી કંઈ આસાન નથી. તમે નવા નવા માબાપ બન્યા હોવ તો જેઓએ સારી રીતે બાળકો ઉછેર્યા હોય તેઓ સાથે વાત કરી શકો. બાળઉછેર વિશે ઢગલેબંધ પુસ્તકો જોવા મળે છે. એમાં જે સલાહ આપવામાં આવે છે એ જ સલાહ બાઇબલમાં જોવા મળે છે. ઘણા માબાપે બાઇબલની સલાહ ગળે ઉતારી છે. બાળકોને સારી રીતે ઉછેર્યા છે.

બાળકોને પ્રેમથી ઉછેરો

બાળકો કુમળા છોડ જેવા હોય છે. જેમ વાળો એમ વળે. એવી જ રીતે માબાપ બાળકોને પ્રેમથી ઉછેરે છે ત્યારે તેઓ સારી રીતે મોટા થાય છે.

બાઇબલ જણાવે છે કે, “ઘડતર તો પ્રેમથી જ થાય છે.” (૧ કરિંથ ૮:૧, સંપૂર્ણ બાઈબલ) માબાપ જ્યારે બાળકો પર પ્રેમ વરસાવે છે ત્યારે પરમેશ્વર યહોવાહને પગલે ચાલે છે. બાઇબલમાં એક દાખલો છે. ઈસુ બાપ્તિસ્મા પામ્યા ત્યારે, તેમને યહોવાહનો સાદ સંભળાયો. યહોવાહે કહ્યું કે તે ઈસુને પ્રેમ કરે છે. ઈસુ તો મોટા થઈ ગયા હતા તોપણ પરમેશ્વરે પ્રેમ બતાવ્યો.—લુક ૩:૨૨.

બાળકોને લાડ પ્યાર બતાવો, એ તેઓના વિકાસ માટે મહત્ત્વનું છે. તેઓ સૂવા જાય એ પહેલાં વાર્તા સંભળાવો. તેઓ સાથે રમો. ડૉ. ફ્રેઝર મસ્ટર્ડ જણાવે છે કે, ‘બાળક જે કંઈ શીખે કે કરે, એમાં તમે પ્રોત્સાહન આપો એ બહુ જ મહત્ત્વનું છે.’ માબાપ પ્રેમથી બાળકોને ઉછેરે તો જ તેઓ સારી રીતે મોટા થઈ શકે છે. જવાબદારી ઉઠાવતા શીખી શકે છે.

બાળકોના મિત્ર બનો

તમારા બાળકો સાથે સમય કાઢો તો તમારા સંબંધની ગાંઠ મજબૂત થશે. એનાથી બાળક સારી રીતે વાતચીત કરતા શીખી શકશે. બાઇબલ પણ શીખવે છે કે ભલે તમે ગમે ત્યાં હોવ, તમારા બાળકો સાથે સમય પસાર કરવો જોઈએ.—પુનર્નિયમ ૬:૬, ૭; ૧૧:૧૮-૨૧.

બાળકો સાથે સમય પસાર કરવા માટે તમારે કંઈ પૈસાનો ધુમાડો કરવાની જરૂર નથી. સાદી, સાધારણ રીતે બસ તમારાં બાળકો સાથે સમય પસાર કરો. દાખલા તરીકે, તમે બાગમાં સાથે ફરવા જાવ, ત્યાં પણ તમે બાળકોને શીખવી શકો છો. એનાથી વાતચીત કરવાનો પણ મોકો મળે છે.

બાઇબલ જણાવે છે કે, ‘નૃત્ય કરવાનો પણ વખત’ હોય છે. (સભાશિક્ષક ૩:૧,) બાળકના વિકાસ માટે હસવું રમવું ખૂબ જરૂરી છે. ડૉ. મસ્ટર્ડ જણાવે છે, “બાળકોના મગજનો વિકાસ રમવાથી થાય છે.” બાળકોનાં રમકડાં સાદા, ફક્ત ખાલી ખોખું પણ હોય તો એની અસર સારી પડે છે. બાળકો માટે મોંઘા મોંઘા રમકડાં ખરીદવાની જરૂર નથી. બસ, ઘરમાં જે કંઈ હોય એ ચાલે.

વૈજ્ઞાનિકો માને છે કે તમારે બાળકોની પાછળ સતત પડછાયાની જેમ રહેવું ન જોઈએ. તેમના પર વધુ બોજ પણ ન લાદો. એમ કરવાથી તેઓની સર્જનશક્તિ વધતી નથી. તમારે બાળકને પોતાની મેળે ખીલવાની તક આપવી જોઈએ. એનાથી તેઓ પારખી શકશે કે પોતાનામાં કેટલી આવડત છે. મોટે ભાગે બાળક પોતે કંઈક રમવાનું શોધી શકશે. પણ એનો અર્થ એ નથી કે તમે તમારી જવાબદારીમાંથી છટકી જાવ. તમારે ધ્યાન રાખવું જ જોઈએ કે તમારું બાળક શેનાથી રમે છે, ક્યાં જાય છે ને શું કરે છે, જેથી બાળકને કોઈ હાનિ ન પહોંચે.

સમય કાઢો

બાળકોને સારી રીતે મોટા કરવા હોય તો તેઓને શિક્ષણ પણ આપવું જોઈએ. ઘણા માબાપ રોજ બાળકો સાથે વાંચે છે. એ સમયે બાળકો શાંતિથી બેસતા શીખે છે. સારા સંસ્કાર શીખે છે. પરમેશ્વર વિષે પણ શીખી શકે છે. બાઇબલ જણાવે છે કે, ઈશ્વરભક્ત તીમોથીને “બાળપણથી પવિત્ર શાસ્ત્ર” શીખવવામાં આવ્યું હતું.—૨ તીમોથી ૩:૧૫.

બાળકોને વાંચી સંભળાવવાથી તેઓનું મગજ વિકસે છે. પ્રેમથી વાંચી સંભળાવવું પણ મહત્ત્વનું છે. પ્રોફેસર લિંડા સાયગલ જણાવે છે: “બાળકો સમજી શકે અને તેઓને સાંભળવાની મજા આવે, એવી ચોપડી વાંચવી જોઈએ.” વાંચવાનો સમય નિયમિત રાખો, જેથી બાળક એ સમયની રાહ જુએ.

બાળકો ખોટે માર્ગે ન જાય એ વિષે તેઓને પ્રેમથી સમજાવવા જોઈએ. નીતિવચનો ૧૩:૧ જણાવે છે કે, “ડાહ્યો દીકરો પોતાના બાપની શિખામણ માને છે.” શિખામણ આપવી એટલે ફક્ત શિક્ષા આપવી જ નહિ. તમે તેઓને મોઢેથી પણ ડારો આપી શકો. તેઓને અમુક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા પણ રોકી શકો. ડૉ. બ્રાઝેલ્ટોન જણાવે છે: “બાળકોને શિસ્તમાં ઉછેરવાથી ખરાબ સંજોગોમાં તેઓ પોતાની લાગણી પર કાબૂ રાખતા શીખે છે. દરેક બાળકને જાણવું જોઈએ કે તેઓની લીમીટ શું છે. બાળકોને પ્રેમ મળવો જોઈએ અને શિસ્ત પણ મળવી જોઈએ.”

માબાપ કેવી રીતે જાણી શકે કે તેઓની શિખામણ સારી છે કે નહિ? તમારા બાળકોને ખબર પડવી જોઈએ કે તમે શા માટે તેઓને શિખામણ આપો છો. બીજું કે, તમે જ્યારે શિખામણ આપો ત્યારે બાળક એની પાછળ તમારો પ્રેમ પણ જોઈ શકે છે કે નહિ એનો પણ વિચાર કરવો જોઈએ.

સફળતાના જીવતા જાગતા દાખલા

ફ્રેડ તેમની નાની દીકરીને રોજ રાત્રે વાંચી સંભળાવતા. સમય જતા તેમની દીકરીને વાર્તાઓ યાદ રહી ગઈ. શબ્દો પણ પારખતા શીખી ગઈ. ક્રિસ પણ તેમના બાળકોને વાંચી સંભળાવતા. તે અલગ અલગ પુસ્તકો વાપરતા. બાળકો જ્યારે નાના હતા ત્યારે તે બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તક વાપરતા હતા, જેથી બાળકોમાં સારા સંસ્કાર રેડી શકે. *

બાળકોને મોટા કરવામાં આટલી બધી મહેનત કરીએ તો શું ફાયદો? જે માબાપ આ લેખની સલાહ ગળે ઉતારે છે તેઓના બાળકો સારી રીતે મોટા થઈ શકશે. નાનપણથી જ સારું શિક્ષણ આપો. બાળકોને વાતચીત કરતા શીખવો તો તેઓમાં સારા સંસ્કાર આવશે.

સદીઓ અગાઉ બાઇબલમાં લખાયું હતું કે, “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ, એટલે તે વૃદ્ધ થશે ત્યારે તેમાંથી તે ખસશે નહિ.” (નીતિવચનો ૨૨:૬) હા, બાળકોને તાલીમ આપવામાં માબાપ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમારા બાળકોને પ્રેમથી ઉછેરો. તેઓ સાથે સમય પસાર કરો. એમ કરવાથી તમારાં બાળકો અને તમે પણ સુખી થશો.—નીતિવચનો ૧૫:૨૦. (g04 10/22)

[ફુટનોટ]

^ યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કર્યું છે. બીજું પુસ્તક, લર્ન ફ્રોમ ધ ગ્રેટ ટીચર પણ યહોવાહના સાક્ષીઓએ પ્રકાશિત કરેલ છે, જે નાનાં બાળકોને શીખવવા માટે ઉપયોગમાં લેવાય છે.

[પાન ૭ પર બોક્સ]

તમારાં લાડલાં બાળકો સાથે રમો

◼ કોઈ પણ બાબતમાં બાળકોનું ધ્યાન બહુ લાંબો વખત ચોંટી રહેતું નથી. તેથી, જ્યારે તેઓને રમવાનું મન થાય ત્યારે જ રમો.

◼ તમે બાળકો સાથે રમકડાંથી રમો તો એ ધ્યાનમાં રાખો કે એ રમકડાંથી બાળકને હાનિ ન થાય. એવાં રમકડાંથી રમો જેનાથી તેઓ પોતાનું મગજ વાપરતા શીખે.

◼ બાળકોને એવી રમત રમવી ગમે છે જેમાં તેઓ તમને પણ નચાવે. દાખલા તરીકે, તેઓ કંઈક પાડે તો તમારે ઉપાડવું, આમ ચક્કર ચાલે તો તેઓને મજા આવે.

[ક્રેડીટ લાઈન]

માહિતી: Clinical Reference Systems

[પાન ૧૦ પર બોક્સ/ચિત્ર]

તમારાં બાળકો સાથે વાંચવાની કળા

◼ બાળકો સાંભળવાથી ભાષા શીખે છે. જ્યારે તમે તેઓની સાથે વાંચો ત્યારે દરેક શબ્દ ચોખ્ખા બોલો અને એનો બરાબર ઉચ્ચાર કરો.

◼ બાળક સાવ નાનું હોય તો આંગળી ચીંધીને ચિત્રમાંથી વિગતો પર ધ્યાન ખેંચો.

◼ જ્યારે તમે મોટાં બાળકો સાથે વાંચો, ત્યારે એવા વિષયો પર વાંચી શકો જેમાં તેઓને રસ હોય.

[ક્રેડીટ લાઈન]

માહિતી: Pediatrics for Parents

[પાન ૮, ૯ પર ચિત્ર]

તમારાં બાળકો સાથે હરવા-ફરવા સમય કાઢો