સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું મોટી નામના મેળવવી ખોટું છે?

શું મોટી નામના મેળવવી ખોટું છે?

બાઇબલ શું કહે છે

શું મોટી નામના મેળવવી ખોટું છે?

સદીઓ પહેલાં ઈશ્વરે ઈબ્રાહીમને કહ્યું: “હું તારાથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ, ને તને આશીર્વાદ દઈશ, ને તારૂં નામ મોટું કરીશ.” (ઉત્પત્તિ ૧૨:૨) આ કલમ શું એવું કહે છે કે ઈશ્વર ઈબ્રાહીમને મોટા કે મહાન બનાવવાના હતા? વેપાર કરતી એક ધાર્મિક સંસ્થાને એવું લાગ્યું. તેથી તેઓએ એક છાપામાં કહ્યું કે “નામ કમાવામાં, અમીર બનવામાં અને સત્તા મેળવવામાં કાંઈ ખોટું નથી.”

એમાં લખવામાં આવ્યું હતું કે “પોતાની નામના મેળવવાથી જો કોઈનું નુકશાન થતું હોય તો એમ ન કરવું જોઈએ.” તેમ છતાં એમાં પહેલી સદીના લોકપ્રિય ધર્મગુરુના શબ્દો ટાંક્યા હતા: ‘જો હું મારા પોતાનો વિચાર ન કરું તો બીજું કોણ કરશે? આપણી આવડતનો ઉપયોગ ન કરીએ તો બીજાને એની કેવી રીતે ખબર પડશે?’ તેથી સવાલ થાય છે કે શું ઈશ્વર ભક્તોએ પણ પોતાની વાહ વાહ મેળવવી જોઈએ? આપણી પાસે કોઈ આવડત હોય તો એનો કેટલી હદ સુધી ઉપયોગ કરવો જોઈએ? એના વિષે બાઇબલ શું કહે છે?

શું ઈબ્રાહીમ નામના મેળવવા માંગતા હતા?

બાઇબલ બતાવે છે કે ઈબ્રાહીમને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા હતી. (હેબ્રી ૧૧:૮, ૧૭) ઈશ્વરે ઈબ્રાહીમને કહ્યું કે, ‘હું તારાથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ. ને તારૂં નામ મોટું કરીશ.’ ઈશ્વર તેમને મોટું નામ કમાવા ઉત્તેજન આપતા ન હતા. પણ તે જણાવતા હતા કે ઈબ્રાહીમના સંતાન દ્વારા ઈસુ ખ્રિસ્ત આવશે. એનાથી ઈશ્વર મનુષ્ય પર આશીર્વાદો વરસાવશે. એ સિવાય ઈબ્રાહીમને મહાન બનાવવાનો ઈશ્વરનો કોઈ ઇરાદો ન હતો.—ગલાતી ૩:૧૪.

બાઇબલમાં ઈબ્રાહીમ વિષેના અહેવાલમાં એવું ક્યાંય જોવા મળતું નથી કે તેમને સત્તાની ભૂખ હોય. એને બદલે જોવા મળે છે કે તેમને ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા હતી. એમ કઈ રીતે કહી શકીએ? ઈબ્રાહીમ ઉર શહેરમાં એશ-આરામથી રહેતા હતા. ઈશ્વરે તેમને કહ્યું કે ‘ઉરથી નીકળીને હારાન શહેરમાં રહેવા જા.’ એ સાંભળીને તેમણે એમ જ કર્યું. તેમની સાથે તેમનો ભત્રીજો લોત પણ ગયો. (ઉત્પત્તિ ૧૧:૩૧) અમુક સમય પછી લોટ અને ઈબ્રાહીમના ગોવાળિયાઓ વચ્ચે અંદરોઅંદર ઝઘડા થવા માંડ્યા. જોકે, બંને વચ્ચે શાંતિ રાખવા તેમણે પોતાની સત્તાનો ઉપયોગ કર્યો નહિ. એને બદલે તેમણે લોતને કહ્યું: ‘તું દેશના મન ગમતા વિસ્તારમાં રહેવા જા.’ (ઉત્પત્તિ ૧૩:૮, ૯) ખરેખર, ઈબ્રાહીમ બહુ નમ્ર હતા. આથી, ઈશ્વર તેમને “મારો મિત્ર” કહ્યા.—યશાયાહ ૪૧:૮, IBSI.

આપણે શું મહાન બનવું જોઈએ?

ઘણા લોકોને સત્તા કે નામના મેળવવાની લાલસા હોય છે. સદીઓ પહેલાં યરૂશાલેમમાં સુલેમાન નામના એક રાજા થઈ ગયા. તેમને સત્તા કે નામની કોઈ લાલસા ન હતી. જોકે, તે ખૂબ જ ધનવાન હતા. (સભાશિક્ષક ૨:૩-૯) તે રાજા બન્યા ત્યારે ઈશ્વરે તેમને કહ્યું: ‘તને જે જોઈએ એ માંગ. એ હું તને આપીશ.’ ત્યારે શું સુલેમાને લોભી બનીને વધારે ધનસંપત્તિ માંગી? ના. તેમણે કહ્યું: ‘મને વિવેકી હૃદય આપો. જેથી, હું ખરું-ખોટું પારખીને તમારી પ્રજાનો ન્યાય કરી શકું.’ (૧ રાજાઓ ૩:૫-૯) અમુક સમય પછી સુલેમાને કહ્યું કે માલ મિલકત સાવ નકામી છે. તે પવનમાં બાચકા ભરવા જેવી છે.—સભાશિક્ષક ૨:૧૧.

એમ હોય તો, આપણે ક્યાં સુધી આગળ વધી શકીએ? એના વિષે સુલેમાને શું કહ્યું? તેમણે કહ્યું: “ઈશ્વરનો ભય રાખ અને તેમની આજ્ઞાઓ પાળ, માણસની મુખ્ય ફરજ એ છે.” (ઉપદેશક [સભાશિક્ષક] ૧૨:૧૩, IBSI) એ બતાવે છે કે સત્તા, નામના મેળવવી કે અમીર બનવું એ બધાની ઈશ્વરની નજરમાં કોઈ કિંમત નથી. પરંતુ, તેમના માર્ગે ચાલવું એ જ તેમની નજરમાં અતિમૂલ્ય છે.

નમે તે સૌને ગમે

એનો એવો અર્થ નથી કે આપણને પોતાની આવડત પર ગર્વ ન હોવો જોઈએ. બાઇબલ કહે છે કે “જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માત્થી ૨૨:૩૯) આપણે બધા સુખી થવા ચાહીએ છીએ. એ માટે પોતાની આવડતનો ઉપયોગ કરીએ એમાં કંઈ ખોટું નથી. પણ બાઇબલ ઉત્તેજન આપે છે કે આપણે મહેનતુ અને નમ્ર બનવાની જરૂર છે. (નીતિવચનો ૧૫:૩૩; સભાશિક્ષક ૩:૧૩; મીખાહ ૬:૮) એમ કરીશું તો આપણે સહેલાઈથી નોકરી શોધી શકીશું. મહેનતનો પૈસો કમાઈશું અને કોઈની સાથે દગો નહિ કરીએ. એનાથી સારું શું હોય શકે!

ઈસુએ પણ નમ્ર બનવાનું ઉત્તેજન આપ્યું. દાખલા તરીકે, તેમના જમાનામાં કોઈને લગ્‍નમાં બોલાવ્યા હોય તો તેઓ આવીને સૌથી સારી જગ્યાએ બેસી જતા. એ કારણથી ઈસુએ ઉપદેશ આપતા કહ્યું: ‘લોકો તમને લગ્‍નમાં કે જમવા બોલાવે ત્યારે તમે સૌથી સારી જગ્યાએ નહિ પણ એનાથી નીચી જગાએ જઈને બેસજો.’ એમ કરીશું તો શું થશે? ઈસુએ કહ્યું: “જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે.”—લુક ૧૪:૭-૧૧.

સાચા ખ્રિસ્તીઓ પોતાને મોટા મનાવવાનું ટાળે છે

બાઇબલ કહે છે કે આપણને આદમ અને હવા પાસેથી સ્વાર્થનો ગુણ મળ્યો છે. (યાકૂબ ૪:૫, ૬) એ કારણથી એક સમયે ઈસુના જિગરી દોસ્ત યોહાનને પણ મોટા બનવું હતું. એટલે તેણે તેના ભાઈ સાથે ભેગા મળીને ઈસુને કહ્યું: ‘તમે રાજ કરો ત્યારે અમારામાંથી એકને તારે જમણે હાથે, ને બીજાને તારે ડાબે હાથે બેસાડજો.’ (માર્ક ૧૦:૩૭) પરંતુ, સમય જતાં યોહાન સુધરી ગયો. એમ કઈ રીતે કહી શકીએ? તેના સમયમાં દિયત્રેફેસ મોટા બનવાનો પ્રયત્ન કરતો હતો. તેથી, યોહાને મંડળને પત્ર લખ્યો ત્યારે તેના માટે કડક શબ્દોમાં કહ્યું, ‘તે તો મુખ્ય થવા ચાહે છે.’ (૩ યોહાન ૯, ૧૦) આજે ઈશ્વરના ભક્તોને નામ કમાવવાની કે સત્તા મેળવવાની કોઈ લાલસા હોતી નથી. કેમ કે તેઓ ઈસુ અને યોહાનની જેમ નમ્ર છે.

તમે નમ્ર હોવ, તમારી પાસે આવડત હોય અને મહેનતુ હોવ તોપણ, હર વખત કંઈ બધા તમારી કદર કરશે નહિ. (નીતિવચનો ૨૨:૨૯; સભાશિક્ષક ૧૦:૭) એવું પણ બની શકે કે જેને કંઈ કામ આવડતું ન હોય તેને કામનો ઉપરી બનાવવામાં આવે. કેમ કે આજે લોકો પક્ષપાત કરતા હોય છે. તેથી અમુક વાર જેને કામ આવડતું હોય તેની કોઈ કિંમત હોતી નથી.

પણ સાચા ખ્રિસ્તીઓને એની કોઈ ચિંતા નથી. તેઓને નામ કમાવાની, અમીર બનવાની કે સત્તા મેળવવાની કોઈ ભૂખ નથી. કેમ કે તેઓ બાઇબલ સિદ્ધાંત પ્રમાણે પોતાનું જીવન જીવે છે. અને ઈશ્વરના માર્ગે ચાલવા તેઓ પોતાનાથી બનતું બધું જ કરે છે.—૧ કોરીંથી ૧૦:૩૧. (g05 6/8)

[પાન ૧૬, ૧૭ પર ચિત્ર]

શું ઈશ્વરે ઈબ્રાહીમને મહાન બનવાનું ઉત્તેજન આપ્યું હતું?