સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સ્વચ્છ ઘર—આપણે બધા એમાં ભાગ લઈએ

સ્વચ્છ ઘર—આપણે બધા એમાં ભાગ લઈએ

સ્વચ્છ ઘર—આપણે બધા એમાં ભાગ લઈએ

મૅક્સિકોના સજાગ બનો!ના લેખક તરફથી

ચોખ્ખા વાતાવરણમાં રહેવાની કેવી મજા આવે! જોકે, આજકાલ એવું વાતાવરણ જોવા મળતું નથી. શહેરોમાં ઠેર ઠેર કચરાના ઢગલા હોય છે. અરે, એના લીધે ઘર અને એની આજુબાજુના વિસ્તારને પણ સાફ રાખવો મુશ્કેલ બની ગયું છે.

મ્યુનિસિપાલિટી રસ્તાઓ સાફ રાખવા બનતા પ્રયત્નો કરે છે. તેઓ રસ્તા પરથી કચરો લઈ જવાની ગોઠવણ કરે છે. તેમ છતાં, અમુક જગ્યાએ કચરાના ઢગલા થઈ જ જાય છે. એનાથી ગંદકી થઈને બીમારી ફેલાય છે. ઉંદરો, વાંદાઓ અને જીવજંતુઓ પણ વધે છે. શું સ્વચ્છતા રાખવા તમે કંઈ કરી શકો? હા, જરૂર. તમે તમારું ઘર અને આસપાસના વિસ્તારને ચોખ્ખા રાખી શકો.

યોગ્ય વલણ

ઘણા લોકોને લાગે, ‘ગરીબ લોકો કેવી રીતે પોતાનું ઘર અને આસપાસના વિસ્તારને સાફ રાખી શકે?’ પૈસા વગર તેઓ સાફસફાઈની વસ્તુઓ ખરીદી શકતા નથી. તેથી, ઘરની આસપાસ સ્વચ્છતા રાખવી મુશ્કેલ લાગી શકે. પણ ઘર ચોખ્ખું રાખવું અઘરું નથી. સ્પૅનિશ ભાષામાં એક કહેવત છે, “ગરીબી અને સ્વચ્છતા વચ્ચે કોઈ સંબંધ નથી.” ઘણા લોકો પૈસે ટકે સુખી હોય છે તોપણ પોતાનું ઘર અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખતા નથી.

આપણે ઘર અને એની આજુબાજુ સ્વચ્છતા રાખી શકીએ છીએ. એમાં ફક્ત એકાદ વ્યક્તિએ નહિ પરંતુ, ઘરના બધાએ સાથે મળીને કામ કરવું જોઈએ. આપણે સર્વ પોતાને પૂછી શકીએ, ‘ઘર અને એની આસપાસની જગ્યા સાફ રાખવા હું શું કરી શકું?’

સફાઈનું શેડ્યૂલ

એવું લાગે છે કે ઘરમાં સ્ત્રીઓનું કામ કદી ખૂટતું નથી. મમ્મી રસોઈ કરે છે. બાળકોને સ્કૂલે મોકલવાની તૈયાર કરે છે. તે ઘર અને એની આસપાસ પણ ચોખ્ખાઈ રાખે છે. તમે જોયું હશે કે મમ્મી જ બાળકોના રૂમમાંથી ગંદા કપડાં કે કચરો ઉપાડતી હોય છે. જો સાફસફાઈ માટે શેડ્યૂલ બનાવવામાં આવે અને આખું કુટુંબ એમાં ભાગ લે તો એનાથી મમ્મીનો બોજો હળવો બની જાય છે.

કેટલીક પત્નીઓ દરરોજ અમુક વસ્તુઓ સાફ કરતી હોય છે. અમુક ભાગ દર અઠવાડિયે સાફ કરે છે. જ્યારે અમુક મહિનામાં એક વાર સાફ કરે છે. તેમ જ અમુક એવી બાબતો છે જેને વર્ષમાં એક વાર સાફ કરવાનું શેડ્યૂલ બનાવે છે. દાખલા તરીકે, બેથેલમાં વર્ષમાં એક વાર બધા જ પોતપોતાના રૂમના ક્લોઝેટને સાફ કરે છે. આ સમયે તેઓ નકામી વસ્તુઓ ફેંકી દે છે. એવી જ રીતે, નિયમિત દીવાલો સાફ કરવાનું શેડ્યૂલ પણ બનાવવામાં આવે છે.

બાથરૂમ એકદમ સાફ રાખવો જોઈએ જેથી બેક્ટેરિયા જામી ન થાય. બાથરૂમ ચોખ્ખો નહિ રાખવાથી ગંદકીની સાથે બીમારી પણ થાય છે. એટલે અમુક વસ્તુઓ દરરોજ અને અમુક દર અઠવાડિયે બરાબર સાફ કરવી જોઈએ. કેટલાક લોકો કહે છે કે ‘પાણીના ક્ષારથી ટૉઇલેટમાં જે ડાઘા પડે છે એને કાઢી શકાય એમ નથી.’ જોકે, અમુક ઘરોમાં ટૉઇલેટ ચાંદી જેવા ચોખ્ખા જોવા મળે છે. એ બતાવે છે કે નિયમિત રીતે સાફ કરતા રહીએ તો એવા ડાઘા પડતા નથી. એ માટે યોગ્ય કૅમિકલ્સ વાપરવા જોઈએ.

રસોડું પણ નિયમિત સાફ કરવું જોઈએ. આપણે નિયમિત વાસણો, સગડી કે સ્ટવ અને પ્લેટફૉર્મ સાફ કરતા હોઈશું. તોપણ, મહિનામાં એકાદ વાર સ્ટવ, ફ્રિજ અને કબાટ સાફ કરવા જોઈએ. કબાટને અવારનવાર સાફ કરવાથી વાંદાઓ અને નુકશાન કરતા જીવડાંઓ થતા નથી.

કુટુંબનો સહકાર

કેટલાક માબાપ પોતાનાં બાળકોને નાનું-મોટું કામ સોંપે છે. એનાથી તેઓને નાનપણથી જ સારી તાલીમ મળે છે. તેઓ સ્કૂલે જાય એ પહેલાં પોતાનો રૂમ અને પથારી વ્યવસ્થિત કરીને જાય. તેઓના ગંદા કપડાં ધોવાની ડોલમાં મૂકે અને વસ્તુઓ વ્યવસ્થિત ગોઠવીને જાય. ‘દરેક વસ્તુઓ માટે યોગ્ય જગ્યા હોવી જ જોઈએ.’

અમુક સમયે કુટુંબના બધા સભ્યોને ઘરકામ વહેંચી શકાય. દાખલા તરીકે, વર્ષમાં એકાદ વાર પિતા ગૅરેજ સાફસૂફ કરી શકે. એકાદ બાળક તેમને મદદ કરી શકે. એકાદ જણ વાડામાં કે આંગણાંના બગીચામાં ઘાસ કાપી શકે. વર્ષમાં કેટલી વાર આવી સાફસફાઈ કરવી એ નક્કી કરવું જોઈએ. જેથી ઘર અને આંગણું હંમેશા સાફ રહે. તમારા ઘરમાં માળિયું હોય તો એમાંથી નકામી વસ્તુઓ સમયથી સમય કાઢી નાખો. કેટલાક માબાપ બાળકોને કામ સોંપે છે. તેમ જ સમયથી સમય તેઓનું કામ બદલે છે.

તમારા ઘરની સાફસફાઈ કરવા માટે શેડ્યૂલ બનાવો. તમે પોતે સાફસફાઈ કરો કે કુટુંબમાં બધાને વહેંચી આપો કે પછી કામવાળી રાખો. ગમે તે હોય પણ સાફસફાઈ કરવાનું શેડ્યૂલ હોવું જ જોઈએ. એક મા પોતાનું ઘર એકદમ ચોખ્ખું રાખે છે. તેની ત્રણે દીકરીઓ ઘર સાફ રાખવામાં મદદ કરે છે. એના વિષે તે કહે છે: “મેં મારી ત્રણેવ દીકરીઓને કામ વહેંચી આપ્યું છે. નોરમા આન્દ્રિયા બેઠકરૂમ, બે બેડરૂમ અને કંપાઉન્ડ સાફ કરે છે. ઍન કોકીના રસોડું સંભાળે છે. હું કપડાં ધોઉં ને નાનું-મોટું બીજુ કામ કરું છું. જ્યારે કે મારિયા ડૅલ કારમેન વાસણો ધુએ છે.”

ઘરની આસપાસ સ્વચ્છતા અને સુઘડતા

હવે ઘરની બહાર નજર ફેરવો. શું એ સ્વચ્છ અને સુઘડ છે? તમે બંગલામાં, નાના ઘરમાં કે ઝૂંપડામાં રહેતા હોવ, તોપણ એની આસપાસ સાફસફાઈ કરવી જોઈએ. દાખલા તરીકે, કંપાઉન્ડના દરવાજાનો એકાદ મિજાગરો તૂટી ગયો હોય અને એ રીપેર કરવામાં ન આવે તો કેટલો ખરાબ લાગશે. એવી જ રીતે કંપાઉન્ડના કોઈ ખૂણામાં, ઘરના દરવાજા પાસે કે ઘરની બાજુની ગલીમાં કચરાનો ઢગલો પડ્યો હોય તો એ કેટલું ખરાબ લાગશે. ખાલી ડબ્બાઓ, કામના સાધનો કે બીજી વસ્તુઓ આમતેમ ઘરની બહાર પડી હોય તો એમાં વાંદા અને ઉંદરો રહેવા લાગશે.

કેટલાક કુટુંબો ઘરની આસપાસ, ઘર સામેની ગલી કે બાજુમાંથી જતા કાચા રસ્તા પણ દરરોજ અથવા દર અઠવાડિયે ઝાડુ મારીને સાફ રાખે છે. ખરું કે મ્યુનિસિપાલિટીએ અમુક જગ્યાઓ સાફ રાખવાની ગોઠવણ કરી હોય છે. પરંતુ, ઘણી જગ્યાઓ એવી છે કે એની સફાઈ કરવામાં આવતી નથી. તેથી, આપણે દરેક જણ આપણા ઘરની આસપાસ સ્વચ્છતા રાખવાનો પ્રયત્ન કરીએ તો ગંદકી થશે નહિ.

અમુક કુટુંબો ઉપર જણાવ્યા પ્રમાણે સાફસફાઈ કરે છે. વળી, તેઓ કાયમ કરતા રહે માટે શેડ્યૂલ બનાવે છે. તેઓ શેડ્યૂલને એવી જગ્યાએ રાખે છે જેથી કુટુંબની દરેક વ્યક્તિ જોઈ શકે. બધા એ ગોઠવણને ટેકો આપે છે ત્યારે સારા પરિણામ મળે છે. જોકે, તમારે સાફસફાઈમાં શું કરવું જોઈએ એ દરેક બાબત અમે જણાવતા નથી. દાખલા તરીકે, તમારે સાફસફાઈ માટે કયું કૅમિકલ વાપરવું જોઈએ એ તમે જ નક્કી કરી શકો. તમારા ગજા પ્રમાણે સાફસફાઈના સાધનો પણ ખરીદી શકો.

આ ટૂંકાં સૂચનો તમારું ઘર અને એની આસપાસ સ્વચ્છતા રાખવા તમારા કુટુંબને મદદ કરશે. ભૂલશો નહિ કે સ્વચ્છતા રાખવા કંઈ હંમેશાં પૈસા હોય એ જરૂરી નથી. પરંતુ, સ્વચ્છતા પ્રત્યે તમારું વલણ કેવું છે એના પર એ આધાર રાખે છે. (g05 6/8)

[પાન ૨૨, ૨૩ પર બોક્સ]

ઘર સાફ રાખવાનું શેડ્યુલ

ઘરની સાફસૂફી કરવાની આ યાદીમાં ખાલી જગ્યા પણ છે. જેથી, તમને કોઈ મુદ્દા લખવા હોય તો લખી શકો

મહત્ત્વની નોંધ: બ્લીચ અને એમોનિયા જેવા કૅમિકલ્સ બહુ જોખમકારક હોય છે. એના મિશ્રણને બહુ સંભાળીને વાપરવું જોઈએ

દરરોજ

બેડરૂમ: પથારી વ્યવસ્થિત કરીને વસ્તુઓ યોગ્ય જગ્યાએ મૂકો

રસોડું: સીંકમાં વાસણો ધોયા પછી એને સાફ કરો. ટૅબલ પરથી વધારાની વસ્તુઓ લઈ લો. રસોડામાં ઝાડુ મારીને જરૂર હોય તો પોતું કરો

બાથરૂમ: બેસિન અને ટૉઇલેટ ધોઈને વસ્તુઓ એની યોગ્ય જગ્યાએ મૂકો

બેઠક અને બીજા રૂમો: બધી વસ્તુઓ એની યોગ્ય જગ્યાએ મૂકો. ફર્નિચરને હલકા હાથે સાફ કરો. રૂમમાં વૅક્યુમ કરીને કે ઝાડુ મારીને જરૂર હોય તો પોતું કરો

આખું ઘર: કચરો યોગ્ય જગ્યાએ નાખો

અઠવાડિયે

બેડરૂમ: ચાદર બદલો. ઝાડુ મારીને પોતું કરો. ફર્નિચર પરની ધૂળ ઝાપટી લો

રસોડું: સ્ટવ, સીંક અને પ્લેટફૉર્મ પરની વસ્તુઓ ધુઓ. ઝાડુ મારીને જરૂર હોય તો પોતું કરો

બાથરૂમ: બાથરૂમની ચીજ વસ્તુઓ, દીવાલો, કૅબિનેટ અને ટૉઇલેટ ધુઓ. બાથરૂમની બધી વસ્તુઓ ફીનાઈલ કે ડેટોલથી સાફ કરો. નાહવાનો રૂમાલ બદલો. ઝાડુ મારીને પોતું કરો

દર મહિને

બાથરૂમ: બાથરૂમની દીવાલ ધુઓ

આખું ઘર: દરવાજા સાફ કરો. ફર્નિચરની ગાદી વૅક્યુમથી બરાબર સાફ કરો

કંપાઉન્ડ, ઘરની આસપાસ બાગ, ગેરેજ: કામની વસ્તુઓ સાફ કરો. નકામી વસ્તુઓ ફેંકી દો. ઝાડું મારો

દર છ મહિને

બેડરૂમ: કંપનીની સૂચના પ્રમાણે ચાદર ધુઓ

રસોડું: ફ્રીજ ખાલી કરીને બરાબર સાફ કરો

બાથરૂમ: કબાટના ખાનાઓ ખાલી કરીને સાફ કરો. જૂની અને નકામી વસ્તુઓ ફેંકી દો

આખું ઘર: લૅમ્પ, પંખા અને લાઈટ સાફ કરો. દરવાજા અને બારીઓ સાફ કરો. પડદા ને બારીની જાળી ધુઓ

વર્ષે

બેડરૂમ: કપડાં રાખવાના કબાટ ખાલી કરીને સાફ કરો. નકામી વસ્તુઓ ફેંકી દો. ધાબળા ધુઓ. ગાદલાંને બરાબર વેક્યુમ કરીને સાફ કરો. કંપનીની સૂચના પ્રમાણે તકિયા ધુઓ

રસોડું: બધા જ ખાનાં, અભરાઈ ખાલી કરીને સાફ કરો. નકામી વસ્તુઓ ફેંકી દો. ભારે વસ્તુઓ પણ બધી બાજુથી ખસેડીને તેમ જ નીચેથી સાફ કરો

આખું ઘર: ઘરની અંદરની દીવાલો ધુઓ. ફર્નિચરની ગાદી અને પડદા કંપનીની સૂચના પ્રમાણે ધુઓ

ગેરેજ કે સ્ટોર રૂમ: બધી વસ્તુઓ બરાબર ગોઠવો અને નકામી ફેંકી દો. ખૂણે-ખૂણે ઝાડુ મારો

[પાન ૨૪ પર ચિત્રો]

‘દરેક વસ્તુઓ માટે યોગ્ય જગ્યા હોવી જ જોઈએ’

[પાન ૨૪ પર ચિત્રો]

નકામી વસ્તુઓ કાઢી નાખવાથી ફાયદો થઈ શકે