સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મધ મધમાખી તરફથી માણસોને ભેટ

મધ મધમાખી તરફથી માણસોને ભેટ

મધ મધમાખી તરફથી માણસોને ભેટ

મૅક્સિકોના સજાગ બનો!ના લેખક તરફથી

પ્રાચીન ઇસ્રાએલનો એક સૈનિક યુદ્ધમાંથી થાકીને લોથપોથ થઈને પાછો ફરી રહ્યો હતો. તેણે એક ઝાડ પર મધપૂડાંમાંથી મધ ટપકતું જોયું. તેણે પોતાની લાકડીથી મધપૂડામાં ઘોંચીને એમાંથી ખાધું. તરત જ, “તેની આંખોમાં તેજ આવ્યું” અને તેને તાકાત મળી. (૧ શમૂએલ ૧૪:૨૫-૩૦) બાઇબલનો આ અહેવાલ બતાવે છે કે મધથી માણસોને ફાયદા થાય છે. મધમાંથી તરત જ તાકાત મળે છે, કેમ કે એમાં લગભગ ૮૨ ટકા કાર્બોહાઈડ્રેટ્‌સ હોય છે. તમે માની જ નહિ શકો, પણ ફક્ત ૩૦ ગ્રામ મધમાંથી મધમાખીને એટલી તાકાત મળે છે કે એ જાણે આખી દુનિયા ફરીને આવી શકે છે!

શું મધમાખી ફક્ત માણસો માટે જ મધ બનાવે છે? ના, તે પોતાના માટે મધ બનાવે છે કેમ કે એ જ એનું ભોજન છે. એક સામાન્ય કદના મધપૂડાંની મધમાખીઓને ભોજનમાં લગભગ ૧૦થી ૧૫ કિલોગ્રામ મધની જરૂર હોય છે જેથી શિયાળામાં જીવી શકે. મોસમ સારું હોય તો એક મધપૂડાંમાં લગભગ ૨૫ કિલો મધ તૈયાર થાય છે. આ રીતે જરૂર પડે ત્યારે વધારે મધ તૈયાર થાય છે. એને ક્યાં તો માણસો એકઠું કરીને ખાય છે અથવા તો રીંછ કે રૈનુક જેવા પ્રાણીઓ એની મઝા માણે છે.

મધમાખીઓ મધ કેવી રીતે બનાવે છે? ખોરાકની શોધમાં મધમાખી અલગ અલગ ફૂલોમાંથી પોતાની નળી જેવી જીભથી મધુરસ ચૂસે છે. એ રસ પોતાના બે પેટમાંના એક પેટમાં જમા કરે છે. એ મધુરસ લઈને પોતાના મધપૂડાંમાં આવે છે. અહીં આ રસ બીજી મધમાખીઓને આપવામાં આવે છે, જેઓ એને લગભગ અડધા કલાક સુધી “ચાવે” છે. તેમ જ પોતાના મોંની ગ્રંથિઓમાંથી (ગ્લેન્ડ્‌સ) નીકળતા એન્ઝાઈમને એમાં મેળવે છે. પછી એને પોતાના મધપૂડાંના છ કોણવાળા ખાનાઓમાં રાખે છે, જે મધુમીણથી બનેલું હોય છે. * એમાંથી પાણી સૂકાવવા માટે તે પોતાની પાંખો ફફડાવીને હવા કાઢે છે. જ્યારે પાણીનું પ્રમાણ ૧૮ ટકાથી પણ ઓછું થઈ જાય છે ત્યારે તેઓ એ ખાનાઓમાં મીણનું એક પાતળું કવર બનાવીને ઢાંકી દે છે. ઢાંકેલું મધ ખરાબ થતું નથી, એને હંમેશા ખાઈ શકાય છે. કહેવામાં આવે છે કે લગભગ ૩,૦૦૦ વર્ષ જૂની ફારૂનની કબરમાંથી મળી આવેલું મધ આજે પણ ખાઈ શકાય છે.

મધમાં દવાના ગુણો

મધ ખાઈએ તો એનાથી તબિયતને સારી અસર થાય છે. એમાં વિટામિન બી, વિવિધ પ્રકારના ખનીજ અને એન્ટી-ઑક્સિડૅંટ પણ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. એ ઉપરાંત, મધ એ સૌથી જૂની દવાઓમાંની એક છે, કે જેનો આજે પણ ઉપયોગ કરવામાં આવે છે. * અમેરિકાની ઇલિનોઈ યુનિવર્સિટીના જંતુશાસ્ત્રી ડૉક્ટર મે બેરબેઉમ કહે છે: “મધનો અલગ અલગ રીતે દવા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમ કે, જખમ પર, દાઝી ગયેલા પર, મોતિયાનું દરદ, ચામડીનું અલ્સર અથવા શરીર પર ઉઝરડા પડ્યા હોય ત્યારે ઉપયોગ થાય છે.”

મધનો દવા તરીકે ઉપયોગ થઈ શકે છે એ જોઈને સી.એન.એન સમાચાર સંગઠન અહેવાલ આપે છે: “બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જખમો પર એન્ટીબાયોટિકના પાટાઓ બાંધવાનું શરૂ થયું. એના લીધે મધની પટ્ટીઓનો ઉપયોગ કરવાનું ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. પરંતુ નવી શોધ અને એન્ટીબાયોટિક દવાઓની જીવાણુઓ પર કોઈ અસર ન થતી હોવાથી ફરી એક વાર આ વરસો જૂની દવાનો ઉપયોગ થવા લાગ્યો છે.” દાખલા તરીકે, દાઝી જાય તો શું કરવું એની શોધખોળ થવા લાગી. એ જોવા મળ્યું કે જે દરદીઓના જખમ પર મધની પટ્ટીઓ બાંધવામાં આવી હતી, તેઓને દુઃખ પણ ઓછું થયું અને દાઝી ગયાના દાઘ પણ એકદમ ઝડપથી રુઝાઈ ગયા.

વૈજ્ઞાનિકો સંશોધનથી બતાવે છે કે મધમાખીઓ, ફૂલોના રસમાં એક પ્રકારનું એન્ઝાઈમ ભેળવે છે. એના લીધે મધમાં થોડા ઘણા બેક્ટેરિયા વિરૂદ્ધ લડતા અને એન્ટીબાયોટિક તત્વ હોય છે. આ એન્ઝાઈમ મધમાં હાઈડ્રોજન પેરોક્સાઈડ ઉત્પન્‍ન કરે છે, જે નુકશાન કરતા જીવાણુઓનો નાશ કરે છે. * એ પણ જોવા મળ્યું છે કે મધને સીધેસીધા ઘા પર લગાવવાથી સોજો ઓછો થઈ જાય છે તેમ જ, ઘા જલદી રુઝાઈ જાય છે. એટલા માટે ન્યૂઝીલૅન્ડના જીવ રસાયણ વિજ્ઞાની ડૉક્ટર પીટર મોલન કહે છે: “મધને હવે એક અસરદાર દવા ગણવામાં આવે છે, એવું મોટા ભાગના ડૉક્ટરોનું માનવું છે.” ‘ઑસ્ટ્રેલિયન થેરાપ્યૂટિક ગુડ્‌સ એડમિનિસ્ટ્રેશને’ મધનો દવા તરીકે ઉપયોગમાં લેવાની પરવાનગી આપી દીધી છે. આજે એ દેશમાં મધને મલમપટ્ટી માટે બજારોમાં વેચવામાં આવે છે.

શું તમે ખાવાની એવી બીજી વસ્તુઓ વિષે જાણો છો જે મધની જેમ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય તેમ જ, જેને સારવારમાં પણ ઉપયોગમાં લઈ શકાય? એટલા માટે જ વર્ષો પહેલાં મધમાખી અને એને ઉછેરનારાઓનું રક્ષણ કરવા ખાસ કાનૂની નિયમ બનાવવામાં આવ્યો હતો. મધપૂડાં કે મધપૂડો હોય એવા ઝાડને નુકશાન પહોંચાડનારને સખત શિક્ષા, અરે મોતની સજા પણ કરવામાં આવતી હતી. ખરેખર, મધ માણસો માટે એક અનમોલ ભેટ છે. એનાથી સરજનહારને મહિમા મળે છે. (g05 8/8)

[ફુટનોટ્‌સ]

^ મધમાખીઓ મધપૂડો બનાવવા માટે જે મીણનો ઉપયોગ કરે છે, એ તેમના શરીરની ખાસ ગ્રંથિઓમાં તૈયાર થાય છે. મધપૂડાંની દીવાલો બહુ જ પાતળી હોય છે. એક મિલીમિટરના લગભગ ત્રીજા ભાગ જેટલી પાતળી જાળી હોય છે. તોપણ, મધપૂડાંના ખાનાઓ છ ખૂણાવાળા આકારને કારણે ૩૦ ગણું વધારે વજન ખમી શકે છે. કેટલી અદ્‍ભુત રચના!

^ નાનાં બાળકોને મધ ખવડાવવું જોઈએ નહિ, કેમ કે તેઓ માટે એ ઝેર છે. ખવડાવીએ તો નાના બાળકને ઇન્ફન્ટ બોટયુલીઝમ રોગ થઈ શકે. એનાથી તે ખૂબ બીમાર પડે, મરી પણ જઈ શકે.

^ મધને ગરમ કરવાથી અથવા એના પર પ્રકાશ પડવાથી એમાં રહેલા એન્ઝાઈમ નષ્ટ થઈ જાય છે. એટલા માટે સારવારમાં કાચા મધનો ઉપયોગ કરવામાં આવે છે.

[પાન ૨૨ પર બોક્સ/ચિત્ર]

રાંધવામાં મધનો ઉપયોગ

મધ ખાંડ કરતાં પણ વધારે મીઠું હોય છે. એટલા માટે જો તમે ખાવામાં ખાંડના બદલે મધનો ઉપયોગ કરતા હોવ તો, તમે જેટલી ખાંડ નાંખવાના હોવ એનાથી ફ્કત અડધું અથવા ત્રીજા ભાગનું મધ નાખો. એ પણ યાદ રાખો કે મધમાં ૧૮ ટકા પાણી હોય છે. એટલે જ્યારે તમે ખોરાક બનાવવામાં એનો ઉપયોગ કરો ત્યારે એમાં પ્રમાણથી ઓછું પાણી નાખવું. તમે જો એવી વસ્તુ બનાવતા હોવ કે જેમાં પાણીનો થોડો પણ ઉપયોગ ન કરવાના હોય તો, ૨૦૦ મિલિલીટર મધ માટે ૩૦ મિલિલીટર લોટ લો. જો તમે કેક વગેરે બનાવતા હોવ તો, દર ૨૦૦ મિલિમીટર મધ સાથે ૨ મિલિલીટર ખાવાનો સોડા પણ મેળવો અને ઓવનનું તાપમાન ૧૫ ડિગ્રી સેલ્સિયસ ઓછું કરી દો.

[ક્રેડીટ લાઈન]

National Honey Board

[પાન ૨૨ પર ચિત્ર]

ફૂલોના રસની શોધમાં મધમાખી

[પાન ૨૨, ૨૩ પર ચિત્ર]

મધપૂડો

[પાન ૨૩ પર ચિત્ર]

મધમાખીઓની વસ્તી

[પાન ૨૩ પર ચિત્ર]

મધમાખીનો ઉછેર કરનારા મધપૂડાંની એક ફ્રેમની તપાસ કરે છે