સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ત્રાસ ભોગવતા બાળકો

ત્રાસ ભોગવતા બાળકો

ત્રાસ ભોગવતા બાળકો

ઉત્તર યુગાન્ડા દેશ. સાંજનો સમય. રસ્તાઓ પર હજારો બાળકો ઉઘાડા પગે ચાલ્યા જાય છે. અંધારું થાય એ પહેલાં તેઓ પોતાના ગામડાં છોડીને ગૂલૂ, કિટ્‌ગૂમ અને લિરા જેવા મોટા શહેરોમાં પહોંચી જાય છે. પછી બિલ્ડિંગો, બસ-સ્ટેશન, બાગ-બગીચા કે ગલીઓમાં અદૃશ્ય થઈ જાય છે. સવાર પડતા જ તેઓ ઘરે પાછા ફરે છે. તેઓ રોજ ક્યાં જાય છે? શા માટે?

ઘણાને લાગશે કે તેઓ રાત્રે નોકરી કરવા જતા હશે. પણ એવું નથી. તેઓએ બીજા કારણે મજબૂરીથી આમ કરવું પડે છે. અંધારું પડે એ પહેલાં તેઓ પોતાના ઘરો છોડી દે છે, કારણ કે રાત્રે ગામમાં રહેવું તેઓ માટે ખતરનાક છે. શા માટે?

લગભગ ૨૦ વર્ષથી બળવાખોર ટોળકી ગામડાંઓમાં જઈને બાળકોને ઉઠાવી જાય છે. દર વર્ષે તેઓ હજારો છોકરાં-છોકરીઓને ઉપાડીને ગાઢ જંગલોમાં નાસી જાય છે. આ ટોળકી રાતનાં સમયે બાળકોને ઉપાડી જાય છે. પછી તેઓને સૈનિક, મજૂર કે ગુલામ બનાવી દે છે. ખાસ કરીને યુવાન છોકરીઓ પર બળાત્કાર કરે છે કે તેઓને બાળ-વેશ્યા બનાવી દે છે. જો બાળકો તેઓની વાત ન માને તો તેઓના નાક અને હોઠ કાપી નાખતા અચકાતા નથી. કોઈ ભાગી જવાની કોશિશ કરે, અને પકડાઈ જાય તો તેને રિબાવી રિબાવીને મોતને ઘાટ ઉતારી દે છે.

ત્રાસવાદનો ભોગ બનેલા બાળકોનો વિચાર કરો. સીએરા લિઓનના અમુક માણસોએ છરાથી યુવાન બાળકોના હાથ-પગ કાપી નાખીને તેઓને અપંગ બનાવી દીધા. અફઘાનિસ્તાનનો વિચાર કરો. ત્યાં અમુક જગ્યાએ સુરંગો પતંગિયા જેવી લાગે છે. બાળકો એની સાથે રમે છે. પણ પળભરમાં “રમકડાં” જેવી સુરંગ ફૂટવાથી તેઓ પોતાની આંગળીઓ અને આંખો ગુમાવી દે છે.

ત્રાસવાદી હુમલામાં અમુક બાળકો તો એક પલકારામાં આંખો મીંચી દે છે. દાખલા તરીકે, ૧૯૯૫માં અમેરિકાના ઓક્લાહોમા શહેરમાં એક આતંકવાદી હુમલામાં ૧૬૮ લોકો માર્યા ગયા. એમાંથી ૧૯ તો બાળકો હતા. એમાંય અમુક બાળકોનું તો હજુ માનું ધાવણ પણ છૂટ્યું ન હતું. જેમ હવાના એક ઝોકાંથી દીવો હોલવાઈ જાય, એમ એ બૉમ્બ હુમલામાં નાનાં ભૂલકાંઓના જીવનદીપ પલભરમાં બુઝાઈ ગયા. તેઓનો બાળક હોવાનો અને માતા-પિતાની ગોદમાં હસવા-રમવાનો હક્ક છીનવાઈ ગયો.

આપણે તો છેલ્લા વીસેક વર્ષના બનાવો જ જોયા. પણ દુનિયામાં આતંકવાદ સદીઓથી માણસને હેરાન-પરેશાન કરી રહ્યો છે. એ વિષે હવે પછીના લેખમાં જોઈશું. (g 6/06)

[પાન ૩ પર બોક્સ]

માબાપ અગાઉથી પ્લાન કરે છે કે બાળક ગુજરી જાય તો શું કરવું

લેખક ડેવિડ ગ્રોસમેનના દેશમાં વારંવાર હિંસા ફાટી નીકળે છે. તેમણે લખ્યું: “મેં સવારે અગિયાર વર્ષના મારા દીકરાને ઉઠાડ્યો તો, તરત તેણે પૂછ્યું, ‘શું આજે કોઈ આતંકવાદી હુમલો થયો?’ આતંકવાદથી મારો દીકરો ઘણો ડરી ગયો છે.”

હાલમાં ઘણાં બાળકો આતંકવાદી હુમલામાં માર્યા ગયા છે. એના લીધે ઘણાં માતા-પિતા વિચારે છે કે પોતાનું બાળક હિંસામાં માર્યું જાય તો તેઓ શું કરશે. ગ્રોસમેન લખે છે: ‘મને એક યુવાન યુગલે તેઓનાં ભવિષ્યની જે યોજના વિષે જણાવ્યું એ હું ક્યારેય નહિ ભૂલું. તેઓ લગ્‍ન કરીને ત્રણ બાળકોની ઇચ્છા રાખતા હતા. શા માટે ત્રણ બાળકો? જેથી એક મરણ પામે તો, તેમની પાસે બે તો રહે.’

તેઓએ એ નથી જણાવ્યું કે જો બે કે ત્રણેય બાળકો મરણ પામે તો તેઓ શું કરશે. *

[ફુટનોટ]

^ ઉપર લેખક ડેવિડ ગ્રોસમેને જે કંઈ કહ્યું એ તેમણે લખેલા પુસ્તક, ‘એક દિવસે બધાનું મોત થશે’ (અંગ્રેજી)માંથી છે.

[પાન ૩ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

© Sven Torfinn/ Panos Pictures