સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

દુનિયા ક્યારથી બદલાઈ ગઈ?

દુનિયા ક્યારથી બદલાઈ ગઈ?

દુનિયા ક્યારથી બદલાઈ ગઈ?

દુનિયામાં ક્યારથી સંસ્કારના વળતાં પાણી થયા? શું તમે એ ફેરફાર જોયો છે? કે પછી મોટી ઉંમરના કોઈ સગાં કે મિત્રોના અનુભવ પરથી તમે એ જોયું છે? અમુકનું કહેવું છે કે ૧૯૧૪માં પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું, પછી જાણે કે સંસ્કારને સડો લાગ્યો છે. ઇતિહાસના પ્રોફેસર, રોબર્ટ વ્હોલે અંગ્રેજી પુસ્તક ૧૯૧૪ની પેઢી લખ્યું. એમાં તે કહે છે: “એ યુદ્ધના જમાનાના લોકો કદીયે ભૂલી નહિ શકે કે ઑગસ્ટ ૧૯૧૪માં એક યુગનો અંત આવ્યો ને બીજાની શરૂઆત થઈ.”

ઇતિહાસકાર નોર્મન કેન્ટર કહે છે કે ‘લોકોમાં માનવતા જેવું કંઈ રહ્યું જ ન હતું. નેતાઓ અને ઑફિસરો લોકો સાથે એ રીતે વર્તતા કે જાણે જાનવરને કતલખાને લઈ જતા હોય. તો પછી લોકો એકબીજા સાથે જંગલીની જેમ વર્તે, એને ધર્મના નીતિ-નિયમ કે સંસ્કાર કઈ રીતે રોકી શકે? પહેલા વિશ્વયુદ્ધમાં [૧૯૧૪-૧૮] થયેલી કતલને લીધે માનવ જીવનની કિંમત જ ન રહી.’

અંગ્રેજ ઇતિહાસકાર એચ. જી. વેલ્સે બહુ મહેનત કરીને ઇતિહાસ પર એક પુસ્તક (ધી આઉટલાઇન ઑફ હિસ્ટરી) લખ્યું. તેમણે જણાવ્યું કે લોકોએ ઇવોલ્યૂશન કે ઉત્ક્રાંતિવાદની માન્યતાનો સ્વીકાર કર્યા પછી, “સંસ્કાર જેવું કંઈ રહ્યું જ નથી.” એનું શું કારણ? અમુકને લાગ્યું કે માણસ તો સામાજિક પ્રાણી, પણ આખરે તો પ્રાણી જ ને! ઇતિહાસકાર વેલ્સ પણ ઉત્ક્રાંતિમાં માનતા. તેમણે ૧૯૨૦માં લખ્યું: ‘અમુક ભણેલા-ગણેલા લોકોનું માનવું છે કે માણસ આખરે એક પ્રાણી જ છે. ભારતના ડાઘિયા કૂતરાઓની જેમ તેઓ ગ્રૂપમાં જ રહે છે. એમાં સત્તાધારી કે જોરાવર માણસ લાચાર કે ગરીબ પર જુલમ કરવાને કંઈ ખોટું ગણતા નથી.’

નોર્મન કેન્ટરે પહેલા જણાવ્યું તેમ, પહેલા વિશ્વયુદ્ધથી લોકોમાં સંસ્કાર જેવું કંઈ રહ્યું જ નથી. તેમણે સમજાવ્યું કે “પહેલાના જમાનાના લોકોને બધી જ રીતે ખોટા ગણવામાં આવે છે. પછી ભલે એ રાજકારણની, પહેરવા-ઓઢવાની કે સેક્સની વાત હોય.” બધાં ચર્ચ ઈસુ ખ્રિસ્તનું શિક્ષણ છોડીને, ઉત્ક્રાંતિમાં માનવા લાગ્યા. અરે, યુદ્ધમાં સૈનિકોને લડવા માટે આશીર્વાદ આપવા લાગ્યા. તેઓએ બળતામાં ઘી રેડ્યું છે. બ્રિટિશ લશ્કરના એક જનરલ, ફ્રેન્ક ક્રોઝીએરે લખ્યું: “લોકોમાં નફરતની આગ ભડકાવવામાં ચર્ચ નંબર લઈ જાય છે. આપણે એનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો છે.”

સંસ્કાર કેવા ને વાત કેવી?

પહેલા વિશ્વયુદ્ધ પછીનાં દસ વર્ષોમાં સંસ્કાર, માન-મર્યાદા જેવું કંઈ રહ્યું જ નહિ. બસ, લોકો મન ફાવે એમ જીવવા લાગ્યા. ઇતિહાસકાર ફ્રેડરિક લુઈસ એલન કહે છે: ‘યુદ્ધ પછીનાં દસ વર્ષોને ખરાબીનાં વર્ષો કહીએ તો ચાલે. પહેલાં નીતિ-નિયમો, માન-મર્યાદાને લીધે જીવન ભર્યું ભર્યું લાગતું, જીવન જીવવા જેવું લાગતું. હવે એ બધું ગયું. હવે તો દીવો લઈને સારા સંસ્કાર શોધવા જવું પડે એવી હાલત છે.’

૧૯૩૦ પછીનાં વર્ષોમાં વેપારધંધામાં સાવ મંદી આવી. બેકારી વધવાથી ભારે ગરીબી આવી. એનાથી ઘણાની અક્કલ ઠેકાણે આવી ગઈ. પણ એ દસ વર્ષોના અંતે દુનિયા બીજા વિશ્વયુદ્ધમાં ઊતરી પડી. તરત જ દેશો વધારે વિનાશક સાધનો બનાવવા લાગ્યા. દુનિયા પર છવાયેલી બેકારી જાણે રાતોરાત ચાલી ગઈ. પણ લોકોએ સખત ત્રાસ ને જુલમ સહેવો પડ્યો. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે, કેટલાંયે શહેરો ઉજ્જડ પડ્યાં હતાં. જાપાનનાં બે શહેરો પર એક એક અણુબૉમ્બ નાખવામાં આવ્યા. એનાથી એ શહેરો ઉજ્જડ થઈ ગયાં! નાઝીઓની મોતની છાવણીમાં લાખોને બેરહેમ રીતે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. બધું મળીને, એ યુદ્ધમાં પાંચેક કરોડ સ્ત્રી, પુરુષો અને બાળકોનાં જીવન છીનવાઈ ગયાં!

બીજા વિશ્વયુદ્ધના મુશ્કેલ સંજોગોમાં લોકો સંસ્કાર ભૂલીને, મન ફાવે એમ જીવવા લાગ્યા. એક અંગ્રેજી પુસ્તકે એ વિષે જણાવ્યું કે ‘યુદ્ધના ટાઇમે લોકોને જાણે સેક્સનું લાયસન્સ મળી ગયું. લગ્‍ન-સંસારના બંધનને ભૂલીને મન ફાવે તેમ જીવવા લાગ્યા. લડાઈના વાતાવરણમાં બધું જ ફટાફટ બનતું. પલ-બે-પલમાં સંસ્કાર અને મર્યાદા ભૂલી જવાતા. યુદ્ધમાં ક્યારે માર્યા જવાય એની કોને ખબર? એટલે સંસ્કારી જીવન સસ્તું બની ગયું.’—પ્રેમ, સેક્સ અને યુદ્ધ—બદલાતા સંસ્કાર, ૧૯૩૯-૪૫.

યુદ્ધમાં લોકોને કાયમ માથે મોત ભમતું દેખાતું. એટલે મન ફાવે તેની સાથે પલ-બે-પલ મજા માણી લેતા. એક બ્રિટિશ પત્નીએ પણ ત્યારે એવા સેક્સ-સંબંધ બાંધ્યા હતા. એના પર ઢાંકપિછોડો કરતા તે કહે છે: ‘અમે કંઈ ખોટું કર્યું ન હતું. યુદ્ધ ચાલતું હતું.’ અમેરિકાના એક સૈનિકે કબૂલ કર્યું કે ‘લોકોની નજરે તો અમે ગુનો કર્યો. પણ અમારામાં જુવાની થનગનતી હતી. કદાચ કાલે અમે માર્યા જઈએ તો?’

યુદ્ધમાંથી બચી ગયેલા લોકોએ જે જોયું, એ ભયાનક સપનાની જેમ તેઓના દિલોદિમાગ પર છવાઈ ગયું. એ ટાઇમે બાળકો હતાં, તેઓમાંથી અમુકને હજુયે કોઈ વાર લાગે છે કે જાણે એ આફત પાછી ઊતરી આવી છે. ઘણાને ભગવાનમાંથી શ્રદ્ધા ઊઠી ગઈ. સંસ્કાર જેવું કંઈ રહ્યું નહિ. ભલે કોઈ પણ ભલા-બૂરાનું માર્ગદર્શન આપે, લોકોને મન તો જાણે ‘એ આજે છે ને કાલે નથી.’

નવા સંસ્કારનો જમાનો

બીજા વિશ્વયુદ્ધ પછી સેક્સ વિષેના લોકોના વલણ પર અનેક સ્ટડી કરવામાં આવી. એક એવી સ્ટડી ૧૯૪૦નાં વર્ષોમાં અમેરિકામાં થઈ. એને કિન્સે રિપોર્ટ કહેવામાં આવ્યો. એ ૮૦૦થી વધારે પાનનો રિપોર્ટ હતો. એને લીધે લોકો સેક્સ વિષે છૂટથી વાતો કરવા લાગ્યા, જે પહેલાં બનતું ન હતું. એ રિપોર્ટમાં પુરુષ-પુરુષ સાથે અને સ્ત્રી-સ્ત્રી સાથેના સેક્સ સંબંધો અને સેક્સની બીજી ઘણી વાતો થઈ હતી. પછીથી ખબર પડી કે એ રિપોર્ટમાં આપેલા બધાય આંકડા સાચા ન હતા. તોપણ એ સ્ટડી એક વાત જોર-શોરથી જણાવતી હતી કે યુદ્ધ પછી લોકોમાં સંસ્કાર જેવું રહ્યું જ નથી!

અમુક ટાઇમ સુધી તો ફરીથી પ્રયત્નો કરવામાં આવ્યા કે પહેલાંના જેવા સંસ્કાર પાછા આવે. જેમ કે રેડિયો, ફિલ્મો અને ટેલિવિઝનના પ્રોગ્રામો સેન્સર કરવામાં આવતા. સેક્સને લગતી બાબતો રોકવામાં આવતી. પણ એમ બહુ લાંબું ચાલ્યું નહિ. વિલિયમ બેનેટ જે એક સમયે એજ્યુકેશનના યુએસ સેક્રેટરી હતા, તેમણે સમજાવ્યું: “૧૯૬૦નાં વર્ષોમાં અમેરિકા ફરીથી જાણે અસંસ્કારી દુનિયાની ઊંડી ખાઈમાં ઊતરવા લાગ્યું જેને કોઈએ રોક્યું નહિ.” બીજા દેશોની પણ એવી જ હાલત થઈ. પણ ૧૯૬૦નાં વર્ષોમાં કેમ લોકો અસંસ્કારી બનવા લાગ્યા?

એ વર્ષોમાં એક બાજુ સ્ત્રીઓએ પુરુષોથી આઝાદ બનવાનું કામ ઉપાડ્યું. બીજી બાજુ સેક્સ વિષે છૂટ આપતા નીતિ-નિયમોનો જાણે નવો જમાનો આવ્યો. સાથે સાથે એવી ગોળીઓ નીકળી, જેનાથી સ્ત્રીને ગર્ભ ન રહે. પછી તો જોવાનું જ શું? ‘છૂટથી સેક્સ’ અથવા ‘સ્ત્રી કે પુરુષ બંને કોઈ જવાબદારી વગર કોઈની પણ સાથે શરીર-સંબંધો’ બાંધવા લાગ્યા.

એવા જ સમયે અખબાર, ફિલ્મો અને ટેલિવિઝનના પ્રોગ્રામો પણ છૂટ લેવા લાગ્યા. યુએસ નેશનલ સિક્યુરીટી કાઉન્સલના એક સમયના વડા, ઝ્બીગન્યૂ બ્રેઝીન્ક્સે ટીવી પર રજૂ થતા પ્રોગ્રામો વિષે પછીથી જણાવ્યું: ‘એમાં બસ એ જ ઉત્તેજન અપાય છે કે વ્યક્તિ પોતે નંબર વન છે. મારામારી, કાપાકાપી તો જાણે રોજની વાત થઈ, ચાલે! સેક્સમાં છૂટછાટ પણ ચાલે.’

૧૯૭૦નાં વર્ષોમાં તો ઘરે-ઘરે વીસીઆર કે વીડિયો રેકોર્ડર આવવા લાગ્યા લોકો ઘરે બેસીને બ્લ્યૂ ફિલ્મો કે ખુલ્લેઆમ સેક્સના સીન બતાવતી ફિલ્મો જોવા લાગ્યા, જે કદાચ થિયેટરોમાં જોવા જતાં અચકાતા હતા. આજકાલ કોમ્પ્યુટરનો જમાનો આવી ગયો. હવે તો દુનિયા આખીમાં લોકો ઇન્ટરનેટથી એકદમ બેશરમ સીન, ચિત્રો કે ફિલ્મો જોઈ શકે છે.

એ બધાથી એટલું નુકસાન થયું છે કે જેનો વિચાર પણ ન કરી શકાય. અમેરિકાની એક જેલના વોર્ડન કહે છે કે ‘દસ વર્ષ પહેલાં, કેદ થતા યુવાનિયા સાથે હું ભલા-બૂરાની વાત કરી શકતો. આજે તો વાત જ જવા દો. તેઓને મારી વાતની સમજ પડતી નથી, જાણે તેઓ અલગ જ દુનિયામાં જીવે છે!’

આપણને કોણ મદદ કરશે?

ચર્ચના લોકો પાસેથી તો કોઈ આશા જ નથી. પહેલી સદીમાં ઈસુના શિષ્યો સારા સંસ્કારને વળગી રહ્યા હતા. આજે તો બધાં ચર્ચ એવા સંસ્કારને ધોઈને પી ગયાં છે. તેઓ તો આજની દુનિયાને રંગે રંગાઈ ગયાં છે. એક લેખ પૂછે છે કે ‘એવું કયું યુદ્ધ છે, જેમાં લોકોએ દાવો ર્ક્યો નથી કે ઈશ્વર તેઓના પક્ષમાં છે?’ ઈશ્વરના નીતિ-નિયમો પાળવા વિષે, ન્યૂ યોર્ક સીટીના એક પાદરીએ વર્ષો પહેલાં આમ કહ્યું હતું: ‘અરે, બસમાં મુસાફરી કરવા પણ અમુક નિયમો પાળવા પડે છે. જ્યારે કે ચર્ચમાં બધું જ ચલાવી લેવામાં આવે છે. નીતિ-નિયમ જેવું કંઈ જ નથી.’

દુનિયામાં લોકોના સંસ્કાર જે રીતે આથમી રહ્યા છે, એ જ બતાવે છે કે કંઈક જલદી કરવાની જરૂર છે. પણ શું કરી શકાય? કેવા ફેરફારો લાવવા જોઈએ? એ કોણ લાવશે? કેવી રીતે લાવશે? (g 4/07)

[Blurb on page 5]

‘પહેલા વિશ્વયુદ્ધમાં [૧૯૧૪-૧૮] થયેલી લોકોની કતલને લીધે માનવ જીવનની કંઈ કિંમત જ ન રહી’

[Picture on page 6, 7]

બેશરમ સીન, ચિત્રો કે ફિલ્મો સહેલાઈથી જોઈ શકાય છે