સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળક વાંચવા-લખવામાં ગરબડ કરે છે?

બાળક વાંચવા-લખવામાં ગરબડ કરે છે?

બાળક વાંચવા-લખવામાં ગરબડ કરે છે?

મેક્સિકોના સજાગ બનો!ના લેખક તરફથી

સ્ટીવનને વાંચવામાં બહુ તકલીફ પડે છે. જ્યારે પણ તેને ક્લાસમાં વાંચવાનું કહેવામાં આવે, ત્યારે તે પેટમાં દુખવાનું બહાનું કાઢે છે.

મારિયા વંચાઈ નહિ એવું લખે છે. ટીચરે તેને ઘણી વાર ટોકી, પણ તે સારા અક્ષર કાઢી શકતી નથી. એટલે તેને હોમવર્ક કરતા કલાકો નીકળી જાય છે.

નુહને વાંચેલું યાદ નથી રહેતું. તે સ્કૂલની નોટ્‌સ વારંવાર વાંચે છે, તેમ છતાં તે વાંચેલું ભૂલી જાય છે. તેને હંમેશાં ઓછા માર્ક મળે છે.

સ્ટીવન, મારિયા અને નુહ આ ત્રણેવને વાંચવા-લખવાની તકલીફ છે, જેને તબીબી ભાષામાં ડિસલેક્સિયા કહેવાય છે. એમાંય ત્રણ મુખ્ય ખામીઓ હોય છે. એક, સરખા દેખાતા અક્ષરો પારખવામાં બાળક ગૂંચવાઈ જાય (ડિસલેક્સિક્સ). બીજું, સાફ લખવામાં તકલીફ પડે (ડિસગ્રાફિયા). અને ત્રીજું, ગણતરી કરવામાં તકલીફ પડે (ડિસકેલ્ક્‌યુલિયા). જોકે આવાં બાળકો અબુધ નથી હોતા. તેઓમાં પણ સામાન્ય કે એથી વધુ બુદ્ધિ હોય છે.

આવા બાળકોને કેવી તકલીફ પડે છે? સરખા ઉચ્ચારવાળા શબ્દો બોલતા તકલીફ પડે. શબ્દોના ખોટા ઉચ્ચાર કરે. નાના બાળક જેવું બોલે. અમુક અક્ષરો તેમ જ આંકડા પારખવામાં તકલીફ પડે. એકસરખા ઉચ્ચારવાળા શબ્દો સાંભળે ત્યારે ગૂંચવાઈ જાય. માર્ગદર્શન મળે ત્યારે સમજવામાં વાર લાગે. એટલે આવાં બાળકોમાં શીખવાની ક્ષમતા ઓછી હોય છે. *

તમારા બાળકની તકલીફને સમજો અને મદદ કરો

તમારા બાળકમાં શીખવાની ક્ષમતા ઓછી છે એવું લાગતું હોય તો તમારે શું કરવું જોઈએ? પહેલાં તો તેની સાંભળવાની અને જોવાની ક્ષમતાના મેડિકલ ટેસ્ટ કરાવો. પછી એનું બોડી ચેક-અપ કરાવો. જો રિપોર્ટમાં આવે કે બાળકમાં શીખવાની ક્ષમતા ઓછી છે, તો એવું ના વિચારો કે તેનામાં બુદ્ધિ ઓછી છે. પણ તેને વધારે પ્રેમ અને હૂંફની જરૂર છે. *

બાળકને મદદ કરવા તમે સ્કૂલના સ્પેશિયલ ક્લાસમાં કે ટ્યુશનમાં મોકલી શકો. ટીચર સાથે વાત કરો કે તમારા બાળક પર વધારે ધ્યાન આપે. કદાચ તેને ક્લાસમાં આગળ બેસાડે. હોમવર્ક કરવા વધારે સમય આપે. લખીને તેમ જ બોલીને શીખવે. તેની ઓરલ ઍગ્ઝામ લઈ શકે. આવાં બાળકો સામાન્ય રીતે ભુલકક્‌ડ હોય છે. પોતાની બુક્સ ગમે ત્યાં ભૂલી જાય છે. એટલે તેઓ માટે બુકના બે સેટ રાખવામાં આવે તો સારું, એક ઘર માટે અને એક સ્કૂલ માટે. તેઓ પાસે ક્લાસ માટે અથવા હોમવર્ક કરવા માટે કૉમ્પ્યુટર હોય તો સારું. એમાં સ્પેલચેક પ્રોગ્રામ હોવો જોઈએ.

બાળકની વાંચવાની ક્ષમતા વધારવા તેને દરરોજ મોટેથી વાંચવાની પ્રેક્ટિસ કરાવો. તે વાંચે ત્યારે માબાપ ધ્યાન રાખશે કે તે ક્યાં ભૂલ કરે છે. પછી તેને જરૂરી માર્ગદર્શન આપી શકે. અથવા પહેલા મા કે બાપે બાળકને વાંચી સંભળાવવું જોઈએ. પછી ફરીથી એ જ ભાગ બાળક સાથે વાંચવો જોઈએ. અને છેલ્લે બાળકે માબાપને વાંચી સંભળાવવું જોઈએ. બાળક વાંચે ત્યારે લીટીની નીચે ફૂટપટ્ટી મૂકો, જેથી તેનું ધ્યાન ફંટાઈ ન જાય. અઘરા શબ્દો નીચે લીટી દોરો. આ બધું કરતા પંદરેક મિનિટ લાગશે.

ગણતરી શીખવવા માટે તેઓને બુકમાંથી જ ન શીખવો. પણ પ્રેક્ટિકલી બતાવો. જેમ કે, કોઈ વાનગી બનાવતા હોય ત્યારે વપરાતી સામગ્રીનું બાળક સામે વજન કરો. ફૂટપટ્ટીથી ફર્નિચર કે બીજું કશુંક માપીને બતાવો. બજારમાં બાળકને સાથે લઈ જાવ. ખરીદેલી વસ્તુની કિંમત કેટલી થઈ એ ગણતરી કરીને બતાવો. ગ્રાફ પેપર વાપરીને અને ડાયગ્રામ દોરીને કેવી રીતે ગણતરી કરવી એ શીખવો. અક્ષરો સારા કાઢવામાં તકલીફ પડતી હોય એવા બાળકોને લખવા માટે ડબલ લીટીવાળી નોટ અને જાડી પેન્સિલ આપો. બાળકોને એબીસીડીવાળાં રમકડાં આપો. એનાથી તેઓ શબ્દો કે સ્પેલીંગ બનાવીને યાદ રાખી શકશે.

તોફાની બાળકોને શીખવવાની બીજી રીતો પણ છે. જેમ કે, તેની સાથે હમેશાં નજર મિલાવીને વાત કરો, જેથી તેનું ધ્યાન ભટકે નહિ. તેને હોમવર્ક કરવા શાંત જગ્યાએ બેસાડો. તે કંટાળી ના જાય એ માટે વચ્ચે વચ્ચે બ્રેક આપો. તેને કંટાળો ન આવે એવું થોડુંક મહેનતવાળું કામ આપો.

બાળકની તકલીફનો ઇલાજ છે

તમારા બાળકમાં જે પણ ક્ષમતા કે આવડત છે એ જ તેની મૂડી છે. એ માટે તેની જે પણ આવડત છે એમાં આગળ વધવા ઉત્તેજન આપો. માબાપે બાળકને કોઈ પણ મોટું કામ સોંપવાને બદલે એ જ કામ ટુકડે ટુકડે સોંપવું જોઈએ. સોંપેલો પ્રોજેક્ટ કે કામ બાળક પૂરું કરી શકે એ માટે માબાપે ચિત્રો કે ડાયગ્રામનો ઉપયોગ કરીને તેને બતાવવું જોઈએ. તે થોડું પણ કામ પૂરું કરે તો તેના વખાણ કરો અને ગીફ્ટ આપો. એનાથી બાળકને પોતે મોટી સફળતા મેળવી હોય એવું લાગશે.

ભલે તમારા બાળકને ડિસલેક્સિયા હોય, પણ ઉપરની માહિતી પ્રમાણે તેને મદદ કરો. તે બીજા બાળક કરતાં જુદી રીતે શીખશે અને તેને શીખતા વાર પણ લાગશે. પણ માબાપ તરીકે તમે હિંમત ના હારો, ધીરજ રાખો. એક સમય આવશે જ્યારે તે લખતો, વાંચતો અને ગણતરી કરતો થઈ જશે. (g09 01)

[ફુટનોટ્‌સ]

^ જેઓની શીખવાની ક્ષમતા ઓછી છે, તેઓ કોઈ પણ બાબતમાં પૂરી રીતે ધ્યાન આપી શકતા નથી. તેઓ બહુ તોફાની હોય છે. આ તકલીફને અટેન્શન ડેફીસીટ હાઇપરએક્ટીવીટી ડિસઑર્ડર કહે છે. માર્ચ ૮, ૧૯૯૭નું સજાગ બનો! પાન ૫-૧૦ જુઓ.

^ છોકરીઓ કરતાં છોકરાઓમાં ડિસલેક્સિયા હોવાની શક્યતા ત્રણ ઘણી વધારે હોય છે. એટલે આ લેખમાં છોકરાઓનો વધારે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

[પાન ૨૬ પર બોક્સ]

હું તકલીફ સામે હારી ના ગયો

“જ્યારે હું વાંચવાનો પ્રયત્ન કરતો ત્યારે એક લાઇનથી બીજી લાઇનમાં જતો રહેતો. ઘણી વાર હું બીજી ભાષા વાંચતો હોય એવું લાગતું. જ્યાં સુધી કોઈ વાંચીને ના સંભળાવે ત્યાં સુધી હું શબ્દોનો અર્થ સમજી શકતો ન હતો. ટીચરને લાગતું કે હું આળસુ છું, એટલે લેશન કરતો નથી. જોકે હું ટીચરનું કહ્યું કરવા ઘણો પ્રયત્ન કરતો, પણ શું લખવું અને શું વાંચવું એ જ સમજી શકતો ન હતો. બીજી બાજુ ગણિત જેવો અઘરો વિષય હું સહેલાઈથી કરી શકતો. હું નાનો હતો ત્યારે રમતો રમવામાં, ચિત્રો દોરવામાં તેમ જ હાથથી કરવામાં આવતું કોઈ પણ કામ સહેલાઈથી કરી શકતો. ખાસ કરીને એવા કામો જેમાં લખવા-વાંચવાનું ન હોય.”

“મેં ઑફિસકામને બદલે હાથથી કરી શકાય એવો વ્યવસાય અપનાવ્યો. એના લીધે મને યહોવાહના સાક્ષીઓના ઇન્ટરનેશનલ બાંધકામના પાંચ પ્રોજેક્ટમાં કામ કરવાનો મોકો મળ્યો. જોકે મને વાંચવામાં બહુ તકલીફ પડતી, એટલે જેટલું પણ વાંચતો એટલું યાદ રાખવા કોશિશ કરતો. આ રીતે હું લોકોને સારી રીતે બાઇબલનો સંદેશો જણાવી શક્યો. હું તકલીફ સામે હારી ના ગયો પણ એને આશીર્વાદ માનીને આગળ વધતો રહ્યો.”—પીટર, યહોવાહના સાક્ષીઓના પૂરા સમયના સેવક.

[પાન ૨૫ પર ચિત્ર]

આવાં બાળકો ધ્યાનથી સાંભળવા “ચિત્રો દોરીને નોટ્‌સ” લે છે