સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

છે શું દુશ્મન પર પ્રેમ રાખવો શક્ય છે?

છે શું દુશ્મન પર પ્રેમ રાખવો શક્ય છે?

બાઇબલ શું કહે

છે શું દુશ્મન પર પ્રેમ રાખવો શક્ય છે?

ઈસુએ કહ્યું કે ‘તમે તમારા વેરીઓ પર પ્રીતિ કરો અને જેઓ તમારી પાછળ પડે છે તેઓને સારૂ પ્રાર્થના કરો; એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા ઈશ્વરના દીકરા થાઓ; કારણ કે તે પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે અને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.’—માત્થી ૫:૪૪, ૪૫.

શું ધર્મથી લોકોમાં પ્રેમ ફેલાય છે કે નફરત, શાંતિ ફેલાય છે કે હિંસા? ઘણાનું એવું માનવું છે કે ધર્મથી નફરત અને હિંસા ફેલાય છે. ખાસ કરીને જ્યારે ધર્મમાં રાજકારણ ભળે, નાત-જાતનો ભેદ હોય અને દેશપ્રેમની વધારે પડતી ભાવના હોય ત્યારે પણ આવું થતું હોય છે. પણ ઈસુના શબ્દો બતાવે છે તેમ ઈશ્વરના સાચા ભક્તો બધાની સાથે પ્રેમથી વર્તે છે, પછી ભલે એ દોસ્ત હોય કે દુશ્મન.

બીજા એક ઈશ્વરભક્તે આમ કહ્યું: ‘જો તારો વેરી ભૂખ્યો હોય તો તેને ખવાડ; જો તરસ્યો હોય તો તેને પાણી પા. ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.’ (રૂમી ૧૨:૨૦, ૨૧) નફરતથી ભરેલી આ દુનિયામાં શું એ શક્ય છે? યહોવાહના ભક્તો એકમતે જવાબ આપે છે કે હા, એ શક્ય છે. ચાલો આપણે ઈસુ અને તેમના શિષ્યોનો વિચાર કરીએ.

દુશ્મનો સાથે પ્રેમથી વર્ત્યા

ઈસુએ લોકોને ઈશ્વર વિષે જણાવ્યું અને ઘણાએ ખુશીથી સાંભળ્યું. જોકે ઘણા એવા પણ હતા જેઓએ તેમનો વિરોધ કર્યો. એમાંના અમુકને ખબર ન હતી કે ઈસુ સત્ય શીખવે છે. બીજા અમુકને ઈસુના દુશ્મનોએ ભમાવ્યા હતા. (યોહાન ૭:૧૨, ૧૩; પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૬-૩૮; ૩:૧૫, ૧૭) આવી સ્થિતિમાં પણ ઈસુએ લોકોને, અરે વિરોધીઓને પણ જીવનનો સંદેશો આપવાનું ચાલુ રાખ્યું. (માર્ક ૧૨:૧૩-૩૪) ઈસુ જાણતા હતા કે અમુક લોકો તેમનું સાંભળશે, શિક્ષણ સ્વીકારશે અને એ પ્રમાણે જીવશે. તેઓ પારખશે કે તે જ ખરેખર મસીહ છે.—યોહાન ૭:૧, ૩૭-૪૬; ૧૭:૧૭.

ઈસુને કપટથી પકડવામાં આવ્યા ત્યારે પણ તેમણે દુશ્મનો પર પ્રેમ બતાવ્યો. દાખલા તરીકે, પીતરે દુશ્મનોમાંના એક પર તરવાર ચલાવી ત્યારે, ઈસુએ તેને સાજો કર્યો. ઈસુએ એ વખતે જે કહ્યું એમાંથી આપણને પણ મહત્ત્વનો પાઠ શીખવા મળે છે. ઈસુએ કહ્યું: “જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.” (માત્થી ૨૬:૪૮-૫૨; યોહાન ૧૮:૧૦, ૧૧) એ બનાવના ત્રીસેક વર્ષો પછી, પીતરે લખ્યું: ‘ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમને નમૂનો આપ્યો છે. દુઃખો સહન કરીને ધમકી આપી નહિ; પણ પોતાને ઈશ્વરને સોંપી દીધો.’ (૧ પીતર ૨:૨૧, ૨૩) પીતરને શીખવા મળ્યું કે વેરીઓ પર વેર વાળવાને બદલે, પ્રેમ બતાવવો જોઈએ.—માત્થી ૫:૯.

ઈસુને ‘પગલે ચાલનારા’ દરેક તેમના જેવો જ પ્રેમાળ સ્વભાવ કેળવે છે. ૨ તીમોથી ૨:૨૪ કહે છે કે ‘ઈશ્વરના દાસે ઝઘડો કરવો નહિ, પણ તે સર્વ માણસો પ્રત્યે માયાળુ, સહનશીલ’ કે ધીરજ બતાવનાર હોવો જોઈએ. આજે પણ ઈસુના શિષ્યોમાં શાંતિ અને સંપ જેવા ગુણો દેખાઈ આવે છે.

“ખ્રિસ્તના એલચી” હળીમળીને રહે છે

ઈશ્વરભક્ત પાઊલે કોરીંથ મંડળને લખ્યું: ‘અમે ખ્રિસ્તના એલચી કે રાજદૂત તરીકે, ખ્રિસ્ત તરફથી તમને આજીજી કરીએ છીએ કે ઈશ્વર સાથે સમાધાન કરો.’ (૨ કોરીંથી ૫:૨૦) કોઈ પણ દેશનો રાજદૂત જે દેશમાં રહેતો હોય એની રાજનીતિ અને યુદ્ધની બાબતોમાં માથું મારવાને બદલે, પોતાનું જ કામ કરે છે. તેનું કામ ફક્ત પોતાના દેશની સરકાર અને એના વિચારો રજૂ કરવાનું છે.

ઈશ્વરના રાજ્યનો સંદેશો ફેલાવતા ખ્રિસ્તના રાજદૂત અને તેમના સાથીઓનું કામ પણ એવું જ છે. તેઓ ઈસુને રાજા માને છે અને તેમના રાજદૂત તરીકે શાંતિથી એ રાજ્યનો સંદેશો ફેલાવતા રહે છે. (માત્થી ૨૪:૧૪; યોહાન ૧૮:૩૬) એટલે પાઊલે પોતાના સમયના મંડળને લખ્યું: ‘અમે દેહ પ્રમાણે લડાઈ કરતા નથી, કેમ કે અમારી લડાઈનાં હથિયાર સાંસારિક નથી, પણ ઈશ્વરની સહાયથી અમે નકામી દલીલો કરનારા તથા ઈશ્વરના જ્ઞાનની વિરૂદ્ધ જે કંઈ બાબત ઊભી થાય, તેના પર જીત મેળવીએ છીએ.’—૨ કોરીંથી ૧૦:૩-૫; એફેસી ૬:૧૩-૨૦.

પાઊલે એ શબ્દો લખ્યા ત્યારે, ઘણી જગ્યાએ ઈસુના શિષ્યોની સતાવણી થતી હતી. ખરું કે તેઓ સામે થઈ શક્યા હોત. એને બદલે તેઓએ દુશ્મનો પર પ્રેમ બતાવ્યો અને જેઓ સાંભળે તેઓને શાંતિનો સંદેશો જણાવ્યો. એન્સાઇક્લોપીડિયા ઑફ રિલીજીયન એન્ડ વૉર જણાવે છે કે “ઈસુના શરૂઆતના શિષ્યો યુદ્ધ અને લશ્કરી સેવામાં જરાય ભાગ ન લેતા.” તેઓ જાણતા હતા કે એવાં કામો તો “ઈસુના પ્રેમના સંદેશની સાવ વિરુદ્ધ હતાં. ઈસુએ તો દુશ્મનોને પણ પ્રેમ બતાવવાની આજ્ઞા આપી હતી.” *

શરૂઆતના ખ્રિસ્તીઓની જેમ યહોવાહના સાક્ષીઓ ઈસુને રાજા માને છે. ઈસુના હાથ નીચેનું એ રાજ્ય પૃથ્વી પર કાયમ માટે શાંતિ અને સલામતી લાવશે. (દાનીયેલ ૨:૪૪; માત્થી ૬:૯, ૧૦) કોઈ દેશના રાજદૂત અને તેના સાથીઓની જેમ, યહોવાહના સાક્ષીઓ પણ ઈશ્વરના રાજ્યના ગુણગાન ગાય છે. તેઓ જે દેશમાં રહે છે, એના સારા નાગરિક બનવા પ્રયત્ન કરે છે. સમયસર કરવેરા ભરે છે. જ્યાં સુધી કાયદો ઈશ્વરની વિરુદ્ધ ન જાય ત્યાં સુધી તેઓ દેશના બધા નિયમો પાળે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૯; રૂમી ૧૩:૧,.

શરૂઆતના ખ્રિસ્તીઓની જેમ, આજે પણ યહોવાહના ભક્તો વિષે લોકોને ગેરસમજ થાય છે. તેઓ વિષે અફવાઓ ફેલાવવામાં આવે છે અને સતાવવામાં આવે છે. તેમ છતાં તેઓ સામે થતા નથી કે બદલો લેતા નથી. એના બદલે તેઓ “સઘળાં માણસોની સાથે હળીમળીને” ચાલે છે. તેઓ આશા રાખે છે કે અમુક વિરોધીઓ ‘ઈશ્વર સાથે સમાધાન’ કરે પણ ખરા. એનાથી તેઓ પણ અમર જીવનનો આશીર્વાદ પામી શકે. *રૂમી ૧૨:૧૮; યોહાન ૧૭:૩. (g09-E 11)

[ફુટનોટ્‌સ]

^ એન્સાઇક્લોપીડિયા ઑફ રિલીજીયન એન્ડ વૉર કહે છે કે રોમન સમ્રાટ “કોન્સ્ટનટાઇન (ઈ.સ. ૩૦૬-૩૩૭) થઈ ગયો એ પહેલાં, ઈસુના શિષ્યો યુદ્ધમાં થતી કતલને ખૂબ નફરત કરતા હતા. પણ બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઘણા ધર્મત્યાગી ખ્રિસ્તીઓ ઊભા થયા. ત્યાર પછી યુદ્ધમાં ભાગ લેવા વિષે ખ્રિસ્તીઓના વિચારો બદલાયા.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૯, ૩૦; ૧ તીમોથી ૪:૧.

^ પહેલી સદીની જેમ આજે પણ જરૂર પડે ત્યારે, યહોવાહના લોકો છૂટથી ભક્તિ કરવા સરકાર પાસે ન્યાય માગે છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૫:૧૧; ફિલિપી ૧:૭.

શું તમે કદી વિચાર્યું છે?

▪ દુશ્મનો સાથે આપણે કેવી રીતે વર્તવું જોઈએ?માત્થી ૫:૪૩-૪૫; રૂમી ૧૨:૨૦, ૨૧.

▪ ઈસુને સતાવવામાં આવ્યા ત્યારે તેમણે શું કર્યું?૧ પીતર ૨:૨૧, ૨૩.

▪ શરૂઆતના ખ્રિસ્તીઓ શા માટે લડાઈમાં ભાગ લેતા ન હતા?૨ કોરીંથી ૫:૨૦; ૧૦:૩-૫.