સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સાદું અને સમતોલ જીવન જીવો

સાદું અને સમતોલ જીવન જીવો

સાદું અને સમતોલ જીવન જીવો

સાદું અને સમતોલ જીવન જીવવાથી સાચે જ ઘણા લાભ થાય છે. એવું જીવન જીવવા કેવા ફેરફાર કરવા જોઈએ? એ માટે પહેલા તો જીવનમાં તમે કઈ ચીજવસ્તુને વધારે મહત્ત્વ આપો છો એનો વિચાર કરો. એ કઈ રીતે નક્કી કરી શકો?

આ સવાલો પર વિચાર કરો: ‘આજ સુધી મેં શું મેળવ્યું છે? હજી શું હાંસલ કરવાનું બાકી છે?’ તમે જે હાંસલ કરવા માંગો છો એ નીચે લખો:

૧. ․․․․․

૨. ․․․․․

૩. ․․․․․

આજે ઘણા લોકો લાંબું વિચારતા નથી, તેઓને બસ પૈસો જ બનાવવો છે. અમુક રીતે તેઓ કહે છે, ચાલો “ખાઈએ તથા પીઈએ, કેમકે કાલે આપણે મરવાના છીએ.” (૧ કોરીંથી ૧૫:૩૨) તેઓ માને છે કે પૈસા કમાઓ અને મોજમજામાં વાપરો, એનું નામ જીવન. પરંતુ બાઇબલ એનાથી કંઈ અલગ જ શીખવે છે.

ઈસુએ લોકોને બોધપાઠ શીખવવા અનેક વાર્તાઓ કહી હતી. એક વાર ધનવાન માણસ વિષે વાર્તા કહી. એ માણસે ખૂબ જ ધન એકઠું કર્યું. પણ એને ભોગવતા પહેલાં તે મરણ પામ્યો. પછી ઈસુએ કહ્યું: ‘જે પોતાને સારૂ દ્રવ્યનો સંગ્રહ કરે છે, અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી,’ તે પેલા ધનવાન માણસ જેવો છે. (લુક ૧૨:૧૬-૨૧) જીવન જરૂરિયાતો માટે એ માણસે જે મહેનત કરી એમાં શું કંઈ ખોટું હતું? ના, જરાય નહિ. તો તેણે શું ખોટું કર્યું? તે પૈસા બનાવવા પાછળ જ પડેલો હતો. પોતાની યોજના વિષે ઈશ્વરને કેવું લાગે છે એ તેણે વિચાર્યું નહિ. મિલકત ભેગી કરવા જે તનતોડ મહેનત કરી એનો તે થોડો સમય જ લાભ લઈ શક્યો. કેટલી દુઃખની વાત!—સભાશિક્ષક ૨:૧૭-૨૧; માત્થી ૧૬:૨૬.

હવે ધ્યાન આપો કે ઈસુ એવું કામ કરવા ઉત્તેજન આપે છે, જેનાથી આપણને કાયમ માટે લાભ થાય. તેમણે સલાહ આપી: ‘ભૌતિક ભોજન નાશવંત છે, તેથી તે પ્રકારનું ભોજન મેળવવા માટે કામ ન કરો. પરંતુ જે તમને અનંતજીવન આપે છે તે ભોજન મેળવવા કામ કરો.’ (યોહાન ૬:૨૭, ઈઝી-ટુ-રીડ વર્ઝન) એ પહેલાં ઈસુએ કહ્યું હતું: ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ સારૂ કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ (યોહાન ૩:૧૬) ઈસુની સલાહ માનવાનો કેવો મોટો આશીર્વાદ!

તમે ચિંતાઓ કેવી રીતે દૂર કરી શકો?

ઈસુને ખબર હતી કે માણસ હંમેશાં જીવન જરૂરિયાત વિષે ચિંતા કરશે જ. એટલે શિષ્યોને તેમણે કહ્યું: “તમે શું ખાશો કે પીશો એ બાબતની ચિંતા કર્યા કરશો નહિ. કારણ, દુન્યવી લોકો એ બધી વસ્તુઓની ચિંતા કર્યા કરે છે. તમને એ બધી વસ્તુઓની જરૂર છે એ તો તમારો ઈશ્વરપિતા જાણે છે. તેથી પ્રથમ ઈશ્વરના રાજ્યની શોધ કરો એટલે ઈશ્વર તમને એ બધી વસ્તુઓ પૂરી કરશે.”—લુક ૧૨:૨૯-૩૧, કૉમન લેંગ્વેજ.

યહોવાહના ભક્તોના દિલ પર આ શબ્દોની ઊંડી અસર થઈ હોવાથી તેઓમાંથી ઘણા સાદું જીવન જીવવા લાગ્યા છે. મલેશિયામાં રહેતી જુલિયટબહેનનો દાખલો લઈએ. તે કહે છે: “મારી નોકરીથી હું ખૂબ જ થાકી જતી ને કંટાળી જતી. એટલે મેં અને મારા પતિએ સાથે મળીને યહોવાહને પ્રાર્થના કરી, જેથી અમને સાદું જીવન જીવવા મદદ મળે. એક મહિનામાં તો યહોવાહે અમારી પ્રાર્થનાનો જવાબ આપ્યો. માનસિક ને શારીરિક રીતે અપંગ બાળકોને શીખવવાની મને પાર્ટ-ટાઇમ નોકરી મળી.” ઑસ્ટ્રેલિયામાં રહેતા સ્ટિવભાઈનો દાખલો લો. તે નળિયાં લગાવવાનો કોન્ટ્રાક્ટ લેતા. પણ કુટુંબ સાથે યહોવાહની ભક્તિમાં વધારે કરવા તેમણે કામમાં અમુક ફેરફાર કર્યા. હવે તેમની પત્ની મોરિન કહે છે: “મારા પતિ હવે બહુ ખુશ છે. એટલે અમે પણ ખુશ છીએ. આવું સાદું જીવન અમારાં બાળકોને બહુ ગમે છે! મને પણ ગમે છે! સાદું જીવન જીવો, એનાથી આખું કુટુંબ ખુશ રહેશે.”

ધારો કે તમારી નોકરી જતી રહી છે. ઘરના હપ્તા ભરાતા નથી. તમારું ઘર જપ્ત થવાની અણી પર છે. આવા સંજોગમાં ઈસુની સલાહ જીવનમાં લાગુ પાડવા માટે ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા જોઈએ. જો ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા હોય અને તેમની ભક્તિ જીવનમાં પ્રથમ મૂકો, તો તમે પણ સમતોલ અને સાદું જીવન જીવી શકો. એમ કરવાથી તમે ‘ખરેખરું જીવન’ પામી શકશો. એ ઈશ્વરે વચન આપેલી નવી દુનિયામાં અમર જીવન છે. ત્યારે કોઈ પણ કામ કરવામાં ખૂબ મજા આવશે. કોઈ પણ મહેનત નકામી નહિ જાય.—૧ તીમોથી ૬:૧૭-૧૯; યશાયાહ ૬૫:૨૧-૨૩.

બાઇબલ નવી દુનિયાનું જે વચન આપે છે એના વિષે તમને વધારે જાણવું છે? એમ હોય તો યહોવાહના સાક્ષીઓનો સંપર્ક કરો અથવા આ મૅગેઝિનના પાંચમા પાન પર આપેલા યોગ્ય સરનામે લખો. (g10-E 01)

[પાન ૩૧ પર ચિત્રનું મથાળું]

ઈશ્વરની નવી દુનિયામાં કોઈ પણ કામમાં ખૂબ આનંદ મળશે. તમારી મહેનતનું ફળ મળશે

[પાન ૩૦ પર ચિત્રનું મથાળું]

તમે કેવું કામ કરી શકો?

જ્યારે નોકરી છૂટી જાય કે બીજી ન મળે, ત્યારે તમે કેવું કામ કરી શકો? નીચેનાં અમુક સૂચનો મદદ કરી શકે. તમારા વિસ્તારમાં આવું કોઈને કોઈ કામ જરૂર મળી રહેશે.

● બીજાઓનું ઘર સાચવવું (વેપાર-ધંધા કે રજાઓ ગાળવા બહાર જતા લોકો તેઓનું ઘર સાચવનાર શોધતા હોય છે)

● સાફ-સફાઈ: સ્ટોર્સ કે દુકાન; ઑફિસ; બાંધકામ થઈ ગયું હોય એવા નવાં ઘર કે ઍપાર્ટમેન્ટ; આગ લાગી હોય કે ઘર ખાલી થયું હોય એની સાફ-સફાઈ; બીજાઓના ઘરમાં કામ; બારીના કાચ સાફ કરવા

● રિપેરકામ: સાઇકલ; રસોડામાં કે સાફ-સફાઈમાં વપરાતાં સાધનો (આસાનીથી વસ્તુઓ રિપેર કરવાનું શીખવતાં પુસ્તકો લાઇબ્રેરીમાં મળી શકે)

● આવું નાનું નાનું કામ પણ કરી શકાય: સાઈડીંગ (ઘરને બહારથી શણગારવું); ઘરનું ફર્નિચર કે દરવાજા બનાવવા; ઘરના આંગણામાં વરંડો (પોર્ચ) બનાવવો; રંગકામ કરવું; વાડ બાંધવી; મકાનના છાપરાં પર નળિયાં લગાવવા

● ખેતીકામ: અનાજ કે શાકભાજી વાવવા; ફળ ઉતારવા, પાક લણવો

● નીચેની જગ્યાઓએ બગીચાકામ કે છોડની સારસંભાળ લેવી: ઑફિસ, બૅંક, પરસાળ કે લોબી અને શોપિંગ મોલની અંદર

● કોઈ જગ્યા કે બિલ્ડિંગની દેખરેખ: દરવાન, ચોકીદાર (કોઈ વાર આવી નોકરીમાં રહેવા મફત ઘર પણ મળે)

● કાર્પેટ કે લાકડાની ફરસ બેસાડવી (લેમીનેટેડ ફ્લોરીંગ), એની સાફસફાઈ કરવી

● ઘરે ઘરે છાપા નાખવાં (નાના-મોટા બધા કરી શકે); કંપનીની ઍડ્‌વર્ટાઈઝના કાગળ કે મ્યુનિસિપાલિટીનાં બિલ ઘરે ઘરે નાંખવાં

● કોઈ ઘર બદલે તો સામાન ખસેડવો, પોતાના ઘરે કોઈનો સામાન રાખવો

● બગીચાકામ, ઝાડની ડાળીઓ, ઘાસ કે લાકડાં કાપવાં

● સ્કૂલ-બસ કે રિક્ષા ચલાવવી

● ફોટોગ્રાફર બનવું (નાના-મોટા પ્રસંગમાં, સ્ટુડિયો પણ ખોલી શકાય)

● કામની અદલાબદલી: ઇલેક્ટ્રિકલ કામના બદલામાં કાર રિપેરિંગ, સિવણકામના બદલામાં પ્લમ્બરનું કામ કરવું

[પાન ૩૧ પર ચિત્રનું મથાળું]

ઘરબેઠાં આવાં કામ કરી શકો

તમારી આડોશ-પાડોશમાં કે નજીકમાં લોકોની જરૂરિયાતો જુઓ. પહેલ કરીને પાડોશીઓને પૂછો.

● બેબીસીટીંગ, બાળકની સંભાળ રાખવી

● ઘરે ઉગાડેલાં શાકભાજી કે ફૂલો વેચવાં; ફ્રૂટ જ્યુસ વેચવા

● કપડાં સીવવાં, રિપેર કરવાં કે પછી કપડાંનું ફિટિંગ કરવું

● કોઈ કંપની પાસેથી છૂટક કામ લેવું

● રસોઈ કે બેકરીનું કામ

● ગોદડું કે રજાઈ બનાવવી, ભરતકામ, ગૂંથણકામ, માટીનાં વાસણ બનાવવાં, કે એવું કોઈ કામ

● ફર્નિચરમાં ગાદી ભરવી, કવર ચડાવવાં

● હિસાબનીશ કે ટાઇપિસ્ટનું કામ, કૉમ્પ્યુટરને લગતું કોઈ કામ

● ઘરબેઠા કોઈ કંપનીના ટેલિફોન આન્સર કરવા

● વાળ કાપવા કે બ્યુટીપાર્લરનું કામ

● રૂમ ભાડે આપવો કે પેઇંગગેસ્ટ રાખવા

● ઍડવર્ટાઈઝ આપતી કંપની માટે સરનામાં સાથે પરબીડિયાં તૈયાર કરવાં

● કાર ધોવી અને પૉલિશ કરવી (માલિક તેમની કાર તમારા ઘરે લઈ આવે)

● પાલતું પ્રાણીઓના નખ-વાળ કાપવા, નવડાવવા કે કસરત કરાવવી

● તાળાં રિપેર, ચાવીઓ બનાવવી (ઘરે જ દુકાન હોય)

નોંધ: મોટા ભાગે તમે જે કામ ઘરબેઠાં કરતા હોવ એની જાહેરાત કદાચ મફત કે સસ્તામાં કરી શકો. કોઈ દુકાન કે સુપરમાર્કેટના નોટિસબોર્ડ પર એની જાહેરાત આપી શકો.