સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વરે મારા દુઃખમાં દિલાસો આપ્યો

ઈશ્વરે મારા દુઃખમાં દિલાસો આપ્યો

ઈશ્વરે મારા દુઃખમાં દિલાસો આપ્યો

વિક્ટોરિયા કૉયૉયનો અનુભવ

ડૉક્ટરે મારી મમ્મીને કહ્યું: “તમારી દીકરી માટે વધારે કંઈ કરી શકીએ એમ નથી. તેણે જીવનભર ઘોડી અને પગને ટેકો આપતા બ્રેસિસનો સહારો લેવો પડશે.” એ સાંભળીને હું ભાંગી પડી! મારાથી ચલાશે નહિ તો હું શું કરીશ?

મારો જન્મ નવેમ્બર ૧૭, ૧૯૪૯માં ટૅપાચૂલા, ચિયાપાસ, મૅક્સિકોમાં થયો હતો. ચાર ભાઈ-બહેનોમાં હું સૌથી મોટી છું. હું તંદુરસ્ત અને ખુશ હતી. પરંતુ છએક મહિનાની થઈ ત્યારે અચાનક ઘૂંટણિયા ભરવાનું બંધ થઈ ગયું, મારા પગ બરાબર કામ કરતા ન હતા. એના બે મહિના પછી હું હલી જ નહોતી શકતી. ત્યાંના ડૉક્ટરો પણ મૂંઝાઈ ગયા હતા કારણ કે એ વિસ્તારના બીજા બાળકોને પણ મારા જેવી જ તકલીફ હતી. તેથી મૅક્સિકો શહેરમાંથી ઓર્થોપેડિક ડૉક્ટરે આવી અમારી તપાસ કરીને જણાવ્યું કે અમને પોલિયો થયો છે.

હું ત્રણ વર્ષની હતી ત્યારે મારા થાપાનું, ઘૂંટણોનું અને ઘૂંટીઓનું ઑપરેશન કરવામાં આવ્યું. અમુક સમય પછી મારા જમણા ખભા પર પણ પોલિયોની અસર થઈ. હું છ વર્ષની થઈ ત્યારે મને મૅક્સિકો શહેરમાં આવેલી બાળકોની હૉસ્પિટલમાં સારવાર કરાવવા લઈ જવામાં આવી. મારી મમ્મી ચિયાપાસમાં વાડીમાં કામ કરતી હોવાથી હું મારી નાની સાથે મૅક્સિકો શહેરમાં રહી. જોકે મોટા ભાગનો સમય હું હૉસ્પિટલમાં જ રહી હતી.

હું આઠેક વર્ષની થઈ એવામાં મારી તબિયતમાં સુધારો થયો હતો. પણ સમય જતાં તબિયત ધીમે ધીમે લથડતી ગઈ અને પહેલાંની જેમ હલનચલન રહ્યું નહિ. ડૉક્ટરે જણાવ્યું મારે જીવનભર ઘોડી અને પગને ટેકો આપતા બ્રેસિસનો સહારો લેવો પડશે.

હું ૧૫ વર્ષની થઈ ત્યાં સુધી મારા પર પચ્ચીસ ઑપરેશન થઈ ચૂક્યા હતા. એ ઑપરેશન મારી કરોડરજ્જુ, બન્‍ને પગ, ઘૂંટણ, ઘૂંટી અને પગના આંગળાંના કરવામાં આવ્યા હતા. દરેક ઑપરેશન પછી હૉસ્પિટલમાં અમુક સમય રહેતી. એક વખતે ઑપરેશન પછી બન્‍ને પગે પ્લાસ્ટર કરવામાં આવ્યું. એ ખોલવામાં આવ્યા પછી હલનચલન માટે કસરત કરતી ત્યારે મને ઘણો દુખાવો થતો.

ખરો દિલાસો મળ્યો

હું ૧૧ વર્ષની થઈ ત્યારે ઑપરેશન પછી મમ્મી મને હૉસ્પિટલે મળવા આવ્યા. યહોવાહના સાક્ષીઓએ બહાર પાડેલા ચોકીબુરજ મૅગેઝિનમાંથી મારી મમ્મી શીખી કે ઈસુએ બીમાર અને અપંગ લોકોને સાજા કર્યા હતા. એ મૅગેઝિન મને પણ વાંચવા આપ્યું. મેં એને તકિયા નીચે સંતાડી દીધું. પણ એક દિવસે ગાયબ થઈ ગયું. એ મૅગેઝિન નર્સોએ લઈ લીધું હતું. એ વાંચવા બદલ તેઓએ મને ખરું-ખોટું સંભળાવ્યું.

એક વર્ષ પછી, મારી મમ્મી મને ચિયાપાસથી મળવા આવી. એ સમયે તે યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખતી હતી. તે મારા માટે પેરેડાઈઝ લોસ્ટ ટુ પેરેડાઈઝ રીગેઈન પુસ્તક લાવી. * મમ્મીએ કહ્યું: “ઈશ્વરે વચન આપેલી નવી દુનિયા, જ્યાં ઈસુ તને સાજી કરશે એમાં જીવવું હોય તો, તારે બાઇબલમાંથી શીખવું જોઈએ.” મારી નાનીને ગમતું ન હતું તોપણ હું ચૌદેક વર્ષની થઈ ત્યારે, યહોવાહના સાક્ષીઓ સાથે બાઇબલમાંથી શીખવા લાગી. એ પછીના વર્ષે મારે હૉસ્પિટલમાંથી નીકળવું પડ્યું, કેમ કે એ ફક્ત નાના બાળકો માટે હતી.

મારા દુઃખ સાથે જીવતા શીખી

હું બહુ જ હતાશ થઈ ગઈ હતી. મારી નાની મારો સખત વિરોધ કરતી હોવાથી મમ્મી-પપ્પા સાથે ચિયાપાસ રહેવા જવું પડ્યું. ઘરે પણ અનેક મુશ્કેલીઓ હતી, કેમ કે પપ્પા શરાબી હતા. મને લાગતું કે જીવનનો કોઈ મકસદ નથી. મેં ઝેર પીવાનું વિચાર્યું પણ હતું. જોકે હું બાઇબલમાંથી શીખતી રહી તેમ મારા વિચારો બદલાવા લાગ્યા. બાઇબલમાં ઈશ્વરે વચન આપ્યું છે કે આખી ધરતી સુંદર મઝાની થઈ જશે. એ જાણીને મને જીવવાની હોંશ જાગી.

બાઇબલ નવી દુનિયામાં સુંદર જીવનની જે આશા આપે છે એ વિષે હું બીજાઓને પણ કહેવા લાગી. (યશાયાહ ૨:૪; ૯:૬, ૭; ૧૧:૬-૯; પ્રકટીકરણ ૨૧:૩, ૪) છેવટે મે ૮, ૧૯૬૮માં અઢાર વર્ષની ઉંમરે બાપ્તિસ્મા લઈને હું યહોવાહની સાક્ષી બની. જે આશાથી મને જીવવાની તમન્‍ના થઈ એ વિષે હું ૧૯૭૪થી દર મહિને ૭૦થી વધારે કલાકો લોકોને શીખવવા લાગી.

સંતોષભર્યું જીવન

સમય જતાં, હું અને મારી મમ્મી મૅક્સિકો અને અમેરિકાની વચ્ચે આવેલા ટુઆના શહેરમાં રહેવા ગયા. અમને જોઈતી સગવડોવાળું એક ઘર લીધું. આજે પણ ઘોડી અને બ્રેસિસથી ઘરમાં હરીફરી શકું છું. વ્હીલ-ચેરમાં બેસીને ઘરકામ કરી શકું છું. જેમ કે કપડાં ધોવા, રસોઈ અને ઈસ્ત્રી. તેમ જ, અપંગ લોકો માટેની ઇલેક્ટ્રિક ગાડીમાં પ્રચારમાં જઉં છું.

ઘરે ઘરે અને રસ્તા પર લોકોને બાઇબલનો સંદેશો જણાવું છું. એ ઉપરાંત નજીકમાં આવેલી હૉસ્પિટલે સારવાર માટે રાહ જોતા દર્દીઓને પણ એ સંદેશો જણાવું છું. પછી બજારમાંથી શાકભાજી લઈને ઘરે જઈ મમ્મીને રસોઈમાં અને ઘરકામમાં મદદ કરું છું.

અમારું ગુજરાન ચલાવવા જૂના કપડાં વેચું છું. મમ્મી આજે ૭૮ વર્ષના છે. તેમને ત્રણ હાર્ટ ઍટેક આવી ગયા હોવાથી બહુ કામકાજ કરી શકતા નથી. એટલે તેમના ખોરાક-દવાની હું સંભાળ રાખું છું. ખરું કે અમારી બંનેની તબિયત એટલી સારી નથી તોપણ અમે સભાઓ ન ચૂકીએ એવો પ્રયત્ન કરીએ છીએ. ત્રીસથી વધારે લોકોને મેં બાઇબલમાંથી ઈશ્વર વિષે શીખવ્યું છે. તેઓ પણ હવે એ સંદેશો ફેલાવી રહ્યાં છે.

મને પૂરો ભરોસો છે કે ઈશ્વરની નવી દુનિયામાં બાઇબલનું આ વચન જરૂર પૂરું થશે: “લંગડો હરણની પેઠે કૂદશે.” પણ ત્યાં સુધી તેમના આ વચનથી મને દિલાસો મળે છે: ‘તું બીશ મા, કેમ કે હું તારી સાથે છું; આમતેમ જોઈશ મા, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે; વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.’—યશાયાહ ૩૫:૬; ૪૧:૧૦. * (g10-E 12)

[ફુટનોટ્‌સ]

^ ૧૯૫૮માં યહોવાહના સાક્ષીઓ દ્વારા પ્રકાશિત પુસ્તક, જે હવે છાપવામાં આવતું નથી.

^ વિક્ટોરિયા કૉયૉય નવેમ્બર ૩૦, ૨૦૦૯માં ૬૦ વર્ષની ઉંમરે ગુજરી ગયા. તેમની મમ્મી જુલાઈ ૫, ૨૦૦૯માં ગુજરી ગયા.

[પાન ૧૪ પર ચિત્રનું મથાળું]

સાત વર્ષની હતી ત્યારથી પગને ટેકો આપે એવા બ્રેસિસ પહેરતી

[પાન ૧૫ પર ચિત્રનું મથાળું]

અપંગ લોકો માટેની ઇલેક્ટ્રિક ગાડીમાં પ્રચારમાં જઉં છું