સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પગલું ૪ તંદુરસ્તીની સંભાળ રાખો

પગલું ૪ તંદુરસ્તીની સંભાળ રાખો

પગલું ૪ તંદુરસ્તીની સંભાળ રાખો

“ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે.” (નીતિવચનો ૨૨:૩) સલામતીના સામાન્ય પગલાં ભરવાથી બીમારી અને ઉદાસીનતા ટાળી શકીશું. એનાથી ઘણો સમય અને પૈસા બચશે.

શરીર ચોખ્ખું રાખો. “ચેપ ફેલાતો અટકાવવા અને તંદુરસ્ત રહેવા હાથ ધોવા સૌથી અગત્યનું છે.” યુ.એસ. સેન્ટર્સ ફોર ડીસીસ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના રિપૉર્ટે આમ જણાવ્યું. કહેવામાં આવે છે કે એંસી ટકા ચેપ હાથ ન ધોવાથી ફેલાય છે. તેથી દિવસ દરમિયાન વારંવાર હાથ ધોવા જોઈએ. ખાસ કરીને જમતાં પહેલા, રાંધતા પહેલાં, પાટા-પીંડી કરતા કે જખમને અડતા પહેલાં. પ્રાણીઓને અડ્યા પછી, બાથરૂમ વાપર્યા પછી, ડાયપર કે બાળોતિયું બદલ્યા પછી.

આલ્કોહૉલ વાળી જંતુનાશક દવા વાપરવા કરતાં સાબુ અને પાણીથી હાથ ધોવા વધારે અસરકારક છે. માબાપો, બાળકોને હાથ ધોવાની અને આંખ તથા મોંથી હાથ દૂર રાખવાનું શીખવશો તો, તેઓ તંદુરસ્ત રહેશે. દરરોજ સ્નાન કરવાથી, કપડાં અને ચાદર ચોખ્ખા રાખવાથી સારું આરોગ્ય જાળવવા મદદ મળશે.

ચેપી રોગોથી દૂર રહો. શરદી કે ફ્લૂ થયો હોય એવી વ્યક્તિની નજીક ન રહેવું જોઈએ. તેની સાથે એક જ વાસણમાંથી ન ખાવું જોઈએ. તેઓનું લાળ અને લેંટ તમને બીમાર કરી શકે. લોહી દ્વારા ફેલાતી બીમારીઓ જેમ કે, હિપેટાઇટિસ બી કે સી અને એચઆઇવી/એઈડ્‌સ વિષે ધ્યાન રાખું જોઈએ. આ બીમારીઓ જાતીય સંબંધ, ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ લેવાથી અને લોહી લેવાથી થઈ શકે છે. રસી લેવાથી કેટલીક ચેપી બીમારીઓ ટાળી શકાય છે. પરંતુ ચેપી વ્યક્તિ સાથે હોય ત્યારે શાણી વ્યક્તિ કેટલાક પગલાં ચોક્કસ લેશે. જીવજંતુથી પણ પોતાનું રક્ષણ કરવું જોઈએ. મચ્છર કે બીમારી ફેલાવતા જીવ-જંતુ હોય તો પૂરી તકેદારી વગર ખુલ્લામાં બેસવાનું કે ઊંઘવાનું ટાળો. મચ્છરદાની વાપરો, ખાસ કરીને બાળકો માટે. તેમ જ, જીવજંતુ દૂર રાખતી વસ્તુઓ વાપરવી જોઈએ. *

ઘર ચોખ્ખું રાખો. ઘર અંદર-બહારથી ચોખ્ખું અને સ્વચ્છ રાખવું જોઈએ. એમ કરવું અઘરું લાગે તોપણ મહેનત કરો. જેમ કે, પાણીને લીધે મચ્છર થતા હોય એવી જગ્યાઓ ભરી દેવી જોઈએ. ઢાંક્યાં વગરનો ખોરાક, કચરો તથા ગંદકીથી જીવ-જંતુ અને ઉંદર થાય છે. જેનાથી જીવાણુ ફેલાય અને બીમારી થાય છે. જો સંડાસ ન હોય તો, ખુલ્લામાં જવાને બદલે સાદું સંડાસ બાંધવું જોઈએ. એને ઢાંકવું જોઈએ જેથી માખીઓ ન થાય. તેમ જ, આંખનો ચેપ અને બીજી બીમારીઓ ન ફેલાય.

પોતાને વાગે નહિ એનું ધ્યાન રાખો. કામ કરતી વખતે, સાઇકલ, મોટરબાઇક કે કાર ચલાવતી વખતે સલામતીના નિયમો પાળો. વાહન બરાબર છે કે નહિ એ તપાસ કરતા રહેવું જોઈએ. યોગ્ય સાધન અને કપડાં પહેરવાં જોઈએ. જેમ કે, સલામતીના ચશ્મા, હેલ્મેટ, બૂટ અને કાનનું રક્ષણ કરતું યોગ્ય સાધન. તદુપરાંત સીટ-બેલ્ટ બાંધવો જોઈએ. ધગધગતા તાપમાં ન જવું જોઈએ, કેમ કે એનાથી ચામડીને નુકસાન અને કૅન્સર થાય છે. જો ધૂમ્રપાન કરતા હોવ તો છોડી દો. જો વહેલું છોડશો તો હૃદયની બીમારી, ફેફસાંનું કૅન્સર અને સ્ટ્રોક થવાની શક્યતા ઘટાડી શકશો. * (g11-E 03)

[ફુટનોટ્‌સ]

^ જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૦૩નું સજાગ બનો! “જીવજંતુ કઈ રીતે બીમારી ફેલાવે છે?” જુઓ.

^ ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૦નું સજાગ બનો! “ધૂમ્રપાન છોડવાના લાભ” પાન ૨૮-૩૨ જુઓ.