સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

“વિશ્વનું સૌથી શક્તિશાળી મશીન”

“વિશ્વનું સૌથી શક્તિશાળી મશીન”

“વિશ્વનું સૌથી શક્તિશાળી મશીન”

બાળકનું મગજ શીખવામાં અજોડ છે, એટલે જ એને “વિશ્વનું સૌથી શક્તિશાળી મશીન” કહેવામાં આવ્યું છે. દુનિયામાં આવ્યાં પછી, બાળક બધું જ જોવા, સાંભળવા અને અડકવા તત્પર હોય છે.

લોકોને જોઈને બાળકમાં કુતૂહલ પેદા થાય છે. તે લોકોના ચહેરા જુએ છે, અવાજો સાંભળે છે, અડકીને મહેસૂસ કરે છે. આ બધાથી તે બહુ ખુશ થાય છે. બાળપણ નામના અંગ્રેજી પુસ્તકમાં પીનેલોપી લીચે લખ્યું: “બાળક શું જોયા કરે છે, કેવા અવાજો તેનું ધ્યાન ખેંચે છે અને શું સ્પર્શ કરવું વધુ ગમે છે. એ વિષે ઘણાં અભ્યાસ કરવામાં આવ્યા છે. એનાથી જાણવા મળ્યું કે બાળકની સંભાળ રાખનારમાં એ બધું હોય છે.” એટલે જ બાળકના વિકાસમાં તેના માતા-પિતા સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે.

‘હું બાળકની જેમ બોલતો હતો’

નવજાત શિશુ ફક્ત સાંભળીને જ ભાષા શીખે છે. આ જાણીને માતા-પિતા અને બાળકોના ડૉક્ટરો અચંબો પામ્યા છે. સંશોધકોને જોવા મળ્યું છે કે જન્મના થોડાંક જ દિવસોમાં બાળકને અજાણી વ્યક્તિ કરતાં પોતાની માનો અવાજ સાંભળવો વધુ ગમે છે. અમુક અઠવાડિયામાં તે માતા-પિતાની માતૃભાષા અને બીજી ભાષા વચ્ચે ફરક પારખી શકે છે. થોડાં મહિનાઓમાં તે શબ્દો વચ્ચે અંતર પારખતા શીખે છે. તેમ જ, ભાષા અને બીજા અવાજો વચ્ચેનો ફરક પણ પારખી શકે છે.

ઈશ્વરભક્ત પાઊલે બાઇબલમાં જણાવ્યું: ‘હું બાળક હતો, ત્યારે બાળકની જેમ બોલતો હતો.’ (૧ કોરીંથી ૧૩:૧૧) નાનું બાળક કઈ રીતે બોલે છે? આપણે જાણીએ છીએ કે સમજાય નહિ એવો તે બબડાટ કરે છે. શું એનો બબડાટ અમથો હોય છે? ના. પ્રથમ પાંચ વર્ષમાં બાળકનું મગજ કેવી રીતે વિકાસ પામે છે અને તેના મગજમાં શું ચાલે છે અંગ્રેજી પુસ્તકમાં ડૉક્ટર લીઝ ઈલોટ જણાવે છે: ‘બોલવાની કળા એ જટિલ કાર્ય છે. એમાં અનેક સ્નાયુઓ ગળા, હોઠ, જીભ અને તાળવાનું ઝડપથી સંચાલન કરે છે. કદાચ આપણને લાગે કે બાળકનો બબડાટ ધ્યાન ખેંચવાની રીત છે. પણ હકીકતમાં તે બોલવા માટે કોશિશ કરતું હોય છે.’

બાળકનો બબડાટ સાંભળીને માબાપ પણ કાલું-કાલું બોલે છે. એનાથી બાળકને મજા આવે છે અને એ ફાયદાકારક છે. બાળક સાથે કાલી-કાલી ભાષામાં વાત કરવાથી તેને બોલવા માટે ઉત્તેજન મળે છે. આ પ્રકારની વાતચીતથી તેને બોલવાની તાલીમ મળે છે. આ કળા તેને જીવનભર કામ આવે છે.

માબાપનો બદલાતો રોલ

માબાપ પોતાના ભૂલકાંની રોજની જરૂરિયાત પૂરી કરવામાં વ્યસ્ત હોય છે. બાળક રડે એટલે તરત તેને ખાવાનું આપવામાં આવે છે. ફરી રડે કે તરત તેના બાળોતિયાં બદલવા કોઈ હાજર થઈ જાય. પાછું રડે કે તરત કોઈ તેને ઊંચકીને લાડ લડાવે. આવી સાર-સંભાળ રાખવી મહત્ત્વની છે. મોટા ભાગે માતા-પિતા આ રીતે બાળકની દેખભાળ રાખીને પોતાની જવાબદારી અદા કરે છે.૧ થેસ્સાલોનીકી ૨:૭.

એ કારણે બાળક માની લે છે કે તે જ આખા વિશ્વમાં સૌથી મહત્ત્વનું છે. તેમ જ, ઉંમરમાં તેનાથી મોટા બધા જ, ખાસ તો માબાપ તેની ઇચ્છા પૂરી કરવા માટે જ છે. તેનું આમ માનવું સ્વાભાવિક તો છે પણ એ ખોટું છે. તે કેમ એવું માને છે એ સમજી શકાય. ભૂલીએ નહિ કે લગભગ દોઢ વર્ષ સુધી તેની સાથે રોજ આમ જ થતું રહે છે. બાળક પોતાને મહેલનો રાજા સમજે છે, જેની લોકો સેવા-ચાકરી કરવા હાજર હોય. જૉન રોઝમંડ એક કુટુંબ સલાહકાર છે. તે લખે છે, ‘બાળકને આવી માન્યતા બાંધતા માત્ર બે વર્ષ લાગે છે, જ્યારે કે માબાપને એ સુધારવામાં ઓછામાં ઓછા સોળ વર્ષ લાગી જાય છે! ભલે એ વિચિત્ર લાગે તોપણ, બાળકને ધીરે ધીરે સુધારવાની જવાબદારી માબાપની છે.’

માબાપ હવે સંભાળ રાખનાર જ નથી પણ શિખામણ આપનાર છે. બાળક બે વર્ષનું થાય ત્યાં સુધી માને છે કે પોતે મહેલનો રાજા છે અને બધા તેની સેવા ચાકરી કરશે. પણ ધીરે ધીરે તેને સમજાય છે કે હવે પોતાની રાજાશાહી નહિ ચાલે. બલ્કે, માબાપનું કહેવું માનવું પડશે. આ પરિવર્તનથી તે અકળાઈ જાય છે. એના લીધે તે ઘણી વાર માબાપ પર રોફ જમાવવાની કોશિશ કરે છે. કઈ રીતે?

માસૂમ બાળકનું વર્તન સમજીએ

એક-બે વર્ષની ઉંમરે ઘણા બાળકોમાં મોટા ફેરફારો થાય છે. જેમ કે, તેઓ ગુસ્સો અને જીદ કરવા લાગે છે. માબાપ માટે આ સમયગાળો ખૂબ અઘરો હોય છે. પાપા-પગલી ભરતું બાળક અચાનક બધામાં “ના” અથવા “નથી જોઈતું” બોલવા લાગે છે. તે પોતાની લાગણીઓ સાથે લડતું હોવાથી ખુદથી અને માબાપથી નિરાશ થઈ જાય છે. તેને માબાપની નજીક રહેવું હોય છે અને દૂર પણ જવું હોય છે. મૂંઝાયેલા માબાપને સમજાતું નથી કે શું થઈ રહ્યું છે અને હવે શું કરવું?

બાળકના જીવનમાં થયેલા ફેરફારો પર જરા વિચાર કરો. અત્યાર સુધી પોતાના એક અવાજ પર બધા હાજર થઈ જતા હતા. પણ હવે તેને સમજાય છે કે પોતે કંઈ મહેલનો રાજા નથી. એટલે હવેથી અમુક કામ જાતે કરવા પડશે. એ પણ ખ્યાલ આવે છે કે હવે તેણે માબાપનું માનવું પડશે. બાઇબલ પણ કહે છે: “છોકરાં, તમે દરેક બાબતમાં તમારાં માબાપની આજ્ઞાનું પાલન કરો.”કોલોસી ૩:૨૦.

આ અઘરા સમયગાળામાં પણ માબાપે બાળકોને કાબૂમાં રાખવા જોઈએ. જો માબાપ પ્રેમ અને મક્કમતાથી પોતાની જવાબદારી નિભાવશે, તો બાળક પણ આજ્ઞા પાળવાનું શીખશે. એ તેને આખી જિંદગી કામ લાગશે.

સારા સંસ્કાર આપીએ

કેટલાક જાનવરો અને કૉમ્પ્યુટર જેવા મશીનો અમુક શબ્દો પારખીને એની નકલ કરી શકે છે. પણ વિચારી શકતાં નથી. જ્યારે કે મનુષ્ય જ શબ્દો પર વિચાર કરી શકે છે. એટલે, લગભગ બે કે ત્રણ વર્ષની ઉંમરથી જ બાળક ગર્વ, શરમ, મૂંઝવણની લાગણી અનુભવે છે. તેમ જ, તેને ખોટું કર્યાનો અહેસાસ થવા લાગે છે. એ પુખ્ત થવાની પહેલી નિશાની છે. સારા સંસ્કારથી તે જે ખરું છે એને જ વળગી રહેશે. ભલેને પછી બીજાઓ ખોટું કરતા હોય.

આ સમયમાં માબાપને બાળકના બીજા પાસાઓ પણ જોવા મળે છે અને એનાથી તેઓ હરખાય છે. જેમ કે, બાળક હવે બીજાની લાગણીઓને પણ સમજે છે. જે બાળક બે વર્ષ સુધી એકલું રમતું હતું, હવે બીજાઓ સાથે રમે છે. તે હવે પારખી શકે છે કે માબાપ ક્યારે ખુશ છે અને શું કરવાથી તેઓને ખુશ કરી શકાય. આમ, બાળક ધીરે ધીરે વધારે શીખતું જાય છે.

ત્રણ વર્ષનું બાળક સારાં-નરસાં અને ખરાં-ખોટાં વચ્ચે ભેદ પારખવા લાગે છે. બાળકને જવાબદાર વ્યક્તિ બનાવવા માટે માબાપ પાસે આ જ સૌથી સારો સમય છે. (g11-E 10)

[પાન ૫ પર બ્લર્બ]

જન્મના થોડાંક જ દિવસોમાં બાળકને અજાણી વ્યક્તિ કરતાં પોતાની માનો અવાજ સાંભળવો વધુ ગમે છે

[પાન ૬ પર બ્લર્બ]

ત્રણ વર્ષનું બાળક સારાં-નરસાં અને ખરાં-ખોટાં વચ્ચે ભેદ પારખવા લાગે છે

[પાન ૬ પર બોક્સ]

બાળક કેમ વારંવાર ગુસ્સો અને જીદ કરે છે?

જૉન રોઝમંડ ન્યૂ પેરન્ટ્‌સ પાવર પુસ્તકમાં આમ લખે છે: “અમુક માબાપને લાગે છે કે, બાળકની માંગણી પૂરી કરવામાં કંઈ કચાશ રહી ગઈ છે. એટલે તે ગુસ્સો અથવા જીદ કરે છે. જો એવું હોય તો માતા-પિતાએ માંગણી પૂરી કરવી જોઈએ. તેઓએ ‘ના’ કહેવાને બદલે ‘હા’ કહેવું જોઈએ. અથવા જો બાળક વધારે જીદ કરે તો શિખામણ આપતા અચકાવું નહિ. એમ કરીને તેઓ બાળકને જીદ કરતા અટકાવશે. તેમ જ, માબાપને પણ પાછળથી પસ્તાવું નહિ પડે. આમ કરવાથી માબાપ અને બાળક બંનેને સંતોષ થશે. પછી, બાળકનું વારંવાર ગુસ્સો અને જીદ કરવાનું બંધ થશે. એનાથી માતા-પિતાને પણ શાંતિ થશે. તેમ જ, બાળક શીખશે કે ગુસ્સો કે જીદ કરવાથી પોતાને મન ગમતી ચીજ મળવાની નથી.”