સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યુવાનોને જવાબદાર બનવા મદદ કરો

યુવાનોને જવાબદાર બનવા મદદ કરો

યુવાનોને જવાબદાર બનવા મદદ કરો

કલ્પના કરો કે તમે કોઈ ગરમ દેશમાંથી ઠંડાગાર દેશમાં આવો છો. પ્લેનમાંથી ઊતરો છો તેમ ચારેબાજુ બરફીલી મોસમ જુઓ છો. શું તમે એમાં ટેવાઈ જશો? કદાચ. પણ તમારે થોડા ફેરફાર કરવા પડશે.

એવી જ રીતે, તમારા બાળકો મોટા થતા જાય છે તેમ તમને લાગશે કે જાણે રાતોરાત મોસમ બદલાઈ ગઈ. જે દીકરો પહેલાં માના પાલવમાં ભરાઈ રહેતો, તે હવે પોતાના મિત્રો સાથે વધુ રહે છે. જે દીકરી પહેલા પોતાના આખા દિવસની કહાની જણાવતી, તે હવે ટૂંકા જવાબ આપતી થઈ ગઈ છે.

તમે પૂછો છો, “સ્કૂલ કેવી રહી?”

તે કહે છે, “સરસ”

પછી ચૂપ થઈ જાય છે

તમે પૂછો છો, “શું વિચારે છે?”

તે કહે છે, “કંઈ નહિ”

ને સન્‍નાટો છવાઈ જાય.

કદાચ તમને થતું હશે કે, ‘આને શું થઈ ગયું છે? થોડા દિવસ પહેલાં તો મારું બાળક મને બધું જ કહેતું. પણ આજકાલ તો મગનું નામ મરી નથી પાડતું. અરે કેટલીક વાર તો જે મને નથી કહેતું એ પોતાના ફ્રેન્ડ્‌સને કહે છે. શું મારે તેને બસ મોટા થતાં જ જોવાનું, કોઈ મદદ નહિ આપવાની?’

શું તમારા યુવાન બાળકના ગાઢ દોસ્ત બનવું અઘરું છે? ના, તમે તેના જિગરી દોસ્ત બની શકો છો. એ માટે તમારે જાણવાની જરૂર છે કે વિકાસના આ તબક્કામાં તેની સાથે શું થઈ રહ્યું છે.

બાળપણ વીત્યું, યુવાની આવી!

સંશોધકો પહેલાં એવું માનતા કે પાંચ વર્ષની ઉંમરે બાળકનું મગજ પૂર્ણ વિકાસ પામે છે. હવે તેઓ માને છે કે પાંચ વર્ષ પછી પણ બાળકના મગજનું કદ જરાક વધે છે. પણ એના કદ પ્રમાણે વધારે કામ કરે છે એમ ન કહી શકાય. જ્યારે તેઓ યુવાનીમાં કદમ માંડે છે, ત્યારે તેઓમાં હોર્મોનને લગતા કેટલાક ફેરફારો થાય છે. એના કારણે તેઓની વિચારવાની ઢબમાં ખાસ્સું મોટું પરિવર્તન આવે છે. જેમ કે, તેઓ નાના બાળક હોય છે ત્યારે જે જુએ છે એને માની લે છે. પણ તરુણ બને છે, ત્યારે તેઓનો વિચારવાનો અંદાજ બદલાય છે. તેઓ તરંગી કલ્પનાઓના ઘોડા દોડાવે છે. વાતની જડ સુધી પહોંચી એની તપાસ કરે છે. (૧ કોરીંથી ૧૩:૧૧) તેઓ પોતાના વિચારો જણાવતા શરમાતા નથી.

ઇટાલીમાં રહેતા પાઉલોએ પણ પોતાના દીકરામાં પરિવર્તનો નોંધ્યા. તે કહે છે, “હું મારા તરુણ દીકરાને જોઉં છું તો એવું લાગે છે કે, તે બાળક નથી રહ્યો પણ મોટો થઈ ગયો છે. જોકે, ફક્ત તેના બાંધામાં જ પરિવર્તન થયું નથી, તેની વિચારસરણી પણ બદલાઈ છે. હવે મને તેના વિચારો જાણીને બહુ નવાઈ લાગે છે. તે પોતાના વિચારો કહેતા ગભરાતો નથી અને દલીલ કરતા અચકાતો નથી.”

શું તમને પણ તમારા યુવાન બાળકમાં આવું જોવા મળ્યું છે? નાનો હતો ત્યારે કદાચ તે આંખો મીંચીને તમારું કહ્યું કરતો. કદાચ પહેલા તેને એટલું જ કહેવું પૂરતું હતું કે “મેં કીધું છે એટલે.” પણ હવે ટીનેજમાં આવ્યા બાદ, તે કારણ જાણવા માંગશે. કદાચ તમને સામે સવાલો પણ પૂછશે. તમે શીખવેલા સંસ્કારો સામે તે આંગળી પણ ચીંધશે. કોઈવાર તેની હિંમત તમને બળવો લાગી શકે.

પણ એવું ન સમજશો કે તમારું બાળક તમારા સંસ્કારને ઉથલાવી નાંખશે. તે તમારા સંસ્કાર અપનાવવા અને એ પ્રમાણે જીવવા સંઘર્ષ કરી રહ્યો છે. એ સમજવા એક દાખલો લઈએ. જો તમે નવા ઘરમાં રહેવા જાવ તો તમારું ફર્નિચર પણ સાથે લેતા જશો, બરાબરને! શું તમને લાગે છે કે તમારા જૂના ઘરનું ફર્નિચર નવા ઘરમાં એકદમ ફીટ બેસી જશે? કદાચ ન બેસે. પણ એક વાત ચોક્કસ છે કે તમારા માટે જે કિંમતી છે, એ તમે કદી ફેંકી નહિ દો.

તમારું સંતાન એક દિવસ ‘તમને છોડીને’ પોતાનું ઘર વસાવશે ત્યારે, તેને પણ એવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. (ઉત્પત્તિ ૨:૨૪) ખરું કે એ દિવસ આવતા ઘણાં વર્ષો લાગશે. કેમ કે, તમારું યુવાન બાળક હજી એટલું મોટું નથી થયું. જોકે અમુક અંશે, તે હમણાંથી એની તૈયારી કરે છે. તમે શીખવેલા સંસ્કારોને ટીનેજ દરમિયાન તે ચકાસી રહ્યો છે. તેમ જ, વિચારી રહ્યો છે કે તે મોટો થશે ત્યારે એ પ્રમાણે જીવશે કે કેમ. *

તમારા બાળકના નિર્ણયથી તમે કદાચ ગભરાઈ જશો. પણ એક વાત ચોક્કસ છે, તે જેમ મોટું થશે તેમ પોતાને ગમતા સંસ્કારોને વળગી રહેશે. તમારી છત્રછાયા નીચે છે ત્યાં સુધી, તેની પાસે વિચારવાનો સમય છે કે ભાવિમાં કયા સંસ્કારો પ્રમાણે જીવશે.પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૧.

એમ કરવાથી ખરેખર તમારા સંતાનને બહુ જ ફાયદો થશે. જો તે કંઈ વિચાર્યા વગર તમારા ધોરણો અપનાવી લેતો હોય, તો બીજાના ધોરણો પણ સહેલાઈથી અપનાવી લેશે. (નિર્ગમન ૨૩:૨) બાઇબલ એવા યુવાનોને “અક્કલહીન” કહે છે. એનો અર્થ થાય કે તે સારા નિર્ણયો લઈ શકતો નથી. (નીતિવચનો ૭:૭) જો કોઈ યુવાન પોતાની માન્યતામાં મક્કમ નહિ હોય, તો તે જાણે કે ‘માણસોની ઠગાઈથી, કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્‍ન ભિન્‍ન મતરૂપી પવનથી ડોલાં ખાનારો તથા આમતેમ ફરનારો થશે.’એફેસી ૪:૧૪.

તમારા સંતાન સાથે આવું ન થાય એ માટે તમે શું કરી શકો? તેનામાં આ ત્રણ બાબતો સિંચવા બનતું બધું કરો.

૧ ખરું-ખોટું પારખવાની ક્ષમતા

ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: ‘જેઓ પુખ્ત ઉંમરના છે, તેઓની ઇંદ્રિયો ખરું-ખોટું પારખવામાં કેળવાએલી છે.’ (હેબ્રી ૫:૧૪) તમે કહેશો કે ‘વર્ષો પહેલાં તેને ખરું-ખોટું પારખવાનું તો શીખવ્યું હતું.’ જોકે તમે આપેલી તાલીમથી તેને એ સમયમાં લાભ થયો હશે અને જવાબદાર બનવા પણ મદદ કરી હશે. (૨ તીમોથી ૩:૧૪) તોપણ પાઊલે કહ્યું કે લોકોએ ખરું-ખોટું પારખતા શીખવું જોઈએ. નાના બાળકો માટે ફક્ત સારાં-નરસાંનું જ્ઞાન હોવું પૂરતું છે. જ્યારે કે પુખ્ત ઉંમરની વ્યક્તિએ ‘સમજણા’ થવું જોઈએ. (૧ કોરીંથી ૧૪:૨૦; નીતિવચનો ૧:૪; ૨:૧૧) તમે ચાહશો કે બધી વાતમાં તમારું બાળક ‘હાજી હા’ ન કરે, પણ પોતાની સમજનો ઉપયોગ કરે. (રોમનો ૧૨:૧, ૨) એ માટે તમે તેને કઈ રીતે મદદ કરી શકો?

એક રીત છે તેને જાતે જ પોતાના વિચારો જણાવવા દો. કોઈ વાર તમને ન ગમે એવું કંઈ કહે તો, અટકાવશો નહિ. બાઇબલ જણાવે છે: “દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો, તથા ક્રોધમાં ધીરો થાય.” (યાકૂબ ૧:૧૯; નીતિવચનો ૧૮:૧૩) વધુમાં, ઈસુએ પણ કહ્યું હતું કે, “જે મનમાં છે તે જ મુખ બોલે છે.” (માત્થી ૧૨:૩૪, કોમન લેંગ્વેજ) જો તમે બાળકનું ધ્યાનથી સાંભળશો તો તેની ચિંતાઓ જાણી શકશો.

બાળકો સાથે વાત કરો ત્યારે તોછડાઈથી ન કરો. એને બદલે તેઓના દિલમાં શું છે, એ જાણવાની કોશિશ કરો. ઈસુએ પણ પોતાના શિષ્યો અને ઘમંડી લોકોને તેઓના વિચારો જાણવા પ્રશ્નો કર્યા. જેમ કે, “તમે શું ધારો છો?” (માત્થી ૨૧:૨૩, ૨૮) તમારા બાળકના વિચારો તમારાથી જુદા હોય તો, ઈસુ જેવું કરી શકો. જેમ કે:

જો તમારું બાળક આમ કહે: “હું ઈશ્વરમાં માનું છું એવું ચોક્કસ કહી શકતો નથી.”

તો આમ ન કહો: “અમે તને શીખવ્યું છે એટલે તારે માનવું જ પડશે.”

આમ કહો: “તને કેમ એવું લાગે છે, બેટા!”

બાળકને પોતાના વિચારો જણાવવા કેમ મદદ કરવી જોઈએ? કેમ કે, તેનો જવાબ તમે સાંભળ્યો છે, પણ એની પાછળના કારણની તમને ખબર નથી. (નીતિવચનો ૨૦:૫) કદાચ ઈશ્વરના અસ્તિત્વનો સવાલ પણ ન હોય. બની શકે ઈશ્વરના નીતિ-નિયમો વિષે તેને શંકા હોય.

દાખલા તરીકે, જો તમારા બાળકને ઈશ્વરના નિયમ તોડવાનું કોઈ દબાણ કરે, તો તે કદાચ એવું વિચારશે કે ‘હું ઈશ્વરમાં ન માનું તો સારું!’ (ગીતશાસ્ત્ર ૧૪:૧) તે કદાચ વિચારશે કે ‘જો ઈશ્વર જ ન હોય, તો મારે બાઇબલના શિક્ષણ પ્રમાણે જીવવાની શી જરૂર છે!’

જો તમારું બાળક પણ એવું વિચારતું હોય, તો તેણે પોતાને પૂછવું જોઈએ, ‘શું હું સાચે જ માનું છું કે ઈશ્વરના ધોરણો મારા લાભને માટે છે?’ (યશાયાહ ૪૮:૧૭, ૧૮) જો તેને લાગે કે ઈશ્વરના ધોરણો ખુદના લાભ માટે છે, તો એને વળગી રહેવા ઉત્તેજન આપો.ગલાતી ૫:૧.

જો તમારું બાળક આમ કહે: “એ તમારો ધર્મ છે, મારો થોડો છે?”

તો આમ ન કહો: “તું અમારું સંતાન છે, એટલે અમે જે ધર્મ પાળીએ એ જ તારે પાળવો પડશે.”

આમ કહો: “અચ્છા, અમે જે માનીએ છીએ એ તું ન માનતો હોય તો, અમને કહે કે તું શું માને છે? તને શું લાગે છે આપણે કયા શિક્ષણ પ્રમાણે જીવવું જોઈએ?”

બાળકને પોતાના વિચારો જણાવવા કેમ મદદ કરવી જોઈએ? “કેમ કે આ પ્રમાણે તેની સાથે તર્ક કરવાથી તમે તેને વિચારવા મદદ કરો છો. એ જાણીને તેને નવાઈ લાગી શકે કે ખુદની અને તમારી માન્યતા સરખી જ છે. પણ તેને બીજી કોઈ બાબતની ચિંતા છે.”

દાખલા તરીકે, તમારો દીકરો પોતાની માન્યતા બીજાઓને સમજાવવાનું જાણતો નથી. (કોલોસી ૪:૬; ૧ પીતર ૩:૧૫) અથવા તો તે બીજા ધર્મની છોકરીના પ્રેમમાં પડ્યો હોઈ શકે. એટલે મૂળ કારણ જાણીને તમારા દીકરાને મદદ કરો. તે બાઇબલના શિક્ષણ પ્રમાણે ખરું-ખોટું પારખતા શીખશે તો, મોટા થઈને સારા નિર્ણયો લઈ શકશે.

૨ મોટાઓની સંગત

કેટલાક મનોવિજ્ઞાનીઓ માને છે કે તરુણોની લાગણીઓમાં જે ‘ઉતાર-ચઢાવ’ હોવો જોઈએ એ અમુક સમાજમાં જોવા નથી મળતો. કદાચ મળે તોય એ ના બરાબર હોય છે. તેઓને જોવા મળ્યું છે કે યુવાનો નાની ઉંમરથી જ મોટાઓની જેમ વર્તતા હોય છે. એ સમાજના તરુણો મોટાઓની સાથે કામ કરે છે, હળે-મળે છે અને તેઓની જેમ જવાબદારી ઉપાડે છે. એટલે તેઓના વિચારો અને રીત-ભાત સાવ જુદા હોય છે. તેઓમાં “યુવાન,” “તરુણ” અને “બાળ ગુનો” જેવા શબ્દો નથી હોતાં.

જ્યારે કે અમુક દેશોમાં તરુણોને એવી સ્કૂલોમાં મૂકવામાં આવે છે, જ્યાં વધારે પડતા વિદ્યાર્થીઓ હોય છે. એટલે સ્વાભાવિક રીતે તેઓ પોતાની સાથે ભણતા યુવાનોની સંગત કરે છે. તેઓ ઘરે આવે ત્યારે ઘર ખાલી હોય. કેમ કે મમ્મી-પપ્પા કામધંધા પર ગયા હોય. સગા-સંબંધીઓ પણ દૂર રહેતા હોય. એટલે તેઓ પોતાની ઉંમરના યુવાનો સાથે જ સંગત રાખે છે. * શું એમાં કંઈ ખોટું છે? ના, હંમેશા એવું નથી. પણ તેઓ ખોટી સંગતમાં પડી જઈ શકે. સંશોધકોએ નોંધ્યું છે કે સારા યુવાનોની મોટાઓ સાથે સંગત ન હોય તો, તેઓ બેદરકાર બની જઈ શકે.

પ્રાચીન ઇઝરાયલ એવો સમાજ હતો, જેમાં મોટી ઉંમરના લોકો યુવાનોને અલગ નહોતા પાડતા. * એક દાખલો લઈએ. બાઇબલ જણાવે છે કે ઉઝ્ઝીયાહ કાચી ઉંમરમાં પ્રાચીન યહુદાહ રાજ્યના રાજા બન્યા હતાં. તેમને એ ભારે જવાબદારી ઉપાડવા ક્યાંથી મદદ મળી હતી? અમુક અંશે તેમને મોટી ઉંમરના ઝખાર્યાહની મદદ મળી હતી. બાઇબલ જણાવે છે કે ઝખાર્યાહ “ધર્મનું શિક્ષણ” આપનારા એક શિક્ષક હતા.૨ કાળવૃત્તાંત ૨૬:૫.

શું તમારા યુવાન બાળકના કોઈ મોટી ઉંમરના મિત્રો છે? જો હોય તો એનાથી નારાજ થશો નહિ. કેમ કે તેઓ તમારા બાળકને જે ખરું છે એ કરવા મદદ કરશે. એના વિષે બાઇબલ જણાવે છે કે “જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે.”નીતિવચનો ૧૩:૨૦.

૩ જવાબદાર બનવું

અમુક દેશોમાં એવા નિયમ છે કે યુવાનો અઠવાડિયામાં ગણતરીના કલાકો જ કામ કરી શકે. તેમ જ, તેઓને અમુક પ્રકારનું કામ કરવાની મનાઈ છે. એ નિયમોને કારણે તેઓને જોખમકારક કામોથી રક્ષણ મળે છે. એ નિયમો ૧૮ અને ૧૯મી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને લીધે ઘડાયા છે.

બાળ મજૂરીનો કાયદો યુવાનોને જુલમ અને જોખમથી દૂર રાખે છે. અમુક નિષ્ણાતોના દાવા પ્રમાણે આવા કાયદાને લીધે યુવાનો જવાબદારી શીખતા નથી. એક પુસ્તક કહે છે, ‘ઘણા યુવાનો ધારે છે કે મહેનત કર્યાં વગર અમને બધું તૈયાર મળવું જોઈએ. આજનું મનોરંજન પણ બતાવે છે કે યુવાનોને કોઈ ચીજ-વસ્તુ જોઈતી હોય તો મહેનત કર્યા વગર મળી જાય છે.’—એસ્કેપીંગ ધ એન્ડલેસ અડોલસન્સ.

જ્યારે કે બાઇબલમાં એવા યુવાનોનો ઉલ્લેખ છે, જેઓએ યુવાનીમાં ભારે જવાબદારી ઉપાડી હતી. એમાંના એક યુવાન તીમોથી હતા. તે ઈશ્વરભક્ત પાઊલને મળ્યા ત્યારે ટીનેજમાં હતા. પાઊલની તેમના પર સારી અસર પડી હતી. સમય જતા, પાઊલે તીમોથીને કહ્યું: “ઈશ્વરે તને જે કૃપાદાન બક્ષ્યું હતું તેને સતેજ રાખજે.” (૨ તીમોથી ૧:૬, કોમન લૅંગ્વેજ) તીમોથીએ વીસેક વર્ષની ઉંમરે ઘર છોડ્યું અને ઈશ્વર વિષે પ્રચાર કરવા પાઊલ સાથે નીકળ્યા. તીમોથીએ ખ્રિસ્તી મંડળોની શરૂઆત કરવામાં અને ભાઈબહેનોને ઉત્તેજન આપવામાં મદદ કરી. તીમોથીએ પાઊલ સાથે દસેક વર્ષ કામ કર્યું. પછી પાઊલે તેના વિષે ફિલિપી મંડળને લખ્યું: “તમારી કાળજી બરાબર રીતે રાખે એના જેવી પ્રકૃતિનો બીજો કોઈ મારી પાસે નથી.”ફિલિપી ૨:૨૦.

મોટા ભાગે, યુવાનો જવાબદારી ઉઠાવવા આતુર હોય છે. એમાંય જો તેઓને ખબર હોય કે કામ કરવાથી સંતોષ મળે છે. એ તાલીમ તેઓને ભાવિ માટે જ નહિ બલ્કે, હાલમાં પણ જવાબદાર બનવા મદદ કરે છે.

બદલાતા સંજોગોમાં સેટ થવું

તમારે ટીનેજ બાળકો હોય તો, તમે પણ આ લેખની શરૂઆતમાં જોયું તેમ કદાચ અનુભવ્યું હશે. બાળકો નાના હતા ત્યારે બધું જ કહેતા હતા, પણ ટીનેજમાં આવ્યા પછી એવું નથી. તમે બાળ વિકાસના બીજા તબક્કામાં સેટ થઈ ગયા તેમ, આ બદલાતા સંજોગોમાં પણ સેટ થઈ જશો.

તમારું બાળક ટીનેજર હોય તો તમારી પાસે આ સુંદર તકો રહેલી છે: (૧) તેઓને ખરું-ખોટું પારખતા, (૨) મોટાઓની સંગત રાખતા અને (૩) જવાબદાર બનતા શીખવો. આમ કરીને તમે ટીનેજરને પુખ્ત બનવા મદદ કરો છો. (g11-E 10)

[ફુટનોટ્‌સ]

^ એક પુસ્તક કહે છે, તરુણો ‘રાતોરાત નહિ પણ ધીમે ધીમે જવાબદાર વ્યક્તિ બને છે.’ એની વધુ માહિતી માટે જૂન ૧, ૨૦૦૯ ચોકીબુરજના પાન ૧૦થી ૧૨ જુઓ. આ મૅગેઝિન યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

^ આજે મોટા ભાગનું મનોરંજન યુવા વર્ગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. એમાં યુવાનો પોતાની ઉંમરનાઓ સાથે જ હળતા-મળતા હોય છે. મનોરંજન યુવાનોમાં એવું ઠસાવે છે કે તેઓના વિચારો અને જીવવાની રીત મોટાઓ કરતાં સાવ અલગ છે. જાણે કે તેઓનો સમાજ સાવ અલગ હોય.

^ બાઇબલમાં “કિશોર” અને “તરુણ” જેવા શબ્દો જોવા મળતા નથી. ઈસુના સમય પહેલાંના અને એ પછીના યુવાનો મોટાઓની જેમ વર્તતા. એવું આજે પણ અમુક સમાજોમાં જોવા મળે છે.

[પાન ૨૦ પર બોક્સ/ચિત્ર]

“આનાથી વધારે સારા પેરન્ટ્‌સ મળે જ નહિ!”

યહોવાહને ભજતા માબાપ પોતાના વાણી-વર્તનથી બાળકો માટે સારો દાખલો બેસાડે છે. તેમ જ, બાઇબલના સિદ્ધાંતો પ્રમાણે જીવવા શીખવે છે. (એફેસી ૬:૪) એ માટે તેઓ બાળકો પર કોઈ બળજબરી કરતા નથી. તેઓ જાણે છે કે પોતાના દીકરા કે દીકરી મોટાં થશે તેમ તેઓએ નક્કી કરવું પડશે કે કેવા સંસ્કારો પ્રમાણે જીવશે.

અઢાર વર્ષની ઍશ્લીને પોતાના ઉછેરમાં મળેલા સંસ્કારને અપનાવ્યા છે. તે કહે છે, “મારા માટે ધર્મ પાળવાનો અર્થ એવો નથી કે અઠવાડિયામાં એકાદ દિવસ એ મુજબ જીવું. બલ્કે એ મારા જીવનનો ભાગ છે. મારા નિર્ણયોમાં અને હું જે કંઈ કરું એ બધામાં એની અરસ થાય છે. પછી ભલેને ભણવાના વિષયો, મિત્રો અને પુસ્તકોની પસંદગી કરવાની હોય.”

માબાપે સિંચેલા સંસ્કારોની ઍશ્લીન દિલથી કદર કરે છે. તે કહે છે, “આનાથી વધારે સારા પેરન્ટ્‌સ મળે જ નહિ! હું સદા યહોવાહની સેવા કરતી રહું એ માટે તેઓએ જે ગુણો સિંચ્યા છે, એની હું આભારી છું. જીવનભર હું મમ્મી-પપ્પાના માર્ગદર્શન પર આધાર રાખીશ.”

[પાન ૧૭ પર ચિત્ર]

તમારા બાળકને દિલ ખોલીને વાત કરવા દો

[પાન ૧૮ પર ચિત્ર]

મોટી ઉંમરના મિત્રોની તમારા બાળક પર સારી અસર પડશે

[પાન ૧૯ પર ચિત્ર]

નાના-મોટાં કામ કરવાથી યુવાન જવાબદાર બનતા શીખે છે