સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે બાળકોને કેવા બનાવવા ચાહો છો?

તમે બાળકોને કેવા બનાવવા ચાહો છો?

બાઇબલ શું કહે છે?

તમે બાળકોને કેવા બનાવવા ચાહો છો?

નીચે પ્રમાણે તમે તમારા બાળકને કેવું બનાવવા ચાહો છો?

૧. તમારી કાર્બન કોપી.

૨. બળવાખોર, જે હંમેશા તમારી વિરુદ્ધમાં હોય.

૩. જવાબદાર અને સારા નિર્ણય લેનાર.

મોટા ભાગના માબાપ ત્રીજો વિકલ્પ પસંદ કરશે. પણ તેઓ બાળક પર બળજબરી કરે છે. જોકે એનાથી તો બાળક પહેલા વિકલ્પ પ્રમાણે બની જાય છે! તેઓ પોતાના સંસ્કારો બાળકો પર થોપી બેસાડે છે. બાળકોનું કૅરિયર પણ પોતે જ પસંદ કરે છે. એનું કેવું પરિણામ આવે છે? બાળકને જરાક છૂટ મળે એટલે તે માબાપથી વિરુદ્ધ દિશામાં દોડે છે. ઘણા માબાપ ‘પહેલા’ વિકલ્પ પ્રમાણે વાવતા હોય છે પણ તેઓ ‘બીજા’ વિકલ્પનું પરિણામ લણે છે.

બાળકને મુઠ્ઠીમાં રાખવાનો કોઈ ફાયદો નથી!

તમે ચાહશો કે બાળકો મોટા થઈને જવાબદાર અને સારા નિર્ણયો લેનાર બને, ખરુંને! તો એ માટે તમે શું કરશો? એક બાબત યાદ રાખો: તેઓને મુઠ્ઠીમાં રાખવાનો કોઈ ફાયદો નથી. શા માટે? એ માટે ચાલો બે કારણો જોઈએ.

૧. મુઠ્ઠીમાં રાખવાનું બાઇબલ શીખવતું નથી. યહોવાહ ઈશ્વરે માણસોનું સરજન કર્યું અને આઝાદી આપી. તેમણે આપણા હાથમાં છોડ્યું છે કે સારા માર્ગે જવું કે ખોટા માર્ગે. કાઈનનો દાખલો લો. તેને ખુદના ભાઈ હાબેલ પર સખત નફરત હતી. એને લીધે તેણે હાબેલનું ખૂન કરવાનું વિચાર્યું, ત્યારે યહોવાહે કાઈનને કહ્યું: ‘જો તું સારું કરે તો શું હું તારો સ્વીકાર ન કરું? પણ જો તું સારું ન કરે તો તારા હૃદયમાં પાપ છુપાઈ રહેશે. પાપ તારા પર અધિકાર જમાવવા માગે છે, પણ તારે એને અંકુશમાં લેવું જોઈએ.’ઉત્પત્તિ ૪:૭, કોમન લેંગ્વેજ.

આપણે જોયું તેમ યહોવાહે કાઈનને ચેતવ્યો હતો. પણ તેના પર કોઈ બળજબરી કરી ન હતી. કાઈન પાસે પસંદગી હતી કે ગુસ્સા પર કાબૂ રાખવો કે એને વશ થવું. આમાંથી આપણે શું શીખી શકીએ? જો યહોવાહ સ્વર્ગદૂતો અને માણસોને મુઠ્ઠીમાં રાખતા ન હોય, તો શું આપણે બાળકોને મુઠ્ઠીમાં રાખવા જોઈએ? *

૨. મુઠ્ઠીમાં રાખવાથી સારું પરિણામ આવતું નથી. માની લો કે તમે દુકાનમાં કંઈક ખરીદવા ગયા છો. ત્યાં સેલ્સમૅન તમને એ ખરીદવા ખૂબ દબાણ કરે છે. તે જેટલું દબાણ કરે છે એટલું તમે મના કરો છો. કદાચ તમને એ વસ્તુ જોઈતી હશે તોપણ, સેલ્સમૅનના વર્તનને લીધે તમે ત્યાંથી નીકળી જશો.

એવી જ રીતે, જો તમે બાળક પર સંસ્કારો, ધાર્મિક માન્યતા અને ધ્યેયો થોપી બેસાડવાનો પ્રયાસ કરો, તો શું થશે? શું તે દિલથી અપનાવશે? જરાય નહિ, ઉપરથી તે તમારા ધોરણોને નફરત કરવા લાગશે! જો તમે બાળકને મુઠ્ઠીમાં રાખવાનો પ્રયત્ન કરશો, તો એ મોટા ભાગે નિષ્ફળ જશે. એવું ન થાય માટે શું કરશો?

તમારું બાળક નાનું હતું ત્યારે તમે જે કહેતા એ જ તે કરતું. પણ તે સમજદાર થયું હોવાથી તમારા સંસ્કારો તેના પર ઠોકી ન બેસાડો. એને બદલે તેને સમજાવો કે ખરા માર્ગે ચાલવાનો કેવો ફાયદો છે. જો તમે યહોવાહના ભક્ત હો તો બાળકને શીખવો કે, યહોવાહના ધોરણો પ્રમાણે ચાલવાથી જીવનભર ખરો સંતોષ મળશે.યશાયાહ ૪૮:૧૭, ૧૮.

તમે જે શીખવો એનો જાતે સારો દાખલો બેસાડો. બાળકને જેવું બનાવવા ચાહો છો, એવા પહેલા તમે બનો. (૧ કોરીંથી ૧૧:૧) તમે જે ધોરણો પ્રમાણે જીવવાનું નક્કી કર્યું હોય, એ બાળકોને સ્પષ્ટ રીતે સમજાવો. (નીતિવચનો ૪:૧૧) બાળકને ઈશ્વર અને તેમના ધોરણો પર પ્રેમ જાગશે તો, તમારી ગેરહાજરીમાં પણ તે સારા નિર્ણયો લેશે.ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭; ફિલિપી ૨:૧૨.

જિંદગી જીવવાની કળા શીખવો

આ અંકના પાન બે પર જણાવ્યું તેમ એક દિવસ તમારું સંતાન કદાચ તમારાથી જુદા થશે. તે ‘તમને છોડીને’ પોતાનું ઘર વસાવશે. કદાચ તમને લાગશે કે એ દિવસ બહુ જલદી આવી ગયો. (ઉત્પત્તિ ૨:૨૪) પણ તમે માબાપ હોવાથી એ જોવા ચાહો છો કે, તે જાતે પગ પર ઊભું રહી શકે છે. એ માટે હાલમાં તમારી સાથે રહે છે ત્યાં સુધી, કયા જરૂરી કામકાજ શીખવી શકો એનો વિચાર કરો.

ઘરનું કામ કરતા શીખવો. શું તમારા દીકરા કે દીકરીને રસોઈ કરતા આવડે છે? કપડાં ધોઈને ઈસ્ત્રી કરી શકે છે? ઘર સરખું અને સાફ રાખી શકે છે? તેમ જ, કાર કે મોટરબાઇકની જાળવણી રાખતા અને રીપેર કરતા આવડે છે? તમારો દીકરો કે દીકરી આવા કામો જાતે કરતા શીખશે તો, પોતાનું ઘર વસાવશે ત્યારે તેને કામ આવશે. ઈશ્વરભક્ત પાઊલે કહ્યું કે દરેક સંજોગોમાં “મારી પાસે જે હોય તેમાં સંતોષી રહેવાને હું શીખ્યો છું.”ફિલિપી ૪:૧૧, કોમન લેંગ્વેજ.

વ્યવહાર રાખતા શીખવો. (યાકૂબ ૩:૧૭) તમારું બાળક કેટલું મળતાવડું છે? શું તે શાંત મગજથી મતભેદો થાળે પાડી શકે છે? લોકોને માન આપવાનું અને તકરારો હલ કરવાનું તમે શીખવ્યું છે? (એફેસી ૪:૨૯, ૩૧, ૩૨) બાઇબલ શીખવે છે, “સર્વને માન આપો.”૧ પીતર ૨:૧૭.

પૈસા સાચવતા શીખવો. (લુક ૧૪:૨૮) શું તમારા બાળકને કામધંધો, બજેટ પ્રમાણે રહેતા અને દેવું ન કરતા શીખવ્યું છે? શું તમે બાળકને ખોટા ખર્ચા કરવાને બદલે જરૂરી ખર્ચ કરવાનું શીખવ્યું છે? તેમ જ પોતાની પાસે જે હોય એનાથી સંતોષ માનતા શીખવ્યું છે? (નીતિવચનો ૨૨:૭) ઈશ્વરભક્ત પાઊલે લખ્યું: “આપણને જે અન્‍નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.”૧ તીમોથી ૬:૮.

બાળકો ઈશ્વરના સંસ્કાર પ્રમાણે જીવતા હોય અને જાતે જીવન જરૂરી કામકાજ કરી શકતા હોય તો, તેઓ મોટાઓની જવાબદારી ઉપાડવા તૈયાર છે. માબાપો, તમારા બાળકોમાં આ આવડત હોય તો તમે તમારો ધ્યેય હાંસલ કર્યો છે!નીતિવચનો ૨૩:૨૪. (g11-E 10)

[ફુટનોટ]

^ વધારે માહિતી માટે માર્ચ ૧, ૨૦૧૧ ચોકીબુરજના પાન ૧૦-૧૧ જુઓ.

શું તમે કદી વિચાર્યું છે?

● તમે બાળકને કેવું બનાવવા માંગો છો?—હેબ્રી ૫:૧૪.

● બાળક મોટું થાય તેમ તેની કઈ જવાબદારી છે?—યહોશુઆ ૨૪:૧૫.

[પાન ૨૫ પર ચિત્રો]

તમારા બાળકને કેવું બનાવવા ચાહો છો?

તમારી કાર્બન કોપી . . .

બળવાખોર . . .

જવાબદાર