સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલ શું કહે છે?

મેલીવિદ્યા

મેલીવિદ્યા

ગુજરી ગયેલાઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો શું ખોટું કહેવાય?

‘ભૂવાઓ પાસે જઈને પોતાની જાતને અશુદ્ધ કરશો નહિ.’—લેવીય ૧૯:૩૧, ઈઝી-ટુ-રીડ વર્ઝન.

લોકો શું કહે છે?

સ્વાભાવિક રીતે, લોકો ખાતરી કરવા માંગે છે કે ગુજરી ગયેલા સ્નેહીજનોને કોઈ પીડા થતી નથી. એટલે તેઓ કહે છે: “કેમ નહિ કે, ભૂવાઓ અથવા તાંત્રિકો મારફતે ગુજરી ગયેલા સાથે વાત કરવાની કોશિશ કરીએ? કદાચ એ રીતે થોડું આશ્વાસન અને મનની શાંતિ મળે.”

બાઇબલ શું કહે છે?

પ્રાચીન સમયમાં ગુજરી ગયેલાઓ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવો સામાન્ય હતું. પણ, એમ કરવાની બાઇબલમાં સાફ મના કરી છે. દાખલા તરીકે, ઈસ્રાએલ પ્રજાને યહોવાએ નિયમ આપતા કહ્યું: ‘તારી મધ્યે એવો કોઈ જન હોવો ન જોઈએ કે જે ઈલમી, કે ભૂવા’ પાસે ગુજરી ગયેલાની ખબર કાઢવા જાય. ‘જે કોઈ એવાં કામ કરે છે, તેને યહોવા ધિક્કારે છે.’ (પુનર્નિયમ ૧૮:૧૦-૧૨) બાઇબલ એ પણ જણાવે છે કે જેઓ કોઈ પણ પ્રકારની મેલીવિદ્યા કરે છે, તેઓ ‘ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.’—ગલાતી ૫:૧૯-૨૧.

શું ગુજરી ગયેલાઓ જીવતાઓને અસર કરી શકે?

“જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી.”—સભાશિક્ષક ૯:૫.

લોકો શું કહે છે?

ઘણા દાવો કરે છે કે ગુજરી ગયેલાઓ કોઈને કોઈ રૂપમાં હજી જીવે છે. એટલે તેઓ પાસેથી માહિતી મેળવવા લોકો વાત કરવાની કોશિશ કરે છે. અથવા ગુજરી ગયેલાને એવી આશાએ ખુશ રાખવાની કોશિશ કરે છે કે પોતાને અને સગાંવહાલાંને શાંતિથી જીવવા દે.

બાઇબલ શું કહે છે?

“જીવતાઓ જાણે છે કે પોતે મરવાના છે; પણ મૂએલા કંઈ જાણતા નથી.” તેઓ જીવતા હતા ત્યારે જે ‘પ્રેમ, નફરત અને ઈર્ષા’ અનુભવતા એ ‘હવે નાશ પામ્યા છે.’ (સભાશિક્ષક ૯:૫, ૬) આમ, બાઇબલ શીખવે છે કે વ્યક્તિ ગુજરી જાય પછી કંઈ જ કરી શકતી નથી. તે વિચારી શકતી નથી, કોઈ કામ કરી શકતી નથી. અથવા ઈશ્વરને ભજી શકતી પણ નથી. ગીતશાસ્ત્ર ૧૧૫:૧૭ કહે છે: ‘મૂએલાં, જેઓ કબરમાં ઊતરી જાય છે, તેઓમાંનું કોઈ યહોવા ઈશ્વરની સ્તુતિ કરતું નથી.’

શું મેલીવિદ્યા કે જંતર-મંતર કરનાર પાસેથી ગુજરી ગયેલા વિશે સાચી માહિતી મળતી નથી?

‘શું લોકોએ જીવતાંની ખાતર મરેલાં પાસે ખબર કાઢવા જવું જોઈએ?’—યશાયા ૮:૧૯.

લોકો શું કહે છે?

ઘણા દાવો કરે છે કે મેલીવિદ્યા કરનાર પાસેથી એવી માહિતી મળે છે જે ફક્ત ગુજરી ગયેલી વ્યક્તિ, તેનું કુટુંબ કે મિત્રો જાણતા હોય છે.

બાઇબલ શું કહે છે?

ઈશ્વરે આજ્ઞા આપી હતી કે મેલીવિદ્યા કરનારનો સંપર્ક કરવો નહિ. પહેલા શમૂએલનો ૨૮મો અધ્યાય જણાવે છે કે યહોવાને વફાદાર નહિ રહેનાર રાજા શાઊલે એ આજ્ઞા કઈ રીતે તોડી. ગુજરી ગયેલા શમૂએલ નામના ઈશ્વરભક્ત સાથે વાત કરવા તે મેલીવિદ્યા કરનાર એક સ્ત્રી પાસે ગયા. પણ શું એ સ્ત્રીએ ખરેખર શમૂએલ સાથે વાત કરી હતી? ના. ખરેખર તો તેણે એક ઢોંગી સાથે વાત કરી હતી, જે ગુજરી ગયેલા શમૂએલ હોવાનો દાવો કરતો હતો.

એ ઢોંગી શેતાનનો એક દુષ્ટ દૂત હતો. બાઇબલ શેતાનને “જૂઠો, અને જૂઠાનો બાપ” તરીકે ઓળખાવે છે. (યોહાન ૮:૪૪) શા માટે દુષ્ટ દૂતો એવો ઢોંગ કરે છે કે ગુજરી ગયેલાઓ જીવે છે? તેઓનો હેતુ ઈશ્વરને બદનામ કરવાનો અને તેમના શબ્દ બાઇબલને જૂઠું સાબિત કરવાનો છે.—૨ તીમોથી ૩:૧૬.

શું એનો એવો અર્થ થાય કે ગુજરી ગયેલા માટે કોઈ આશા નથી? એવું નથી! બાઇબલ વચન આપે છે કે જેઓ મરણની ‘ઊંઘમાં’ છે, તેઓને ભાવિમાં ફરી જીવતા કરવામાં આવશે. * (યોહાન ૧૧:૧૧-૧૩; પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) ત્યાં સુધી આપણે ખાતરી રાખી શકીએ કે ગુજરી ગયેલા આપણા સ્નેહીજનો કોઈ રીતે રિબાતા નથી. (g14-E 02)

^ ફકરો. 16 પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકના પ્રકરણ ૭નો વિષય છે, “તમારા ગુજરી ગયેલા ફરી જીવતા થશે!” તમે આ વેબસાઈટ પર એ ઓનલાઇન વાંચી શકો: www.pr418.com/gu.