સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય

સમયનો સારો ઉપયોગ કઈ રીતે કરવો

સમયનો સારો ઉપયોગ કઈ રીતે કરવો

તમે ઘણી વાર કહ્યું હશે, “કાશ, મારી પાસે વધારે સમય હોત.” બધા પાસે એકસરખો સમય હોય છે. જેટલો ધનવાન અને સત્તા ધરાવનારા પાસે, એટલો જ ગરીબ અને સામાન્ય લોકો પાસે. વધુમાં, ધનવાન કે ગરીબ સમયને ભેગો નથી કરી શકતા. વીતી ગયેલો સમય ક્યારેય પાછો આવતો નથી. એટલે, આપણી પાસે જે સમય હોય એનો સારો ઉપયોગ કરવામાં જ ડહાપણ છે. કઈ રીતે? અમુક લોકોને સમયનો સારો ઉપયોગ કરવા મદદ મળી છે એવી ચાર રીતો જોઈએ.

પહેલી રીત: વ્યવસ્થિત ગોઠવણ

મહત્ત્વ પારખો. બાઇબલ સલાહ આપે છે: ‘જે મહત્ત્વનું છે એ પારખી લો.’ (ફિલિપી ૧:૧૦) એવાં કામની યાદી બનાવો જે મહત્ત્વના કે તાકીદના કે બંને હોય. પણ, યાદ રાખો કદાચ જે મહત્ત્વનું હોય એ જરૂરી નથી કે તાકીદનું હોય. દાખલા તરીકે, શાકભાજી ખરીદવું. અને કદાચ જે તાકીદનું લાગતું હોય એ જરૂરી નથી કે મહત્ત્વનું હોય. જેમ કે, મનગમતા ટીવી કાર્યક્રમની શરૂઆત જોવી.

પહેલેથી વિચારો. સભાશિક્ષક ૧૦:૧૦ કહે છે: “જો કોઈ બુઠ્ઠા લોઢાને ઘસીને તેની ધાર ન કાઢે, તો તેને અધિક બળ વાપરવું પડશે; પણ સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે.” એમાંથી શું શીખી શકાય? લોઢાની ધાર કાઢવી એટલે કે પહેલેથી યોજના કરવાથી સમયનો સારો ઉપયોગ કરી શકાય છે. સમય અને શક્તિ વેડફાઈ જાય એવાં કામ કરવાનું ટાળો અથવા પછીથી કરો. જો તમારું કામ વહેલું પતી ગયું હોય અને તમને લાગે કે હજી સમય છે, તો કાલનું કામ આજે કરી નાખો. જેમ એક શાણો કારીગર લોઢાની ધાર કાઢે છે, તેમ પહેલેથી વિચાર કરવાથી સારું પરિણામ આવશે.

જીવન સાદું બનાવો. બહુ મહત્ત્વનાં ન હોય અથવા સમય વેડફી નાખતાં હોય એવાં કામો કરવાનું ટાળો. ઘણી પ્રવૃત્તિઓ અને ઘણા લોકોને મળવાથી બિનજરૂરી તણાવ વધી શકે અને આનંદ છીનવાઈ જઈ શકે.

બીજી રીત: સમય ખાઈ જતી બાબતોથી દૂર રહો

ઢીલ કરવી અને ઢચુપચું થવું. “જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે વાવશે નહિ; અને જે માણસ વાદળ જોતો રહે છે તે કાપણી કરશે નહિ.” (સભાશિક્ષક ૧૧:૪) એમાંથી શું શીખી શકાય? ઢીલ કરવાથી સમય વેડફાઈ જશે અને સમયસર કામ પૂરું નહિ થાય. ખેડૂત જો કાયમ સારા સંજોગોની રાહ જોયા કરે, તો કદી વાવી કે લણી નહિ શકે. એ જ રીતે જીવનમાં બનતી અચોક્કસ બાબતોનો વિચાર કર્યા કરીશું તો, યોગ્ય નિર્ણય નહિ લઈ શકીએ. અથવા આપણને એવું લાગે કે રજેરજ માહિતી હોય તો જ યોગ્ય નિર્ણય લઈ શકીશું. જોકે, મહત્ત્વના નિર્ણય લેતા પહેલાં સંશોધન અને વિચાર કરવાની જરૂર છે. બાઇબલ જણાવે છે: “બુદ્ધિમાન માણસ જોઈ વિચારીને આગળ વધે છે.” (નીતિવચનો ૧૪:૧૫, IBSI) પણ, હકીકત એ છે કે ઘણા નિર્ણયોમાં અમુક અચોક્કસ બાબતો સમાયેલી હોય છે.—સભાશિક્ષક ૧૧:૬.

મોટી મોટી અપેક્ષાઓ. યાકૂબ ૩:૧૭ કહે છે: “જે જ્ઞાન ઉપરથી [એટલે ઈશ્વર પાસેથી] છે” એ વાજબી છે. જોકે, મોટી મોટી અપેક્ષાઓ રાખવામાં કંઈ ખોટું નથી. પણ, કોઈ કારણથી આપણી અપેક્ષા પૂરી ન થાય તો, નિરાશ થઈ જવાય અને નિષ્ફળ ગયા હોય એવું લાગી શકે. દાખલા તરીકે, નવી ભાષા શીખવા ચાહતી વ્યક્તિએ સ્વીકારવું જોઈએ કે પોતાનાથી ભૂલો થશે અને એમાંથી જ શીખવા મળશે. પણ, એમ કરવા તૈયાર ન હોય એવી વ્યક્તિ ખોટા ઉચ્ચારના ડરથી ધ્રુજી ઉઠશે. એવું વલણ તેને પ્રગતિ કરવા દેશે નહિ. એટલે, ગજા પ્રમાણે અપેક્ષા રાખવી કેટલી મહત્ત્વની છે! નીતિવચનો ૧૧:૨ કહે છે, “નમ્ર જનો પાસે જ્ઞાન હોય છે.” તેથી, વાજબી અને નમ્ર વ્યક્તિ પોતાની પાસેથી વધારે પડતી અપેક્ષા રાખતી નથી અને પોતાની ભૂલોને હસી મજાકમાં લઈ લેશે.

“આવી બાબતો માટે તમે પૈસા ચૂકવતા નથી. પણ સમય ચૂકવો છો.”—લેખક અને મનોચિકિત્સક ચાર્લ્સ સ્પેટસૉનો.

ત્રીજી રીત: વાજબી અને સમતોલ

સમતોલ કામ અને મનોરંજન. “અતિ પરિશ્રમ કરી અને પવનને પણ પકડવાના યત્નો કરી પુષ્કળ કમાવું તે કરતાં શાંતિસહિત થોડું કમાવું વધારે સારું છે.” (સભાશિક્ષક ૪:૬, IBSI) કામ સિવાય કંઈ દેખાતું ન હોય એવી વ્યક્તિ ‘પુષ્કળ કમાઈને’ પણ, પોતાની મહેનતનાં ફળનો આનંદ માણતી નથી. તેની પાસે સમય કે શક્તિ રહેતા નથી. જ્યારે કે આળસુ વ્યક્તિ “પુષ્કળ” આરામ કરવામાં કીમતી સમય વેડફી નાખે છે. બાઇબલ સમતોલ રહેવાનું ઉત્તેજન આપે છે: મહેનત કરો અને એનાં ફળનો આનંદ માણો. એવો આનંદ “ઈશ્વરનું દાન છે.”—સભાશિક્ષક ૫:૧૯.

પૂરતી ઊંઘ લો. બાઇબલના એક લેખકે કહ્યું: ‘હું શાંતિથી સૂઈ જઈશ, તેમ જ ઊંઘી પણ જઈશ.’ (ગીતશાસ્ત્ર ૪:૮) શરીર અને મગજને પૂરતો આરામ મળે અને લાગણીઓ કાબૂમાં રહે, એ માટે મોટા ભાગે વ્યક્તિને રાતના આઠ કલાકની ઊંઘ જોઈએ. મગજની વાત આવે છે ત્યારે, પૂરતો આરામ લેવાના અનેક ફાયદા છે. જેમ કે, કામમાં અને શીખવામાં મન લાગશે તેમ જ, યાદશક્તિ વધશે. પૂરતી ઊંઘ ન લેવાથી મગજ બરાબર કામ નહિ કરે, અકસ્માત અને ભૂલો થઈ શકે. તેમ જ, ચીડિયો સ્વભાવ થઈ શકે.

યોગ્ય ધ્યેય બાંધો. ‘કશાની ઇચ્છા રાખવા કરતાં જે છે તેનાથી સંતુષ્ટ રહેવું તે સારું છે.’ (સભાશિક્ષક ૬:૯) એમાંથી શું શીખી શકાય? શાણી વ્યક્તિ પોતાની ઇચ્છાઓને જીવન પર હાવી થવા દેશે નહિ. ખાસ કરીને એવી ઇચ્છાઓ જે પૂરી કરવી શક્ય ન હોય અથવા વાસ્તવિક ન હોય. તેમ જ, જાહેરાતો અથવા સહેલાઈથી પૈસા બનાવવાની લાલચમાં આવી નહિ જાય. અને “કશાની ઇચ્છા રાખવા કરતા” પોતાની પાસે જે છે એમાં સંતોષ માનશે.

ચોથી રીત: સારા સંસ્કાર પ્રમાણે જીવવું

તમારા સંસ્કારનું મહત્ત્વ સમજો. યોગ્ય, સારું અને મહત્ત્વનું શું છે એ પારખવા તમારા સંસ્કારો મદદ કરશે. દાખલા તરીકે, જો જીવન એક તીર હોય તો, સારા સંસ્કાર નિશાન ચીંધશે. સારા સંસ્કાર તમને જીવનમાં મહત્ત્વનું શું છે એ પહોંચી વળવા અને દરેકે દરેક પળનો સદુપયોગ કરવા મદદ કરશે. એવા સંસ્કાર ક્યાંથી મળી શકે? ઘણા લોકો બાઇબલ વાંચે છે અને એમાંથી મળતું ઉત્તમ માર્ગદર્શન પારખી શકે છે.—નીતિવચનો ૨:૬, ૭.

પ્રેમને મહત્ત્વનો ગણો. કોલોસી ૩:૧૪ કહે છે, ‘પ્રેમ સંપૂર્ણતાનું બંધન છે.’ પ્રેમ વગર આપણને ક્યારેય સાચી ખુશી મળતી નથી અને લાગણીઓનું રક્ષણ થતું નથી, ખાસ કરીને કુટુંબમાં. એનો નકાર કરે છે તેઓ પૈસા કમાવા અને ઉચ્ચ કારકિર્દી મેળવવાને વધારે મહત્ત્વનું ગણે છે. જોકે, તેઓ હકીકતમાં ખુશ હોતા નથી. એટલે જ, બાઇબલમાં પ્રેમને સર્વશ્રેષ્ઠ ગુણ કહેવામાં આવ્યો છે અને હજારો વખત એનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.—૧ કોરીંથી ૧૩:૧-૩; ૧ યોહાન ૪:૮.

ઈશ્વર વિશે જાણવા સમય કાઢો. જેફને પ્રેમાળ પત્ની, બે બાળકો અને સારા મિત્રો છે. ઍમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર આપવાનું કામ કરતા હોવાને લીધે તે સારા પૈસા કમાતા હતા. જોકે, તેમની નોકરીને લીધે તેમણે દરરોજ લોકોને પીડાતા અને મરણ પામતા જોવા પડતા. તે પૂછતા, “શું આ જ જીવન કહેવાય?” પછી એક દિવસે તેમણે યહોવાના સાક્ષીઓનું સાહિત્ય વાંચ્યું, જેમાંથી તેમને સંતોષકારક જવાબો મળ્યા.

જેફ જે શીખતા હતા એ પત્ની અને બાળકોને પણ જણાવતા. એટલે, તેઓ પણ એમાં રસ લેવા લાગ્યા. આખા કુટુંબે બાઇબલ અભ્યાસ કરવાનું શરૂ કર્યું, જેનાથી તેઓનું જીવન વધુ સુખી બન્યું. સમયનો સારો ઉપયોગ કરવા પણ મદદ મળી. બાઇબલ અભ્યાસ કરવાથી તેમને આ પૃથ્વી પર કાયમ જીવવાની આશા મળી, જેમાં જીવન નકામું નહિ હોય અને કોઈ દુઃખ નહિ હોય.—પ્રકટીકરણ ૨૧:૩, ૪.

જેફનો અનુભવ ઈસુના આ શબ્દોની યાદ અપાવે છે, “જેઓને ન્યાયીપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે.” (માથ્થી ૫:૬) ઈશ્વર વિશે જાણવા શું તમે થોડો સમય કાઢી શકો? કાયમનું જીવન મેળવવા જરૂરી ડહાપણ આપે એવું બીજું કંઈ નથી. (g14-E 02)