સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

મુખ્ય વિષય | જીવનથી કેમ હારવું ન જોઈએ?

૨ મદદ મળે છે

૨ મદદ મળે છે

‘તમારી સર્વ ચિંતા ઈશ્વર પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે.’—૧ પીતર ૫:૭.

એવું લાગે કે સંજોગો સુધારવા તમારા હાથમાં નથી ત્યારે, જીવન ટૂંકાવી નાખવાનો વિચાર આવી શકે. પણ, ચાલો તમને મદદ કરે એવી અમુક ગોઠવણ તપાસીએ.

પ્રાર્થના. એવું નથી કે મનને મનાવવા ખાતર કે નાછૂટકે પ્રાર્થના કરવી જોઈએ. પણ પ્રાર્થના કરવાથી આપણે યહોવા ઈશ્વર સાથે વાત કરીએ છીએ, જે આપણી ચિંતા કરે છે. યહોવા ચાહે છે કે તમે તમારી ચિંતાઓ તેમના પર ઠાલવો. હકીકતમાં, બાઇબલ આપણને આમ કરવાનું ઉત્તેજન આપે છે: “તારો બોજો યહોવા પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે.”—ગીતશાસ્ત્ર ૫૫:૨૨.

કેમ નહિ કે આજે ઈશ્વર સાથે પ્રાર્થનામાં વાત કરો? યહોવા ઈશ્વરનું નામ લઈને દિલ ખોલીને પ્રાર્થના કરો. (ગીતશાસ્ત્ર ૬૨:૮) યહોવા ચાહે કે તમે તેમને મિત્ર તરીકે ઓળખો. (યશાયા ૫૫:૬; યાકૂબ ૨:૨૩) પ્રાર્થના એવી એક ગોઠવણ છે જેના દ્વારા, તમે યહોવા સાથે કોઈ પણ સમયે અને જગ્યાએ વાત કરી શકો છો.

આત્મહત્યા રોકતી અમેરિકાની એક સંસ્થા આમ જણાવે છે: ‘અભ્યાસ પરથી વારંવાર જોવા મળ્યું છે કે આત્મહત્યા કરનારાઓમાં ૯૦ ટકા કે એનાથી વધારે લોકો માનસિક બીમારીથી પીડાતા હતા. જોકે, મોટાભાગના લોકો એ બીમારીથી અજાણ હતા, પૂરતી માહિતી ન હતી કે સારવાર મળી ન હતી.’

તમને ચાહતા લોકો. બીજાઓ માટે પણ તમારું જીવન બહુ કીમતી છે. જેમ કે, કુટુંબના સભ્યો કે મિત્રો, જેઓને તમારા પર પ્રેમ છે. તેમ જ, એવા લોકો, જેઓને તમે ક્યારેય મળ્યા નથી. દાખલા તરીકે, સેવાકાર્યમાં અમુક વખતે યહોવાના સાક્ષીઓને એવા લોકોને મળ્યા છે, જેઓ જીવનથી નિરાશ થઈ ગયા હોય. અમુકે કબૂલ્યું છે કે તેઓને મદદની જરૂર હતી અને આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા હતા. એવા લોકોને મદદ કરવાની અજોડ તક યહોવાના સાક્ષીઓને ઘર-ઘરના સેવાકાર્યમાં મળી છે. ઈસુના પગલે ચાલતા સાક્ષીઓ પોતાના પાડોશીઓને ખૂબ પ્રેમ કરે છે. તેઓ તમને પણ ખૂબ પ્રેમ કરે છે.—યોહાન ૧૩:૩૫.

ડૉક્ટરની મદદ લો. જીવન ટૂંકાવવાના વિચારો આવે તો મોટા ભાગે માનસિક બીમારી હોય શકે. જેમ કે, ડિપ્રેશન. શારીરિક બીમારીની જેમ માનસિક બીમારી વિશે પણ શરમાવાની જરૂર નથી. અમુક નિષ્ણાતો ડિપ્રેશનને “શરદી સાથે સરખાવે છે.” શરદીની જેમ કોઈ પણ વ્યક્તિને જીવનના અમુક સંજોગોમાં ડિપ્રેશન થઈ શકે છે અને સારવારથી મટાડી શકાય છે. *

યાદ રાખો: તમે જાતે ડિપ્રેશનમાંથી બહાર આવો એ મોટાભાગે શક્ય નથી. પણ કોઈની મદદથી તમે સફળ થઈ શકો છો.

તમે શું કરશો: ડિપ્રેશન જેવી માનસિક બીમારીની સારવાર કરતા હોય એવા સારા ડૉક્ટરની શોધ કરો.

^ ફકરો. 8 જો તમને વારંવાર આત્મહત્યા કરવાના વિચારો આવે તો, તપાસ કરો કે ક્યાંથી મદદ મળી શકે. જેમ કે, આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન અથવા હૉસ્પિટલ. ત્યાં તાલીમ પામેલા લોકો હોય છે જેઓ તમને જરૂરી સલાહસૂચન આપી શકે.