સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

નિરાશામાં આશા મળી

નિરાશામાં આશા મળી

હું પાણીમાં ઊંધો પડેલો હતો. મેં શ્વાસ લેવા મોં બહાર કાઢવાની કોશિશ કરી. પણ, મારા ખભાના સ્નાયુઓ જરાય હાલ્યા નહિ. હું ખૂબ ડરી ગયો. પાણીમાં સીધા થવાનો મેં પ્રયત્ન કર્યો. પણ, મારા હાથ અને પગ હલાવી ન શક્યો. મારાં ફેફસાંમાં પાણી ભરાવા લાગ્યું. ૧૯૯૧નો એ ઉનાળાનો દિવસ હતો, જ્યારે પળવારમાં મારું જીવન સાવ બદલાઈ ગયું.

મારો જન્મ હંગેરીના સિરિન્ચ શહેરમાં થયો. પણ મારો ઉછેર હંગેરીના ઉત્તરપૂર્વમાં આવેલા ટિસલાડૉન ગામમાં થયો. જૂન ૧૯૯૧માં, હું અને મારા અમુક મિત્રો ટિઝા નદીને કાંઠે એક અજાણ્યા વિસ્તારમાં ગયા. પાણી ઊંડું હશે એમ ધારીને મેં એમાં ડૂબકી લગાવી. પણ, એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. એના લીધે, મારી બોચીના ત્રણ મણકા ભાંગી ગયા અને કરોડરજ્જુને પણ ઘણું નુકસાન થયું. મારા મિત્રોએ જોયું કે હું જરા પણ હલતો નથી. એટલે, તેઓએ મને સાચવીને બહાર કાઢ્યો, જેથી હું ડૂબી ન જાઉં.

હું ભાનમાં હતો એટલે મને ખ્યાલ આવી ગયો કે મને ગંભીર ઇજા થઈ છે. કોઈએ તાત્કાલિક સારવાર વિભાગનો સંપર્ક કર્યો. એક હેલિકૉપ્ટર આવ્યું અને મને દવાખાને લઈ ગયું. ત્યાં ડૉક્ટરોએ મારી કરોડરજ્જુનું ઑપરેશન કર્યું, જેથી એને વધારે નુકસાન ન થાય. પછીથી મને હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં આવેલા સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો. ત્યાં હું ત્રણ મહિના સુધી પથારીમાં હાલ્યા વગર સીધો પડી રહ્યો. જોકે, હું મારું માથું હલાવી શકતો હતો. પણ, ખભા નીચેના મારા આખા શરીરનું હલનચલન બંધ થઈ ગયું. ૨૦ વર્ષની ઉંમરે જ હું અપંગ થઈ ગયો હોવાથી મારું જીવન બીજાઓ પર આધારિત હતું. હું એટલો બધો નિરાશ થઈ ગયો કે મારે જીવવું જ ન હતું.

હૉસ્પિટલમાંથી મને ઘરે જવાની રજા મળી. એ પહેલાં મારાં માબાપને ખાસ તાલીમ આપવામાં આવી, જેથી તેઓ મારી કાળજી લઈ શકે. પણ એ તેઓ માટે ખૂબ અઘરું હતું. તેઓ ખૂબ થાકી જતા અને મારી હાલત જોઈને તેઓની લાગણીઓ દુભાતી. લગભગ એક વર્ષમાં હું ડિપ્રેશનમાં સરી પડ્યો. એ સમયે, મેં ડૉક્ટર પાસેથી સારવાર લીધી અને તેમણે મારી તકલીફને લઈને મારા વિચારો સુધારવા મદદ કરી.

આ સમયે હું જીવન વિશે ખરેખર વિચારવા લાગ્યો. શું જીવનનો કોઈ હેતુ છે? મારા પર આ દુઃખ કેમ આવી પડ્યું? એના જવાબો મેળવવા મેં ઘણાં પુસ્તકો વાંચ્યાં. બાઇબલ વાંચવાનો પણ પ્રયત્ન કર્યો, પણ બહુ સમજણ ન પડી. એટલે એને આગળ વાંચવાનું છોડી દીધું. મેં પાદરી સાથે પણ વાત કરી. પણ તેમની પાસેથી કંઈ સંતોષકારક જવાબો મળ્યા નહિ.

૧૯૯૪ની વસંતઋતુના એક દિવસે, યહોવાના સાક્ષીઓએ મારા પપ્પા સાથે વાત કરી. પછી પપ્પાએ તેઓને મારી સાથે વાત કરવા જણાવ્યું. તેઓ કહેવા લાગ્યા કે એવો સમય આવશે જ્યારે યહોવા ઈશ્વર ધરતીને સુંદર મજાની બનાવી દેશે. ત્યારે કોઈ પણ દુઃખ-તકલીફો નહિ હોય. તેઓની વાત સાંભળવામાં સારી લાગી, પણ એ મારા માટે દિવસે સ્વપ્ન જોવા જેવું હતું. તોપણ, બાઇબલ વિશે મેં તેઓ પાસેથી બે પુસ્તકો લીધાં. એ પુસ્તકો મેં વાંચી કાઢ્યાં. યહોવાના સાક્ષીઓએ બાઇબલમાંથી શીખવા મને ઑફર કરી. તેઓની ઑફર મેં સ્વીકારી. તેઓએ મને પ્રાર્થના કરવા પણ ઉત્તેજન આપ્યું.

ઈશ્વરને મારી ફિકર છે, એમાં મને પૂરો વિશ્વાસ બેઠો

જેમ જેમ અમારી ચર્ચા આગળ વધી, તેમ તેમ મારા સવાલોના જવાબ બાઇબલમાંથી મળવા લાગ્યા. ઈશ્વરને મારી ફિકર છે, એમાં મને પૂરો ભરોસો બેઠો. હું બાઇબલમાંથી બે વર્ષ સુધી શીખ્યો. પછી, ૧૯૯૭ના સપ્ટેમ્બર ૧૩ના રોજ મેં ઘરમાં બાથટબની અંદર બાપ્તિસ્મા લીધું. એ મારા જીવનનો સૌથી આનંદી દિવસ હતો.

વર્ષ ૨૦૦૭માં હું બુડાપેસ્ટમાં અપંગ લોકોના ઘરમાં કાયમ માટે રહેવા ગયો. એ નિર્ણયથી યહોવા ઈશ્વર વિશે શીખેલી સુંદર બાબતો બીજાઓને જણાવવા મને ઘણી તક મળી. દાઢીથી કંટ્રોલ કરી શકાય એવી કૉમ્પ્યુટર પ્રોગ્રામવાળી વ્હિલચૅર મને મળી. એ માટે હું ખૂબ આભારી હતો. મોસમ સારી હોય ત્યારે એમાં બેસીને હું બહાર જતો અને લોકો સાથે વાત કરતો.

મારા મંડળના એક કુટુંબે ઉદાર બનીને મને પૈસેટકે મદદ કરી. એનાથી હું એક લેપટૉપ લઈ શક્યો, જે મારા માથાનું હલનચલન પારખીને કામ કરે છે. મંડળનાં ભાઈ-બહેનો લોકોને ખુશખબર જણાવવા જાય અને તેઓ ઘરે ન મળે ત્યારે, હું તેઓને ઇન્ટરનેટ દ્વારા ફોન કરું છું અને લેપટૉપથી પત્રો લખું છું. લોકોને આ રીતે મદદ કરવાથી હું સારી રીતે વાત કરતા અને પત્રો લખતા શીખ્યો છું. આમ, મારા દુઃખ પરથી મારું ધ્યાન હટાવી શકું છું.

મારા માથાનું હલનચલન પારખીને કામ કરતા લેપટૉપથી, લોકોને હું બાઇબલનો સંદેશો જણાવી શકું છું

હવે હું મંડળની સભાઓમાં પણ જઈ શકું છું. રાજ્યગૃહમાં પહોંચું ત્યારે અમુક ભાઈઓ મને વ્હીલચૅરમાં ઉંચકીને પહેલા માળ પર આવેલી સભાની જગ્યાએ લઈ જાય છે. સભાઓમાં જ્યારે સવાલો પૂછવામાં આવે ત્યારે, મારી બાજુમાં બેસતા ભાઈ મારા માટે પોતાનો હાથ ઊંચો કરે છે. હું જવાબ આપી શકું એ માટે તે મારું બાઇબલ કે પુસ્તક પકડી રાખે છે.

મારા આખા શરીરમાં કાયમ દુઃખાવો રહે છે અને બધી જ બાબતમાં હું બીજાઓ પર નભું છું. નિરાશ કરતી લાગણીઓમાં ઘણી વાર ઘેરાઈ જાઉં છું. તોપણ, યહોવા ઈશ્વર સાથે મારી દોસ્તી હોવાથી, મને એમાં દિલાસો મળે છે. તે મારી પ્રાર્થનાઓ સાંભળે છે, એટલે હું તેમની આગળ મારું હૈયું ઠાલવી શકું છું. તેમ જ, બાઇબલ વાંચવાથી અને ભાઈ-બહેનોની સંગતથી મને શક્તિ મળે છે. તેઓની દોસ્તી, દિલાસો અને પ્રાર્થનાઓથી મારી લાગણીઓ કાબૂમાં રાખવા મને મદદ મળી છે.

જ્યારે મને સૌથી વધારે જરૂર હતી, ત્યારે યહોવાએ મને નિરાશામાં આશા આપી. તેમણે મને સુંદર આશા આપી છે કે આવનાર નવી દુનિયામાં મારાં બધાં દુઃખો કાયમ માટે દૂર થશે અને હું પૂરેપૂરો તંદુરસ્ત હોઈશ. હું એ સમય જોવા તડપું છું, જ્યારે હું ‘ચાલી શકીશ, કૂદી શકીશ અને ઈશ્વરની સ્તુતિ કરી શકીશ.’ તેમની અપાર કૃપા અને પ્રેમ માટે સદા આભાર માનીશ.—પ્રેરિતોનાં કૃત્યો ૩:૬-૯. (g14-E 11)