સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાળકો તમને અનુસરી શકે એવો દાખલો બેસાડો

માબાપ માટે

૮: દાખલો બેસાડો

૮: દાખલો બેસાડો

એનો શું અર્થ થાય?

પોતાનાં બાળકો માટે સારો દાખલો બેસાડવા માંગતા, માબાપ જે શીખવે છે એ પોતે પણ કરે છે. દાખલા તરીકે, જો કોઈ તમને ઘરે મળવા આવે અને તમે તેમની સાથે વાત કરવા ન માગતા હો, તો તમે દીકરાને કહેશો, “બેટા, કહી દે ને કે હું ઘરે નથી.” પછી, શું તમે અપેક્ષા રાખી શકો કે તમારો દીકરો તમારી સાથે સાચું બોલે?

‘તમે લોકોને આવું બોલતા સાંભળ્યા હશે, “હું જે કરું એ નહિ, હું જે કહું એ કરો.” પરંતુ, એ અભિગમ બાળકો સામે નહિ ચાલે. જેમ સ્પંજ આજુબાજુનું બધું શોષી લે છે, તેમ બાળકો પણ આપણે જે કહીએ કે કરીએ એવું જ કરે છે. જે શીખવીએ એ પ્રમાણે પોતે નહિ કરીએ તો, તેઓ તરત પારખી જશે.’—ડેવિડ.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: “‘ચોરી ન કરવી’ એવો ઉપદેશ આપનાર, શું તું પોતે ચોરી કરે છે?”—રોમનો ૨:૨૧.

એ કેમ મહત્ત્વનું છે?

બાળકો અને તરુણો પર તેઓના મિત્રો કરતાં પણ વધારે અસર માબાપની થતી હોય છે. એનો અર્થ એમ થાય કે, તમારાં બાળકને સાચા માર્ગે દોરવાનું કામ ફક્ત તમે જ કરી શકો છો. જોકે, એ માટે જરૂરી છે કે, તમે જે કહો છો એ પ્રમાણે પહેલા પોતે કરો.

‘આપણે એક વાતનું કેટલીય વાર રટણ કરીએ છીએ, તોપણ બાળક એ સાંભળે છે કે નહિ એની આપણને ખબર હોતી નથી. પરંતુ, જો આપણે શીખવેલી બાબત એકાદ વાર પણ ચૂકી જઈએ તો, બાળક તરત ધ્યાન દોરશે. આપણે જે કંઈ કરીએ છીએ એના પર બાળકોનું ધ્યાન હોય છે, પછી ભલેને આપણને એવું લાગે કે તેઓ પોતાની મસ્તીમાં છે.’—નિકોલ.

પવિત્ર શાસ્ત્રનો સિદ્ધાંત: ‘જે ડહાપણ સ્વર્ગમાંથી છે, એમાં ઢોંગ નથી.’—યાકૂબ ૩:૧૭.

તમે શું કરી શકો?

પોતાનાં ધોરણોની પરખ કરો. તમે કેવું મનોરંજન પસંદ કરો છો? તમારા સાથી અને બાળકો સાથે તમે કઈ રીતે વર્તો છો? તમારા મિત્રો કેવા છે? શું તમે બીજાઓનો વિચાર કરો છો? ટૂંકમાં કહીએ તો, તમે બાળકોને જેવા બનાવવા ચાહો છો એવા શું તમે પોતે છો?

‘હું અને મારા પતિ અમારાં બાળકોને એવું કંઈ કરવાનું કહેતા નથી જે અમે પોતે ન કરતા હોય.’—ક્રિસ્ટીન.

પોતાની ભૂલો માટે માફી માંગો. તમારાં બાળકો જાણે છે કે તમે અપૂર્ણ છો. એટલે તમે અને તમારા સાથીએ જરૂર પડે ત્યારે, “સોરી” બોલતા અચકાવું ન જોઈએ. એનાથી તમે બાળકોને પ્રમાણિકતા અને નમ્રતાનો મહત્ત્વનો બોધપાઠ શીખવી શકો છો.

‘આપણાં બાળકો જોઈ શકતા હોવા જોઈએ કે, આપણે પોતાની ભૂલો કબૂલ કરીએ છીએ અને માફી માંગીએ છીએ. જો આપણે એમ નહિ કરીએ, તો તેઓ પણ પોતાની ભૂલો નહિ સ્વીકારે.’—રોબીન.

‘બાળકો પર આપણા દાખલાની ઊંડી છાપ પડે છે. આપણા દાખલા દ્વારા તેઓ ઘણું શીખી શકે છે, કારણ કે તેઓ દર વખત આપણી સાથે હોય છે. આપણો દાખલો તેઓ માટે એક પુસ્તક જેવો છે, જે તેઓ આગળ ખુલ્લું છે. એમાંથી તેઓ હંમેશાં શીખી શકે છે.’—વેન્ડલ.