સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

એક બાઇબલ—રોજિંદા જીવનની ભાષામાં

એક બાઇબલ—રોજિંદા જીવનની ભાષામાં

એલન એસ. ડથ્થી નામના નિષ્ણાતે પોતાના એક પુસ્તકમાં લખ્યું: ‘જો તમે માનતા હો કે બાઇબલ ઈશ્વરનો શબ્દ છે, તો એનો અર્થ થાય કે ઈશ્વર આપણી સાથે વાત કરી રહ્યા છે. જો તમારા ધર્મની તમારા આખા જીવન પર અસર થતી હોય, તો બાઇબલની ભાષા તમારા રોજિંદા જીવનની ભાષા હોવી જોઈએ.’—બાઇબલ ટ્રાન્સલેશન્સ એન્ડ હાઉ ટુ ચૂઝ બિટવીન ધેમ.

બાઇબલને પ્રેમ કરનારા લોકો એ શબ્દો સાથે દિલથી સહમત છે. તેઓ દૃઢપણે માને છે કે, “આખું પવિત્ર શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયું છે અને શીખવવા, ઠપકો આપવા, સુધારવા અને ઈશ્વરનાં ખરાં ધોરણો પ્રમાણે શિસ્ત આપવા માટે ઉપયોગી છે.” (૨ તિમોથી ૩:૧૬) બાઇબલ કંઈ જૂનું-પુરાણું પુસ્તક નથી, પણ એ તો ‘જીવંત અને શક્તિશાળી’ છે. (હિબ્રૂઓ ૪:૧૨) એમાં રોજબરોજના જીવનમાં આવતી મુશ્કેલીઓના વ્યવહારુ ઉકેલ આપવામાં આવ્યા છે. લોકો એને સમજી શકે અને પોતાના જીવનમાં લાગુ પાડી શકે માટે એની ભાષા રોજિંદા જીવનમાં વપરાતી ભાષા જ હોવી જોઈએ. એમ પણ, બાઇબલનો નવો કરાર તરીકે ઓળખાતો ભાગ એ સમયની રોજિંદા જીવનમાં વપરાતી ગ્રીક ભાષામાં લખાયો હતો; નહિ કે, પ્લેટો જેવા ફિલોસોફર વાપરતા હતા એવી સાહિત્યની ભાષામાં. હા, બાઇબલ એવી સરળ ભાષામાં લખવામાં આવ્યું હતું, જેથી સામાન્ય લોકો એને વાંચી અને સમજી શકે.

એ જ હેતુ મનમાં રાખીને હાલનાં વર્ષોમાં આધુનિક ભાષામાં અનેક બાઇબલ અનુવાદો બહાર પાડવામાં આવ્યા છે. મોટા ભાગના કિસ્સાઓમાં, એનાથી લોકોને ઘણો ફાયદો થયો છે. સામાન્ય લોકો માટે પણ બાઇબલ મેળવવું સહેલું બની ગયું છે. તેમ છતાં, સચોટતા અને સ્પષ્ટતાની વાત આવે ત્યારે, ઘણી આવૃત્તિઓ એમાં થાપ ખાઈ ગઈ છે. દાખલા તરીકે, અમુક આવૃત્તિઓ સાચા ઈશ્વરના નામ અને મૂએલાની સ્થિતિ વિશેના બાઇબલના સ્પષ્ટ શિક્ષણને ગૂંચવણભર્યું બનાવે છે.

તેથી, બાઇબલને પ્રેમ કરનારા લોકો ગુજરાતી ભાષામાં બહાર પડેલા નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોને આવકારે છે. યહોવાના સાક્ષીઓએ રવિવાર એપ્રિલ ૨૪, ૨૦૧૬ના રોજ આ ભાષાંતર બહાર પાડ્યું. અમે તમને ઉત્તેજન આપીએ છીએ કે, તમે jw.org/gu પરથી એને ડાઉનલોડ કરો અથવા ઓનલાઇન વાંચો. ભાષાંતરકારોએ પોતાના કામ પર ધાર્મિક માન્યતાની અસર થવા દીધી નથી. એટલે, બહાર પાડેલું ભાષાંતર એકદમ ચોકસાઈભર્યું છે. ગુજરાતી ભાષામાં બાઇબલની એવી ઊંડી સમજણ મેળવવી પહેલાં ક્યારેય શક્ય ન હતું, પણ હવે એ શક્ય બન્યું છે. તમને કદાચ થાય કે, એ ઉત્તમ ભાષાંતરનો શ્રેય કોને જવો જોઈએ?

ભાષાંતરકારોએ ઈશ્વરને મહિમા આપ્યો

ખરું કે, ગુજરાતી ભાષા બોલતા લોકોને નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો નવું નવું લાગતું હશે. પરંતુ, એની અંગ્રેજી આવૃત્તિ ૧૯૫૦થી પ્રાપ્ય છે, જે વૉચ ટાવર બાઇબલ ઍન્ડ ટ્રૅક્ટ સોસાયટી દ્વારા બહાર પાડવામાં આવી હતી. એ એક આંતરરાષ્ટ્રીય બાઇબલ સંસ્થા છે, જે વર્ષોથી બાઇબલ બહાર પાડે છે. સપ્ટેમ્બર ૧૫, ૧૯૫૦ ધ વૉચટાવરમાં જણાવવામાં આવ્યું હતું: ‘જે માણસોથી ભાષાંતર સમિતિ રચાઈ હતી તેઓએ પોતાની ઇચ્છા પ્રદર્શિત કરી હતી . . . અનામ રહીને અને પોતે જીવે ત્યાં સુધી કે મરી ગયા પછી તેઓ પોતાનું નામ પ્રકાશિત કરવા ઇચ્છતા ન હતા. ભાષાંતરનો હેતુ જીવંત, સાચા ઈશ્વરના નામને મોટું મનાવવાનો છે.’

ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રીપ્ચર્સનો આખો ભાગ ૧૯૬૧માં બહાર પાડવામાં આવ્યો હતો. એના ભાષાંતરકારોના નામ આજ દિન સુધી ગુપ્ત રાખવામાં આવ્યાં છે. એ ભાષાંતરકારોના ઇરાદા અને કામ પ્રત્યેની નિષ્ઠા પર કોઈ સવાલ ઉઠાવી શકે એમ નથી. ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ૨૦૧૩ આવૃત્તિની પ્રસ્તાવનામાં આમ જણાવવામાં આવ્યું છે: ‘બાઇબલનો સંદેશો ખૂબ જ મહત્ત્વનો છે, એ વાત ધ્યાનમાં રાખીને અને બાઇબલના સંદેશા પ્રત્યે ઊંડું માન રાખીને અમે એની સુધારેલી આવૃત્તિ બહાર પાડવાનો નિર્ણય લીધો છે. એની માહિતીને ચોકસાઈભરી રીતે રજૂ કરવી એક મોટી જવાબદારી છે, જેનો અમને પૂરો અહેસાસ છે. આ આવૃત્તિ પાછળનો અમારો ઇરાદો એક એવું ભાષાંતર બહાર પાડવાનો છે, જે ચોકસાઈભર્યું, સ્પષ્ટ તેમજ વાંચવામાં સહેલું હોય.’

આ ભારે જવાબદારી હાથ ધરવા શું ભાષાંતર સમિતિના ભાઈઓ સક્ષમ હતા? અમુક નિષ્ણાતો પોતાનો અસંતોષ વ્યક્ત કરતા દલીલ કરે છે કે, ભાષાંતરકારોનાં નામ અને ભણતર જાહેર કરવામાં ન આવ્યા હોય, એવા ભાષાંતરને મંજૂરી આપવી ન જોઈએ. કારણ કે, એ તો શિખાઉ ભાષાંતરકારોએ બહાર પાડેલું છે. જોકે, બધા જ નિષ્ણાતો એવો વિચાર ધરાવતા નથી. એલન એસ. ડથ્થી લખે છે: ‘કોઈ ભાષાંતર સારું છે કે નહિ એનો નિર્ણય લેવા શું એ જાણવું જરૂરી છે કે, એના ભાષાંતરકારો કે પ્રકાશકો કોણ છે? એ જરૂરી નથી. ભાષાંતર પોતે સાબિત કરશે કે, એ કેટલું સારું છે. એને તપાસવાનો બીજો કોઈ પર્યાય નથી.’ *

આજ સુધીમાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન આખેઆખું કે અમુક ભાગમાં ૧૩૫ ભાષાઓમાં બહાર પાડવામાં આવ્યું છે; એની ૨૧ કરોડ ૪૦ લાખ કરતાં વધારે પ્રતો છાપવામાં આવી છે. ઘણા વાચકોને એની કઈ ખાસિયતો જોવા મળી છે?

એક ભાષાંતર, જે ઈશ્વરના નામને પવિત્ર મનાવે છે

ઈસુએ તેમના શિષ્યોને પ્રાર્થના કરતા શીખવ્યું: “હે સ્વર્ગમાંના અમારા પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.” (માથ્થી ૬:૯) મોટા ભાગના ભાષાંતરોમાં ઈશ્વરનું નામ આપવામાં આવ્યું નથી, પણ એને બદલે “ઈશ્વર” કે “પ્રભુ” જેવા ખિતાબો વાપરવામાં આવ્યા છે. જોકે, મૂળ લખાણોમાં એવું ન હતું. મૂળ હિબ્રૂ શાસ્ત્રવચનોમાં ઈશ્વરનું નામ, યહોવા લગભગ ૭,૦૦૦ વખત વપરાયું હતું. (નિર્ગમન ૩:૧૫; ગીતશાસ્ત્ર ૮૩:૧૮) એ પછીનાં વર્ષોમાં, અમુક ખોટી માન્યતાને લીધે યહુદીઓ એ નામ વાપરતા ડરવા લાગ્યા અને એ નામ વાપરવાનું બંધ કરી દીધું. ઈસુના શિષ્યોના મરણ પછી ખ્રિસ્તી મંડળમાં પણ એ માન્યતાએ પગપેસારો કર્યો. (પ્રેરિતોનાં કાર્યો ૨૦:૨૯, ૩૦; ૧ તિમોથી ૪:૧) શાસ્ત્રના ગ્રીક ભાગની નકલ ઉતારનાર લોકો ઈશ્વરના નામને બદલે ગ્રીક શબ્દો કીરીઓસ અને થીઓસ વાપરવા લાગ્યા, જેનો અર્થ “પ્રભુ” અને “ઈશ્વર” થાય છે.

 

ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની મદદથી લાખો લોકો પોતાની ભાષામાં બાઇબલ વાંચી શકે છે અને ઈશ્વરનું નામ જાણી શકે છે

ન્યૂ વર્લ્ડ બાઇબલ ટ્રાન્સલેશન સમિતિએ એક હિંમતવાળું પગલું ભર્યું. તેણે ગ્રીક શાસ્ત્રવચનોમાં (“નવા કરાર”) યહોવાનું નામ એની મૂળ જગ્યાએ પાછું મૂક્યું. ગ્રીક શાસ્ત્રવચનોમાં એ નામ ૨૩૭ વખત જોવા મળે છે. એ નામ પાછું મૂકવાનો નિર્ણય ભાષાંતરકારોના વિચારો કે લાગણીઓને આધારે નહિ, પણ સચોટ અને ઊંડા સંશોધનને આધારે લેવામાં આવ્યો છે. દાખલા તરીકે, લુક ૪:૧૮ના શબ્દો યશાયા ૬૧:૧માંથી ટાંકવામાં આવ્યા છે. મૂળ હિબ્રૂ પ્રતોમાં યશાયાની એ કલમમાં “યહોવા” નામ જોવા મળે છે. * તેથી, યોગ્ય રીતે જ નવી દુનિયા ભાષાંતરમાં લુક ૪:૧૮નું ભાષાંતર આમ કરવામાં આવ્યું છે: “યહોવાની શક્તિ મારા પર છે, કેમ કે ગરીબોને ખુશખબર જાહેર કરવા તેમણે મને અભિષિક્ત કર્યો છે.”

એ માહિતીને આધારે આપણે જાણી શકીએ છીએ કે, યહોવા અને તેમના એકનાએક દીકરા, ઈસુ ખ્રિસ્ત બંને અલગ અલગ વ્યક્તિઓ છે. દાખલા તરીકે, અમુક ભાષાંતરમાં માથ્થી ૨૨:૪૪ આમ વંચાય છે: “પ્રભુએ મારા પ્રભુને કહ્યું.” (ઓ.વી.) પણ, કોણ કોને કહી રહ્યું છે એ ખ્યાલ આવતો નથી. હકીકતમાં, એ કલમ ગીતશાસ્ત્ર ૧૧૦:૧માંથી ટાંકવામાં આવી છે. મૂળ હિબ્રૂ પ્રતમાં એ કલમમાં યહોવાનું નામ જોવા મળે છે. તેથી, ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનમાં માથ્થી ૨૨:૪૪નું ભાષાંતર આમ કરવામાં આવ્યું છે: “યહોવાએ મારા પ્રભુને કહ્યું.” આમ, શાસ્ત્રવચનો સાફ બતાવે છે કે, ઈશ્વર યહોવા અને તેમના પુત્ર ઈસુ બંને અલગ વ્યક્તિઓ છે. (માર્ક ૧૩:૩૨; યોહાન ૮:૧૭, ૧૮; ૧૪:૨૮) એ ભેદ જાણવો ખૂબ જરૂરી છે, કારણ કે એમાં આપણું જીવન સમાયેલું છે. પ્રેરિતોનાં કાર્યો ૨:૨૧ કહે છે: “જે કોઈ યહોવાને નામે પોકાર કરશે, તે ઉદ્ધાર પામશે.”

સચોટ અને સ્પષ્ટ

ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનની બીજી પણ અમુક જોરદાર ખાસિયતો છે. વેસ્ટકોટ અને હૉર્ટ દ્વારા તૈયાર કરેલા સૌથી સચોટ ગ્રીક લખાણમાંથી એનું ભાષાંતર કરવામાં આવ્યું છે. જોકે, પ્રાચીન પપાઈરસ અને મૂળ લખાણોની પણ મદદ લેવામાં આવી છે. જેમ કે, નેસ્ટલે અને એલેન્ડ તેમજ યુનાઈટેડ બાઇબલ સોસાયટીઝનાં લખાણો. મૂળ લખાણની સચોટતાને રોજિંદા જીવનની સરળ ભાષામાં અનુવાદ કરવા માટે ઝીણામાં ઝીણી વિગતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એ માટે સખત મહેનત કરવામાં આવી છે. એમ કરવાથી મૂળ લખાણનો રંગ તો જળવાઈ જ રહ્યો, સાથે સાથે એને સમજવું પણ અગાઉ કરતાં ઘણું સહેલું બની ગયું છે.

ગ્રીક ક્રિયાપદનો મૂળ ભાવાર્થ જાળવવા ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનમાં ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. આજની ઘણી ભાષાઓમાં કોઈ ક્રિયા ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળમાં બની છે એ બતાવવા એની સાથે ક્રિયાપદ જોડવામાં આવે છે. ગ્રીક ભાષાનાં ક્રિયાપદ એ પણ બતાવે છે કે, એમાં કેવા પ્રકારની ક્રિયા સામેલ છે. જેમ કે, એ ક્રિયા ક્ષણિક છે, પૂરી થઈ ગઈ છે કે ચાલતી રહે છે. દાખલા તરીકે, માથ્થી ૬:૩૩માં જણાવેલા ઈસુના શબ્દોનો વિચાર કરો. ‘શોધો’ માટે વપરાયેલું ગ્રીક ક્રિયાપદ બતાવે છે કે, એ ક્રિયા ચાલતી રહે છે. તેથી, ઈસુના શબ્દોનો ખરો ભાવાર્થ લાવવા એ કલમનું ભાષાંતર આમ કરવામાં આવ્યું છે: “પહેલા તમે ઈશ્વરના રાજ્યને અને તેમની નજરે જે ખરું છે એને શોધતા રહો. પછી, એ બધું તમને આપવામાં આવશે.” એવી જ રીતે, માથ્થી ૭:૭નું ભાષાંતર આમ કરવામાં આવ્યું છે: “માંગતા રહો અને તમને એ આપવામાં આવશે; શોધતા રહો અને તમને મળશે; ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે.”—રોમનો ૧:૩૨; ૬:૨; ગલાતીઓ ૫:૧૫.

દુનિયાભરમાં બાઇબલ પ્રાપ્ય બનાવવું

ગુજરાતી ભાષામાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો બહાર પાડવું એ તો ફક્ત એક શરૂઆત છે. આવનાર સમયમાં આખું બાઇબલ ભાષાંતર કરવાની યોજનાઓ ઘડાઈ ચૂકી છે. શું વાચકો એ ખાતરી રાખી શકે કે, ગુજરાતી આવૃત્તિ પણ અંગ્રેજી જેટલી જ સચોટ અને સ્પષ્ટ હશે?

હા, ચોક્કસ. કારણ કે, ભાષાંતરકામ યહોવાના સાક્ષીઓના નિયામક જૂથની નિગરાની હેઠળ થાય છે. એ સ્પષ્ટ હતું કે, એક જ ભાષાંતર ટીમ આટલી બધી ભાષાઓમાં ભાષાંતર કરી ન શકે. તેથી, એક સારો નિર્ણય લેવામાં આવ્યો. બાઇબલ ભાષાંતર માટે દુનિયાભરના ઘણા દેશોમાં ભાષાંતર ટીમની રચના કરવામાં આવી. ઉપરાંત, યહોવાના સાક્ષીઓના મુખ્યમથકે ભાષાંતર સેવાઓ વિભાગ શરૂ કરવામાં આવ્યો. એ વિભાગ ભાષાંતર ટીમોને તાલીમ આપવા, તેઓના સવાલોના જવાબ આપવા અને અલગ-અલગ ભાષાઓમાં ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશનને સુમેળમાં રાખવા મદદ આપે છે. વધુમાં, ભાષાંતરકારોને મદદ મળે માટે વૉચટાવર ટ્રાન્સલેશન સિસ્ટમ નામનો કોમ્પ્યુટર પ્રોગ્રામ બનાવવામાં આવ્યો. પણ, યાદ રાખો કે, માણસોની મદદ વગર ભાષાંતરકામ અધૂરું છે. જોકે, કોમ્પ્યુટર પ્રોગ્રામના અમુક ફાયદાઓ છે. જેમ કે, એની મદદથી ભાષાંતરકારો માટે અંગ્રેજી ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન જેવી સચોટતા અને ચોકસાઈ જાળવવું સરળ બન્યું છે. કોમ્પ્યુટર પ્રોગ્રામની એક ખાસિયત છે કે, હિબ્રૂ અને ગ્રીક શબ્દ માટે અંગ્રેજીમાં કયા શબ્દો વાપરવામાં આવ્યા છે એ જોઈ શકાય છે. એનાથી ભાષાંતરકારોને પોતાની ભાષામાં યોગ્ય શબ્દ પસંદ કરવા ઘણી મદદ મળે છે.

પરિણામ બતાવે છે કે, એ બધી ગોઠવણો સફળ થઈ છે. અમે તમને દિલથી વિનંતી કરીએ છીએ કે, તમે નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો વાંચજો. આ મૅગેઝિનના પ્રકાશકો પાસેથી તમે એની કોપી મેળવી શકો છો. તમે એની અનેક ખાસિયતોનો પણ આનંદ માણશો. જેમ કે, એના અક્ષરો જોવામાં અને વાંચવામાં સ્પષ્ટ અને આકર્ષક છે. દરેક પુસ્તકની શરૂઆતમાં એના મુખ્ય વિચારો આપવામાં આવ્યા છે. એની મદદથી તમે આખા પુસ્તકનો સારાંશ મેળવી શકો છો અને જાણીતી કલમોને જલદીથી શોધી શકો છો. ઉપરાંત, બાઇબલ સમયના વિગતવાર નકશાઓ અને બીજી રસપ્રદ માહિતી માટે “બાઇબલનો અભ્યાસ કરવા મદદ” પુસ્તિકા પણ વાપરી શકો છો. સૌથી મહત્ત્વનું તો, તમે એ ભરોસા સાથે બાઇબલ વાંચી શકશો કે, ઈશ્વરના વચનોનું ચોકસાઈપૂર્વક ભાષાંતર કરવામાં આવ્યું છે, એ પણ રોજિંદા જીવનની ભાષામાં.

^ ફકરો. 9 ધ્યાન આપવા જેવું છે કે, ન્યૂ અમેરિકન સ્ટાન્ડર્ડ બાઇબલની ૧૯૭૧ની સંદર્ભ આવૃત્તિના પહેલા પાન પર આ માહિતી આપવામાં આવી છે: ‘અમે કોઈ પણ સંદર્ભ કે સલાહ માટે કોઈ પણ નિષ્ણાતનું નામ આપ્યું નથી. કારણ કે અમે એવું માનીએ છીએ કે ઈશ્વરનો શબ્દ પોતે સફળ થવો જોઈએ.’

^ ફકરો. 13 એ ખરું છે કે, નવા કરારમાં હિબ્રૂ શાસ્ત્રવચનો ટાંકવા માટે ઘણી વાર ગ્રીક સેપ્ટુઆજીંટ ભાષાંતરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, સેપ્ટુઆજીંટની પછીની નકલોમાં ઈશ્વરનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું. તેથી, ઘણા નિષ્ણાતોનું માનવું છે કે, ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાંથી પણ ઈશ્વરનું નામ કાઢી નાખવું જોઈએ. જોકે, હાલમાં પ્રાપ્ય સેપ્ટુઆજીંટની સૌથી જૂની પ્રતોમાં યહોવાનું નામ હિબ્રૂ ભાષામાં જોવા મળે છે. ગ્રીક શાસ્ત્રવચનોમાં યહોવાનું નામ વાપરવાનો કેવો ઠોસ પુરાવો!