સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમારા બાળકને બાળપણથી તાલીમ આપો

તમારા બાળકને બાળપણથી તાલીમ આપો

૧, ૨. માબાપે પોતાનાં બાળકો ઉછેરવામાં મદદ માટે કોના પર મીટ માંડવી જોઈએ?

 “છોકરાં તો યહોવાહનું આપેલું ધન છે,” કંઈક ૩,૦૦૦ વર્ષ અગાઉ એક કદરદાન પિતાએ ઉદ્‍ગાર કાઢ્યા. (ગીતશાસ્ત્ર ૧૨૭:૩) ખરેખર, માબાપ બનવાનો આનંદ દેવ તરફથી એક કીમતી બદલો છે, જે મોટા ભાગના પરિણીત લોકોને પ્રાપ્ય હોય છે. તેમ છતાં, જેઓને બાળકો છે તેઓને જલદી જ ખબર પડે છે કે માબાપ બનવું આનંદની સાથે જવાબદારીઓ લાવે છે.

ખાસ કરીને આજે, બાળકો ઉછેરવાં એક પ્રચંડ કામ છે. તથાપિ, ઘણાએ એ સફળતાપૂર્વક કર્યું છે, અને પ્રેરણા પામેલો ગીતકર્તા, આમ કહીને, માર્ગ ચીંધે છેઃ “જો યહોવાહ ઘર ન બાંધે, તો તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે.” (ગીતશાસ્ત્ર ૧૨૭:૧) તમે યહોવાહની સૂચના જેટલી ઘનિષ્ઠપણે અનુસરો, તેટલા વધારે સારાં માબાપ બનશો. બાઇબલ કહે છેઃ “તારા ખરા હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ, અને તારી પોતાની જ અક્કલ પર આધાર ન રાખ.” (નીતિવચન ૩:૫) શું તમે તમારી ૨૦ વર્ષની બાળઉછેરની યોજના આરંભો ત્યારે, યહોવાહની સલાહ સાંભળવા ઇચ્છુક હશો?

બાઇબલની દૃષ્ટિ સ્વીકારવી

૩. બાળકો ઉછેરવામાં પિતાની કઈ જવાબદારી છે?

જગત ફરતે ઘણાં ઘરોમાં, પુરુષો બાળકને તાલીમ આપવાની બાબત મુખ્યત્વે સ્ત્રીનું કામ ગણે છે. સાચું, દેવનો શબ્દ પિતાની ભૂમિકા મુખ્ય રોજી રળનાર તરીકે દર્શાવે છે. તેમ છતાં, એ એમ પણ કહે છે કે તેને ઘરમાં જવાબદારીઓ રહેલી છે. બાઇબલ કહે છેઃ “તારૂં બહારનું કામ તૈયાર રાખ, તારા ખેતરનું કામ તૈયાર કર; અને ત્યાર પછી તારૂં ઘર બાંધ.” (નીતિવચન ૨૪:૨૭) દેવની દૃષ્ટિમાં, પિતાઓ અને માતાઓ બાળકને તાલીમ આપવામાં ભાગીદારો છે.—નીતિવચન ૧:૮, ૯.

૪. શા માટે આપણે છોકરાઓને છોકરીઓ કરતાં ચઢિયાતા ગણવા જોઈએ નહિ?

તમે તમારાં બાળકોને કઈ દૃષ્ટિથી જુઓ છો? અહેવાલો બતાવે છે કે એશિયામાં “છોકરીઓને ઘણી વાર નબળો આવકાર આપવામાં આવે છે.” અહેવાલ મુજબ લેટિન અમેરિકામાં પણ છોકરીઓ વિરુદ્ધ પક્ષપાતી વલણ, અરે “વધુ સુશિક્ષિત કુટુંબોમાં” પણ, હજુ અસ્તિત્વ ધરાવે છે. જો કે, સત્ય એ છે કે છોકરીઓ કંઈ બીજા દરજ્જાનાં બાળકો નથી. પ્રાચીન સમયના નોંધપાત્ર પિતા યાકૂબે, તે સમયપર્યંત જન્મેલી કોઈ પણ દીકરીઓ સમેત, પોતાનાં બધાં સંતાનોનું વર્ણન “દેવે કૃપા કરીને [મને] છોકરાં આપ્યાં છે તે,” તરીકે કર્યું. (ઉત્પત્તિ ૩૩:૧-૫; ૩૭:૩૫) તેવી જ રીતે, ઈસુએ તેમની પાસે લાવવામાં આવેલાં બધાં “બાળકોને” (છોકરા અને છોકરીઓને) આશીર્વાદ આપ્યો. (માત્થી ૧૯:૧૩-૧૫) આપણે ખાતરી રાખી શકીએ કે તેમણે યહોવાહના દૃષ્ટિબિંદુનું પ્રતિબિંબ પાડ્યું.—પુનર્નિયમ ૧૬:૧૪.

૫. યુગલ પોતાના કુટુંબના કદ વિષે નિર્ણય લે ત્યારે, તેઓએ કઈ બાબતોનો વિચાર કરવો જોઈએ?

શું તમારો સમાજ એવી અપેક્ષા રાખે છે કે સ્ત્રી શક્ય તેટલાં વધુ બાળકોને જન્મ આપે? યોગ્યપણે જ, પરિણીત યુગલને કેટલાં બાળકો થાય એ તેઓનો વ્યક્તિગત નિર્ણય છે. માબાપ પાસે અનેક બાળકોને ખવડાવવા, કપડાં પહેરાવવા, અને શિક્ષણ આપવા સગવડ ન હોય તો શું? નિશ્ચે, યુગલે પોતાના કુટુંબનું કદ નક્કી કરતી વખતે એનો વિચાર કરવો જોઈએ. કેટલાંક યુગલો પોતાનાં બધાં બાળકોનું ભરણપોષણ ન કરી શકતાં હોવાથી કેટલાંક બાળકોનો ઉછેર કરવાની જવાબદારી સગાંઓને સોંપે છે. શું એ ઇચ્છનીય રિવાજ છે? ખરેખર નહિ જ. અને એનાથી માબાપ પોતાનાં બાળકોની જવાબદારીમાંથી છૂટા થઈ જતા નથી. બાઇબલ કહે છેઃ “જે માણસ પોતાની ને વિશેષે કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, તેણે વિશ્વાસનો ત્યાગ કર્યો છે.” (૧ તીમોથી ૫:૮) જવાબદાર યુગલો પોતાનાં “કુટુંબ”ના કદનું આયોજન કરવા પ્રયત્ન કરે છે જેથી તેઓ “પોતાના કુટુંબની સંભાળ” રાખે. શું તેઓ એમ કરવા સંતતિ નિયમન કરી શકે? એ પણ વ્યક્તિગત નિર્ણય છે, અને પરિણીત યુગલો એ માર્ગનો નિર્ણય લે તો, સંતતિ નિયમનનાં સાધનોની પસંદગી પણ વ્યક્તિગત બાબત છે. “દરેક માણસને પોતાનો બોજો ઊંચકવો પડશે.” (ગલાતી ૬:૫) જો કે, ગર્ભપાતના કોઈ પણ રૂપને સંડોવતું સંતતિ નિયમન બાઇબલ સિદ્ધાંતોની વિરુદ્ધ જાય છે. યહોવાહ દેવ “જીવનનો ઝરો” છે. (ગીતશાસ્ત્ર ૩૬:૯) એ માટે, ગર્ભ બંધાયા પછી જીવનનો નાશ કરવો યહોવાહ માટે ઘોર અનાદર બતાવશે અને એ ખૂન કર્યા બરાબર છે.—નિર્ગમન ૨૧:૨૨, ૨૩; ગીતશાસ્ત્ર ૧૩૯:૧૬; યિર્મેયાહ ૧:૫.

તમારા બાળકની જરૂરિયાતો પૂરી કરવી

૬. બાળકની તાલીમ ક્યારે શરૂ થવી જોઈએ?

નીતિવચન ૨૨:૬ કહે છેઃ “બાળકે જે માર્ગમાં ચાલવું જોઈએ તેમાં ચાલવાનું તેને શિક્ષણ આપ.” બાળકોને તાલીમ આપવી માબાપની બીજી એક મોટી ફરજ છે. તો પછી, એ તાલીમ ક્યારે શરૂ થવી જોઈએ? બહુ જ જલદી. પ્રેષિત પાઊલે નોંધ્યું કે તીમોથીને “બાળપણથી” તાલીમ આપવામાં આવી હતી. (૨ તીમોથી ૩:૧૫) અહીં ઉપયોગમાં લેવામાં આવેલો ગ્રીક શબ્દ નાના શિશુનો અરે હજુ ન જન્મેલા બાળકનો પણ ઉલ્લેખ કરે છે. (લુક ૧:૪૧, ૪૪; પ્રેરિતોનાં કૃત્યો ૭:૧૮-૨૦) તેથી, તીમોથી બહુ નાનો હતો ત્યારથી તેને તાલીમ મળી—અને એ યોગ્ય જ હતું. શિશુ અવસ્થા બાળકની તાલીમ શરૂ કરવાનો આદર્શ સમય છે. અરે નાના શિશુને પણ જ્ઞાનની ભૂખ હોય છે.

૭. (અ) શિશુ સાથે મા અને બાપ બંને ગાઢ સંબંધ વિકસાવે એ શા માટે મહત્ત્વનું છે? (બ) યહોવાહ અને તેમના એકાકીજનિત પુત્ર વચ્ચે કયો સંબંધ અસ્તિત્વમાં હતો?

“મેં મારા બાળકને પ્રથમ જોયું ત્યારે,” એક માતા કહે છે, “મને તેની સાથે પ્રેમ થઈ ગયો.” મોટા ભાગની માતાઓને એમ જ થાય છે. માતા અને શિશુ વચ્ચેનું એ સુંદર જોડાણ, જન્મ પછી તેઓ ભેગા સમય પસાર કરે તેમ વધે છે. સ્તનપાન એ ગાઢપણામાં વધારો કરે છે. (સરખાવો ૧ થેસ્સાલોનીકા ૨:૭.) માતાનું પોતાના શિશુને લાડ લડાવવું અને એની સાથે વાતચીત કરવી એની લાગણીમય જરૂરિયાતો પૂરી કરવા માટે મહત્ત્વનાં છે. (સરખાવો યશાયાહ ૬૬:૧૨.) પરંતુ પિતા વિષે શું? તેણે પણ પોતાના નવા સંતાન સાથે ગાઢ સંબંધ બાંધવો જોઈએ. ખુદ યહોવાહ એનું ઉદાહરણ છે. નીતિવચનના પુસ્તકમાં, આપણે યહોવાહના પોતાના એકાકીજનિત પુત્ર સાથેના સંબંધ વિષે શીખીએ છીએ, જેમને આમ કહેતા રજૂ કરવામાં આવ્યા છેઃ “યહોવાહે સૃષ્ટિક્રમના આરંભમાં, . . . મને ઉત્પન્‍ન કર્યું. . . . હું દિનપ્રતિદિન તેને સંતોષ આપતું હતું.” (નીતિવચન ૮:૨૨, ૩૦; યોહાન ૧:૧૪) તેવી જ રીતે, એક સારા પિતા પોતાના બાળક સાથે બાળકના જીવનની શરૂઆતથી જ ઉષ્માભર્યો, પ્રેમાળ સંબંધ કેળવે છે. “પુષ્કળ હેત બતાવો,” એક પિતા કહે છે. “આલિંગન અને ચુંબનોથી કદી કોઈ બાળક મરી ગયું નથી.”

૮. માબાપે શિશુઓને શક્ય તેટલી જલદી કઈ માનસિક ઉત્તેજના આપવી જોઈએ?

પરંતુ શિશુઓને વધારેની જરૂર હોય છે. જન્મની પળથી જ, તેઓનાં મગજ માહિતી સ્વીકારવા અને સંગ્રહ કરવા તૈયાર હોય છે, અને માબાપ એનો પ્રાથમિક ઉદ્‍ભવ હોય છે. ઉદાહરણ તરીકે ભાષા લો. સંશોધકો કહે છે કે બાળક બોલતા અને વાંચતા કેટલું સારી રીતે શીખે છે તે, “બાળક પર તેનાં માબાપ સાથેની શરૂઆતની પારસ્પરિક અસરના પ્રકાર સાથે ઘનિષ્ઠપણે સંબંધિત હોય છે એવું માનવામાં આવે છે.” તમારા બાળક સાથે શિશુ અવસ્થાથી માંડીને જ વાતચીત કરો અને તેને વાંચી સંભળાવો. તરત જ તે તમારી નકલ કરવા માંગશે, અને બહુ સમય જાય તે પહેલાં તમે તેને વાંચતા શિખવતા હશો. શક્ય છે કે, શાળામાં દાખલ થયા અગાઉ જ તે વાંચી શકે. શિક્ષકો ઓછા હોય અને વર્ગો ખીચોખીચ ભરેલા હોય એવા દેશમાં તમે રહેતા હો તો, એ ખાસ મદદરૂપ થશે.

૯. સૌથી મહત્ત્વનો ધ્યેય કયો છે જે માબાપે યાદ રાખવાની જરૂર છે?

ખ્રિસ્તી માબાપની સૌથી આગળ પડતી ચિંતા પોતાના બાળકની આત્મિક જરૂરિયાતો પૂરી કરવાની છે. (જુઓ પુનર્નિયમ ૮:૩.) કયા ધ્યેય સાથે? પોતાના બાળકને ખ્રિસ્ત જેવું વ્યક્તિત્વ વિકસાવવામાં, વાસ્તવમાં, “નવું માણસપણું” પહેરવામાં, મદદ કરવાનો ધ્યેય. (એફેસી ૪:૨૪) એ માટે તેઓએ યોગ્ય બાંધકામ સામગ્રી અને યોગ્ય બાંધકામ રીતોનો વિચાર કરવાની જરૂર છે.

તમારા બાળકમાં સત્ય સિંચો

૧૦. બાળકોએ કયા ગુણો વિકસાવવાની જરૂર છે?

૧૦ મકાનની ગુણવત્તા મહદંશે બાંધકામમાં વપરાયેલી સામગ્રીના પ્રકાર પર આધાર રાખે છે. પ્રેષિત પાઊલે કહ્યું કે ખ્રિસ્તી વ્યક્તિત્વ માટે સૌથી સારી સામગ્રી “સોનું, રૂપું, મૂલ્યવાન પાષાણ” છે. (૧ કોરીંથી ૩:૧૦-૧૨) એ વિશ્વાસ, ડહાપણ, નિર્ણાયકતા, વફાદારી, માન, અને યહોવાહ તથા તેમના નિયમો માટે પ્રેમાળ કદર જેવા ગુણો રજૂ કરે છે. (ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧; નીતિવચન ૨:૧-૬; ૩:૧૩, ૧૪) માબાપ એ ગુણો વિકસાવવામાં પોતાનાં બાળકોને એકદમ શરૂઆતના બાળપણથી કઈ રીતે મદદ કરી શકે? ઘણા સમય અગાઉ જણાવવામાં આવેલી પદ્ધતિ અનુસરીને.

૧૧. ઈસ્રાએલી માબાપોએ પોતાનાં બાળકોને દેવમય વ્યક્તિત્વ વિકસાવવા કઈ રીતે મદદ કરી?

૧૧ ઈસ્રાએલ પ્રજા વચનના દેશમાં પ્રવેશી તેના થોડા જ સમય પહેલાં, યહોવાહે ઈસ્રાએલી માબાપોને જણાવ્યું: “આ જે વચનો હું આજે તને ફરમાવું છું તે તારા અંત:કરણમાં ઠસી રહે; અને તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ, ને જ્યારે તું ઘરમાં બેઠો હોય, ને જ્યારે તું રસ્તે ચાલતો હોય, ને જ્યારે તું સૂઈ જાય ને જ્યારે તું ઊઠે, ત્યારે તે વિષે વાત કર.” (પુનર્નિયમ ૬:૬, ૭) હા, માબાપે ઉદાહરણો, સોબતીઓ, વાતચીત કરનારા, અને શિક્ષકો બનવાની જરૂર છે.

૧૨. માબાપ સારું ઉદાહરણ બને એ શા માટે મહત્ત્વનું છે?

૧૨ ઉદાહરણ બનો. પ્રથમ, યહોવાહે કહ્યું: “આ . . . વચનો . . . તારા અંત:કરણ [“હૃદય,” NW]માં ઠસી રહે.” પછી, તેમણે ઉમેર્યું: “તે તું ખંતથી તારાં છોકરાંને શીખવ.” તેથી દેવમય ગુણો પ્રથમ માબાપના હૃદયમાં હોવા જ જોઈએ. માબાપે સત્યને પ્રેમ કરવો જ જોઈએ અને એ પ્રમાણે જીવવું જ જોઈએ. ફક્ત ત્યારે જ તેઓ બાળકના હૃદય સુધી પહોંચી શકે. (નીતિવચન ૨૦:૭) શા માટે? કારણ કે બાળકો પોતે જે સાંભળે છે તેનાં કરતાં પોતે જે જુએ છે તેનાથી વધુ અસર પામે છે.—લુક ૬:૪૦; ૧ કોરીંથી ૧૧:૧.

૧૩. ખ્રિસ્તી માબાપ પોતાનાં બાળકોને ધ્યાન આપવામાં ઈસુના ઉદાહરણનું કઈ રીતે અનુકરણ કરી શકે?

૧૩ સોબતી બનો. યહોવાહે ઈસ્રાએલમાંનાં માબાપોને જણાવ્યું: ‘તમે તમારા ઘરમાં બેસો ત્યારે અને રસ્તે ચાલો ત્યારે તમારાં બાળકો સાથે વાત કરો.’ એ માટે બાળકો સાથે સમય પસાર કરવાની જરૂર પડે છે, ભલેને માબાપ ગમે તેટલા વ્યસ્ત કેમ ન હોય. ઈસુને સ્પષ્ટપણે લાગ્યું કે બાળકો તેમનો સમય લે એ માટે તેઓ યોગ્ય હતાં. તેમના સેવાકાર્યના આખરી દિવસોમાં, “તેઓ તેની પાસે બાળકો લાવ્યા કે તે તેઓને અડકે.” ઈસુનો પ્રત્યાઘાત શું હતો? “તેણે તેઓને બાથમાં લીધાં, ને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ દીધો.” (માર્ક ૧૦:૧૩, ૧૬) કલ્પના કરો કે, ઈસુના જીવનની છેલ્લી ઘડીઓ ગણાઈ રહી હતી. છતાં, તેમણે એ બાળકોને પોતાનાં સમય અને ધ્યાન આપ્યાં. કેવો સુંદર બોધપાઠ!

૧૪. માબાપ પોતાનાં બાળક સાથે સમય પસાર કરે એ શા માટે લાભદાયી છે?

૧૪ વાતચીત કરનારા બનો. તમારા બાળક સાથે સમય પસાર કરવાથી તમને તેની સાથે વાતચીત કરવામાં મદદ મળશે. તમે જેટલી વધુ વાતચીત કરશો, તેટલું વધારે સારી રીતે પારખી શકશો કે તેનું વ્યક્તિત્વ કઈ રીતે વિકસી રહ્યું છે. તેમ છતાં, યાદ રાખો, સંચાર ફક્ત વાત કરવા કરતાં વધુ છે. “મારે ધ્યાનથી સાંભળવાની કળા વિકસાવવાની હતી,” બ્રાઝિલમાં એક માતાએ કહ્યું, “મારા હૃદયથી સાંભળવાની કળા.” તેનો દીકરો તેની સાથે પોતાની લાગણીઓનો સહભાગી થવા માંડ્યો ત્યારે તેની ધીરજે ફળ આપ્યું.

૧૫. મનોરંજનની વાત આવે છે ત્યારે, શું લક્ષમાં રાખવાની જરૂર છે?

૧૫ બાળકોને “હસવાનો વખત . . . અને નૃત્ય કરવાનો વખત,” અર્થાત્‌ મનોરંજનના સમયની જરૂર હોય છે. (સભાશિક્ષક ૩:૧, ૪; ઝખાર્યાહ ૮:૫) માબાપ અને બાળકો ભેગાં મળી મનોરંજન કરે તો એ ઘણું ફળદાયી થાય છે. એ એક દુઃખભરી હકીકત છે કે ઘણાં ઘરોમાં મનોરંજનનો અર્થ ટેલિવિઝન જોવું થાય છે. કેટલાક ટેલિવિઝન કાર્યક્રમો મનોરંજન આપતા હોય શકે તે જ સમયે, ઘણા કાર્યક્રમો સારાં મૂલ્યોનો નાશ કરે છે, અને ટેલિવિઝન જોવું કુટુંબમાં સંચારને ગળે ટૂંપો દે છે. એ માટે, શા માટે તમારાં બાળકો સાથે કંઈક રચનાત્મક કાર્ય કરતા નથી? ગીત ગાઓ, રમત રમો, મિત્રો સાથે મળો, આનંદદાયક સ્થળોની મુલાકાત લો. આવી પ્રવૃત્તિઓ સંચારને ઉત્તેજન આપે છે.

૧૬. માબાપે પોતાનાં બાળકોને યહોવાહ વિષે શું શીખવવું જોઈએ, અને તેઓએ એ કઈ રીતે કરવું જોઈએ?

૧૬ શિક્ષક બનો. “[એ શબ્દો] તું ખંતથી તારાં છોકરાંને શીખવ,” યહોવાહે કહ્યું. સંદર્ભ તમને જણાવે છે કે શું અને કઈ રીતે શીખવવું. પ્રથમ, “યહોવાહ તારા દેવ પર તું તારા પૂરા અંત:કરણથી તથા તારા પૂરા મનથી તથા તારા પૂરા બળથી પ્રીતિ કર.” (પુનર્નિયમ ૬:૫) પછી, “આ . . . વચનો . . . તું શીખવ.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) યહોવાહ અને તેમના નિયમો માટે પૂરા જીવનો પ્રેમ વિકસાવવાના હેતુથી શિક્ષણ આપો. (સરખાવો હેબ્રી ૮:૧૦.) “શીખવ” શબ્દનો અર્થ ફરી ફરીને શીખવવું થાય છે. તેથી યહોવાહ, વાસ્તવમાં, તમને જણાવે છે કે તમારા બાળકોને દેવમય વ્યક્તિત્વ વિકસાવવામાં મદદ કરવાની પ્રાથમિક રીત દેવ વિષે સુમેળયુક્તપણે વાત કરતા રહેવાની છે. એમાં તેઓ સાથે નિયમિત બાઇબલ અભ્યાસ કરવાનો સમાવેશ થાય છે.

૧૭. માબાપે પોતાના બાળકમાં શું વિકસાવવાની જરૂર છે? શા માટે?

૧૭ મોટા ભાગનાં માબાપો જાણે છે કે બાળકના હૃદયમાં માહિતી ભરવી સહેલું નથી. પ્રેષિત પીતરે સાથી ખ્રિસ્તીઓને અરજ કરીઃ “નવાં જન્મેલાં બાળકોની પેઠે નિષ્કપટ આત્મિક દૂધની ઇચ્છા રાખો.” (૧ પીતર ૨:૨) “ઇચ્છા રાખો” વક્તવ્ય સૂચવે છે કે ઘણાંને આત્મિક ખોરાકની કુદરતી રીતે ભૂખ લાગતી નથી. (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે.) માબાપે પોતાના બાળકમાં એ ઇચ્છા વિકસાવવાની રીતો શોધવાની જરૂર પડી શકે.

૧૮. ઈસુની શીખવવાની કેટલીક રીતો કઈ છે જેનું અનુકરણ કરવા માબાપોને ઉત્તેજન આપવામાં આવે છે?

૧૮ ઈસુ દૃષ્ટાંતોનો ઉપયોગ કરી હૃદય સુધી પહોંચ્યા. (માર્ક ૧૩:૩૪; લુક ૧૦:૨૯-૩૭) શીખવવાની એ રીત બાળકો સાથે સવિશેષ અસરકારક છે. કદાચ બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તકમાં * મળી આવતી રંગીન, રસપ્રદ વાર્તાઓનો ઉપયોગ કરી બાઇબલ સિદ્ધાંતો શીખવો. બાળકોને સામેલ કરો. બાઇબલ બનાવો દોરવામાં અને ભજવવામાં તેઓને તેઓની સર્જનાત્મક શક્તિનો ઉપયોગ કરવા દો. ઈસુએ પ્રશ્નોનો પણ ઉપયોગ કર્યો. (માત્થી ૧૭:૨૪-૨૭) તમારા કૌટુંબિક અભ્યાસ દરમિયાન તેમની રીતનું અનુકરણ કરો. ફક્ત દેવનો નિયમ જ જણાવવાને બદલે, પ્રશ્નો પૂછો, જેમ કે શા માટે યહોવાહે આ નિયમ આપણને આપ્યો? આપણે એ પાળીશું તો શું થશે? આપણે એ ન પાળીએ તો શું થશે? આવા પ્રશ્નો બાળકને વિચારદલીલ કરવા અને દેવના નિયમો વ્યવહારુ તથા સારા છે એ જોવામાં મદદ કરશે.—પુનર્નિયમ ૧૦:૧૩.

૧૯. માબાપ પોતાનાં બાળકો સાથેના વ્યવહારમાં બાઇબલ સિદ્ધાંતો અનુસરે તો, બાળકો કયા મોટા લાભોનો આનંદ માણશે?

૧૯ તમે ઉદાહરણ, સોબતી, વાતચીત કરનાર, અને શિક્ષક બનીને, બાળકને તેનાં સૌથી શરૂઆતનાં વર્ષોથી જ યહોવાહ દેવ સાથે ગાઢ વ્યક્તિગત સંબંધ બાંધવામાં મદદ કરી શકો. એ સંબંધ તમારા બાળકને ખ્રિસ્તી તરીકે સુખી થવામાં ઉત્તેજન આપશે. તેણે સમોવડિયાના દબાણ અને લાલચોનો સામનો કરવાનો થશે ત્યારે પણ, તે પોતાના વિશ્વાસ પ્રમાણે જીવવાની ખંત રાખશે. તેને આ કીમતી સંબંધની કદર કરવા હંમેશા મદદ કરો.—નીતિવચન ૨૭:૧૧.

શિસ્તની મહત્ત્વની જરૂર

૨૦. શિસ્ત શું છે, અને એ કઈ રીતે લાગુ પાડવી જોઈએ?

૨૦ શિસ્ત એવી તાલીમ છે જે મન અને હૃદયને સુધારે છે. બાળકોને એની સતત જરૂર હોય છે. પાઊલ પિતાઓને સલાહ આપે છે કે “[પોતાનાં છોકરાંને] ચીડવો નહિ; પણ પ્રભુના શિક્ષણમાં તથા બોધમાં તેઓને ઉછેરો.” (એફેસી ૬:૪) માબાપે, યહોવાહની જેમ જ, પ્રેમમાં શિસ્ત આપવી જોઈએ. (હેબ્રી ૧૨:૪-૧૧) પ્રેમ પર આધારિત શિસ્ત વિચારદલીલથી આપી શકાય. તેથી, આપણને ‘શિખામણ સાંભળવાનું’ જણાવવામાં આવ્યું છે. (નીતિવચન ૮:૩૩) શિસ્ત કઈ રીતે આપવી જોઈએ?

૨૧. પોતાનાં બાળકોને શિસ્ત આપતી વખતે માબાપે કયા સિદ્ધાંતો લક્ષમાં રાખવા જોઈએ?

૨૧ કેટલાંક માબાપ વિચારે છે કે તેઓનાં બાળકોને શિસ્ત આપવાનો અર્થ ફક્ત તેઓને ધમકીભર્યા અવાજમાં કહેવું, તેઓની મશ્કરી કરવી, કે તેઓનું અપમાન કરવું પણ થાય છે. તેમ છતાં, પાઊલે એ જ વિષય પર ચેતવણી આપીઃ “પિતાઓ, તમારાં છોકરાંને ચીડવો નહિ.” (એફેસી ૬:૪) બધા ખ્રિસ્તીઓને “સર્વ માણસો પ્રત્યે માયાળુ . . . વિરોધીઓને નમ્રતાથી સમજાવનાર” થવાની અરજ કરવામાં આવી છે. (૨ તીમોથી ૨:૨૪, ૨૫) ખ્રિસ્તી માબાપ મક્કમતાની જરૂર સમજે છે તે જ સમયે, પોતાનાં બાળકોને શિસ્ત આપતી વખતે આ શબ્દો લક્ષમાં રાખવા પ્રયત્ન કરે છે. ઘણી વખત, જો કે, વિચારદલીલ અપૂરતી બને છે, અને કોઈક પ્રકારની શિક્ષા જરૂરી બની શકે.—નીતિવચન ૨૨:૧૫.

૨૨. બાળકને શિક્ષા કરવાની જરૂર પડે તો, તેને શું સમજવામાં મદદ કરવી જ જોઈએ?

૨૨ જુદાં જુદાં બાળકોને જુદા જુદા પ્રકારની શિસ્ત જરૂરી હોય છે. કેટલાંક ફક્ત “ઠપકા”થી સુધરતાં નથી. તેઓ માટે, અનાજ્ઞાંકિતતા માટે પ્રસંગોપાત કરવામાં આવેલી શિક્ષા જીવન બચાવનારી બની શકે છે. (નીતિવચન ૧૭:૧૦; ૨૩:૧૩, ૧૪; ૨૯:૧૯) જો કે, બાળકને સમજ પડવી જોઈએ કે તેને શા માટે શિક્ષા કરવામાં આવી રહી છે. “સોટી તથા ઠપકો જ્ઞાન આપે છે.” (અક્ષરો અમે ત્રાંસા કર્યા છે; નીતિવચન ૨૯:૧૫; અયૂબ ૬:૨૪) વધુમાં, શિક્ષાની હદ હોય છે. “હું યોગ્ય માત્રામાં તને શિક્ષા કરીશ,” યહોવાહે પોતાના લોકોને કહ્યું. (યિર્મેયાહ ૪૬:૨૮બ, NW) બાઇબલ કોઈ પણ રીતે ક્રોધે ભરાઈને ફટકારવાને કે સખત માર મારવાને ટેકો આપતું નથી, જે બાળકને સોળ પાડે કે જખમી પણ કરે.—નીતિવચન ૧૬:૩૨.

૨૩. માબાપ બાળકને શિક્ષા કરે ત્યારે, તે શું સમજી શકતું હોવું જોઈએ?

૨૩ યહોવાહે પોતાના લોકોને ચેતવણી આપી કે તે તેઓને શિસ્ત આપશે ત્યારે, તેમણે પ્રથમ કહ્યું: “તું બી મા; કેમ કે હું તારી સાથે છું.” (યિર્મેયાહ ૪૬:૨૮અ) તેવી જ રીતે, માબાપની શિસ્ત, પછી એ ગમે તે યોગ્ય રૂપમાં હોય, એનાથી બાળકને કદી એવી લાગણી થવી ન જોઈએ કે તેને તરછોડવામાં આવ્યું છે. (કોલોસી ૩:૨૧) એને બદલે, બાળકને લાગવું જોઈએ કે શિસ્ત આપવામાં આવે છે કારણ કે માબાપ ‘તેની સાથે,’ તેના પક્ષે, છે.

તમારા બાળકને હાનિથી બચાવો

૨૪, ૨૫. આજકાલ બાળકોને કઈ એક ગંદી ધમકીથી રક્ષણની જરૂર છે?

૨૪ ઘણા પુખ્ત વયનાઓ પોતાના બાળપણને સુખી સમય તરીકે યાદ કરે છે. તેઓ સલામતીની ઉષ્માભરી લાગણી યાદ કરે છે, અર્થાત્‌ એક એવી ખાતરી કે ગમે તેવા સંજોગો આવે છતાં તેઓનાં માબાપ ચોક્કસ તેઓની કાળજી લેશે. માબાપ ઇચ્છે છે કે તેઓનાં બાળકોને એવું જ લાગે, પરંતુ આજના પતિત જગતમાં, બાળકોને સલામત રાખવાં અગાઉ કરતાં વધારે અઘરું થતું જાય છે.

૨૫ તાજેતરનાં વર્ષોમાં વધી ગયેલી એક ગંદી ધમકી બાળકોની જાતીય પજવણી છે. મલેશિયામાં, દસ વર્ષના સમયગાળામાં બાળકોની પજવણીના અહેવાલો ચારગણા વધ્યા છે. જર્મનીમાં દર વર્ષે કંઈક ૩,૦૦,૦૦૦ બાળકો પર જાતીય અત્યાચાર થાય છે, જ્યારે કે દક્ષિણ અમેરિકી દેશોમાં, એક અભ્યાસ મુજબ, અંદાજે વાર્ષિક સંખ્યા આઘાતજનક ૯૦,૦૦,૦૦૦ છે! દુ:ખની વાત છે કે, એમાંનાં મોટા ભાગનાં બાળકોની પજવણી તેઓનાં પોતાનાં ઘરમાં તેઓ જેઓને ઓળખે છે અને જેઓમાં ભરોસો મૂકે છે તેવા લોકોથી થાય છે. પરંતુ બાળકોને પોતાનાં માબાપમાં મજબૂત સંરક્ષણ મળવું જોઈએ. માબાપ કઈ રીતે રક્ષક બની શકે?

૨૬. બાળકોને સલામત રાખવાની કેટલીક રીતો કઈ છે, અને જ્ઞાન બાળકનું રક્ષણ કઈ રીતે કરી શકે?

૨૬ અનુભવ બતાવે છે કે જાતીયતા વિષે ન જાણનારાં બાળકો ખાસ કરીને બાળ પજવણીકારોનો ભોગ બને છે તેથી, બાળકને, તે ઘણું નાનું હોય ત્યારે પણ, શીખવવું એક મુખ્ય અટકાયતી પગલું છે. જ્ઞાન “દુષ્ટ માણસોના માર્ગમાંથી, તથા આડું બોલનાર માણસો”થી રક્ષણ પૂરું પાડી શકે છે. (નીતિવચન ૨:૧૦-૧૨) કયું જ્ઞાન? બાઇબલ સિદ્ધાંતોનું, નૈતિક રીતે શું ખરું અને શું ખોટું છે તેનું, જ્ઞાન. એવું જ્ઞાન પણ કે મોટી વયની વ્યક્તિઓ ખરાબ બાબત પણ કરતી હોય છે અને લોકો અયોગ્ય કૃત્યો સૂચવે ત્યારે યુવાન વ્યક્તિએ એ માનવાનું નથી. (સરખાવો દાનીયેલ ૧:૪, ૮; ૩:૧૬-૧૮.) એવી સૂચના એક સમયની વાતચીત પૂરતી મર્યાદિત ન રાખો. મોટા ભાગનાં નાનાં બાળકોને કોઈ પાઠ સારી રીતે યાદ રહે માટે એનું વારંવાર પુનરાવર્તન કરવાની જરૂર પડે છે. બાળકો થોડાંક મોટાં થાય પછી, પિતા પોતાની દીકરીના એકાંતના હક્કને પ્રેમપૂર્વક આદર આપશે, અને માતા પોતાના પુત્રને એમ કરશે—આમ યોગ્ય શું છે એ વિષે બાળકની સભાનતા સુદૃઢ થશે. અને, અલબત્ત, અત્યાચાર વિરુદ્ધ સૌથી સારી સલામતી, તમે માબાપ તરીકે ગાઢ દેખરેખ રાખો તે છે.

દૈવી માર્ગદર્શન શોધો

૨૭, ૨૮. માબાપ બાળકને ઉછેરવાના પડકારનો સામનો કરે છે ત્યારે, તેઓને મદદનો સૌથી મોટો ઉદ્‍ભવ કોણ છે?

૨૭ સાચે જ, બાળકને બાળપણથી તાલીમ આપવી એક પડકાર છે, પરંતુ વિશ્વાસી માબાપે એ પડકાર એકલા ઝીલવાનો નથી. ભૂતકાળમાં ન્યાયાધીશોના દિવસોમાં, માનોઆહ નામના માણસને ખબર પડી કે પોતે પિતા બનવાનો છે ત્યારે તેણે પોતાના બાળકના ઉછેર માટે યહોવાહ પાસે માર્ગદર્શન માંગ્યું. યહોવાહે તેની પ્રાર્થનાઓનો જવાબ આપ્યો.—ન્યાયાધીશ ૧૩:૮, ૧૨, ૨૪.

૨૮ તેવી જ રીતે આજે, વિશ્વાસી માબાપ પોતાનાં બાળકોને ઉછેરે તેમ, તેઓ પણ પ્રાર્થનામાં યહોવાહ સાથે વાત કરી શકે. માબાપ હોવું અઘરી બાબત છે, પરંતુ મોટા બદલાઓ રહેલા છે. હવાઈમાંનું એક ખ્રિસ્તી યુગલ કહે છેઃ “એ કટોકટીમય તરુણ વર્ષો પહેલાં તમારે ૧૨ વર્ષ તમારું કાર્ય કરવાનું છે. પરંતુ તમે બાઇબલ સિદ્ધાંતો લાગુ પાડવા સખત મહેનત કરી હોય તો, તેઓ નક્કી કરે કે પોતે હૃદયથી યહોવાહની સેવા કરવા માંગે છે ત્યારે એ આનંદ અને શાંતિ લણવાનો સમય છે.” (નીતિવચન ૨૩:૧૫, ૧૬) તમારું બાળક એ નિર્ણય લે ત્યારે, તમે પણ ઉદ્‍ગાર કાઢવા પ્રેરાશોઃ “છોકરાં તો યહોવાહનું આપેલું ધન છે.”

^ વોચટાવર બાઇબલ એન્ડ ટ્રેક્ટ સોસાયટી દ્વારા પ્રકાશિત.